‘લાગી લગન મને ઠેઠની’ – જગદીશ જોષી

નાહી તોડું

મીરાંબાઈ

જો તુમ તોડો પિયા, મૈં નાહી તોડું;

જેમ હરિનો મારગ; તેમ કવિનો મારગ પણ શક્તિશાળી અને ‘ભક્તિશાળી’ હૈયું જ ઝાલી શકે. ભક્તિના અને કવિતાના માર્ગ ભિન્ન છે એમ માનનાર વર્ગ મોટો છે. પણ, આ મોટા વર્ગનો ભ્રમ પણ કદાચ મોટો છે. જ્ઞાન કે વૈરાગ્ય જ્યાં સુધી હૃદયની ઊર્મિઓને કવિતાનાં સૌષ્ઠવ અને નાજુકાઈ ન આપી શકે ત્યાં સુધી તે ભક્તિમાં અનિવાર્ય એવાં નિષ્ઠા અને સર્વસમર્પણના ભાવ જન્માવી ન શકે. ભક્તિની નિષ્ઠા વગર જે હૃદય કલાની સજાગ કરામતોમાં અટવાયા કરે તેના ભાવાવેશને નૈસર્ગિક વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી: અને ત્યાં સુધી કવિતા પ્રગટવી પણ મુશ્કેલ છે. આમ, ભક્તિ અને કવિતાને લોહીની સગાઈ છે. ગીતા, બાઇબલ, ગ્રંથસાહિબ કે કુરાન આ ભીતરી સત્યની સાખ પૂરે છે. માણસ પથ્થરને નમે કે ‘શ્રદ્ધાના આસનને’ નમે કે જીવનમાં કે વ્યક્તિમાં જે કંઈ સુંદર છે, જે કંઈ ઊર્ધ્વ છે તેને નમે — એણે પંથ તો આરાધનાનો જ ઝાલવાનો છે: આરાધ્ય દેવ ગમે તે હોય. આમ, ભક્તિ કે કવિતાની જન્મભોમ તો એક જ છે.

અને એટલે જ કલાનું તત્ત્વ ગૌણ ગણનાર મીરાંની કવિતા જનમનમાં ચાર ચાર સૈકાઓથી વણાઈ ગઈ છે. મીરાંનું જીવન અને કવન તપાસનાર કહી શકે કે મીરાં આપણી સાચી, અસલી અને આદર્શ એવી પ્રથમ હિપ્પી છે. મીરાંના જીવનથી વિવાદ ઘણો જન્મ્યો પણ એણે પોતે કોઈ વાદને આગળ કરવાને બદલે પોતાના હૃદયના નાદને જ આગળ કર્યો. આ જ એની કવિતાની મહત્તા.

મીરાંનું નામ પડે એટલે કૃષ્ણની વાંસળીનો સૂર મોરપિચ્છની વરણાગી કુમાશ સાથે મીરાંના શબ્દો લઈને આવે… કેટલાં બધાં પદો એકસાથે કાનને ઘેરી વળે! ‘મુખડાની માયા લાગી રે’, ‘અબ તો મેરા રામનામ’, ‘જોગી મત જા, મત જા’, ‘સુની હો મૈંને હરિ આવનકી આવાજ’, ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.’ ભારતના સંગીતજગતના ઉત્તમ કંઠોની ચેતનાને મીરાં આજ લગી ક્યાં ઢંઢોળતી નથી રહી!

કૃષ્ણ સાથેનો સંબંધ એ જ તો મીરાંનો ઓધાર છે. એના વગર મીરાં નિરાધાર. એટલે આ પદમાં મીરાં સ્ત્રીહૃદયના અને કવિહૃદયના સકળ સત્ત્વ સાથે આ ભક્તિપૂર્ણ સંકલ્પ કરે છે: તું ભલે તોડે… પણ ‘મૈં નહિ તોડું!’

રાજકુમારી અને રાજરાણી મીરાંએ આ પદવીઓની તમા ન રાખી તો કવિપદની તૃષ્ણા તો શું સેવે? છતાં કવિપદની લાલસા વિના એના હૃદયનાં વેદના ને વૈરાગ્ય, ભક્તિ અને સંકલ્પશક્તિ ‘વિરહની શરણાઈ’ થઈને ગુંજી ઊઠે છે. એનાં કંઠ અને હૃદય ભાવની અને ભાષાની મીઠાશ લઈને છલકાઈ ઊઠે છે. નિરંજન ભગત કહે છે તેમ ‘મીરાંની કવિતા એની અંગત નોંધ છે. પરમાત્મા સાથેની ગુફ્તગો છે.’

પ્રસ્તુત પદ એટલું પ્રચલિત છે કે એનું વિવરણ કરવાને બદલે મનમાં એનું અનુરણન વધુ સુભગ થઈ પડશે. છતાં આ પદને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે કે તરુવર, સરોવર, ગિરિવર જેવા આંતરપ્રાસ અને પંખિયા-મછિયા, મોરા-ચકોરા, ધાગા-સોહાગા જેવા અંત્યપ્રાસ મીરાં માટે કેવા સહજ છે. ‘જીવન-દોર તુમ્હી સંગ બાંધા’નું અફર જ્ઞાન પામી ચૂકેલી મીરાં કેવા સહજ પ્રશ્ન પૂછે છે: ‘તોસોં પ્રીત તોડ કૃષ્ણ! કૌન સંગ જોડું?’ આમાં ખુમારી છે કે ‘ઓઢું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય’નું તાત્ત્વિક જ્ઞાન છે?

અને તારા વગર હું નિરાધાર છું — ના, નિરાધાર નહીં, પરંતુ જીવન જ અશક્ય છે એટલું કહેવા માટે આ બળૂકું હૃદય કેટલી બધી પ્રતિરૂપોની ભરતી સરજે છે! ‘તુમ ભય સરોવર, મૈં તેરી મછિયા’ અને ‘તુમ ભયે સોના, હમ ભયે સોહાગા’માં આટલી નાનકડી પંક્તિઓમાં કૃષ્ણ-મીરાંનો અ-પૂર્વ-સોહામણો સંબંધ કેવો સલૂકાઈથી છતો કરી આપે છે! રાજદરબારની રીતરસમોમાં ઊછરેલી મીરાં પોતાના પ્રિયતમ પ્રભુને ‘ઠાકુર’ કહે એ તો સમજ્યા, પણ આ રાજરાણી પોતાને ‘દાસી’ કહે એમાં એના પ્રેમનું નકશીકામ છે અને એની કવિતાનું રહસ્ય છે.

ભક્ત મીરાંનો વારસો શોભાવનાર સંતો ભારતભૂમિએ થોડા પણ જોયા તો છે; પરંતુ ‘કવિ મીરાં’નો વારસો સંભાળનાર કવિ આપણે કોણ જાણે ક્યારે પામશું!

૧૬–૫–’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book