ઠેસ રૂપે જોયો વિશે – સુરેશ દલાલ

ઠેસ રૂપે જોયો

રમેશ પારેખ

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ

જે. કૃષ્ણમૂર્તિ અવારનવાર કહેતા કે આપણે કશાયને પણ એના અસલ સ્વરૂપમાં જોતા નથી. આપણે વૃક્ષ જોઈએ છીએ ખરા, પણ વૃક્ષમય થયા વિના આપણું દર્શન ખંડિત દર્શન છે. આ દર્શન અખંડિત કેમ નથી હોતું? મનથી આપણે વિભાજિત છીએ, કાં તો સ્મૃતિ વિભાજન કરે છે, કાં તો સ્વપ્ન અથવા તરંગ અથવા કલ્પના. સોય જેવી સાંપ્રતની ક્ષણ વિગત અને અનાગતમાં વહેરાયલી છે. આપણે સંગીતની મહેફિલમાં જઈએ અને સહેજ પણ સંગીતના જાણકાર હોઈએ અને કોઈ રાગ ગવાય તો તરત કહીએ કે આ બિહાગ છે, આ તોડી છે, આ ભૈરવી છે. કોઈ બગીચામાં જઈએ તો કહીએ આ ગુલમહોર છે, આ ગુલાબ છે, આ પારિજાત છે. આપણી આ નામની ઓળખાણ, આપણું આ કહેવાતું જ્ઞાન આપણને વિભાજિત કરે છે, આપણી દૃષ્ટિ જ કુંવારી નથી તો દૃશ્ય ક્યાંથી કુંવારું હોય? દૃશ્યને નામ આપવું તે લગભગ રસ્તાને નામ આપવા જેવું છે. રસ્તાને નામથી ઓળખવા અને રસ્તા પર ચાલવું તે જુદી વસ્તુ છે. આમ નામથી ઓળખવાની વાત એ નકશા પર નગર શોધવા જેવી વાત છે.

રમેશ પારેખે ગઝલના પ્રથમ શેરમાં એક અત્યંત મહત્ત્વની વાત કહી છે. આપણે પથ્થરને પથ્થરરૂપે જોયો જ નથી. આપણે પથ્થરનું પથ્થરપણું માણ્યું જ નથી. સમુદ્રને જોવો એક વાત છે, પણ સમુદ્રપણાને માણ્યા વિના સમુદ્રને જોવો એટલે હૅંગર પર લટકતા માણસના પોશાકને જોવો—માણસને અવગણીને. આપણે પથ્થરને કાં તો ઠેસ કે ઠોકરરૂપે જોયો છે અથવા ઈશ્વરરૂપે જોયો છે, પણ પથ્થરરૂપે જોયો નથી. રદીફ-કાફિયાને આધારે ગઝલમાં એક શેરમાંથી બીજા શેરમાં સરવું એ એક ખંડમાંથી બીજા ખંડમાં જવા જેટલી સહેલી વાત નથી. એક વિશ્વમાંથી બીજા વિશ્વમાં જવા જેવી વાત છે. આ જગતમાં સૌથી મોટી દુર્ઘટના કઈ? કવિએ ભરડાયેલી વેદનાથી ચીસ જેવો ઉદ્ગાર કાઢ્યો છે. એક માણસને બીજો માણસ અજગરની જેમ ગળી જાય તે.

આપણી પાસે આપણી પણ બે મૂર્તિઓ હોય છેઃ એક આપણી અસલ અને એક સમાજ પાસે આપણે ઊભી કરેલી આપણી ઇમેજ. જીવનની કરુણતા એ છે કે આપણે આપણી સામાજિક મૂર્તિને સાચી માનીએ છીએ, પણ જીવનમાં, કોઈક દિવસ આકાશમાં શુકનિયાળ સૂરજ ઊગે અને આપણને આપણી જાત વિશેનું ભાન થાય, આપણી ભ્રમણાની મૂર્તિ ભાંગી પડે, ત્યારે જ આપણા ફુરચેફુરચા થતા હોય છે. લશ્કરની જેમ ધસી આવતું જ્ઞાન જ્યારે આપણે જ ઘડેલી આપણી મૂર્તિનો સંહાર કરે છે ત્યારે આપણા મહાભારતના યુદ્ધનો અંત આવે છે. કુરુક્ષેત્રનું ધર્મક્ષેત્રમાં પરિવર્તન થાય છે. વિષાદયોગ મોક્ષયોગ બને છે અને શાંતિપર્વનો પ્રારંભ થાય છે.

માણસ માણસ નથી, પણ ટોળું છે. ટોળું છે એટલે એકાંત નથી પણ એકલતા છે. આ થાક એકલતાનો થાક છે, ટોળાનો થાક છે. રમેશ પારેખની જ એક પંક્તિ યાદ આવે છે, ‘પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાંને તાપણે’ — આ તાપણું હૂંફ નથી આપતું પણ નર્યો શિયાળો આપે છે. ટોળામાં રહેતો માણસ છેવટે રાતના થાકીને ટોળાને જ ઓઢે છે, ચાદરની જેમ. કોઈકનું વાક્ય યાદ આવે છે, ‘ટોળામાંથી સમાજમાં પરિવર્તન કરે તે મહાત્મા અને સમાજનું ટોળામાં પરિવર્તન કરે તે હિટલર.’

કોરા કાગળનો મુકાબલો કરવો અને તેન પર શબ્દ પાડવો તે જેવુંતેવું કામ નથી. કવિ જ ‘કોરા કાગળમાં બૂમ’ પાડી શકે. कवि હોવું તે નાનીસૂની વાત નથી. કવિ તેની ઉત્તમ કક્ષાએ ઋષિ પણ હોય છે. Poet અને Prophet બન્ને સાથે ચાલી શકે છે. કવિતાની ક્ષણ એ શબ્દબ્રહ્મના સાક્ષાત્કારની ક્ષણ છે. આવી ક્ષણે कवि પયગંબર થઈને વરસી શકે છે, અને કોરો કાગળ ત્યારે સરોવર થઈ છલકાય છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ટાગોર કે જિબ્રાને કેટલાંયે અચ્છોદ જેવાં રમણીય સરોવરો કાગળ પર સર્જ્યાં છે એ અજાણ્યું નથી.

૧૧-૨-૧૯૮૯

(વરસાદ ભીંજવે)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book