‘આશય આનંદઘન તણો’ – જગદીશ જોષી

પદ

આનંદઘનજી

મીઠડો લાગે કંતડો ને, ખાટો લાગે લોક;

કેવળ જૈનો જ નહીં, પરંતુ જેમને જેમને કવિતા અને તત્ત્વજ્ઞાન અને માનવધર્મ પ્રત્યે પક્ષપાત છે તેઓ સહુ આનંદઘનજીનાં પદને આદરથી માણે છે. ‘અંજલિ જલ જ્યું આયુ ઘટત હે’ (અંજલિમાં ધારેલા પાણીની જેમ આયુષ્ય ઘટતું જાય છે) એમ કહેનાર આ ત્યાગી કવિ-જ્ઞાની આનંદઘનજી મહારાજનાં પદે પદે જીવનની ગહનતા પ્રતિષ્ઠિત થઈ છે અને છતાં એ પ્રતિષ્ઠા કરવામાં એમણે દૈનંદિન જીવનમાંથી વ્યવહારુ ઉદાહરણોનો સમુચિત ઉપયોગ કર્યો છે. શ્રી જ્ઞાનસાગરજી પણ આનંદઘનજી મહારાજની વિશાળતા, વિશદતા અને ગંભીરતા દર્શાવવા માટે કહે છે:

બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર;
આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર.

(બાળક પોતાના હાથ પ્રસારીને સમુદ્રની ભાવના ને વિભાવના વ્યક્ત કરે એ વાત વાંચીને એકદમ નાની બાળકીનો શબ્દપ્રસંગ આપવાની લાલચ રોકી શકાતી નથી. એ બાળકીને કોઈ પૂછે છે કે અમુક માણસ તને કેટલું વહાલું? ત્યારે બાળકી હાથ પ્રસારીને કહેતી ‘આકાશ જેટલું’!’)

શ્રી આનંદઘનજીની કવિતા એટલે યોગની – આધ્યાત્મિક સંયોગની કવિતા. પ્રસ્તુત પદ માણતા પહેલાં એટલું જાણી લેવું જરૂરી છે કે ભિન્ન ભિન્ન દર્શનકારો આત્માના અનેકાનેક પ્રકારો કલ્પે છે. આત્માના અભાવથી માંડી આત્માના પુનઃ પુનઃ પુનર્જન્મની કલ્પના દર્શનકારોએ કરી છે. પરંતુ ‘મોક્ષમાં સુખપ્રાપ્તિની સિદ્ધિ સર્વજ્ઞકથિત શ્રી જૈન શાસનમાં જ છે.’ આ સંદર્ભમાં પ્રસ્તુત પદને સમજવું ઉપકારક થઈ પડશે. આત્મા એ કોઈ પરમ-આત્માનો અંશ નથી પણ પ્રત્યેક આત્મા સ્વ-સ્થાને સ્વ-તંત્ર અને સ્વાધીન છે. ‘પ્રત્યેક આત્મવાદ’ની ગહનતાને આટલી સરળતાથી રજૂ કરતાં આનંદઘનજી મહારાજ આ પદ કોઈ પતિપરાયણ સદી સ્ત્રીની ઉક્તિ રૂપે આપે છે. નિજી અસ્તિત્વ ધરાવનાર આત્મવાદરૂપ એ જ મારો પતિ. ‘શુદ્ધ ચેતનત્વ પ્રગટ કરવા જતાં આખરે ચેતનજી એક વ્યક્તિ તરીકે સર્વથા નાશ પામે’ એવો ‘વચનવ્યવહાર’ પણ સાધ્વી સ્ત્રીએ જગત સાથે શા માટે રાખવો? એનું અનુસંધાન જ આ આત્મવાદરૂપ પતિ સાથે છે. ‘જીવન ડોર તુમ્હી સંગ બાંધા’ કે ‘મને જગ લાગ્યો ખારો રે’ કહેનાર મીરાંની તલ્લીનતા અહીં યાદ આવી જાય છે. ‘જગત અને ભગતનો ઝઘડો સનાતન’ છે. જેનો આલોક સાથે, અલૌકિક સાથે નાતો બંધાયો તેને તો ‘ખાટો લાગે લોક’.

કંતડો (પતિ) ‘મીઠડો’ લાગે, નીકો નીકો લાગે; અને આ જગત તો ખાટું ખાટું લાગે. કંથ વગરની ‘ગોઠડી’ તો અરણ્યરુદન જેવી છે. આ ગોઠડી તો પતિ-પત્ની વચ્ચે ગુફ્તેગો જેવી – ના, આત્મસંવાદ જેવી – હોય. પતિમાં જ સર્વ કામણ છે (‘કાનુડો કામણગારો રે’) અને પતિશૂન્ય જગત તો શોકનો ભારો છે. કાંજી (છાસની પરાશ) અને દૂધ એકસાથે (થોક) કેમ રહી શકે? પતિ તાપ સામે છે જ્યારે લોકો તો તાપને સંતાપમાં ફેરવે છે. અહીં તદ્દન ઘરગથ્થુ ઉદાહરણથી કવિ સૂચવે છે કે શુદ્ધ ચેતના – પતિવ્રતા સાધ્વી જેવી – કોઈ દ્વંદ્વ કે દ્વિધાથી પીડાતી નથી. એથી અનન્યપરાયણતા એને પતિમાં – આત્મામાં, આત્મસંયોગમાં જ મગ્ન રાખે છે.

કંથ વગરની ચારે તરફની ગતિ અવગતિ છે, શૂન્યકાર છે, ફોક (આણું) માનું છું. ખરું નાણું તો રોકડ નાણું છે (જે આત્મામાં જ છે). બાકી ‘સિરડફિરડ’ ઉઘરાણી કરવાથી તો દીનતા, લાચારી જ મળે છે. આત્મસ્વરૂપ વિનાની – પતિ વિનાની – ગતિમાં ખુમારી શી રીતે હોય? એ તો ‘ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે!’

છેલ્લે કવિ સુંદર ઉદાહરણ આપે છે. કંથ વિના મારી બુદ્ધિ – આત્માના સત્ત્વ, તત્ત્વ વિનાની કેવળ બુદ્ધિ – તો અવાહડાના ઉઘાડા પડેલા ખાળિયા જેવી છે. એમાં પાણી ભરાય તો કોઈ પી શકે ને! અંતે શુદ્ધચેતના પતિવિહોણી પોતાની અબળા સ્થિતિમાં આનંદઘનને જ ધોક દે છે, પોકારી ઊઠી છે; બાકી અવરને તો તે દૂરથી જ સલામ કરી લે છે.

આ પદમાં ગૂઢાર્થમાં પ્રવેશીએ નહીં તોપણ કેવળ વાચ્યાર્થને વળગી રહીને પણ કાવ્યની મધુરતા માણી શકાય. અન્યત્ર ‘આપ મિલ્યાથી અંતર રાખે’ કહેનાર આનંદઘનજી મહારાજનાં પદોમાં ઠેર ઠેર ઉત્તર હિંદ અને મારવાડના સંસ્કારવાળી ભાષા દેખા દે છે. અહીં પણ પ્રથમ પંક્તિના ‘ઓ’ અને ‘એ’નું પુનરુચ્ચારણ જ્ઞાની-કવિના લયસમૃદ્ધ કાનની સાક્ષી પૂરે છે.

૧૨-૯-’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book