સાંભરે કાવ્ય વિશે – રમણીક અગ્રાવત

દલપત પઢિયાર

સાંભરે

અમને કોની રે સગાયું આજ સાંભરે

મનુષ્યને બે બહુ મોટાં વરદાન મળ્યાં છે. સ્મૃતિ અને વિસ્મૃતિ. એને એક જ વરદાનનાં બે પાસાં કહો તોય ખોટું નથી. એક છે ત્યાં બીજુંય હાજરાહજૂર વીતી ગયેલા કાળને, સમયને સ્મૃતિ હાથ પકડીને પાછો લઈ આવે છે. આપણને વીતેલી ક્ષણોમાં સદેહે વિરહતાં કરી દે છે સ્મૃતિ. વીતેલા સમયમાં મારેલી આ ડૂબકી રોમેરોમને જગાડી દે છે. આ સમયમાં ઝઝૂમવાનું બળ એમાંથી મળી રહે છે. ક્યારેક એ અણગમતી પરિસ્થિતિમાંથી પલાયન પણ બની રહે. કાળની ગર્તામાંથી સ્મૃતિને આંકડે ભરાઈને વીતી ગયેલા સંદર્ભો ફરી આસપાસ ઊભરી વળે. હાથમાંથી કશુંક છૂટી ગયાની કણસાટ કે જે ભોગવ્યું છે તેની પરિતૃપ્તિનો ઉલ્લાસ આપણી હથેળીમાં મૂકી આપે સ્મૃતિ. વિસ્મૃતિ આપણાં સંવેદનો પર ખડકાતાં નકામાં કે કામનાં બોજ હટાવી દે. જેમ રાતની ઊંઘ નવા દિવસની તાજગીમાં મૂકી આપે છે તેમ વિસ્મૃતિ ભાવઝગતનાં તાણને ઓગાળે. વિસ્મૃતિનું વરદાન ન હોત તો તો પળેપળ લદાતાં જરૂરી કે બિનજરૂરી બોજથી આપણે કચડાઈ મરત. આપણને હળવા ફૂલ વર્તમાનમાં ભાર વિના ભમતાં રાખવાની માવજત રાખે વિસ્મૃતિ. સ્મૃતિ અને વિસ્મૃતિ વચ્ચેના ઝાંખા પ્રદેશમાં ઊભી છે અતીતરાગને ગાઢપણે ઘૂંટતી કવિ શ્રી દલપત પઢિયારની કૃતિ ‘સાંભરે’.

મોંસૂઝણાં વખતે દૃશ્યો હજી ઊઘડતાં હોય, અવાજોએ હજી સૂર પકડ્યો ન હોય, આંખ હજી ઠરતી ન હોય, આવાં દેખાય-ન દેખાય એવાં ભળભાંખળામાં જાણે આ કૃતિનો ઉઘાડ થાય છે. કોઈ કોઈ દિવસ જ એવો ઊગે છે કે ત્યારે આપણે ‘આજ’માં નથી હોતા. બિલકુલ મીસફિટ હોઈએ છીએ ‘આજ’ માટે. સ્મરણની પાંખે ચઢીને ઊતરી પડીએ છીએ ભૂતકાળનાં કોઈ રમ્ય સ્થાનમાં કે ગમ્ય ભાવમાં. આજ આ હૃદયને ધડકારે ધડકારે કોની સગાઈ મનને સંકોરે છે? જમીનનું તળિયું તૂટે ને નવાણ ફૂટી નીકળે એમ ભાવભૂમિને ભીંજવતું આ શું ઊભરાઈ વળ્યું છે પેટાળમાંથી. આ રેલાઈ જતી સ્મૃતિને પાળાઓ બાંધીને રોકી લેવી પડશે. રોકી નહીં શકાતા આવેગને નાથીને પૂરેપૂરો માણી લેવો છે તે નક્કી. એ ઊમટેલાં પૂરનો તાગ લેવા માટે ઘાટે ઘાટે ઘોડા દોડાવીને એનાં જોશનો ક્યાસ કાઢી લેવો છે કે કેટલી ભાવભૂમિ ડૂબમાં જવાની છે, કેવાં ખળક્યાં છે આ પૂર? આ લહેરોને આંબીને કોણ ઊઘડી રહ્યું છે એ જાણ્યે જ હવે તો પાર. દાદાનો પગ ડેલીમાં પડે તે પહેલાં એમનો ખોંખારો પૂગે. ભડ પુરુષની એ આલબેલ. એક હરીભરી હયાતીની આ ઓળખ. સૌને સચેત કરીને થાય એનો પ્રવેશે. ‘હું છું, હું અહીં છું’ એમ જાણે એ બાપોકાર કહે છે. એક ખોંખારે તો દોદાની દેહયષ્ટિ જાણે ખડી થઈ જાય છે. આખી શેરીના સૂનકારને ભરીને ઊભેલા આ અસ્તિત્વને વધુ ઘૂંટે છે ચલમના તણખાં અને તમાકુની ગંધ. એ ગંધ પછવાડેથી લાલ આંખોનાં ખૂણા દેખાઈ પડે તો દેખાઈ પડે. એવા દાદાના બેસણાં ઘરની ડેલીએ છે. એ ડેલીનો શણગાર છે. એક જ માણસ આવે ને ડાયરો ભરપૂર થઈ જાય એવું હોય એ આવવું. ડેલીને જીવતી કરનાર જણ આજ ફરી બેઠો થઈ ગયો છે. હડી કાઢીને એને ખોળે ચઢી જવાનું મન થઈ આવે. દાદાને ખોળે હજી આ બેઠો જ છું કે મા આવી. દાદાના આખાં આંબાવાડિયાને પોતાનાં કૂજનથી હર્યુંભર્યું કરી મૂકનાર મા ગઈ છે ત્યારથી આ ઘરનો ઓટલો ઉજ્જડ થઈ ગયો છે. મા એટલે વાતોનો કિચૂડાતો હીંચકો. મા એટલે ઘરને ગાતું કરતું ગીત. મા એટલે હરતુંફરતું ગાતુંરમતું ચૈતન્ય. આ અધ્ધરને ટોડલે હજીય ઝૂરે છે ખરતાં હાલરડાં. અંગૂઠામાંથી ચૂસાતાં અમૃત ભેગાં ભેગાં હાલરડાંનાં અમી ઊતર્યા છે કાયાનાં કણેકણમાં. માને અંગૂઠે બંધાયેલી દોરીથી ઝૂલતું પારણું અને હાલાં હાલાં સૂરમાં વહેતું જીવનનું મીઠું આહ્વાન! આવી માતા હવે કંઈ બારણામાંથી ન પ્રવેશે. એ તો ઊંચા મોભને મારગેથી જ ઊતરે. સ્મરણના દેશમાંથી ઊતરી આવેલા આ મોંઘેરા મહેમાનોની આગતાસ્વાગતામાં કશી મણા ન રહેવી જોઈએ. કૂવા ગળાવો કે એમને શીળાં જળથી ઝારીએ. એને કાંઠે બાગ રોપાવો જેના શીતળ વાયરાથી આસ્વજનો પોંખાય. એમને જરીકેય અસુખ ન થવું જોઈએ. એ જો પૂરતાં માનસંમાન પામ્યા વિના પાછાં વળી જશે તો તો મનમાં ખટકો રહી જશે. જેમનું સ્મરણ માત્ર આટલી ઉળટ જગાવે છે એમની વહાલપ કેટલી મીઠી હશે! ઓરડામાં ઝીણીઝીણી ખાજલિયુંથી ઓપતાં લીપણની મહેંકથી આખુંય ઘર ભરપૂર થઈ ગયું છે. ખાટલા નહીં આખેઆખી પરસાળ ઢાળીને તોય ઓછી પડે એવા મહેમાન આંગણે પધાર્યા છે. જેને ધરાઈને માણી છે એ સાચી સગાઈમાં મન ફરી રોપાઈ ગયું છે. સાંભરણનાં આ ગળાંડૂબ પૂરમાં કાયાને વહેતી મૂકી દીધી છે. આજ તો એ કાં તારે કે ડૂબાડે. તારશે તો એને ખોળે ચઢી વહાલપને માણશું, ડૂબાડશે તોય એ વહાલપનાં વહેણે જ ડૂબશું. જે સગાઈએ રોમેરોમને પોષ્યું છે એને ફરી ફરી મમળાવતું મન ચકચૂર છે. છે તે નથી અને નથી તે છે. જાણે છે અને નથી-ની સીમાડા એકમેકમાં ઓગળી ગયા છે. આજની સગાઈમાં માણેલો પ્રબળ ભાવાવેગ ખેંચી ગયો છે આ ઝુરાપા વચ્ચોવચ? ભાવાવેશની એક અતિ સંતૃપ્ત ક્ષણમાં મૂકી આપે છે આ રચના. પગલાં જાણે સાંભળણની ભીની માટીમાં ઊંડે ને ઊંડે ખૂંપતાં જાય છે. ઘેઘૂર અતીતરાગની ઊંચી મીંડ પર લઈ જઈને આ કૃતિ આપણને છોડી દે છે, એનો ગુંજારવ ક્યાંય સુધી પીછો છોડે તેમ નથી.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book