આરસિયો અણસાર – જગદીશ જોષી

આ રંગ-ઉપરણો

રમેશ જાની

આ મારી ધરતી, મારાં વાદળ

પ્રસન્નતા કે વિષાદથી ભર્યોભર્યો ભૂતકાળ, કોઈક મધુર કે કટુ છાયાવાળો અનુભવ કે અનુભૂતિ માણસના મનને, પથ્થર ઉપર લીલની જેમ વળગી હોય છે. જીવનની કોઈક આનંદની ક્ષણ એવી આવતી હોય છે જ્યારે પ્રત્યેક વસ્તુ આપણી લાગે. આનંદની એ પરાકાષ્ઠા સમી ક્ષણે બધું જ આપણું લાગે, માત્ર આપણે જ આપણા નથી રહેતા. આના સામે પક્ષે. વિષાદની પરિસ્થિતિમાં બધું આપણું હોય તોપણ એ તૂરું તૂરું લાગે કારણ કે the world belongs to me, but not you!

પ્રસ્તુત કાવ્યમાં મહત્ત્વ છે ‘આ’ અને ‘મારા’ શબ્દનું. આ બન્ને શબ્દોનાં બિંદુઓ વચ્ચે કવિની પુલકિત થયેલી ચેતનાની રમણા છે. પ્રારંભમાં તો આ કાવ્ય પૃથ્વીના પ્રેમનું કાવ્ય લાગશે. પણ આ તો છે પ્રેમની પૃથ્વીનું કાવ્ય. પેલા વિરાટના આ વિરાટ નકશા ઉપર આપણે આંગળી મૂકીને કહી શકીએ કે ‘આ મારું છે’ એમાં કેટલા બધા વહાલની કેટલી મોટી બુલંદી છે!

પરંપરાગત ઉપાડ પછી જ્યારે ‘ફોરમનો ટહુકારો’ આવે છે ત્યારે એક જ પંક્તિમાં કવિ રંગ, સુવાસ અને ટહુકાને સાથે ગૂંથી લે છે ત્યારે લાગે છે કે કોઈ પણ સાચો કવિ પરંપરા અને આધુનિકતાની સમતુલા સાચવી લેતો હોય છે. જે માણસ વ્યથાને ‘પોતાની’ ન કરી શકે એ માણસ આનંદને પણ ‘પોતાનો’ ક્યાંથી કરી શકે? સિનેમાના પડદા ઉપર જોઈને પામેલા આનંદ કે શોકને અંતે તો માણસનું ભીતર સિનેમાના પડદા જેવું જ કોરુંકડાક રહેતું હોય છે.

‘સૂરજનાં સોનાંજળ’ને ‘મારાં’ કહેનારે રાતનો ‘પાતાળ-અજંપો’ અને ‘અંધારો વલોપાત’ પણ આત્મસાત્ કરવો પડે. અને વ્યથાના આ ચાકડા ઉપર ચડ્યા પછી જ માણસનો ઘાટ ઘડાય છે. એ માણસમાં આવે છે. કવિ અહીં સીધા ઉપદેશ વગર માત્ર સંકેત જ કરે છે કે કોઈ અંધારું એવું નથી કે જેની ભીતરમાં ક્યારેય ‘પૂરવનો વનચંપો’ પ્રગટ્યો ન હોય. જગતની રચના પાછળની આ ભીતરી ભરમાર માટે કવિ કેવો ‘આરસિયો અણસારો’ આપી જાય છે! ‘અણસારા’ને લાગેલું મનોહર વિશેષણ ‘આરસિયો’ એનાં બન્ને ઍસોસિયેશન્સના સંદર્ભમાં તપાસી જોવા જેવું છે!

આમ તો આ ગીત છે; પણ સોનેટની જેમ અહીં પણ પૂંછડીએ આવીને ચોટ વાગે છે. દિવસોના દિવસો ખોદ્યા કરો અને છતાંય કૂવામાં પાણી ન નીકળે; પણ છેલ્લી એક શિલા એવી આવે કે જેના પર કોશનો પ્રહાર પડતાં જ નવાણ શતશત ધારે ફૂટે તે એવું કે ખોદનારને બહાર નીકળતાં સાતપાંચ થઈ જાય. એવું જ કંઈક અહીં છે. આ બધું મારું છે. આ ધરતી, વાદળ, દિવસ, સૂરજ, ટહુકાર, અજંપો, વલોપાત – આ બધું જ મારું છે, કારણ કે મને તારા પ્રેમનું વરદાન મળ્યું છે! પળે પળે જે રંગ-ઉપરણો મારા સમગ્ર વ્યક્તિત્વને જરકસી ઓપ આપે છે તે ‘તારા’ પ્રેમનો પ્રકાશ જ મારો સાચો પ્રતાપ છે.

આ ગીતનું બળ તેના ઉપાડમાં જ છે એવો મત ‘આપી દેવાની’ ઉતાવળ ન કરીએ અને સહેજ ઝીણી નજરે વાંચીએ તો ખ્યાલ આવશે કે આ ગીતની બાંધણી કંઈક જુદી છે: એક જમાનામાં ઊંચી ઇમારતોમાં ઉપર ચઢવા માટે લોખંડની સીડીનું આયોજન વર્તુળાકાર થતું. એવી કંઈક રચના પણ ગીતની ભાવસૃષ્ટિની છે.

કોરા કાગળને કોઈની નજર ન લાગી જાય એ માટે પોતાની કલમને કામે લગાડવાને બદલે કાગળ ફરતી, કાળા દોરાની જેમ બાંધી રાખનાર આ કવિ કોઈ કોઈ ગુડ ફ્રાઇડે-એ જ કાવ્યો લખે છે. સતત વરસાદ પછી ક્યારેક જ જેમ ઓચિંતો તડકીલો અણસાર જોવા મળે એમ કવિ પણ પોતાને સહજ એવા ઉજાસને છૂટે હાથે પ્રગટવા કેમ નહીં દેતા હોય!

૨૯-૬-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book