1 ભાવસ્થિતિની ગતિ – જગદીશ જોષી

કાવ્ય ૪૫

ઉશનસ્

મન માને, તબ આજ્યો

એમ કહે છે કે દેશી આંબાનો ગાડાંઉતાર ફાલ તો દર ત્રણ વર્ષે જ આવે… ઉશનસ્‌ના ‘વ્યાકુલ વૈષ્ણવ’ (ગીતમાલા)ને સુન્દરમ્ પ્રસ્તાવના માટે ચાર ચાર વર્ષ સુધી પોતાની પાસે રાખે; અને આ કાવ્ય વૈષ્ણવ ‘વ્યાકુલ થયા વિના’ બેસી પણ રહે. આ દીર્ઘ કાલ દરમિયાન ઉશનસ્‌ની કવિતાની સુવર્ણચંદ્રકોની નવાજેશથી પ્રતિષ્ઠા થાય છે તે એક આગંતુક પ્રશ્ન બની રહે છે. ઉશનસ્ પણ એ જ પ્રેમાળતાથી કહે છે કે ‘ધીરજનાં રૂડાં જ ફળ આવ્યાં.’ આ બધું સાચું: ‘બીજાં કામોના ઘેરાવામાં’ પ્રીતિ-કુલ-કવિ ગુમ થઈ જાય એ પણ સાચું. છતાં… ફળ રૂડાં આવે અને તોય ફૂટેલી કંઈક મંજરીઓ અણ-કોળી ખરી જાય એમ પણ બને! એ તો આપણું અને આપણી કવિતાનું સદ્ભાગ્ય જ છે કે ઉશનસ્‌નું લખાણ માતબર અને ‘થોકબંધ’ છે અને સુન્દરમ્‌માં કવિની કવિતાને પામવા માટે ‘સહૃદયતા અને સમભાવ’ પણ છે. ઉમાશંકરે તો પોતે પોતાનાં જ પ્રૂફ તપાસી જવાની સમયની મોકળાશના અભાવે વર્ષો સુધી રોકી રાખેલાં એવું પણ ક્યાંક સાંભળ્યું છે. આ આડવાતો છે. પણ આ સંદર્ભમાં કરી લેવા જેવી પણ લાગે છે.

‘નરી ગદ્યાળુતાવાળી’ કૃતિઓનો ક્યારેક ભાસ આપતું ઉશનસ્‌નું સર્જન-વૈપુલ્ય ભારાની ગાંઠે બાંધી દેવા જેવું નથી. અહીં ‘આંખોમાં પાણી’વાળી સાચી ‘અરજી’ પણ છે જ. જે ‘સંવેદન ઝીલતા ચિત્તની નીરવતામાં સુણવાની’ પણ છે. ‘દર્દ, મને તું લઈ જાશે કે એ નિર્દયને દ્વારે?’ જેવી પંક્તિઓની ડૂમો ભરેલી આર્દ્રતા પણ આ કૃતિઓની ‘નિવેદનાત્મક રીતિ’ને ‘કવિની ઠેક… ભારઝલ્લાપણાને’ ‘સાર્થક’ કરી દે છે.

‘સાચો પ્રેમ’ ‘હું તને ચાહું છું’ એમ એકોક્તિનું પુનઃ પુનઃ ઉચ્ચારણ કરતાં અનાદિકાળથી થાક્યો નથી. ‘તુજને હું ચાહું’ એ કહેવાનો મારો ‘આનંદ’ કોઈ પણ કવિહૃદયની અમોઘ સમૃદ્ધિ છે. આની આ જ વાત ‘અદલાવી બદલાવીને’ કહેવા માટે ‘શત છંદ’ની ધારાઓ વહે છે. કહ્યું જ છે ને કે ‘અંતે તો એક જ કાવ્ય લખવાનું હોય છે!’

સાચી પ્રીતિનો સ્વભાવ બંધાવાનો હોય તોપણ આક્રમકતાથી બાંધવાનો તો નથી જ. શ્રી મકરન્દ દવેના એક ગીતનો ઉપાડ યાદ આવે છે: ‘માધવ વળતા આજ્યો હો એક વાર તો ખબર અમારી લેતા જાજ્યો હો.’ કાચી પ્રીત કદાચ બાંધી દેવા મથે: પણ સાચી પ્રીત તો પ્રેમીને અને સામી વ્યક્તિને – એટલે કે ખુદ પ્રીતને – મુક્ત કરે! ટાગોર પણ કહે છે ને ‘રોક્યું કોણ અહીં રોકાશે?’ કોઈને રોકવા નહીં; માત્ર એટલું જ કહેવું કે જવા દેવાની ‘ઇચ્છા’ નથી… આથી વિશેષ બીજું કહી પણ શું શકાય? અને કોને? કેવળ મનોમન લાગણીની તો આ ‘લાવણી’ છે: લણણી હોય કે ન પણ હોય! વિરહ ક્યારેક પ્રેમ કરતાં પણ બલવત્તર હોઈ શકે: ‘વિરહાને નહીં થાક’ … મિલન થકવી દે! ‘વ્હેલેરા પધારજો’માંનું ‘વેદનાનું વરદાન’ અનેક વૈષ્ણવજન કવિઓને સદીઓથી વ્યાકુળ કરતું આવ્યું છે. ઉમાશંકર કહે છે: ‘સાન્નિધ્યમાં સ્નેહ શોષાઈ જાય છે.’ એટલે જ કદાચ સુન્દરમ્ આ પુસ્તકને ‘ગુજરાતની ગીતાંજલિ’ કહે છે.

અહીં કવિ પેલા ‘માધા’ – માધો – માધવને મનની મોકળાશથી કહે છે કે તમારું ‘મન માને, તબ આજ્યો…’ તમને રોકવાની આ ‘ઘડી’ નથી. અને રોક્યું કોઈ રોકાયું છે – આ જગતનું કે આંતરજગતનું કોઈ પણ પ્રિયજન? જવું જ છે ને? તો લ્યો, આ દરવાજા પણ ખુલ્લા મૂકી દીધા… રાધાથી પણ ન રોકાયા: તો મારો તો કયો હિસાબ? એ દરમિયાન અમે ‘અવકાશે’ (બન્ને અર્થમાં) ટીંગાઈ રહેશું. તમે ત્યારે ‘મનભાવન ઘર જાજ્યો રે.’

તને જ તારી કહાણી કહેવા માટે, મારી મનોવ્યથા કહેવા માટે, હવે પત્રના લિફાફા નહીં લખીએ. નહીં લખીએ કે નહીં ‘લખલખીએ’ – વલખીએ. ‘તેડું’ મોકલવાનું પણ નહીં કહીએ. (અને, લખો તોય કોણ વાંચે છે?!) આત્મવિલાપન માટે પ્રેમી હૃદયની આ તૈયારી હોય છે. સાચી વ્યક્તિ ઈશ્વર જેટલી જ બહેરી હોય તોપણ! અને આ તો પેલો જમાનાને ગળી ગયેલો માધો છે! (ઈશ્વર પણ બહેરો હશે? ‘જોગીજોગેશ્વરા ‘કોક’ જાણે!’ પરંતુ તારા પ્રત્યેનો પ્રેમ – આ નેહડો – અધિકારપૂર્વક એટલું તો ‘જાચે’ છે કે ‘કોઈ દન’ પાછા વળજો આ રસ્તે થઈને … અને આવો ત્યારે બે ઘડી રોકાઈ શકાય એ રીતે આવજો… સંબંધ તો જ નભે જો ‘મન માને’! તમે જે પગલાં મૂકી ગયા છો – ગોકુળની કે આ હૈયાની – તેની ધૂળ હજીયે ‘ધડકે’ છે. અને આ ધડકન છે. આ વિરહની વ્યાકુળતા છે, ત્યાં સુધી જ જીવન ‘હરઘડી’ છે. પછી હૃદયની જ ‘ઘડી’ બંધ પડી જાય પછી તો શું…? હરેક ટહુકો ‘તાજું દરદ’ થઈને આવે છે!

બાકી શું ઈશ્વર માટે, શું વ્યક્તિ માટે, પ્રણયની ભૂખ હોય તોપણ પ્રણયની ભીખ ન હોય. આરજૂ હોય, પણ ત્રાગું ન હોય! એટલે જ કદાચ કવિ પ્રેમઝંખનાને અન્ય કાવ્યમાં ‘તનમિટ્ટીથી સૌરભના અનસંબંધ’ વીંટી લે છે.

કવિ ઉશનસ્ અન્યત્ર ‘આપણે શાનાં અળગાં, થોડા જનમ તણી જ જુદાઈ’ કહીને પ્રીતિની ‘શગ સંકોરી’ લે છે. ‘આ ગીત નથી, પણ ‘ગીતિ’ છે, એ છંદથી ભિન્ન એવું માત્રાબદ્ધ તાલલયપ્રધાન પદ્યરૂપ છે’ એમ કહી સુન્દરમ્ આને ગીતનું એક ‘વિશિષ્ટ સ્વરૂપ’ કહે છે. અહીં કોઈને ટાગોરની ‘ઊંડી આધ્યાત્મિક ગતિ’ને બદલે ‘એક ભાવસ્થિતિ’ દેખાય પરંતુ ઉશનસ્‌નું કાવ્યજગત એની કલ્પનાનાં ઉડ્ડયનોમાં માણવા જેવું છે. સર્જનની વિપુલતામાં પણ ઉશનસ્‌ની કલમની ગતિ પેલા રુદિયાગત સૂર તરફ વળતી જાય છે તે જોઈ મેઘાણીના પેલા પ્રસિદ્ધ પત્રમાંની ઉક્તિની યાદ અપાવે છે: ‘હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું.’ ‘સેકલ નીરે પ્હાની બોળીને’ બેઠેલી ઉશનસ્‌ની કવિતાને ‘નીરવતમ ચાખડીઓ’નું પગેરું મળી રહેશે જ!

૪-૧૨-’૭૭

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book