રાત થઈ પૂરી કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નાથાલાલ દવે

રાત થઈ પૂરી

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,

રાતવાસો પૂરો થયો છે. અને તે રાતવાસો પણ છે મુસાફરનો, જેને કોઈ પણ એક જ સ્થળે સ્થિર થઈને બેસવાનું નથી ને જેની દુનિયા જ જુદી છે, વ્યવહારની ને વેપારવણજની. હૃદયના સૂક્ષ્મ સંવેદનોને સ્ફુરવાનું કે કલાસાહિત્ય આદિના રસનું ને રસિકતાનું એમાં સ્થાન નથી. રસમાં રસ એને હોય તો પૈસા કમાવાનો; ને કોઈ સુંદર ગાનારીને ત્યાં ક્યારેક સાંજ ગાળીને દિલ બહલાવવાનો.

એની વણજારે કોઈક ગામને પાદર રાતવાસો કર્યો છે. એ કોઈ ખૂબસુરત નાજનીનને ત્યાં પહોંચે છે. રાત આખી સંગીતની ધૂમ મચે છે. ‘શરબત’ની પ્યાલીઓ ઊડે છે. રાત પૂરી થાય છે. ચંદ્ર આથમે છે. તારાઓ ડૂબે છે. ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણો મસ્જિદના મિનારા પર રમવા લાગે છે. મુલ્લાં બુલંદ સૂરથી અઝાન પોકારે છે ને પાક દીનોને નમાઝ માટે નોતરે છે. કાફલો ઊપડે છે. ને મુસાફરને એમાં જોડાયા વિના છૂટકો નથી.

મુસાફરની જિંદગીમાં આ મહેફિલ કંઈ પહેલી જ નથી કે અનુભવ નવો પણ નથી. પણ જીવનમાં ચમત્કારો ન બનતા હોય તેવું નથી. જેમનાથી આપણે ટેવાઈ ગયાં હોઈએ તેવી વસ્તુઓ પણ ક્યારેક આપણને અપૂર્વ જેવી લાગતી હોય છે, ને આપણી સૌન્દર્ય દૃષ્ટિ એકાએક ઊઘડી જતી હોય છે. આવી કોઈ ઊંડી રસાનુભૂતિ પછી જીવનનું જાણે નવું પર્વ શરૂ થતું હોય તેમ જીવનનાં આપણાં મૂલ્યો જ બદલાઈ જતાં હોય છે. ને વ્યવહારજીવન પ્રત્યેની આપણી દૃષ્ટિમાં ફેરફાર થઈ ગયો હોય છે.

આ કાવ્યના નાયકના જીવનમાં પણ આ રાત એવો કોઈ ફેરફાર કરી નાંખે છે. આ નાજનીન, એનું અંગલાવણ્ય અને એથી પણ વિશેષ તો એનું ગાન એના જીવનમાં નવાં નવાણ ફોડે છે ને એને રસની ને આનંદની કોઈ નવી જ સૃષ્ટિની ઝાંખી કરાવે છે.

આ ગીતસંગીતની દુનિયામાં જીવવાવાળાઓના અને પોતાના જીવનના રાહ જુદા જુદા છે તે તો એ જાણે જ છે, પણ પોતાનો જીવનરાહ શુષ્ક અને નીરસ છે, એનું ભાન એને પહેલીવાર આજે થાય છે. જવું તો એને પડે જ છે, ગયા વિના એને ચાલે તેમ નથી એટલે, પણ જતી વેળા એ આ વખતે હળવો ફૂલ જેવો થઈને જઈ શકતો નથી, હૃદયમાં દર્દ લઈને જાય છે, એક રાની આ મહોબત બનાવવા જેવી તો છે કાયમની, અને છતાં પોતે તેને કાયમની બનાવી શકતો નથી તેનું દર્દ.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book