રાઘવનું હૃદય કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

ત્રિભુવનદાસ લુહાર—સુન્દરમ્

રાઘવનું હૃદય

મને આપો આપો હૃદય પ્રભુ રાઘવતણું,

કાવ્યના નાયકના જીવનમાં કોઈ અસાધારણ કટોકટીની ઘડી આવી પહોંચી છે. એક તરફથી એના હૃદયમાં દિવ્ય તત્ત્વ માટેની લગની જાગી છે; ને બીજી તરફથી પોતાની પાર્થિવ પ્રીતિનું અધિષ્ઠાન—‘નિશિગંધાની સુરભિ’—હૃદયને એવું તો કબજે કરી બેઠું છે કે તેને છોડ્યું છોડી શકાતું નથી. પેલા દિવ્યાર્થને સિદ્ધ કરવો હોય તો એને છોડ્યા વિના છૂટકો જ નથી, અને છતાં સૌથી વિશેષ દુસ્ત્યજ તો એ છે! કેટલું નબળું છે મનુષ્યનું હૃદય? પોતાનું કર્તવ્ય શું છે ને પોતાનું શ્રેય શામાં રહ્યું છે તેની તેને ખબર નથી હોતી તેમ નહિ. પણ એ માર્ગે તે જઈ શકતું નથી. દિવ્યાર્થ સ્ફુરે તે તરત જ કશી પણ અવઢવ વિના પોતાની પ્રિયતમાને તજી દેવા માટે હૃદય મનુષ્યનું નહિ પણ રાઘવનું, જેણે પોતાનાં મન, વચન અને કર્મ પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવી લીધું છે એવા રાઘવનું—હોવું જોઈએ, એટલે જ નાયક કકળી ઊઠે છે.

મારું હૃદય રાઘવના હૃદય જેવું થઈ જાય તેવો કીમિયો કોઈ બતાવો મને. તરત કરી દો, તરત કરી દો મારા હૃદયને રાઘવના હૃદય જેવું, એ રાઘવના હૃદય જેવું, જેણે ધર્માર્થ સ્ફુર્યો કે તરત, પાંપણના પલકારામાં પોતાની સીતાને તજી દીધી!

કેવું દુષ્કર કાર્ય કર્યું છે રાઘવે? સીતાને એમણે, ધર્મ પ્રાપ્ત થયો કે તરત, ઘડીના છઠ્ઠા ભાગમાં ‘તૃણ સમ તજ્યાં સૂનાં રાને, ન આંસુય સારિયું!’ એ સીતાને માટે એમણે શું શું નહોતું કર્યું? સ્વયંવરમાં શિવધનુષ્યનો ભંગ કર્યો ને પરશુરામ જેવા અવતારી વીરનો પ્રલયંકર ક્રોધાગ્નિ વહોરી લીધો. સીતાનું મન રાખવા ખાતર એ તેને પોતાની સાથે વનમાં તેડી જાય છે. વનવાસ તેને શક્ય હોય તેટલો ઓછો કષ્ટકર બને તે માટે જંગલમાં મંગલ કરે છે, કપટમૃગનું રૂપ ધારણ કરીને આવેલા મારીચનો શિકાર કરે છે. પર્ણકુટીએ પાછા આવે છે ને જુએ છે તો સીતા નથી. ‘સીતા! સીતા!’ કરતાં કરતાં એ વનેવન ભમે છે. પંપા સરોવરને તીરે બેસીને, સીતાને સંભારીને એ પોશ પોશ આંસુ સારે છે, પણ માત્ર આંસુ સારીને બેસી ન રહેતાં, એ સીતાની શોધમાં નીકળે છે, સાગર પર પાળ બાંધે છે, દશ માથાવાળા રાવણ સામે યુદ્ધે ચડે છે, જીતે છે, સીતાને પોતાના હૃદયની સોડે લેતાં એ ઊંડું સુખ અનુભવે છે, સીતા સાથે પુષ્પક વિમાનમાં બેસે છે, અયોધ્યા આવે છે. એના પર પવિત્ર અભિષેક કરીને એને પોતાની સામ્રાજ્ઞી અને પોતાના અનગંલ વૈભવની સહચરી કરે છે, ને સીતા સસત્ત્વ થાય છે ત્યારે કેવા કેવા સૌમ્ય ને સુકુમાર દોહદો થાય છે એને? ને કેવા પ્રેમપૂર્વક ને કેવી મધુરતાથી રામ એ દોહદોને જાણી લે છે? ને કેવી પ્રબળ પ્રીતિ-ભાવનાથી એના હૃદયમાં ભાગીરથીના તીર પરનાં તપોવનોમાં રસ અને ઉલ્લાસપૂર્વક સહચાર કરવાના ઉત્સાહને જાગ્રત કરે છે?

જે સીતા માટે પોતે આ બધું કર્યું, હૃદયની ઊંડામાં ઊંડી પ્રીતિથી પ્રેરાઈને કર્યું, તે જ સીતાને પોતે લક્ષ્મણની સાથે વિદાય કરી દે છે, નવો ધર્મ પ્રાપ્ત થાય છે કે તરત, નિમિષ માત્રમાં! સીતા રામનાં કેવળ ઇન્દ્રિયાર્થ તો નહોતાં જ; પણ માત્ર સહધર્મચારિણી પણ નહોતાં. એ તો હતાં રામનું हृदय द्वितीयम्, અંગેઅંગનું અમૃત, ચક્ષુયુગલની ચંદ્રિકા, ને એમને વિદાય કરવામાં આવી રહ્યાં હતાં કાયમને માટે, છતાં રામ નથી છેલ્લી એકવાર, માત્ર એક જ વાર, એનું મોઢું જોઈ લેવાના પણ લોભમાં પડતા. એ કરે છે માત્ર પોતાના હૃદયને કઠણ, એવું કઠણ કે એની પાસે પહાડના પથ્થર પણ મુલાયમ લાગે.

સીતાને રાવણ હરી ગયો હતો તે સમયની વિરહદશામાં, દશાનનની સામે યુદ્ધ કરવા માટે જે રામે, મનુષ્યો ન મળ્યો તો વાનર દળોની મદદ લીધી હતી તે જ રામ આ વિરહ, ચિરવિરહ, જેનો કદી અંત જ આવવાનો નથી એવો વિરહ જીરવી લે છે, કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વિના, એકલવાયે પંડે. રામ એ વિરહને માત્ર જીરવી જ નથી લેતા, પચાવી પણ લે છે ને પોતાના હૃદયમાં ભારી દે છે. અયોધ્યાના રાજવી તરીકેના કર્તવ્યમાં ક્યાંય એનો ઓછાયો પણ પડવા નથી દેતા. કેવું એ હૃદય! કેવું કૂણું! ને છતાં કેવું વજ્ર જેવું કઠિન! સીતાની સૂક્ષ્મ લાગણી પ્રત્યે કેટલું સંવેદનશીલ ને સજગ! ને છતાં, એ જ સીતાનો, વધારે મૂલ્યવાન કર્તવ્ય પ્રાપ્ત થયાં, રુંવાડું પણ ફરકવા દીધા વિના, પરિત્યાગ કરી દે તેવું કઠણ!

દિવ્યાર્થ સ્ફુરતાં વેંત. પાંપણના પલકારામાં, પોતાની સીતાને તજી દેનાર રાઘવનું એ હૃદય, કુસુમથી કોમળ અને વજ્રથી કઠણ હૃદય, મને કોઈ આપો! મારા આ સ્નેહદુર્બળ હૃદયને કોઈ એવું બનાવી દો!

આમ, આ કાવ્યમાં હૃદયની પાર્થિવ પ્રીતિની દુસ્ત્યજતાનું મર્મભેદક આલેખન કરવામાં આવ્યું છે. એમાં પદેપદે સંભળાતા કાલિદાસ અને ભવભૂતિના ભણકારા દ્વારા મહિમા તો રામના પુરાણપ્રસિદ્ધ પૌરુષનો બિરદાવવામાં આવ્યો છે, પણ વચમાં વચમાં આવતા ‘અહો’, ‘અહા’, ‘હા’, ‘રે’, ‘રેરે’, ‘અહ’, ‘અરે’ વગેરે ઉદ્ગારો દ્વારા નાયકના પોતાના હૃદયની અંતર્ગૂઢઘનવ્યથા પ્રકટ થઈ જાય છે. આ રીતે કેવળ વ્યંજના દ્વારા હૃદયદુર્બલ નાયકની અસહાયતા અને આકુલતા સચિત કરવામાં કવિકર્મનો વિશેષ છે.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book