થોડો વગડાનો શ્વાસ વિશે – ચંદ્રકાન્ત શેઠ

જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,

કવિ શ્રી જયન્ત પાઠકનાં કાવ્યોનું સંપાદન કરતાં ડૉ. સુરેશ દલાલે અભિપ્રાય તે સંપાદિત ગ્રંથનું શીર્ષક આપ્યું : `વગડાનો શ્વાસ’. એમણે એમ કરતાં આ કવિની કવિતાની ધોરી નસ બરોબર પકડી લીધી! ગુજરાતી સાહિત્યમાં વતનપરસ્તીનાં – વતનપ્રીતિનાં કાવ્યોનો જો સંચય કરવાનો હોય તો તેમાં અનિવાર્યતયા જયન્ત પાઠકની કવિતાને માનભર્યું સ્થાન આપવાનું થાય જ.

શ્રી જયન્ત પાઠકનીકવિતામાં કુલ-પરંપરાએ જ્યાં રહેવાનું હોય તે વતન – એટલો મર્યાદિત અર્થ `વતન’નો લેવાવો જોઈએ નહીં. અહીં વતનનો કવિની અસલિયત સાથે સંબંધ છે. કવિ જે કંઈ સ્થૂળ તેમ જ સૂક્ષ્મ દેહભાવે, સંસ્કાર તેમ જ સાંસ્કૃતિક ભૂમિકાએ છે તેની સાથે એમની અસલિયતને સંબંધ છે. માભોમ કવિના પગ તળે જ નથી; તે કવિના હાડપિંડમાં – લોહીમાંસમાં – રોમેરોમમાં – હૃદયમાં પણ છે. કવિના હોવાપણાનો તેમ જ થવાપણાનો આધાર – આશ્રય એ છે; કવિની હસ્તી અને એમની વ્યક્તિતાની એ બુનિયાદ છે. કવિમાંથી એમની ધરતી – એમની માભોમની બાદબાકી થાય તો શું બચે? આ કવિમાં જે કંઈ રંગ-રસ, તેજ-સત્ત્વ, હીર-હોંશ છે એમાં એમની માભોમનું – એમની વતનની માટીનું મોટું આલંબન છે. જેનો ખોળો કવિએ જન્મીને ખૂંદ્યો છે, જેના ખોળે કવિ ઊછર્યા ને ઘડાયા છે એ ધરતી સાથેનો કવિનો સંબંધ જનેતા જેવો જ સીધો લોહીનો – આત્મીયતાનો છે. કવિ પોતાના અણુઅણુમાં ધરતીનું અસ્તિત્વ, એનોવિસ્તાર, એનું સંવેદન કે પ્રસ્પંદ અનુભવે છે. કવિને માટે એમની આસપાસનું વાતાવરણ, આસપાસની ચરાચર સૃષ્ટિ એમની જ હસ્તીના એખ ભાગરૂપ છે. જે શ્વાસે એમના પંડનો ચરખો ચાલે છે એ શ્વાસમાં એમના વતનનો – વતનના વગડાનો શ્વાસ અનુભવે છે. કવિ એમના ગ્રામીણ-આદિવાસી પ્રદેશથી ભલેસંકડો કિલોમિટરદૂર સુરત શહેરમાં વસતા હોય, પરંતુ શહેરમાં વસતાં છતાં એ પૂરા શહેરી નથી; એમનામાં એમના વતનનો ગામઠી-તળપદો અંશ બચ્યો છે. અસલિયતની હવા એમને છોડી ગઈ નથી. વતનની ધરતીનું – ત્યાંની માટીનું આકર્ષણ – ખેંચાણ એ પ્રત્યેક શ્વાસે અનુભવતા રહ્યા છે. કવિ નગરમાં રહીનેય એમના આદિવાસી પહાડો સાથે, ત્યાંની નાની નદીએ સાથે; વનસ્પતિ ને પંખીઓ સાથે, ત્યાંના દિવસો ને રાત્રિઓ સાથે, ત્યાંના વાતાવરણ ને આકાશ સાથે આત્મીયતાનો પ્રબળ ભાવ અનુભવે છે. વતનમાં જે કંઈ જોયું, સાંભળ્યું, જે કંઈ સ્પર્શ્યું ને આસ્વાદ્યું એ બધું એમના અસ્તિત્વના અવિયોજ્ય અંશરૂપ અહીં પ્રતીત થાય છે. કવિ પોતાના વતનથીવેગળા રહીને તો પોતાને ખંડિત જ અનુભવે છે; પોતાની અખંડિતતા તો એમને પ્રતીત થાય છે વતનના પરિવેશમાં. વતનની હવા એમના પ્રાણમાં ધબકે છે. વગડાએ એમને છોડ્યા નથી અથવા એમનાથી વગડો છોડાયો નથી. વગડો એમનામાં અંત:પ્રવેશ કરી શક્યો છે. પહાડો પણ એમના પિંડનો ભાગ બની રહ્યાછે. કવિ સહજતયા, સરસ કલ્પનાએ પહાડોને પોતાના હાડ સાથે, નદીઓના નીરનો પોતાની નસોમાં વહેતાં લોહી સાથે, બુલબુલના માળાનો છાતી સાથે, આદિવાસીના તીણા તીરનો આંગળીઓ સાથે અને ઘાસનો પોતાના રૂંવાં સાથે સંબંધ કેવો છે તે દર્શાવે છે. એમના હાડમાંની અડીખમતા ત્યાંના પહાડોને આભારી હશે. એમની નાડીના ધબકારા ને વેગમાં હજુયે પેલી વતનની નદીઓના થડકારા ને વેગ પમાય છે.જે નદીમાં નાહ્યા હશે, ડૂબકી દીધી હશે, ખેલ્યા હશે તે નદીઓએ વતનમાં રહીનેય, કવિની નસોમાં વહેવાનું છોડ્યું નથી! જે બુલબુલના મીઠા ગાનનો કવિકર્ણે સ્વાદ લીધો છે તે આજેય કવિ શહેરી કોલાહલ વચ્ચેય યત્કિંચિત્ માણે છે. આદિવાસીના લક્ષ્યવેધી તીક્ષ્ણ તીરની સ્ફૂર્તિલી ચમક હજુ એની ચંચળ આંગળીઓમાં સળવળી રહી છે. કવિના શ્વાસે વતન શ્વસતું – જીવતું લાગે છે તો વતનના વગડાના શ્વાસે કવિ જીવતા લાગે છે : એમનું કવિપણું જીવતું સ્પંદતું લાગે છે.

આ કવિને વતનનાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સૌ સાથે ઘણો ઊંડો અને ઉત્કટ નાતો હોવાનું વરતાય છે. કવિને માટે વૃક્ષો પરાયાં કે બહારનાં નથી. સૂરતના તડકાને ઝીલતાં અને તેમાં ઝૂલતાં વૃક્ષોને જોતાં પોતેય વૃક્ષમાં રૂપાંતર પામે છે – વૃક્ષમય બની જાય છે. વૃક્ષોનાં પાંદડે પાંદડે પોતે જ તડકાનો સુવર્ણરસ ગ્રહે છે; પોતે પેલાં વૃક્ષનાં મૂળિયાં વાટે માટીની મત્ત મહેકની મસ્તી અનુભવે છે. વૃક્ષનાં પાંદડાં – મૂળિયાં તે જાણે પોતાની ઇન્દ્રિયોશા પોતાનાં જ હોવાનું કવિ પ્ર-માણે છે. કવિ દિવસના અજવાળામાં ફૂલ ફૂલ ઉફર ઊડતાં રંગબેરંગી પતંગિયામાં તે મજ રાત્રિએ અંધકારમાં ત્રમકારની રમઝટ મચાવતાં તમરાંમાં પોતાને જ અનુભવે છે. અને એ રીતે દિવસમાં અડધા ને રાતમાં અડધા અનુક્રમે પતંગિયાં ને તમરાંના અંગ તરીકે પોતે હોવાની મર્માળી વાત રજૂ કરે છે, કવિની કલામય અભિવ્યક્તિની ઊંચાઈ ઉત્તરોત્તર વધુ ને વધુ સધાતી પ્રતીત થાય છે. કવિ પોતાને અંધારામાં ને અજવાળામાં, ધરતીમાં અને આકાશમાં પ્રતીત કરે છે. પોતે જેમ અજવાળાના તેમ અંધારાનાયે ચાહક છે. અંધારાની અકળામણ કે એની ઉપેક્ષા નથી. દિવસ તેમ જ રાત, એ જ રીતે અજવાળું ને અંધારું – બે મળીને તેમના અખંડ અસ્તિત્વનું મનભર અને મનોહર પુદ્ગલ સિદ્ધ થાય છે. પોતે ધરતીના છે, ઐહિકતાના આદમી છે તો આકાશના, દિવ્યતા ને દૈવતનાયે આદમી છે. તેઓ સ્થાવરતાના જીવ છે તો તેઓ આકાશી અસીમતાના-ગતિમુક્તિનાયે છે. માટીની નિબદ્ધતા અને આકાશની નિર્બંધતા – બેયના કારણે તેઓ દૃઢમૂલ અને પ્રફુલ્લ રહી શક્યા છે – થઈ શક્યા છે. મનુષ્ય તેજ-અંધારું પૂતળું હોવાની વાત કવિ ખબરદારે કરેલી. આ કવિ જુદી જ રીતે, જુદા જ મિજાજમાં નરવી ને ગરવી રીતે પોતાની તેજ-અંઘાર સાથેની નિસબત દાખવતાં માટીના મનેખ તરીકે, આદિમ અસલિયતની પોતાની પિછાણ આપણને આપે છે. એ આપવાની એમની રીત કવિત્વની ચમત્કૃતિના પ્રતાપે પરચારૂપ ન લાગે તો જ નવાઈ!

પ્રસ્તુત કાવ્યમાં કવિએ પોતાની આગવી રીતે પ્રકૃતિ સાથે પોતાના વતનની માટે સાથે સંલગ્ન પોતાનું જે મૂળભૂત રૂપ છે, નિરપ્યું છે. કવિની પ્રસન્નતા એમની પ્રાસાદિક રચનારીતિમાં – કથનાભિવ્યક્તિમાં સહજસુંદર રીતે વ્યંજિત થાય છે.વતનની વાતે કવિ ખીલે છે; કવિ પોતાની અંદર જ એનો ભરપૂર સાક્ષાત્કાર પામે છે. આ કાવ્યમાં કવિનો ચહેરો વતનના ચહેરાથી, તો વતનનો ચહેરો કવિના ચહેરાથી વદુ મોહક અને આકર્ષક લાગે છે. કવિ શ્રી જયન્ત પાઠકની આત્મમુદ્રાના મંજુલમધુર, શબ્દાર્થ રમણીય આવિષ્કારરૂપ આરચના કવિની તો ખરી જ, ગુજરાતી ગીતકવિતાનીયે એક મોંઘેરી મિરાતરૂપ છે. નાદતત્ત્વે અને અર્થતત્ત્વે સંસિદ્ધ અને સમૃદ્ધ આવી ગીતચરનાઓ ત્રીજા નેત્રની પ્રસાદીરૂપ જ લેખાય.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book