અમૃત ઘાયલની અમે ધારી નહોતી એવી ગઝલ વિશે – ઉદયન ઠક્કર

ગઝલ

અમૃત ઘાયલ

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.
એમ પૂછીને થાય નહીં પ્રેમ
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

‘ધારી નહોતી એવી’ અને ‘અણધારી’ — એકની એક વાત કેમ બે વાર કરી? ઘાયલ ઉસ્તાદ છે, જાણે છે કે પ્રભાવ પાડવા માટે ‘દુબારા’ જરૂરી છે. પહેલી પંક્તિ સાંભળ્યા પછી શ્રોતાના મનમાં ચટપટી થાય — ધાર્યું નહોતું એવું તે શું કરી લીધું? કોણે કરી લીધું? બીજી પંક્તિમાં ફોડ પડે — અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. ગોઝારી એટલે હત્યારી. ‘ગો’ (યાને ગાય)ની હત્યા કરનાર પરથી આ શબ્દ આવ્યો છે. (અણ-ધારી ચોટ પહોંચાડવા સારુ અજાણી આંખડીએ ધારી-ધારીને જોયું હશે.)

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

અમે કોઈનેય ગાંઠતા નહોતા, મનના માલિક હતા. પરંતુ હવે મન કોઈનું તાબેદાર થયું છે. અમને પ્રેમમાં જીવન દેખાયું છે. જેવું મનને ‘માર્યું’ કે તરત ‘જીવન’ મળ્યું. પરસ્પરવિરોધી લાગતાં વિધાનોને કવિએ આશ્ચર્યજનક રીતે સાચાં પાડ્યાં છે. ઘાયલ નિબંધકાર હોતે, તો લખતે ‘અમે જીવનની તરફદારી કરી લીધી’. પરંતુ ગઝલકાર છે, માટે કહે છે, ‘કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.’ જીવન સાથે સીધો સંવાદ માંડીને કવિએ પંક્તિને જીવંત કરી છે.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

‘અલગારી’ એટલે મસ્ત, કોઈના કહ્યામાં ન રહે તેવું. કવિ અલગારી મનને ઠપકો આપે છે : અલ્યા, તું પરબારું પ્રીત કરી બેઠું? મને પૂછ્યુંયે નહીં?

એમ પૂછીને થાય નહીં પ્રેમ
દરિયાના મોજાં કૈં રેતીને પૂછે :
તને ભીંજાવું ગમશે કે કેમ?

– તુષાર શુકલ

આપણે ‘વળી’ શબ્દ વળીવળી જોવો પડે. આ કંઈ પહેલી વારનું નથી. કવિનું મન પ્રેમમાં પડવાનાં પરાક્રમો અવારનવાર કરી ચૂક્યું છે! ‘પરબારી’ જેવો તળપદો શબ્દ મીઠો લાગે છે. કાઠિયાવાડી શબ્દો, રૂઢિપ્રયોગો અને લહેકાઓથી ગઝલનો  ચહેરો ઊજળો કર્યો હોય, તો એક ઘાયલે.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

‘કસુંબલ’ આંખડી — કસુંબાના ફૂલમાંથી નીતરતા રંગ જેવી, રતાશ પડતી. ઘેન ચડાવે તેવી. કસબ એટલે હુનર. આંખડી કસબી છે — કલેજું કાપતી નથી પણ કોતરે છે, એ પણ કલામયતાથી. આપણે ઊંહ… ઊંહ કરીએ કે વાહ… વાહ કરીએ? કસબી તો કવિયે છે — બે પંક્તિમાં સાત ‘ક’કાર મૂકી આપે છે. કલેજું એટલે આમ તો કાળજું — ‘લિવર’ — પણ એનો લાક્ષણિક અર્થ થાય હૃદય કે અંતઃકરણ. ઘાયલની મીનાકારીને આપણે મરીઝના નકશીકામ સાથે સરખાવી શકીએ –

બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર,
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે!

(હસ્તધૂનન)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book