રાનમાં કાવ્ય વિશે – હસિત બૂચ

મણિલાલ દેસાઈરાનેરી

રાનમાં

પવન પેટો રાનમાં તોયે

રીસનું નામ જ કિસમિસ. ગુસ્સાને વળી કોણ એ નામે બોલાવે? રીસ રગે રગે ખટમીઠી. એમાં મજા જ અવળસવળના એકરૂપત્વની. એ મજા ‘પવન પેઠો રાનમાં’થી આરંભાઈ ‘આજ હપરવે દા’ડે ઝાડવો ઝાંખરે ભવાં કેમ ખેંચેલાં?’ ત્યાં લગણ એવી પૂરપાટ ઊડે છે કે મન ફરી ફરી એની પાંખે ચડી લે છે. મિજાજ મોહક, લય લહરલહર, ઉક્તિ પર ઉક્તિ કે પૃચ્છા પર પૃચ્છા રંગીન ને મરોડદાર, વાતારણના રોમાંચે તરવરતી પદયોજના, બધું જ એકબીજામાં એકરૂપ, વિશદ, તોયે માર્મિક ને સૂચક.

આ મણિલાલ-રાનની કેટલીય સાન કળી ગયેલો કવિ. એણે એ સાન ગાઈ છે એવી સહજતાથી કે… (મણિલાલ, આમ ચાલ્યા જવાતું હશે? હજી કંઠ ખોલ્યો ત્યાંજ? ગુજરાત કોલેજમાં હું તાસમાં…ન મળાયું. તે સાંજે ઘેર આવ્યો તું; સાથે બહેન, તે મારી વિદ્યાર્થિની. બીજી વાર પણ એમ આવ્યો ને કાવ્યો વાંચ્યાં તેં… પછી મળ્યા. તે તારી એ બહેનને ઘેર. ત્યારે વળી બીજાં નવાં કાવ્યો લાવેલો તું… બસ, કાળે મારા પર હસી લીધેલું ત્યારે, તેની ખબરે નહીં… ઓચિંતું એક સવારે જાણ્યું કે એણે તારા પર હક કરી લીધો હતો… ગુજરાતને સૂનું કરતો એ હક ભૂલી જવો? નિરૂપાય? ન ભુલાય મણિલાલ-કારણ ન ભુલાય કવિ.)

‘પવન પેઠો રાનમાં તોયે’ – એવી યાદ દૃઢ કરનારી રચના છે. રાનમાં પવન પેઢો, તોય ઝાડ કેવાં થીર બેઠાં છે? ઊભાં રહેવાનું વ્રત પણ ટાળીને! પાતરાં-પાને પાન આંખો મીંચી બેઠાં છે ને ફૂલ ડાચું ફેરવીને… હેં ખૂલ ‘ડાચું’ ફેરવીને બેઠાં? મનને પાકો ઇશારો મળી ગયો છે અહીં કે રચનાનો મિજાજ કેમનો છે! ‘મનમાં હાનું ભૂત ભરાયું?’ અને ‘પઈડું’ ‘કિયે ઠેકાણે’ ‘વાંકું’ થયું હશે? એ પૃચ્છા ભોળી એવી જ મર્માળી ‘ફીલ’ થાય છે. હજી આ ‘પાતરાં’ તો જાણે ‘મરવા બેઠાં’ છે બધાં! ‘હાનું ભૂત ભરાયું?’ એમ આપણું મન પણ પ્રશ્ન દોહરાવી લે છે. બોરનારું જણ આપણામાં એવું છવાઈ જાય છે કે પેલું ‘હાનું’ ને ‘હું તા’ ને ‘ડાચું’ જેવું બધું જ કવિતા હેમખેમ બક્ષતું લાગે છે.

આ રાનના એવા તે આજે શા ભોગ ભરાયા હશે કે પેલી આમલી ‘બાવરિયા’ પર ‘મોઈ પડેલી’ છે ને ઝાડે ઝાડ મનમાં હીજરાય છે? અરે, દિવસ તો છે સપરમો. એવા ‘હપરવે દાડે’ તે વળી, ઝાડઝાંખરે ભવાં કેમ ખેંચેલાં હશે? પૂછનારું હોય, એ જ છે ઓલી રીસનું મીઠડું ભાયગને?’ મોઈ પડેલી–તે ‘હપરવે દા’ડે’ તો’સ્તો, મીઠપે સભર છે.

રાનનો જીવ જ બોલે છે. મિજાજ છે જોબનનો જ. એકેકું ચિતર એવબેવડી અદાએ ખીલ્યું છે. જીવનની આવી પળ એ ‘હપરવો’ દહાડો જઃ પૂછનારું ને સાંભળ્યું ન સાંભળ્યું કરનારું, બે મળે ત્યાં આવી પળ ટપકે જ ટપકે. પેલી પંડિતોની ચર્ચા Pathetie Phlbacy ઉર્ફે વૃત્તિમય ભાવાભાસ ઉર્ફે અસત્ય ભાવારોપણ ઉર્ફે ઊર્મિજન્ય ભાવાભાસને ચાકડે ચડેલા ચર્ચા, આવે ‘હપરવે દા’ડે કવિતામાં તો આઘે જ ટળે ને? સમજતા હતા એ વાત ફિલસૂફ આનંદશંકર. અભેદની તેજસળીએ એમણે એ સમજી લીધેલું. ન સમજે, જેના ‘ભોગ ભરાયા’ હોય તે! અલમ્. ‘આરણ્યક’ નવલકથાની યાદ, એની મુલાયમ ગંભીરતા, આ રચનાની કણી-તરલતા સાથે સાંભરી આવે જ. માણસના મનનું છે જ એવું; એની વાત એક અને અદા નોખી-નોખી. અહીંયે પ્રેમ પૂરેપૂરો ફૂટ્યો-ઢળ્યો છે મનમાંના કોઈ પર, ને સાથે ફૂટ્યો-ઢળ્યો છે સમસ્ત આસપાસ પર. સખ્યનો આ ફેલાવાનો સ્વભાવ… માણસની એ જ અમીકૂપી.

‘કિયે ઠેકાણે’ની લયવહનમાંની ખટકે તો હોય; પૂછનારું જણ ક્યાં સ્વસ્થ છે? નથી? પાકો ઈતબાર ખરો જ, કે રીસ જઉં – જઉં તો કરે છે જ; જરૂર છે એને માત્ર કશાક અનુનયની, કોઈ મનામણાંની, કોઈ ‘શું થયું? કેમ આમ? કંઈ નહીં કહે?’ એવું એવું દ્રવિત થઈ પૂછનારની. એવું પૂછનારું અહીં મળ્યું છે. અરે, આ પૂછનારું જણ તો બોલેબોલે એવું તો પોતાનું અસલી રૂપ ઢોળે છે કે ‘ફૂલ બેઠાં છે ફેરવી ડાચું!’ યા ‘મનમાં હાનું ભૂત ભરાયું?’ જેવું સાંભળતાં રીસનું માંહ્યલું જળ મલક મલક જ થાય. બાની, લય, મૂડ, સૂચન, બધું કોઈક આગવે સ્પર્શે પ્રાણમય બનેલ છે.

આધુનિક ગીતકવિતાની આ તળપદી અલ્લડતા નખશિખ નૈસર્ગિક છે. તે મણિલાલની આ રચનામાં વરતાય છે. એમાં જે ચિત્ર છે, જે ગાણું છે, ને જે કવિતા છે, તેની ખૂબી એથી જ છે. વાતાવરણ કવિતાને રૂંવે રૂંવે ફરકે અને કવિતા વાતાવરણની રગે, રગને કૂજતી કરે, એવું અહીં બન્યું છે. કવિતા ‘અ-વાસ્તવિક’માંયે સચ્ચાઈની રોનક, કેવી સહજતા એ રમતી કરી દે, એય આ નાના ગાનમાં સમજાય છે. આ ગાણું… એના શબ્દો થોડા બદલીએ તો? એનો લય જુદો જ રચીએ તો? ક્યાંક ‘આજે’/‘હીજે’ જેવા જોડકે પ્રાસ-દુરસ્તી કરી લઈએ તો? ન ચાલે, ન ચાલે, ન ચાલે. કેમ? જવાબ કવિતાની સુગંધ પામનાર પાસે છે.

(ક્ષણો ચિરંજીવી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book