રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે કવિની કૅફિયતનો અવાજ – લાભશંકર ઠાકર

સાંજ તો ક્યારનીય ઢળી ગઈ છે. રાત પણ પડી ગઈ છે. કારમાં આગળ બેઠો છું. મારી પાસે મારો દૌહિત્ર પ્રત્યૂષ બેઠો છે. અનુભવ યાદ કરીને લખું છું જે સમયનો તે સમયે તો એની વય માંડ અઢી વર્ષની હશે. એ સડસડાટ માતૃભાષા ગુજરાતી બોલતો થઈ ગયો છે. પણ ઊતરતી રાત્રિના સમયે, ચાલતી કારમાં, પ્રત્યૂષ ગાઈ રહ્યો છે. કોઈ શીખેલું — સાંભળેલું ગીત નથી. પણ એ ગાઈ રહ્યો છે. શબ્દો છે, ભાષા છે, વ્યાકરણશુદ્ધ પંક્તિઓ છે. પણ એમાં જે કૅફ છે તે લયનો છે. અઢી વર્ષનો પ્રત્યૂષ શીઘ્ર શબ્દપંક્તિઓ સરજીને ગાઈ રહ્યો છે ચકચૂર. રસ્તામાં માલગાડી પસાર થઈ તો એ ‘માલગાડી જાય છે’ એવું કંઈક ગાઈ રહ્યો છે. નિજાનંદમાં એ લયમસ્ત છે. આ ક્ષણોમાં એ પરિવાર વચ્ચે છે. પાકી સડક પરથી વાહનમાં પસાર થઈ રહ્યો છે. નગરમાં છે, માનવસમૂહમાં છે, આકાશની નીચે પૃથ્વી પર છે. પણ છતાં એ નિજમાં છે, નિજાનંદમાં છે, આ આનંદ એના લયકૅફમાં વ્યક્ત થતો અનુભવાય છે. નિજમાંથી વાણીમાં, વાણી રૂપે લયામૃત પ્રગટ થાય છે. એ પોતે જ એ લયામૃતનો સર્જક છે. અને એ પોતે જ એનો શ્રોતા છે. અહીં આ ક્ષણોમાં સર્જક-સર્જન-ભાવક અભિન્ન હોય, ઇનસેપરેબલ હોય તેમ કહેવામાં કંઈ ક્ષતિ છે?

પ્રત્યૂષની વાત છે તે મારી પણ વાત છે. લયના કૅફની કૅફિયતમાં મારો આરંભ છે. આ લખું છું ત્યારે સત્તાવન વર્ષની વયે પણ લયનો કૅફ ઊતર્યો નથી. મેં કાવ્યો લખ્યાં છે મિત્રો, અમુક સંખ્યામાં, તેનાથી સહસ્રગણાં કાવ્યો હું ગણગણ્યો છું. મનમાં કે મોટેથી શબ્દપંક્તિઓ સરજી સરજીને ગણગણવાની અને એનો શ્રવણીય આનંદ લેવાની મને બહુ મઝા આવે છે. બેઠો હોઉં ઘરમાં, રિક્ષામાં, કોઈ વાહનમાં; ઊભો હોઉં અગાશીમાં, રસ્તા પર કે ગમે ત્યાં; સૂતો હોઉં પલંગમાં કે રેલવે-ટ્રેનના પાટિયા પર : મારી એકમાત્ર પ્રિય પ્રવૃત્તિ રહી છે ગણગણવાની. પંક્તિઓ સર્જાય, લયાનુસંધાનમાં એકાધિક પંક્તિઓ સર્જાય, ગણગણતો હોઉં, સાંભળતો જાઉં અને ચિદાકાશમાં માત્ર આનંદ મૂકીને એ પંક્તિઓ સરી જાય. યાદ પણ ન રહે. ભૂંગળીમાં રચનાઓ મૂકીને નદીમાં તરતી મૂકવા જેટલી સભાનતા પણ નથી. કશા પણ મમત્વ વગર એ સરી ગઈ છે. આજે પણ સરી જાય છે. મને લાગે છે આ ક્ષણે તે લખું છું. કદાચ મને જેલની કોટડીમાં કે એસાઇલમમાં એકલો પૂરી રાખવામાં આવે તો હું માત્ર ગણગણીને, સાંભળીને કલાકોના કલાકો, દિવસોના દિવસો, સમગ્ર શેષ જીવન પસાર કરી શકું, કંટાળાની ફરિયાદ વગર કરી શકું. મારે જોઈએ મારા મસ્તિષ્કમાં મારી ગુજરાતી ભાષા. મનમાં ગણગણું તોપણ મારા બધિર કાન એ ગણગણાટને સાંભળી શકે. એમાં વહેતા લયામૃતને પી શકે. પછી મૃતત્વ મને સ્પર્શી શકે નહિ. હું જીવી જાઉં છેલ્લી ક્ષણ સુધી. મારી આ કૅફિયત લખવાના આરંભમાં મારી કાવ્યસર્જનની વૃત્તિના મૂલપર્યંત તાકીને જોઉં છું તો લયના થડકારા મને સંભળાય છે કારણ રૂપે. પ્રત્યૂષ કે કોઈ પણ માનવબાળની વાત હોય, તેઓ શિશુવયમાં જ વાણીના લયાત્મક થડકારાનો કૅફ માણી ચૂક્યાં હોય છે. વાઙ્મય સંકેતો હશે, પણ લિપિ નહિ હોય તેવા મનુષ્યજાતિના આદિમ કાળમાં પણ વાણીના લયાત્મક થડકારા હશે. લય એ કાવ્યનું root છે. બેઝિકલી કાવ્યમાત્ર લયમૂલક છે. મારું પ્રથમ કાવ્ય આખું મને યાદ નથી. મારી વય દશેક વર્ષની હશે. એ રચનામાં શબ્દો છે, અર્થો છે; પણ એમાં કશું રોમાંચક નથી. એમાં મને જે રોમાંચ થયો હશે એ ક્ષણોમાં તે તો લયનો જ.

સુખો ઘાંચી કેરી લાવે
મનુ-કનુને કેરી ભાવે

– આવો એ રચનાનો આરંભ હતો. કોઈ સુખો ઘાંચી ન હતો. અને કોઈ કેરી વેચવા નીકળતું ન હતું. એવી કોઈ વિગતમાં કશું આશ્ચર્યજનક ન હતું. રોમાંચક હતો લય. મેં એ લયાત્મક રચના કરી હતી એનો મને આનંદ હશે. મારી એ સર્વપ્રથમ રચનાના પ્રથમ વાચક હતા મારા પિતાશ્રી. એમણે રચના વાંચી. પ્રસન્ન થયા. પછી હોલ્ડર ખડિયામાં બોળીને રચનાના એક સ્થાનમાં ‘લયભંગ’ થતો હતો તે સુધાર્યો. એ ઉંમરે ‘લય’ શબ્દ જાણતો ન હતો; પણ પિતાએ શું અને શા માટે સુધાર્યું છે તે કાનથી (રાઇટ, કાનથી) હું પામી ગયો હતો.

હજુ ઘોડિયું — પારણું છૂટ્યું ન હોય, હજુ ભાંખોડિયાં ચાલવાનું શરૂ થયું ન હોય એવા, પડ્યા પડ્યા હાથ-પગ હલાવતા, બાળકને ‘લખારો’ કરતાં સાંભળ્યું છે ને? ‘લખારો’ એ સૌરાષ્ટ્ર બાજુ પ્રયોજાતો શબ્દપ્રયોગ છે. ગુજરાતમાં પણ પ્રયોજાતો હોય. આ લખારામાં અવાજના લયનો આરંભ છે. આમ તો જન્મોત્તર રુદન સુધી એનું મૂળ જોઈ શકાય. પણ એટલે સુધી ન જોઈએ. એ રુદનને માત્ર જૈવિક, બાયોલોજિકલ ઘટના ગણીએ. પણ આ લ-ખા-રાનું સ્ટેજ મારી વાત માંડીને બેઠો છું તેમાં વધુ ધ્યાનાકર્ષક લાગે છે. આ vocalic sounds છે. પણ એ non-cry vocalic sounds છે. બાળક આવા નોન-ક્રાય વોકલિક અવાજ — અવાજો — લખારાનો શ્રોતા હોય છે ત્યારે એ લયમસ્ત હોય છે. એ સ્વયં પોતાના લખારાનો શ્રોતા હોય છે. લયાત્મક અવાજ કરનાર, એ અવાજ સાંભળનાર, અને એનો આનંદ પામનાર અભિન્ન એવી એક ચેતના હોય છે. આ લખારાને અંગ્રેજીમાં cooing કહે છે. ‘કૂ’ (coo) એટલે હળવો ગણગણ અવાજ. કબૂતરના જેવો ધીમો સૌમ્ય અવાજ. મને એમ કહેવું ગમે છે કે આ કૂઇંગમાં મારા લયનાં બીજ છે. કૂઇંગ કરતું બાળક હજુ એક વર્ષનું પણ નથી હોતું. એ પછીની બીજી અવસ્થામાં speech sound discirminations આવે છે. દા.ત., બા/પા. વાણીના સાઉન્ડમાં ભેદ-વિવેક બાળક બોલી-સાંભળીને કરી શકે છે. કૂઇંગમાં માત્ર વોકલિક સાઉન્ડ્ઝ છે. લયનું બીજ ફૂટે છે એ સાઉન્ડમાં જે speech sounds રૂપે ઓળખાય છે. આ બીજી ભૂમિકામાં અવાજનો લય એ ભાષાના લયમાં, ભાષાના લય રૂપે આરંભાય છે. કાવ્યલયનો આ ભૂમિકાથી આરંભ થાય છે. મારું કાવ્યજીવન બા-ચા-પા-થી આરંભાયેલું છે એમ ‘પ્રવાહણ’ નામના મારા દીર્ઘકાવ્ય (૧૯૮૫)ના અંતભાગમાં વ્યક્ત થયું છે.

મારું
      બા ચા પા થી
                   આરંભાયેલું
કાવ્યજીવન
             વિષ્ટાવિઝનમાં –
                   કરાંઝે છે
                          કમોડ પર
                                એકાંતમાં
ને
આઈ એમ ઇનકૅપેબલ ઓવ કીપિંગ સાઇલન્ટ
ઊંહ… ઊંહ…

પણ ‘પ્રવાહણ’ની વાત પર પછી આવીશ. ‘કવ્’ ધાતુનો અર્થ થાય છે જાણવું — to know. આ ‘કવ્’ ધાતુ પરથી ‘કાવ્ય’ અને ‘કવિ’ શબ્દો બનેલા છે? મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. એ મર્યાદા સ્વીકારીને મારી સમજ અહીં ક્રમશ: ઊપસવા દઉં છું. બાળક જે વયથી, જે ક્ષણથી ભાષાના સાઉન્ડ્ઝને discriminate કરતું થાય છે તે ક્ષણથી એનો જાણવાનો, સમજવાનો આરંભ છે. બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. કાવ્ય કોને કહેવાય એવી વ્યાખ્યા કરવામાં મને ખાસ રસ નથી પડતો. એટલે મારા દૃષ્ટિવ્યાપમાં બા-ચા-પાથી કાવ્યજીવન આરંભાય છે. એક સ્પષ્ટતા કરી લઉં : જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયમ્ ઇન્દ્રલિંગમ્. અર્થાત્ વિશ્વના ઐશ્વર્યનો બોધ કરવો તે ઇન્દ્રિય. ઇન્દ્રિયબોધ વિના વિજ્ઞાનબોધ કે કલાબોધ સંભવિત નથી. ભિન્ન ભિન્ન કળાઓમાં કોઈ ને કોઈ ઇન્દ્રિયબોધનું પ્રાધાન્ય હોય છે. કાવ્યકળામાં આવું પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. એમાં ચક્ષુબોધ વગેરેનું વધતું-ઓછું પ્રવર્તન હોય છે; પણ પ્રાધાન્ય શ્રોત્રબોધનું છે. કેમ કે શબ્દ એ સાઉન્ડ છે અને સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયનો ‘વિષય’ છે. સાઉન્ડ એ શ્રવણેન્દ્રિયાર્થ છે. શબ્દબોધ એ સર્વપ્રથમ ‘સીધી’ શ્રવણગોચર ‘ભૌતિક’ ઘટના છે. મારે સ્પષ્ટતા એ કરવી છે કે વિશ્વબોધ માત્ર શ્રોત્રથી થાય છે તેમ નથી. પણ સંગીતકાર, કવિ માટે વિશ્વબોધ એ મહદંશે શ્રવણબોધ છે. ચિત્રકાર, શિલ્પી માટે વિશ્વબોધ એ મહદંશે ચક્ષુબોધ છે. કોઈ એક ઇન્દ્રિય દ્વારા વિશ્વબોધ  કળાકારો પામતા હોય છે, અનુભવતા હોય છે, તેવું શા માટે? એવું વૈયક્તિક ચૈતસિક વલણ, સ્વાભાવિક વલણ (aptitude) છે તેમ કહેવા સિવાય વધારે સમજણ  મારી પાસે નથી. મનુષ્યની એક વ્યાવર્તકતા એ એની જિજ્ઞાસા છે, એને જાણવાની ઇચ્છા છે. પ્રબળ ઇચ્છા છે. ઇન્દ્રિવ્યાપાર અને તર્કવ્યાપાર દ્વારા પણ માણસ ‘સ્વ’ અને સ્વ-ના સંદર્ભરૂપ ‘વિશ્વ’ના રૂપને જાણવા જે વ્યાપારમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે છતાં ઇન્દ્રિયાર્થની તાકિર્ક ઉપલબ્ધિ એ વિજ્ઞાન છે. કળાની ઉપલબ્ધિમાં સમગ્ર ચેતનાના સર્વ અંશો પ્રવર્તમાન હોય છે. પણ એમાં ભાવ (લાગણી) અને કલ્પના વિશેષ રૂપે પ્રવર્તતાં જણાય છે. તર્કનું, વિચારનું, બુદ્ધિવ્યાપારનું પણ એમાં આંશિક પ્રવર્તન હોય. ચેતના, સંવિદ જે તે અંશો રૂપે ખંડિત નથી. તે અખંડ છે તેથી વિજ્ઞાન અને કળા ઉભયમાં એનું અખંડ પ્રવર્તન હોય છે; છતાં આ બન્ને પ્રવર્તનોમાં ભેદ છે. વિજ્ઞાન વિશ્વના કોઈ ને કોઈ અંશને ઇન્દ્રિયાર્થ રૂપે, સામગ્રી રૂપે પ્રાપ્ત કરી બૌદ્ધિક વ્યાપારથી એ અંશમાં પ્રવર્તતા નિયમને — નિયમોને પૃથક્કરણથી  જાણે છે. કળા ઇન્દ્રિયાર્થના બૌદ્ધિક પૃથક્કરણરૂપ તાકિર્ક તારતમ્યમાં રસ ધરાવતી નથી.  એ ઇન્દ્રિયાર્થને ભાવ રૂપે, રસ રૂપે અનુભવે છે. એટલે કળાબોધ એ અંતિમ ક્ષણ સુધી ઇન્દ્રિયાર્થાનુભવ (sensation) રહે છે, કળા આ અર્થમાં સેન્સ્યુઅસ છે. તે સેન્સ્યુઅસ છે તેથી અનુભવ છે, ભાવાનુભવ છે, રસાનુભવ છે.

ઇન્દ્રિય વિના વિજ્ઞાનનો પણ સંભવ નથી. ઇન્દ્રિય વિના કળાનો પણ સંભવ નથી. આ વિષયમાં વિસ્તારભયે હું ઊંડો ઊતરતો નથી. ઊંડા ઊતરવાની મારી ક્ષમતા પણ નથી, પણ કળાના ઇન્દ્રિયાર્થમાં અને વિજ્ઞાનના ઇન્દ્રિયાર્થમાં ભેદ છે. વિજ્ઞાનમાં પૃથક્કરણ પછી પથ્થર છેક સુધી પથ્થર રહે છે. કળામાં, જેમ કે શિલ્પકળામાં, પથ્થર ભૌતિક દૃષ્ટિએ છેક સુધી પથ્થર રહેવા છતાં અંતે એક કલ્પવિશેષ બની જાય છે. પણ હવે કાવ્યની જ વાત કરું. કાવ્ય સીધા ભૌતિક, રિયલ ‘પથ્થર’નો પણ વિનિયોગ કરતું પ્રવર્તન નથી. કાવ્યમાં આવતો પથ્થર એ ભૌતિક પથ્થરના પ્રતીકરૂપ એવો શબ્દ છે, સાઉન્ડ છે. સંકેત એ તરફ છે કે કાવ્યમાં ‘જીવન’ કે ‘જગત’ એ સીધું પ્રવેશતું નથી. કાવ્યનું જગત તે શબ્દજગત છે. ભલે શબ્દબ્રહ્મ એ વિશ્વબ્રહ્મનું મનુષ્યજાતિએ ઝીલેલું પ્રતિબિંબ હોય. પણ કાવ્ય એ શબ્દથી, શબ્દમાં, શબ્દ રૂપે અનુભવાતો સાક્ષાત્કાર છે. કાવ્યનું ઉપાદાન જીવન નથી. પણ ‘શબ્દ’ છે. શબ્દ જીવનનો જ એક ભાગ છે. તેથી જીવનની બાદબાકી અહીં અભિપ્રેત નથી; પણ જીવનનો શબ્દથી, શબ્દમાં, શબ્દ રૂપે અનુભવ — અનુભાવન તે કાવ્યકળા છે. કાવ્યચેતના એ શબ્દચેતના છે, વાઙ્મય ચેતના છે.

એક કાવ્યસર્જક તરીકેની કૅફિયતની રજૂઆત કરતાં કરતાં મારે કંઈક માંડણી કરવી પડે છે. ઉપર પ્રમાણેની એકાક્ષરી શબ્દની અલગ ઓળખ અને ઉચ્ચારણની ક્ષમતા સાથે મારા કાવ્યત્વનો આરંભ છે. વાણી દ્વારા જ સ્વ અને સ્વના સમગ્ર સંદર્ભ રૂપે વિશ્વને પામવાની લગની, ભલે મારા શૈશવમાં હોય એનાં roots,  ભલે એની આજે મને કોઈ જાગ્રત સ્મૃતિ ન હોય; પણ એવી લગનીનું હું અનુમાન કરી શકું છું. આ aptitudeનાં મૂળ એટલાં ઊંડાં હશે, સૂર્યોદય જેટલો જ આનંદ શબ્દોદયમાં અનુભવ્યો હશે, છે. તે આનંદ શબ્દહિલ્લોલથી અનુભવ્યો હશે / છે / શ્રવણીય, યેસ. મારા શૈશવના અશબ્દ લયબદ્ધ લખારા અસંખ્ય સરી ગયા હશે. તે પછીના સશબ્દ ગણગણાટો લયબદ્ધ, શૈશવમાં — કૈશોર્યમાં — કૌમાર્યમાં — યૌવનમાં — પ્રૌઢાવસ્થામાં આ ક્ષણ સુધી સરી ગયા છે. પ્રથમ કાવ્યરચના પછીના એ દિવસો યાદ આવે છે. રોજ હું ઘણાં કાવ્યો રચતો કાગળ પર. સપ્તાહમાં એક કાવ્યસંગ્રહ થાય એટલાં કાવ્યો રચાતાં હશે એમ કહેવામાં અલ્પોક્તિ છે. અરે ક્યાં ગયા એ મારા કિશોરવયનાં અસંખ્ય કાવ્યો? મને કંઈ યાદ નથી. રોજ હું ઘૂંટીઘૂંટીને શું શબ્દાર્થો ઘૂંટતો હતો? એમ કહી શકું કે હું વાણીને આત્મસાત્ કરતો હતો; મારી માતૃભાષાને આત્મસાત્ કરતો હતો; દીર્ઘ પરંપરાઓથી, સદીઓથી, ખળખળ વહેતી મારી માતૃભાષાના અનેકાનેક વહેળાઓના લયોને હું આત્મસાત્ કરતો હતો; અનેકાનેક શબ્દાર્થો ઘૂંટતો હતો? એમ કહી શકું કે હું વાણીને આત્મસાત્ કરતો હતો; અનેકાનેક શબ્દોને સદીઓથી ચીટકેલા અર્થોને હું આત્મસાત્ કરતો હતો; ઘરમાં, આસપાસ, ગામમાં, પ્રસંગોમાં, ઉત્સવોમાં, વિધિઓમાં, પ્રગટતા વાઙ્મય લયોને મેં તન્મયતાથી પીધા છે અને એવી તન્મયતાથી શબ્દની અંદર-બહાર-ઉપર-નીચે ચીટકેલા અર્થોને મેં કાનથી વાંચ્યા છે, કાનથી ચાખ્યા છે, કાનથી સૂંઘ્યા છે, કાનથી સ્પર્શ્યા છે. આ બધું જ કોઈ સ-ભાન, સ-હેતુક ચેતનાથી નથી થયું. આ બધું જ અભાન નિર્હેતુક ચેતનાથી, લીલયા થયું છે. સાંભળેલા વાઙ્મય લયોને અને અનુભવેલા શબ્દાર્થોને શિશુ-કશોર-કુમાર-યુવાન વયમાં આત્મસાત્ કરીકરીને કાવ્યરમતો રૂપે એ આત્મસાત્ સામગ્રીમાંથી, એ લયો અને શબ્દાર્થોમાંથી કાવ્યકલ્પો કરવામાં મને જેવો આનંદ આવ્યો છે તેવો આનંદ મને બીજા કશામાં આવ્યો નથી.

તાદાત્મ્ય પરંપરિત વાઙ્મય લયો સાથેનું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં એ તાદાત્મ્યના પ્રગટ કાવ્યાલેખો છે. આ તાદાત્મ્ય તીવ્રતાથી ચાલ્યું હશે શિશુ–કિશોર વયથી; પણ એ, એ જ વયાવસ્થામાં જરીક જરીક તૂટતું પણ રહ્યું હશે. ઝીણી ઝીણી તડ પડી હશે એ તાદાત્મ્યમાં. કેમ પડી હશે તડ? મને લાગે છે પરંપરાથી ઊછળતો, વહેતો શબ્દ આત્મસાત્ થયો હશે અને એ શબ્દ-શબ્દમાં પડતી તડ-તડો પણ આછી આછી નોંધાતી રહી હશે. તિરસ્કાર જોયો હશે મનુષ્ય દ્વારા મનુષ્યોનો અને ‘પ્રેમ’ શબ્દને તડ પડી હશે. પ્રેમાર્થનો કોઈ પ્રત્યક્ષ, સાક્ષાત્કાર નહિ થયો હોય અને ‘પ્રેમ’ શબ્દ બોદો લાગ્યો હશે. ઘૂમતો, ગાતો, માણસ જોયો હશે લયબદ્ધ; તો સાથે સાથે એના બાહ્ય લયાનુવર્તના આડંબર નીચે એના તૂટી ગયેલા આંતરલયને પણ કંઈક ઝાંખો-પાંખો જોયો / સાંભળ્યો હશે. મને લાગે છે કે તૂટવાની, તડ પડવાની ચૈતસિક પ્રક્રિયા ઘણી આછી અને ઘણી ધીમી હશે. સ્મૃતિ કહે છે કે એ અંગેની સભાનતા પણ હશે / હતી. પણ આશ્ચર્યથી ભાષામાં પ્રતિબિંબાતાં સ્વરૂપોને, મનુષ્યના મનુષ્ય સાથેના, અન્ય જીવો સાથેના, સર્વ સ્થાવરો-જંગમો સાથેના, પ્રકૃતિ સાથેના દીર્ઘ પરંપરાથી વહી આવતા અનંતવિધ, નાનાવિધ, અસ્પષ્ટ, સકલ, સંકુલ સંદર્ભોનાં રૂપોને, કાન માંડીને સાંભળવામાં અને આત્મસાત્ કરવામાં જે સ્વાભાવિક લગની લાગી હશે તેની તન્મયતામાં તદ્રૂપતામાં પેલી આછી આછી, તૂટતી વાઙ્મય તરડો નહીંવત્ સંભળાઈ હશે. હું સાત વર્ષે એકડિયામાં બેઠેલો મંદચેતસ્ જીવ. મારું ચેતસ્તંત્ર સ્લગિશ છે, મંદ બાળક પડ્યું પડ્યું કલાકો સુધી અર્ધ નિદ્રામાં ધાવ્યા કરે એમ ભાષાને ધાવવામાં ઘણાં વર્ષો પસાર થયાં છે. છંદોને મેં જાતે શીખીશીખીને આત્મસાત્ કર્યા. પછી એ અક્ષરમેળ છંદોને અને માત્રામેળ છંદોને મોંમાં લઈને ચૂસવામાં પણ કંઈ ઓછાં વર્ષો ગયાં નથી. એ છંદો ખરેખર સ્તનો હતાં કે ધાવણી હતા? ચૂસણી હતા? મુખ્યત્વે ‘કુમાર’માં અને કંઈક ‘સંસ્કૃતિ’માં મારી છંદોમય રચનાઓ પ્રગટ થઈ છે. અર્લી સિક્સ્ટિઝમાં ‘કુમાર’માં પ્રગટ થયેલી કાવ્યરચનાઓ માટે કુમાર ચન્દ્રક પણ મળેલો. કાવ્યગુરુ બચુભાઈ રાવત કહેતા મારાં કોઈ છંદોમય સર્જનો માટે (કયો છંદ મેં મુખ્યત્વે પ્રયોજ્યો છે? ઇન્દ્રવજ્રા? ઉપેન્દ્રવજ્રા? મિશ્રોપજાતિ? કંઈ ખબર નથી  પડતી આજે, આ ક્ષણે પણ એ કાવ્યો બધાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં છે.) કે લાભશંકર આ છંદ એક કાલિદાસે, બીજા સુન્દરમે અને ત્રીજા તમે  સુંદર રીતે પ્રયોજ્યો છે. અરે, પણ એ છંદોને હું ચૂસતો હતો, ચગળતો હતો તે તો બાળક લાકડાની કે આજે પ્લાસ્ટિકની ધાવણી ચગળે-ચૂસે તેમ. એમાં કોઈ ધાવણની ધાર ન હતી. કૃતક હતી એ રચનાઓ. કુમારવયે, કિશોરવયે હું કદી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડ્યો નથી. નથી યુવાનવયે પ્રેમમાં પડ્યો. મને મનુષ્ય મનુષ્ય વચ્ચેના  વિજાતીય કે સજાતીય પ્રેમનો, વ્યક્તિગત પ્રેમનો અનુભવ જ નથી. અને છતાં ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં પ્રેમકાવ્યો છે. એ પ્રેમની બઘી જ રચનાઓ કલ્પિત છે, કૃતક છે. નથી કોઈ ઘેઘૂર વૃક્ષમાંથી ચાંદરણું પડ્યું કોઈ કુમારીના ભીના ભીના રક્ત કપોલની પરે. મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માંના ‘ચાંદરણું’ નામના પ્રથમ કાવ્ય પર બચુભાઈ રાવત પણ ખુશ થઈ ગયેલા અને કવિગુરુ ઉમાશંકર પણ ખુશ થઈ ગયેલા. લગભગ સમાન મહિનાના અંકોમાં આ કાવ્ય ‘કુમાર’માં અને ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલું. ગુરુજી (ઉમાશંકર)એ એમના એમ.એ.માં ભણતા આ વિદ્યાર્થીનું ‘ચાંદરણું’ કાવ્ય વાંચીને ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો હશે એ પછીના એકાદ-બે દિવસમાં જ કોઈ સાહિત્યસભા પૂરી થયા બાદ મને જોઈને, મારી સાથે શેકહૅન્ડ કરીને મને જે ઉષ્માથી ‘ચાંદરણું’ કાવ્ય માટે અભિનંદન આપેલાં તે યાદ આવે છે. છંદની અને કૃતક પ્રેમની, સર્વથા કલ્પિત પ્રેમની ચૂસણી ચૂસતા લાભશંકરની એ કૃતક કાવ્યરચના. એનો અંત કેવો સેન્ટિમેન્ટલ છે? સર્વથા રુગ્ણ, સિક.

જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…

છંદોનો, છંદોલયનો ‘રમ્યઘોષ’ છે; પણ ‘વહી જતો પાછળ.’ એ કાવ્યો મેં ‘રદ’ નથી કર્યાં. ભલે એ કૃતક રચનાઓ પ્રગટ થતી. એની ત્રીજી આવૃત્તિ પણ થશે. છપાઈને પડી છે. મારાં કાવ્યો વિશે મારા અભિપ્રાયની કોઈને જિજ્ઞાસા હોય તો તે મેં સંગ્રહના પ્રકાશન સાથે જ, એનું નામ પાડવામાં આપી દીધો છે. સંગ્રહના પ્રારંભમાં મૂકેલી પ્રાસ્તાવિક ગદ્યરચનામાં કહ્યું છે :

તો મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધનો સંગ્રહ
ભલે પ્રકટ થતો.

પ્રથમ સંગ્રહમાં તિરાડોના સંકેતો પણ છે જ; એકાધિક સંકેતો છે. એક કાવ્યની અંતિમ પંક્તિઓ આ પ્રમાણે છે :

છો બબડતું બોર વેચે  છે
નગર પાંખું
નગરની તૂટલી તિરાડ શી સડકો મહીં
હું ફક્ત કેવલ ગાઉં છું
કાનને સંભળાય મારા
એટલું ધીમેશથી હું ગાઉં છું
ફક્ત કેવલ ગાઉં છું.

‘તડકો’ કાવ્યમાં પણ મૂલ્યપરસ્ત સાંસ્કૃતિક શબ્દાર્થોમાં અનુભવેલી તિરાડોની અભિવ્યક્તિ છે.

નાગર તડકો
વાનર તડકો
ગાંધીજીની ટાલ તડકો

આ રચનાનો પ્રભાવક રીતિવિશેષ એનો ‘કટાવ’ કે કટાવ જેવો છંદોલય છે. પણ એ જ એની મર્યાદા છે. સર્જકને સંમોહિત કરી, ટ્રાન્સમાં ગરક કરતો, એકધારો છંદોલય લાભશંકરની કાવ્યમૂર્છા છે. આ primitive trance શબ્દાર્થ રૂપે, કાવ્યાર્થ રૂપે જે integration રચે છે તે માત્ર લય-સંમોહનમાં, લયકૅફમાં અનુભવાતું ભ્રાન્ત સત્ય છે. જે કલ્પનોત્થ સત્ય રણકતું અનુભવાય છે ‘તડકો’ કાવ્યમાં તે માત્ર સંમોહિત કરતા લયનું સર્જન છે. તપ્ય — તાપક / તપનાર — તપાવનાર અભિન્ન છે. આ હાઇપોથીસિસ લયનો કસુંબલ કૅફ છે. મેટાફિઝિકલ શબ્દાર્થ સુધી છંદોલય લઈ જતો અનુભવાય છે પણ આખરે તો એનો અમલ ઊતરી જાય પછી કંઈ નથી. ખાલીખમ છે. ટૂંકમાં, લયસંમોહિત કૃતક કાવ્યાર્થ તે આ કાવ્યની અને લયના સંમોહનમાં સરકતાં મારાં બીજાં કાવ્યોની પણ મર્યાદા છે. દા.ત., ‘મારા નામને દરવાજે’ સંગ્રહમાં ૧૭મી કાવ્યરચનામાં કટાવ કે કટાવ જેવા છંદોલય પર, હથોટી બેસી જવાથી, સાવ તાકિર્ક મેટાફિઝિકલ હાઇપોથીસિસને લયની  ગતિમાંથી ઉપસાવવાનો જે પ્રયત્ન છે તેમાં હથોટી સિવાય બીજું કંઈ નથી. એમાં મેટાફિઝિકલ બેચેનીનો, આરતનો ભાવાભાસ છે. આવી કાવ્યભાસી રચનાઓ મારા સંગ્રહોમાં ઘણી છે. ઉક્ત રચનાનો સેન્ટિમેન્ટલ ભાવાભાસ સાંભળો :

મારા નામને દરવાજે બંગલો ખડો રહ્યો
રોધી મારો શ્વાસ
અરે અવરોધી મારો નાશ બંગલો ખડો રહ્યો
શોધું છું ઘસડાતો મારો હાથ
હાથને રોકી રાખી
ખુલ્લી એક હથેલી વચ્ચે
ઝાંખોપાંખો જીર્ણ બંગલો
ખડો રહ્યો
શાને માટે ખડો રહ્યો?
કોના માટે ખડો રહ્યો?
મારા નામને દરવાજે
આ હું ખડો રહ્યો
ભીતરના ભોગળ બંધ
અંધ હું ખડો રહ્યો
કલબલતો કલબલતો
પલપલ ખડો રહ્યો
મારા રામને દરવાજે
હરદમ ખડો રહ્યો
આલીશાનને દરવાજે
નરદમ ખડો રહ્યો
ઢળતી સાંજને દરવાજે
આકુલ ખડો રહ્યો
રમતી રાતને દરવાજે
વ્યાકુલ ખડો રહ્યો
આકુલવ્યાકુલ ખડો રહ્યો.

પ્રકાશનની દૃષ્ટિએ મારા અંતિમ કાવ્યસંગ્રહમાં (ટોળાં અવાજ ઘોંઘાટ) ‘હેઈસો…હેઈસો’ નામની એક, એકધારી લયકારીની રચના છે. જોકે એમાં એકસુરીલા, મિકૅનિકલ કર્મકાણ્ડને, રિચ્યુઅલને અભિવ્યક્ત કરતા audible formal conception-માં મારો શ્રવણીય રસ છે. એવા કંઈક ઓછાં કે વધતાં audible functions એકસુરીલા અક્ષરમેળ અને માત્રામેળ  છંદોલયનાં હોઈ શકે. એ છંદોમાંના એકધારાપણાને નાનાવિધ, કહો કે અનંતવિધ audible forms કવિઓ આપતા હોય છે તે જાણું છું અને સ્વીકારું છું છતાં ઓવરઓલ એમાં એકસુરીલાપણું રહે છે. અંગત વાત કરવામાં જ રસ તેથી કહું છું કે audible tranceના શ્રવણીય લયઝોકામાં  ગરક થઈ જતા લાભશંકરના કવિકર્મને નિર્મમ બનીને તપાસવાનો, એના કલબલ કલબલ કાવ્યકલકારા કે લયલલકારાના poetic formal functionsને ચૂંથીને જોવાનો અભિપ્રાય ધરાવું છું.

‘માણસની વાત’માં સમગ્ર લયમાં ન્હાનાલાલીય નહીં પણ ચોખ્ખી લાભશંકરીય મુદ્રા ઊઠે છે એવું ઉમાશંકરે નોંધ્યું છે અને સૂચવ્યું છે કે એ લયમુદ્રા પકડવી તે ‘માણસની વાત’ના આસ્વાદ માટે આવશ્યક છે. અક્ષરમેળ છંદોલયમાંથી ‘તડકા’ના કટાવ જેવા છંદમાં સરક્યો તે મારી એક અવાન્તર અને અનિવાર્ય એવી કાવ્યપ્રક્રિયા હતી. એમાં ભ્રાન્ત સંવાદિતાના તૂટતા શબ્દાર્થોનાં ચાક્ષુષ, સ્પર્શ્ય, શ્રવણીય સંવેદનોને શબ્દલય ઉપસાવે છે.

તડકાના ટુકડાઓ
જ્યારે
અસ્તવ્યસ્ત થઈ
આળોટે દરિયામાં
માછલીઓની
મોંફાડોમાં
વાગે એની ધાર
થડ તડકાનું ખડબચડું
ને માછલીઓનાં પાંદ
સાંઝકના ઝૂલે છે ઢગલો પંખીનાં ફળ કાચાં.

–એમાં, સંભળાતા શબ્દથી, સાવ વિપરીત અર્થ ઊપસી આવે એવા કાકુનો વિનિયોગ છે. કોઈ પરંપરિત મૂલ્ય ટકી ન શકે તેવી તળેઉપર દશાના એમાં સંકેત છે. વાનર/નાગર/ગાંધી અભિન્ન અનુભવાતા હોય તેવી એમાંની ભાવદશા મારી કાવ્યગતિનું એક રસપ્રદ ભાવબિંદુ છે. પણ કાવ્યનો સંમોહક લય તપ્ય-તાપક અભિન્ન છે તેવા એક હાઇપોથીસિસને ઉપસાવે છે અને કવિચેતના એમાં ગરક થતી, તદ્રૂપ થતી ઊપસી આવે છે તે સર્વથા કૃતક છે. આવા લયસંમોહન અને કૃતક, ભ્રાન્ત સંવાદિતાના શબ્દાર્થને ચીરીને ઊપસી આવે છે ‘માણસની વાત’. લાભશંકરની કાવ્યપ્રક્રિયામાં ‘માણસની વાત’ એક મહત્ત્વની ઘટના છે. હવે અહીં લય છે પણ એના એકધારા સાતત્યનું સંમોહન નથી. અહીં અક્ષરમેળ/માત્રામેળ લયો ઊપસી આવે છે, વહે છે અને ઓસરી જાય છે. અહીં લોકગીત અને બાળગીતના લયો છે તો એકાધિક/નાનાધિક ગદ્યલયો છે. અહીં structure of statementsનો ભરચક્ક વિનિયોગ કરવાનું મેં સાહસ કર્યું છે. images પણ સતત દદડ્યા કરે છે. અહીં સીધાં કથનો (statements) એવાં રચાયાં છે જે પરસ્પરને interpenetrate કરતાં હોય; એટલું જ નહિ, પરસ્પર વિરોધી કથનોના ઇન્ટરપેનિટ્રેશનની પરિણતિ ન્યૂટ્રલાઇઝેશનમાં અનુભવાતી હોય એવી મારી કાવ્યદશા છે. આખું કાવ્ય મારે માટે કાવ્યાર્થલયનો મને સાંભળવો ગમે તેવો polyphonic અનુભવ છે. એમાં multiplicity of sounds, tones and meanings છે તેમ કહેવામાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આ બધાના ઘોંઘાટ પછીની નીરવતા એ કાવ્યનુું પરિણામ છે એમ કહેવામાં છે. આ નિખાલસ કૅફિયતમાં મારે એમ પણ કહેવું છે કે ‘માણસની વાત’માં પહેલી વાર, વ્યાપમાં-વિસ્તારમાં, પરંપરાને આત્મસાત્ કરતાં કરતાં માણસ અને માણસના સર્વ સંદર્ભો વિશે રચાયેલો મહેલ લાભશંકરની કાવ્યચેતનામાં તૂટી પડે છે. આ નિરાધાર, નીરવ શબ્દક્ષણોમાં સદીઓથી પ્રતિબિંબાતા મારા, એક માણસના ચહેરાને તાકીને જોવાની હામમાં એક કવિ તરીકેની મારી એવી સ્થિતિ છે જેમાં કોઈ તૃણવત્ ભ્રાન્ત આધારની, સમાધાનની જરૂર વગર મનુષ્યની હયાતીના સંભવનો અનુભવ છે.

હવે સપનની લીસી ધાર અડે નહિ,
આકાશથી ફોરું મારા ગાલ પર પડે નહીં
આમ જોકે પડે, પણ
અડે નહીં.
કવિ હોવાનો કે થવાનો કે થયાનો
આ ફીણ ફીણ કૅફ
નિરક્ષર રેફ મારું મન હવે.
મારાં સૂજી ગયાં પોપચાંમાં મરણનો ભાર
તે…ય મારે ઊંચકવો.

‘માણસની વાત’નો કવિ દિનરાત રાતદિન ખિન્ન પણ નથી અને એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન કવિ પણ નથી. કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર કહેવા જેટલો આશાતંતુ પણ ‘માણસની વાત’-ના કવિ પાસે નથી. અઢી અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો અરે, પણ આવો નાતો માત્ર ‘કલ્પિત’ છે. આવો કોઈ નાતો જ નથી એવા સાક્ષાત્કાર પછી ‘માણસની વાત’-ના કવિને એમ પણ, ઉમાશંકરની જેમ, હાશ-કાર અનુભવવો નથી કે હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે. ગમે તેટલી અને તેવી છિન્નભિન્નતાની કૅફિયત કવિ આપતા હોય છતાં ઉમાશંકર dreamer છે. ‘માણસની વાત’નો કવિ dreamer નથી. આ કાવ્યમાં, ‘માણસની વાત’માં, એક habit સાવ તૂટી ગઈ છે. તે લાભશંકરના કાવ્યજીવનની નોંધપાત્ર ઘટના છે. The habit of hoping અહીં તૂટી પડી છે. He is facing the human condition. કવિને શબ્દમાં, શબ્દ વડે, શબ્દ રૂપે સ્વ-ના સકલ સંદર્ભ રૂપે વિશ્વને યથાતથ, the world as it is જોવું છે. હવે passivity of illusion નથી.

‘માણસની વાત’ એ લાભશંકરની નિર્ભ્રાન્તિનું polyphonic કાવ્ય છે તેમ કહેવાની સાથે લાભશંકરને એમ પણ કહેવું છે કે આ કાવ્ય હજુ ઘણું simple છે. એમાં સપાટી પરના પડછાયાઓનું માત્ર જનરલાઇઝ્ડ પ્રાકટ્ય છે. એમાં લયોની multiplicity છે તેમ કહેવાની સાથે મારે એમ પણ કહેવું છે કે તે વીશ આંગળીઓના વેઢાથી ગણી શકાય તેવા છે અને તેટલા જ છે. માણસની વાત આટલી simple છે? એનો સમગ્ર વાઙ્મયની સંકુલ લયગૂંચોનો કેટલો અણસાર ઝિલાયો છે ‘માણસની વાત’માં? નહીંવત્. તો પછી લાભશંકરની કાવ્યપ્રક્રિયાનો અંત નથી; what is dead end? વાહ્ય-વાહક અભિન્ન છે. છતાં જે ‘વાહક’ છે, ‘આધાર’ છે તે વાહ્યને, આધેયને કેમ વહી શકતો નથી, ધારણ કરી શકતો નથી તે લાભશંકરની ખોજનો વિષય બને છે. ‘મારા નામને દરવાજે’માં અને ‘બૂમ કાગળમાં કોરા’માં આ ખોજના નકશાઓ છે. ડોલ શબ્દની કાણી રે / ઊંડા કૂવાનાં પાણી રે-ની નિખાલસ કૅફિયત છે; તો હરખભેર દામણ ખેંચે છે / લઘરો તાણી તાણી રે-માં self-parody છે. myth માત્ર ભયમૂલક છે / ભયજનક છે / ભયહર છે. મનુષ્યજાતિ myth-માં ફસાતી રહી છે. ‘લઘરા’ની myth રચનાર સર્જકની દુર્દશાઓમાં તળેઉપર કરતા તબક્કાઓ છે તે વિશે ‘લઘરો’ સંગ્રહના પ્રાક્કથનમાં વિગતે કહેવાયું છે. ‘ટોળાં અવાજ ઘોંઘાટ’નાં એકાધિક કાવ્યો વિશે હું એકધારું લાંબું લાંબું ઘણું કહી શકું તેમ છું પણ આખરે તો એવાં કથનો મારાં કાવ્યોની જેમ માત્ર મોનોલોગ્ઝ અને સોલિલોક્વિઝ રહેવાનાં છે તે હું જાણું છું. કોઈ વાતનું દુ:ખ નથી તો આ વાતનું પણ મને દુ:ખ નથી. કાવ્યની રમતમાં The other નથી. એટલે તો અખૂટ રસથી હું રમ્યા કરું છું. અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. છતાં કાવ્યરમત અટકી નથી. ‘વાગીશ્વરીના નેત્રસરોવર’ જેવા કથનમાં વાગાડમ્બર છે અને ‘ખોબોક પાણી પી’ જેવી ઉક્તિમાં ઊમિર્લતા છે. મારી કાવ્યરચનાઓમાં સાત દોષો જોઈ શકનારાને સલામ; પણ કુલ એકસો ને સાત દોષો મેં એકલાએ એકાન્તમાં ગણ્યા છે અને તેથી જ તો ઓર ચાનક અનુભવી છે કાવ્યપ્રક્રિયામાંથી પસાર થવાની. મારાં એકાધિક કાવ્યો ખરેખર તો એક કવિની કાવ્યસર્જનપ્રક્રિયાની સીધી કૅફિયત જેવાં છે. આમ એ ખેંચીએ જરાક જોરથી / તો ખચ્ ખેંચાઈને આવે બહાર. એમાં મારી રચનારીતિના સીધા, પ્રત્યક્ષ ગ્રાફ્સ છે. એમાં મારા બહેરા કાનો સુધી નથી પહોંચ્યો તેવો બોબડો બબડાટ છે. મનુષ્ય હોવાની આ વિસંગતિ છે. ભાષાની, ભાષકની, શ્રોતાની અભિન્નતા એ મારી ચેતનાનું વર્ણન છે. મારી આ ચેતનાની હાસ્યજનક કરુણ વિસંગતિ મને કાવ્યરચનાપ્રક્રિયા માટે વધુ ને વધુ પ્રેરે છે.

હા, તો ‘કાલગ્રંથિ’માં ક્રોનોલોજિકલ ટાઇમના લસરકા અને સાયકોલોજિકલ ટાઇમના ઘસરકા સાંભળવા મેં બહેરા કાન માંડ્યા છે. એ બહેરા કાનને હ્યૂમરના પ્રાસમાં આકસ્મિક ટ્યૂમરનું દર્શન થયું છે. આ ‘આકસ્મિક’ ઘટના, મારી કાવ્યપ્રક્રિયાનો, મને રોમાંચક અનુભવ કરાવે છે. હું બબડવા માંડું છું કાવ્યસર્જનના નામે અને કોઈ એક શબ્દક્ષણે કોક ખૂલી જાય છે. ધડ ધડ ધડ મારા સકલ ચૈતસિક વાઙ્મયને અનિરુદ્ધ વહેવડાવતો. આ અનિરુદ્ધ ધડધડાટી મારી બધિર કર્ણ-ચેતનાને વાઇબ્રેશન્સનો અનુભવ કરાવે છે. કાન વગરનો બહેરો હું ચામડીથી બધું સાંભળું છું. મોરપીંછ રંગના ઊનના દડાથી આરંભાતો મારો બબડાટ ‘વનના તે મોરલા મારિયા’ આવતાં મારા ઊંડા બાધિર્યમાં ખાબકે છે અને ‘અહિંસા પરમો ધર્મ’ના સ્તંભને હું લથડી પડતો સાંભળું છું. છતાં મેં એક જ શબ્દ ખાધો નથી, અસંખ્ય શબ્દો ખાધા છે. બધા પચ્યા વગરના પડ્યા છે મારી ચેતનાના ડોઝરામાં. અન-એસિમિલેટેડ, અન-એબસોર્બ્ડ અપરિસંખ્યેય શબ્દવૈભવો, શબ્દસંપદાઓ કાઢવા હું કરાંઝું છું. મારા આ પ્રવાહણનો લય, કરાંઝવાનો લય મારી હયાતીની એક કરુણ અને હાસ્યજનક અનિવાર્યતા છે. રુચિ-સુરુચિ — મારી પાસે કોઈ norms નથી. સાચું કહું તો મને કંઈ કશાની પરવા નથી. અતિશય દારૂ પીધેલાના વાચિકમ્નો લય મારે સાંભળવો છે. ‘કાલગ્રંથિ’ સંગ્રહમાં ‘પુલના આ છેડે’ નામના કાવ્યમાં કૌંસમાં સૂચન લખ્યું છે : ‘‘દારૂ પીધેલાના વાચિકમ્ જેવી  ‘મદાત્યય શૈલી’-માં પઠન કરવું.’’ There is no communication. છતાં પુલના આ છેડે માણસ બોલે છે, બબડે છે; દારૂ પીને નશામાં લવરીએ ચઢે છે. અતિશય નશામાં, મદમાં, મદાત્યયમાં all cerebral controls શિથિલ થઈ જાય, inhibitions, taboos શિથિલ થઈ જાય અને માણસ લવારો કરે. એ લવારો મારો શબ્દાર્થ છે, મારો કાવ્યાર્થ છે. મદાત્મયમાં થતા લવારાનો છંદોલય એ મારો નિજાનંદ છે. આ નિજાનંદ અટકવાનો નથી. મેં કદી કોઈ કાવ્યજ્ઞ ગુરુ ઘંટાલોની પરવા કરી નથી. મેં મારી પરવા પણ કરી નથી. અથવા સાવ ઊંધા અર્થમાં કહેવું હોય તો મેં મારી જ પરવા કરી છે. નોનક્રાય વોકલિક સાઉન્ડ્ઝથી જે શ્રવણચેતના મારી, મને સાંભળી રહી છે તે કોઈ choice પાસે હજુ અટકી નથી. પોતાના જ વાઙ્મય અવાજો, એ સાંભળે છે રસપૂર્વક, ધ્યાનપૂર્વક without choice. હું જ મારો ગુરુ ઘંટાલ છું. ગુરુ-શિષ્ય અભિન્ન છે. આ અભિન્ન ચેતના રાચે છે કાવ્યપ્રક્રિયામાં. ઊતરે છે કાગળ પર તેનાથી અનેકગણા વાઙ્મય છંદોલયો વહી જાય છે. સાંજ તો ક્યારનીય ઢળી ગઈ છે. રાત પણ પડી છે. ઊતરતી રાત્રિના સમયે, ચાલતી કારમાં, મારો દૌહિત્ર પ્રત્યૂષ ગાઈ રહ્યો છે. વાણી છે. લયનો કૅફ છે. અઢી વર્ષનો પ્રત્યૂષ શીઘ્ર શબ્દપંક્તિઓ સરજીને ગાઈ રહ્યો છે ચકચૂર. એ પરિવાર વચ્ચે છે. પાકી સડક પરથી વાહનમાં પસાર થઈ રહ્યો છે, નગરમાં છે, માનવસમૂહમાં છે, આકાશ નીચે પૃથ્વી પર છે. પણ છતાં એ નિજમાં છે. નિજમાંથી જ વાણીમાં, વાણી રૂપે લયામૃત પ્રગટ થાય છે. પોતે જ સર્જક અને પોતે જ શ્રોતા છે. સર્જક-સર્જન-ભાવક-ભાવક અભિન્ન છે, ઇનસેપરેબલ છે.

કાવ્યક્રીડા મને ગમે છે. આઈ લવ ઇટ, પૅશનિટલી. કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્ની લીલા પણ મને ખેંચે છે. નિબંધો લખું છું લલિત ત્યારે કે ‘બાપા વિશે’ બાયોગ્રાફિકલ formના ઢાંચાઓને તોડતો-ખખડાવતો-રણકાવતો ગદ્યમાં રમું છું ત્યારે હું માત્ર રમું છું. મારે કબૂલ કરવું જોઈએ કે એમ રમતાં રમતાં તૂટતા પદ્ય/ગદ્યમાં, ખખડતા પદ્ય/ગદ્યમાં, રણકતા પદ્ય/ગદ્યમાં, મને દેખાય છે ટુકડા ટુકડામાં, છિન્ન, નોન-ઇન્ડિગ્રેટેડ, ઘસાઈ ગયેલું કોઈ રૂપ. સંભવ છે એ મારું રૂપ હોય. એ તૂટતાં-ખખડતાં-રણકતાં છિન્ન રૂપોના શ્રવણીય પડછાયામાં, મારા બહેરા કાનોને, સંભવ છે દેખાય છે/સંભળાય છે મારું અને માનવજાતનું શૈશવ. મારા વાઙ્મયના zig-zag (ઝિગઝૅગ) સ્રોતોમય પ્રવાહમાં મારું વિસ્મય અકબંધ વહી રહ્યું છે. લાભશંકરના દેહાન્ત સાથે લાભશંકરના કાવ્યકુતૂહલનો અંત હશે. આજે  તો હું પદ્ય/ગદ્યમાં પ્રવાહિત છું. અટકવાની નથી આ કલમ. પદ્ય/ગદ્યમાં એકાધિક સ્વરૂપોને તોડતો-અથડાતો-કુટાતો હું વહ્યા કરીશ. આમ છે આ ક્ષણ સુધી. So there is no end. There is no dead end. કવિ એટલે જે જાણે છે. He who knows. હું કવિ છું અને જાણું છું. હું કશું જાણતો નથી તેટલું જાણું છું. સ્વ-ના રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે, આદિ-મધ્ય-અંતના ઘસાતા અને લુપ્ત થતા અવાજો વચ્ચેની નીરવ પળોમાં આ રહસ્યમય, ગૂઢ અંધકારને મારી બધિર થતી જતી શ્રવણચેતનાથી ચાટું છું. આ કૅફિયતનું નિવેદન પણ મારો ચાટવાનો અવાજ છે. અટકીને જોઈ રહ્યો છું સામે રહસ્મય ગૂઢ અંધકારને. અરે! પણ આ બબ્ અવાજ શેનો થયો? મારામાં જ ઊંડે ડોલ પછડાઈ, ડૂબી અને અંધારું ભરીને ઊંચકાઈ રહી છે ખચ ખચ ઊંચે? યેસ, સમથિંગ લાઇક ધેટ, લેટ મી  હિયર.

(તા. ૧૭-૧૦-૧૯૯૧)
[(ગુજરાતી સાહિત્ય પરિષદ : કોઇમ્બતુર : ૧૯૯૧)માં આપેલું વ્યાખ્યાન]

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book