તવ સ્મૃતિ
મનસુખલાલ ઝવેરી
મને હજીય સાંભરે ક્ષિતિજ પાસની ટેકરી,
આ સૉનેટનું શીર્ષક ‘તવ સ્મૃતિ’ અને એની પહેલી પંક્તિનો પ્રારંભ ‘મને હજીય સાંભરે…’ આ બંને વડે કવિએ વાતને ઘૂંટીને જાણે ઊર્મિને સુદૃઢ કરી છે. પહેલી પંક્તિની ક્ષિતિજ પાસની ‘ટેકરી’ તેર પંક્તિના પ્રવાસ બાદ એની એ ટેકરી રહેતી નથી. કવિનું આ તો કવિકર્મ છે — વસ્તુનું રૂપાંતર.
કાવ્યનો વિષય કેવળ ટેકરી પણ નથી, કેવળ સ્મૃતિ પણ નથી. માણસ એકલો છે, એકલવાયો છે ખરો; પણ ખરેખર એ એકલો — સ્વજનથી વિખૂટો રહે છે, રહી શકે છે, ખરો? એ પોતાની એકલતાને ભરી દે છે ભૂતકાળનાં વર્ષોથી અને એ વર્ષો સાથે સંકળાયેલી સ્મૃતિઓથી, He ‘unpeoples’ his voice but ‘peoples’ his silences! આસપાસનું વાતાવરણ પણ એની એકલતાને સભર કરવા માટે તત્પર છે, તેથી તો કવિ કહે છે ‘પરોવી જહીં નેણ મેં વરસ કૈંક વિતાવિયાં.’
ટેકરી અને સ્મૃતિ — આ બંને એટલાં તો ઓતપ્રોત થઈ જાય છે કે આ બેમાંથી કોણ ખરેખર શું છે એ વિશે પણ ભ્રમ જાગે એટલી બધી અદલાબદલી થઈ જાય છે. ક્યારેક સૂર્યકિરણના સોનાથી રસાયેલી એની ‘ગહનભવ્ય’ છબી પ્રકટ થાય છે, તો ક્યારેક ધુમ્મસની ‘પાતળી પછેડી’ ઓઢીને દૂર દૂર ચાલી જાય છે કે સાવ અદૃશ્ય પણ થઈ જાય છે. તારી સ્મૃતિનું પણ આવું જ ઉઘાડું કૌતુક છે. તું અને તારી સ્મૃતિ ક્યારેક ગૂઢ તો ક્યારેક અગૂઢ, ક્યારેક દૃશ્ય તો ક્યારેક અદૃશ્ય; ક્યારેક અનાવૃત તો ક્યારેક આવૃત: એવી આ તારી પ્રસન્ન/પ્રચ્છન્ન લીલા વચ્ચે પણ કાવ્યનાયકની આંખ પરોવાયેલી જ છે.
પહેલાં ટેકરી હતી: પણ હવે આમ તો આ ટેકરી પણ નથી. ક્ષિતિજ ‘પાસ’ની કે ‘પાર’ની જ માત્ર વાત નથી. Beyond memories — સ્મૃતિને અતિક્રમી ગયેલી — કોઈક ભૂમિકા પરથી આ ભાવનો ઉદય થાય છે. તારી સ્મૃતિ પણ ટેકરી જેટલી જ નક્કર અને શાશ્વત એટલે તો રહી છે.
ઊર્મિની સ્વસ્થતાના નિરૂપણ માટે સહજ એવું કાવ્યસ્વરૂપ સૉનેટ કવિએ પસંદ કર્યું છે. આ કાવ્ય એના diction માટે, એની બાની માટે પણ જોવા જેવું છે. સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને છંદ પર પ્રભુત્વ ધરાવતા આપણા રહ્યાસહ્યા સર્જક-વિદ્વાનોમાં જેની ગણના સ્મરણીય–આદરણીય છે એવા મનસુખભાઈનું આ કાવ્ય સંસ્કૃત અને તળપદી ભાષાને અડખેપડખે યોજે છે છતાં ક્યાંય કાનને આંચકો નથી લાગતો. ‘કરે પ્રકટ રુદ્ર ને ગહનભવ્ય શૃંગચ્છવિ’ ઉપરાંત ‘ઉરકન્દરા’, ‘તથાપિ’, ‘દૃઢમૂલ’ વગેરે શબ્દોની સાથે સાથે જ સાંભરે, નેણ, પછેડી. અબઘડી, રખોપું વગેરે શબ્દો કવિએ પ્રયોજ્યા છે. ભાષાના વિનિયોગમાં ‘બાનીભેદ’નો જે ભ્રમ રહેતો હોય છે તેનો અહીં એક સચોટ જવાબ છે.
સ્મૃતિ એ તો ઈશ્વરનું અમૂલું વરદાન છે અને એ સ્મૃતિ જ્યારે હૃદયમાં તાણાવાણાની જેમ ગૂંથાઈ જાય, રસાઈ જાય ત્યારે, આકારમાત્ર જ્યારે નિરાકારતા પામે ત્યારે ભેદ રહ્યો જ ક્યાં? આ ભાવના સંદર્ભમાં, અને ઉપર વાત કરી તે બાનીના સંદર્ભમાં, મનસુખભાઈની બીજી પંક્તિ પણ હૈયે આવે છે:
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે??
આપણે એેકલતાની વાર્તા માંડીએ ત્યારે કોઈ ને કોઈ પણ હોંકારો આપી શકે એવો સંજોગ સર્જાય તો એ પણ કેવડું મોટું સદ્ભાગ્ય!
૬–૭–’૭૫
(એકાંતની સભા)