દિવસો જુદાઈના
ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મિલનને જળોની જેમ એક પડછાયો વળગ્યો છે — તે વિરહનો. વિરાનીમાં પસાર થઈ જાય છે તે ‘દિવસો’ નહીં, પણ જિંદગી. સાચી લગની અને તીવ્રતા હોય તો નવેસરથી મિલન શક્ય બને. જે આજે શત્રુઓ છે તે જ સ્વજન સુધી પહોંચાડવાની મહેરબાની કરશે. પ્રેમની માછલી માટે વિરહનું દુ:ખ એ જ સાચું જળાશય છે. જેણે શકુંતલાને દુ:ખમાં વીંટી લીધી એ વીંટી જ અંતે એને દુષ્યન્તની આંગળી સુધી લઈ જાય છે.
ધરા કે ગગન, ઉન્નતિ કે પતનની આકાંક્ષા કે ગણતરી જ નથી. એકમેકના મન સુધી પહોંચી શકાય તે જ સફળ યાત્રા. જ્યાં ધરા અને ગગનનું સમન્વય થાય એ પ્રેમભૂમિ જ આપણું લક્ષ્ય છે. ‘પહોંચવા’નું અગત્યનું નથી; યાત્રાના આરંભ અને સાતત્યમાં જ ‘મંગલ’ છે. અને ધરાની સંમતિ વગર તો ગગનનું સુખ પણ કોને ખપે છે. મહિમા ફૂલનો કે ફળનો નહીં; સાચો મહિમા તો મૂળનો છે. ધરાના ગર્ભમાં જતન પામે તો જ પેલું સુમન જગતના બાગ સુધી પોતાની સુવાસ ફેલાવી શકે.
પ્યારને ફાળવવામાં આવેલી જિંદગીની રિયાસત ‘અજબ’ છે. જીવીએ તો મરણની પગદંડી પર અનંત ચાલ્યા કરવાનું. પ્રેમના લલાટ ઉપર વ્યથાનું તિલક જ નિર્માયું છે. ‘મહોબ્બત કી કિસ્મત બનાને સે પહેલે જમાને કે માલિક તૂ રોયા તો હોગા.’ આ અજબ પ્રકારની જિંદગી છે — ‘આ’ જિંદગી છે?
આંસુઓ તો લાગણીને દેહ બક્ષે છે. આ આંસુઓ તો ‘રાંકનાં રતન’ છે. એને વેડફી નાખવાં, એને ધૂળભેગાં કરવામાં ઔચિત્ય ક્યાં? કવિની ખુમારી આંસુઓ ઉપર સૉલોમનશાઈ શાહી ફરમાન બજાવે છે. હૃદયમાં ઘોળાયા, ઘૂમરાયા કરો; પણ તમારી કેદમાં બારીની જાહોજલાલી તો જ મળશે જો તમે ધૂળમાં રોળાઈ ન જવાની બાંયધરી આપો. હૃદયથી નયન સુધી પહોંચતાંમાં તો કેટકેટલાં વમળોમાં નિચોવાવું પડે છે!
આ મૃત્યુલોકમાં નયનનું કોઈ નિર્વાણ હોય તો તે પ્રિય વ્યક્તિનો ચહેરો. એ ચહેરો જો પ્રિય વ્યક્તિનો હોય તો આપણી આંખો જ એ ચહેરા પર રૂપના શેરડા ચીતરશે. એ ફૂલમાં લપાયેલી મહેક એ તો આપણી આંખોનો પ્રેમ છે! ‘જમીન પર જન્નત’ મેળવવા તલસતી કેટલીય નજરો અડવાણે પગે નિરાશ્રિત કતારોમાં ઊભી હશે!
ઘડી બે ઘડીની લાગણીઓ રાજરાણીનાં વસ્ત્રોની જેમ અંગ શોભાવે. પણ પ્રેમની સાચી તલસન તો આમરણ (કે પછી મરણોત્તર?) સથવારો છે.
આગ એટલી બધી વધી જાય કે એને ઑક્સિજન જ ન મળે — એવી પરિસ્થિતિ સર્જાય એ તો ઈશ્વરની અસીમ કૃપા જ ગણવી. આવી તીવ્ર વ્યથાને એટલી નાજુક રીતે કવિ અહીં રજૂ કરે છે કે એને માટે ગદ્યમાં સમજૂતી આપવી નિરર્થક છે. વ્યથાને પણ કેવી કલામયતા સાંપડી છે… કોઈ શ્વાસ બંધ કરી ગયું… પ્રથમ શેરના ‘જરૂર’નો મગરૂર ખુમાર છેલ્લા શેરમાં કેવો મજબૂર બની જાય છે! આ જ તો પ્રણયની નાન્દી અને આ જ પ્રણયનું ભરતવાક્ય!
આપણા જીવનની મહેફિલમાં તૈયાર થયેલ આ શાયર ગની દહીંવાલા ગળામાં આવે એ મસ્તીથી ગાઈ નાખે છે. એમની ગઝલોમાં કસબ કરતાં નૈસર્ગિકતાનું બળ આપણને વધુ આકર્ષે છે. અહીં આપેલા શેરમાં એમણે શરત મૂકતી વખતે ‘તો’નો જે બળૂકો ઉપયોગ કર્યો છે એમ જ આપણે એમને પણ કહીએ કે આવી જ સત્ત્વશીલ ગઝલો આપો અને…
જો શરત કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
એકમેકના મન સુધી પહોંચવાની વાતને અને એની વ્યથાને આ શાયર બીજી એક ગઝલમાં આ રીતે મૂકે છે:
મૂકી છે દોટ બંનેએ, હવે જે થાય તે સાચું;
જમાને ઝાંઝવાં રૂપે, અમે તરસ્યા હરણ રૂપે.
૨–૫–’૭૬
(એકાંતની સભા)