હસ્તાયણ વિશે – સુરેશ દલાલ

હસ્તાયણ

રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,

આ વીસમી સદીમાં જ્યારે પળે પળે ક્રૌંચવધ થતો હોય છે ત્યારે રામાયણ લખવાં હોય તોપણ કેટલાં લખવાં? અને રામાયણ લખી શકે એવા વાલ્મીકિ પણ ક્યાં?

અહીં શું રમેશ પારેખની નઝમ ‘હસ્તાયણ’ વિશે વાત કરવા માગું છું. મેજ પર પડેલા સૂમસામ હાથ સ્ટીલ લાઇફનો અનુભવ આપે છે. કોઈકે કહ્યું’તું કે, ‘માઇ હૅન્ડ ઇઝ માઇ ગોડ.’ તો ઈશ્વરના પર્યાય જેવા હાથ લાચારીથી મેજ પર પડેલા છે. દરેક ટેબલની પાછળ સત્તાના પ્રતીક જેવી ખુરસી હોય છે. આ ખુરસી અને ટેબલ આધુનિક યુગનાં કવચ અને કુંડળ છે. આના માણસની સ્થિતિ લગભગ સૂતપુત્ર જેવી છે. અત્યારે તો ટેબલ પર શબવત્ હાથ સૂમસામ પડેલા છે, આ તો દેખીતું નહિ જોવું ગમે એવું પરિણામ છે. આ હાથ શુદ્ધ નથી, શુદ્ધ રહી શકે એવું વાતાવરણ પણ નથી. રસ્તામાં જે કોઈ મળે એને હાથ આપીને, હસ્તધૂનન કરીને, જાણે કે એનાથી જ આપણા ભાગ્યની રેખાઓ કસવાની હોય એમ કસીને, અને આમ અસંખ્ય ઝાંઝવાઓનાં વાંઝિયાં મિલનોને કારણે હાથ મેલા થયેલા છે.

દમયંતી માટે વરદાન હતું, એ વરદાનનું વનમાં શાપમાં રૂપાંતર થયું. કાવ્યનાયકને અહીં દમયંતીનું વરદાન યાદ આવે છે. આપણી કમનસીબી વખતે કોઈકની નસીબી યાદ આવે એ નસીબની બલિહારી છે. મારી આસપાસ એટલાં મરેલાં માછલાંઓ એકઠાં થયેલાં છે કે હવે હું મારા હાથમાં દમયંતીપણું શોધ્યા કરું છું, જેથી ઝંખના કે સપનાંનાં જે માછલાંઓ છે તે જીવતાં તો થાય. કવિએ અહીં પૌરાણિક સંદર્ભનો કલાત્મક વિનિયોગ કર્યો છે.

હાથ મારા છે અને છતાંય જાણે કે મારા નથી. મારા શરીરથી છૂટા પડી ગયેલા છે. હાથમાં અને મારા પોશાકમાં કશો ફેર નથી. પોશાકને તો ખીંટીનો પણ આધાર છે. પણ હાથ તો રેશમી વસ્ત્રની માફક નીચે ઢળી પડ્યા છે. એને ક્યાં ટિંગાડવા? નિરાધારપણાને જો કોઈ આધાર હોય તો પછી એ નિરાધારપણું શાનું?

હાથને નખ મળેલા છે. પણ એ જ નખ સપનાંને ઉઝરડે છે. ઉમાશંકરની પંક્તિ યાદ આવે છેઃ

ગળે વીંટાળ્યા જે કર, અરર, તેના જ નખથી,
વલૂરાયાં હૈયાં…

હાથને પાંચ પુત્રીઓ છે. આ છિનાળ પુત્રીઓ છે. આપણી જ આંગળી — આપણા જ વારસો આપણને બેઆબરૂ કરે છે. વાંક વારસનો નથી, પણ પૂર્વજો જે વંશજોને આપે છે એનો છે.

હાથ છે, પણ હાથપણું નથી, વ્યક્તિ છે પણ વ્યક્તિત્વ નથી એમ. કોઈને પસવારું છું તોપણ લાગે છે કે આ ખરેખર મારા જ હાથ છે? કે પેલા કોઈ અન્યના! મારો હાથ જ મારાથી અજાણ્યો? મારો હાથ જ ‘આઉટ સાઇડર!’

આગળના શેરમાં હાથને રેશમી વસ્ત્ર સાથે સરખાવ્યા જ છે. અહીં હાથના તકલાદી પોતાની વાત છે. પણ પોત પણ ચોળાયેલું — ચૂંથાયેલું છે, કારણ કે એમાં હસ્તરેખાના સળ પડેલા છે. વીસમી સદીના માણસની નિયતિ એવી છે કે ઈશ્વરને કબીરની જેમ ડાઘડૂઘ વિનાની કોરી ચાદર ન આપી શકે.

માણસનો હાથ — સમગ્ર માનવજાતનો હાથ જોવા જેવો રહ્યો છે ખરો? કોઈનો હાથ નિર્દોષ નથી. હિટલર અને રાવણ તો ઓળખાયા પણ ખરા. પણ શાંતિની વાતો કરતાં કરતાં આપણે જે યુદ્ધને જીવતાં રાખ્યાં છે અને દુનિયાના રળિયામણા બાગમાં તોપને મૂકી દીધો છે, એમાં કેટલાંયે પુષ્પો અને કેટલીયે નજાકતો પીંખાઈ ગઈ છે.

માણસ ભલે કહે અને માને કે એ પશુથી જુદો છે પણ એનો વંશવેલો ઉખેડીએ તો પાશવી ઉકરડો જ મળવાનો. માણસ તકવાદી અને તકલાદી; નકલખોર છે. બુદ્ધિની વેશ્યા એની પાસે જેટલો પ્રપંચ કરાવે એટલો ઓછો. મહોબ્બત છે જ નહિ, મુજરો છે. લાગણી છે જ નહિ, લટકાં છે. સ્નેહ છે જ નહિ, નખરાં છે. જીવન છે જ નહિ, અભિનય છે.

ફરી પાછી દમયંતીપણાની વાત છે પણ આ દમયંતીપણું નથી, દમયંતીવેડા છે. માછલાં જીવતાં થાય તો જળ મરેલાં છે. દરેકનાં સપનાં એ ‘સ્ટીલબોર્ન ચાઇલ્ડ’ જેવાં છે. માની લો કે ચમત્કારથી એ જીવતાં પણ થાય, પણ જે યુગમાં જીવવાનું છે એનાં જળ તો પોતે જ મરેલાં છે. જળને માટે સંસ્કૃતમાં જીવન શબ્દ પણ છે. અહીં જીવન અને મરણ એ જુદાં નથી, પણ એકમેકના પર્યાય રૂપે છે.

આ ખતરનાક બૉમ્બ જેવા હાથનું ભાગ્ય કાચની જેમ ફૂટેલું છે. આખી માનવજાત નંદવાયેલી છે. કોઈ સાબુ એના મેલને કાઢી શકે એમ નથી. અને ઝાંઝવાંનો મેલ સ્પર્શ માનવજાતને મારતો મારતો અમર રહેવાનો અને જીવનમાં નર્યું સૂમસામપણું વેઠવાનું છે.

આદિલ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા ઇત્યાદિને કારણે આપણી ગઝલ-નઝમનો ચહેરો-મોરો કેટલી હદે નીખર્યો છે એનો ખ્યાલ તો રમેશ પારેખની આ નઝમ પરથી આવ્યા વિના નહિ રહે.

૨૮-૨-૧૯૮૫

(વરસાદ ભીંજવે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book