હવે હું નહિ બોલું કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

દયારામ

હવે હું નહિ બોલું

હાવાં હું સખી! નહીં બોલું રે નંદકુંવરની સંગે;

રાધા રિસાઈ છે. તેની જ સખી કૃષ્ણનું દૂતકર્મ કરવા તેની પાસે આવી છે. ‘આવું કરાય સખી? કૃષ્ણ સાથે અબોલા લેવાય?’ સખી મીઠાશથી સમજાવે છે.

પણ રાધાને વાંકું પડ્યું છે, જેમ સૌ માનિનીઓને પડે તેમ.

‘ના, હું નહિ બોલું એની સાથે.’ રાધા કહે છે, ‘મને એવી તો દાઝ ચડી છે!’

‘કેમ?’

‘એને બોલવાનું ભાન નથી. જેમ ફાવે તેમ બોલે છે.’

‘શું થયું વળી?’

‘મને કહે, ‘મારી શશીવદની’!’

સખીના મુખ પર આછો મલકાટ પથરાય છે. ‘તને એવું કહ્યું?’ એ પૂછે છે, કદાચ રાધાને ચગાવવાને.

‘ત્યારે?’ રાધા ચલાવે છે, ‘મારું મોટું ચંદ્ર જેવું છે? ચંદ્રમાં તો લાંછન છે, મારા મુખમાં છે? ચંદ્રને રાહુ છ છ મહિને ગળી જતો હોય છે. મારું મુખ એમ કાળું પડી જાય છે કદીયે? ચંદ્રની કળામાં તો પખવાડિયે પખવાડિયે વધઘટ થયાં કરે છે ને પૂર્ણ કલાથી એ નિત્ય પ્રકાશતો જ નથી, મારા મુખનું એવું છે? એની કાન્તિ કદી ક્ષીણ થાય છે ખરી? — અને છતાં, બહેન, એણે મને ‘ચંદ્રવદની’ કહી ને મને ને ચંદ્રને એક રાશિમાં બેસાડ્યાં! મારાથી એણે ચંદ્રને ચડિયાતો ગણ્યો. તો હવે ભલે જોયાં કરે એ ચંદ્રને! એ પડ્યો આકાશમાં! ને આકાશના ચંદ્રને જોયાં ન કરવો હોય તો રાખે એ શિવને પોતાની પાસે ને જોયાં કરે એના લલાટ પરના ચંદ્રને. શિવ તો એનો દાસ છે; ને દાસથી પોતાના સ્વામીને ના નહિ કહેવાય.

પણ શિવને બોલાવીને પોતાની પાસે રાખવાનો શ્રમ પણ તેણે શા માટે લેવો પડે? એના પોતાના ડાબા ચરણમાં ચંદ્ર રહ્યો જ છે, સદાકાળ ને શાશ્વત. એણે આકાશના ચંદ્રની કે શિવના લલાટ પરના ચંદ્રની આશાએ શા માટે બેસી રહેવું પડે? જોયાં ન કરે, મન થાય ત્યારે, પોતાના ડાબા ચરણમાં વસતા ચંદ્રને?

તો જા, સખી, કહે તને જેણે મોકલી છે તેનેઃ શશીવદનીનું શું કામ છે તમારે? ખુદ શશી તો તમારી પાસે જ છે.

ના, જેને એરડી ને શેરડી વચ્ચેના ભેદનું ભાન નથી એવા એની આડેય હું ન ઊતરું! હું નહિ બોલું એની સાથે. હું નહિ આવું એની પાસે.’

માનગર્વિત કલાહાન્તરિતા યુવતીજનને પ્રણયકલહ માટે, જોઈતું હોય તો, કારણ મળી જ રહેતું હોય છે ગમે ત્યાંથી. અહીં કૃષ્ણે એને ‘શશીવદની’ કહી તો તેને હીનોપમા ગણીને રાધા રુસણું લે છે. અને છતાં મહિમા તો એ કૃષ્ણનો જ બિરદાવે છે, એ આ કાવ્યની ખૂબી છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book