કહું
હરીન્દ્ર દવે
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,
સ્વ. હરીન્દ્ર દવેએ કેટલાંક નોંધપાત્ર અછાન્દસ અને વૃત્તબદ્ધ કાવ્યો લખ્યાં છે, પરંતુ કવિ તરીકેનો તેમનો ઉન્મેષપૂર્ણ વિશેષ તેમનાં ગીત-ગઝલોમાં પ્રગટ્યો છે, કેમકે તેઓ નખશિખ ઊર્મિકવિ છે. તેમની ઘણી ગઝલોમાં એ મૂળ ફારસી કાવ્યપ્રકાર વિશેની ઊંડી સમજ અને સ્વકીય કાવ્યસર્જનક્ષમતા પમાય છે. તેઓ પરંપરાવાી ગુજરાતી ગઝલથી પ્રભાવિત હતા. તેમની ગઝલોમાં આધુનિક, પ્રયોગશીલ વલણ નહિ જોવા મળે, પરંતુ તે સાથે વાચાળતા, સ્થૂળતા, સભારંજકતા, બોધકતા જેવાં પરંપરાની ગઝલનાં કાવ્યતત્ત્વને હાનિકર્તા લક્ષણોથી તેમની ગઝલ સર્વથા મુક્ત રહી છે. તેમની ગઝલોમાં ભાવકને વારંવાર સૂક્ષ્મતા, અમુખરતા, ભાવ અને ભાષાનું સૌકુમાર્ય અને સંવેદનપ્રાચુર્યનો અનુભવ થાય છે. તેમના કૃતિત્વ ઉપરાંત વ્યક્તિત્વના પણ એ જ લક્ષણવિશેષો છે.
વારંવાર કહેવાયું છે તેમ પ્રેમ (તગઝઝુલ) અને મૃત્યુ એ હરીન્દ્ર દવેની સકળ કવિતાપ્રવૃત્તિના મુખ્ય વિષયો છે. એ બે વિષયોમાં ઊંડું શારકામ કરીને તેમણે કાવ્યતત્ત્વ સન્દર્ભે વારંવાર હૃદ્ય પરિણામો નિષ્પન્ન કર્યાં છે, આમેય ગઝલ તત્ત્વતઃ પ્રણયાનુભૂતિની અભિવ્યક્તિને પ્રાધાન્ય આપતો કવિતાપ્રકાર છે. હરીન્દ્ર દવેમાંના સઘન ઊર્મિકવિને તે વિશેષ સાનુકૂળ લાગે તે સહજ છે. તેમની જે ગઝલના આસ્વાદનો અહીં ઉપક્રમ છે તે ગઝલરચના પરત્વેની મોટા ભાગની હરીન્દ્રશાઈ લાક્ષણિકતાઓથી સભર છે. આ ગઝલમાં તગઝઝુલનો રંગ પાકો છે. ગઝલ જેવા કાવ્યપ્રકારની જાણીતી વિશિષ્ટતા તે પ્રત્યેક શેરનું સંભવી શકતું સ્વતંત્ર, સ્વયંપર્યાપ્ત ભાવવિશ્વ. માત્ર છંદ, રદીફ અને કાફિયા તેને એકસૂત્રતા આપી શકે. તે અહીં છે, પરંતુ મુખ્યત્વે જગઝઝુલનો રંગ હોવાથી આ ગઝલમાં ભાવસાતત્ય પણ નીખર્યું છે. વિરહાનુભૂતિજન્ય વિષાદના સૂરનું પ્રાધાન્ય ગઝલના ભાવસાતત્યને ઘૂંટનારું વધારાનું તત્ત્વ છે. પ્રસ્તુત ગઝલના મતલાના પ્રથમ મિસરાના પહેલા ત્રણ શબ્દો ‘વિરહની રાતનું વર્ણન’ એ મતલાનો જ નહિ, આખી ગઝલનો મિજાજ બાંધવા માટે પૂરતા છે. કદાચ આ એક સિચ્યુએશનલ, પરિસ્થિતિજન્ય ગઝલ છે. નિરૂપિત પરિસ્થિતિ ઘણી વિલક્ષણ પણ અનુભવાય છે. કવિ તેમના પ્રિય પાત્ર સમક્ષ પોતે વેઠેલી વિરહ રાતનું વર્ણન કરવા ઇચ્છે છે. આ પરિસ્થિતિ વિલક્ષણ નહિ તો બીજું શું વળી ‘વિરહની રાતનું વર્ણન’ કરવા માટે કવિ શરત મૂકે છે. ‘જરા રહો તો કહું’. અહીં રહો શબ્દની કમમાં કમ બે અર્થછાયાઓને ધ્યાનમાં રાખવી ઘટે. ‘રહો’થી ગઝલનો ‘હો’કારાન્ત કાફિયો નિયત થવા ઉપરાંત તેમાં ‘રોકાઈ જાઓ’ અને જરા અટકી મને મારી વાત કરવાનો અવકાશ આપો’ એવા બે અર્થધ્વનિઓ ઊઘડે છે. બંને અર્થસંકેતો મિસરાને વધારે રહસ્યગર્ભ બનાવી શકે તેવા છે. પણ મતલાની બીજી પંક્તિ અર્થાત્ સાની મિસરામાં કવિ બીજે છેડે પહોંચે છે. પ્રથમ પંક્તિમાં કવિ સુસ્પષ્ટ છેઃ ‘પ્રિયતમા રોકાઈ જાય અથવા મોકો આપે તો તેની સમક્ષ તેના જ વિરહમાં વિતાવેલી રાતનું વર્ણન કરું.’ પણ બીજી પંક્તિ બે ભાવસંકેતો ભણી ઇંગિત કરે છે. એક ભાવસંકેત પ્રથમ પંક્તિના ભાવના પુનરાવર્તનરૂપ છે — માત્ર તે દૃઢાવીને વ્યક્ત થયો છે, પરંતુ તે સાથે ભાવકને એવોયે સંદેહ થાય છે કે કવિ પ્રિયતમાની પણ અનુપસ્થિતિમાં વિરહની વ્યથા-કથા તો કહેવા નહિ માગતા હોય? ‘કહું’ શબ્દનું એક જ પંક્તિમાં થતું પુનરાવર્તન કવિપક્ષે સ્પષ્ટતાને સૂચવે છે, પણ ‘તમે ન હો તો’ શબ્દો કદાચ સંદિગ્ધતા પ્રેરી શકે. આમેય ગઝલની ‘તો કહું’ રદીફ પરથી આ આખોયે દહાડો કશીક અભિવ્યક્તિનો છે તે તો પમાય જ છે. તે સાથે રદીફમાંનો એકાક્ષરી શબ્દ ‘તો’ સતત ‘જો’ — ‘તો’ની શરતપ્રધાન સ્થિતિને દઢાવે છે.
મતલા પછીના શેરની પ્રથમ પંક્તિ ભાવકને સૂક્ષ્મ આઘાત આપી શકે! સામે ચાલીને માગેલી ચાંદનીથી તે વળી કોઈ કંટાળતું હશે?! ચાંદનીને મિલન-સુખનું પ્રતીક લેખીએ તોયે કવિ અહીં આપણને અણગમતા વાસ્તવની લગોલગ લઈ જતા જણાય. હા, ચાંદનીથી, મિલનસુખનીયે કદીક ‘અતિ પરિચયાદ્ અવજ્ઞા’ જેવો અનુભવ થઈ શકે! આનું કારણ યા રહસ્ય શું? એ રહસ્ય ચાંદની જેવી મિલનક્ષણોમાં નહિ, અંધકારસભર વિરહપળોમાં જ પામી અને વ્યક્ત કરી શકાય! શેરની સૂક્ષ્મતા ઘણી આસ્વાદ્ય છે. કવિ અહીં પણ મિલન પર વિરહની વશેકાઈ સ્થાપે છે. ચાંદની અને અંધકાર, મિલન અને વિરહ, સુખ અને વ્યથાઃ આ દ્વન્દ્વાત્મકતા તો મનુષ્યનિયતિ છે જ તદુપરાંત ‘દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’ એ નક્કર વાસ્તવ પણ છે.
તે પછીનો શેર આ ગઝલનો કદાચ ઉત્તમ શેર છે. શેર-સર્જનની એક પ્રયુક્તિ તે શબ્દ, ભાવ યા વિચારોને વિરોધાવી તેની સહોપસ્થિતિ સાધવાની પણ છે. ‘થીજેલા ઊર્મિતરંગો’ એ શબ્દો તેના દૃષ્ટાંતરૂપ છે. ‘ઊર્મિતરંગો’ અને તે ‘થીજેલા’?! ‘ચાંદની’ અને ‘કંટાળા’ને મળતી આવે તેવી આ વાત છે. જે તરંગની જેમ ખળખળ વહે તે જ ઊર્મિ. ‘થીજેલા’ શબ્દથી તો વદતોવ્યાઘાત સર્જાય! પણ વાસ્તવિકતા એ છે કે જળ અને ઊર્મિ, બંનેના તરંગો ક્યારેક થીજી પણ જઈ શકે. કવિએ અહીં ‘થીજેલા ઊર્મિતરંગો’ને વ્યથાના સ્વરૂપ અને ગતિના પરિચાલક પણ ગણાવ્યા છે. પરંતુ તેની સાથે જ તેઓ ‘તો’ શબ્દથી સૂચવાતી શરત મૂકવાનું ચૂકતા નથી. ‘થીજેલા ઊર્મિતરંગો’ને ઉદ્દેશીને તેઓ કહે છેઃ ‘જરા વહો તો કહું.’ વ્યથાનાં સ્વરૂપ અને ગતિ સમજાવવા માટેય સ્થગિત ઊર્મિતરંગોનું વહન આવશ્યક. વાત ફરી ફરીને અભિવ્યક્તિની મથામણ અને રીતિ પાસે જ આવે છે. વહન કદાચ અશ્રુબિન્દુનુંયે હોય.
તે પછી કવિ પુનઃ એક વિલક્ષણ સ્થિતિને નિરૂપે છે. પ્રિયતમા પ્રિયતમને અતીતનું સ્મરણ કરાવે એ સ્થિતિ વિલક્ષણ છે. જીવનમાં ‘તને સાંભરે રે’ — ‘મને કેમ વીસરે રે?’ જેવાં પ્રસંગો બહુ વિરલ નથી. પ્રેમિકા પ્રેમીને સંસ્મરણો તાજાં કરી આપે એ સ્થિતિ રોમાંચક પમ ખરી. વસ્તુતઃ અહીં સ્મરણ કરવા-કરાવવાની એખ સંકુલ રમણા સાકાર થતી લાગે છે. પ્રિયતમાનએ તો જાણે જૂનાં સ્મરણ યાદ અપાવ્યાં, પણ વાત ત્યાં પૂરી થતી નથી. કવિની તૃષ્ણા કદાચ વધારે છે. તેઓ ઇચ્છે છે કે સ્મરણ તાજાં કરવા-કરાવવાનો આ દોર ચાલ્યા જ કરે, પણ એય કાંઈ એમ ને એમ નહિ. ‘તો કહું’ની શરત તો ઊભી જ છે, અને એ શરત ‘કહો તો કહું’ની કાફિયા-રદીફયુક્ત પદાવલિથી ઘણી રમણીય બની છે. ‘તો કહું’ પહેલાં ‘કહું’ના કુળનો જ ‘કહો’ શબ્દ પ્રયોજાતાં પંક્તિમાંનું ભાવસૌન્દર્ય વધ્યું છે.
પ્રસ્તુત ગઝલના અંતિમ શેરમાં પણ કવિએ વિરોધાભાસી ભાવવાચક શબ્દોની સહોપસ્થિતિમાં કાવ્યત્વના સૌન્દર્યને પ્રગટાવવાની યુક્તિ અજમાવી છે. અહીં સહોપસ્થિતિમાં કાવ્યત્વના સૌન્દર્યને પ્રગટાવવાની યુક્તિ અજમાવી છે. અહીં જે ‘બેહોશી’ છે તે નિરર્થક નથી, બલકે ઉપકારક છે, કેમ કે એ ‘બેહોશી’માંથી જ ‘હોશ’નાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. શેર અધ્યાત્મભાવને આંબે છે. જીવનરહસ્યોનો કિંચિત્ તાગ મેથવવા માટે ચિત્તની સમાધિવત્ અવસ્થા અાવશ્યક છે. અને તોયે એ અવસ્થા બધાં રહસ્યોને ઉદ્ઘાટિત ન કરે એમ પણ બને. સમાધિસ્થિતિ તો એ રહસ્યો પ્રત્યે બહુબહુ તો અંગુલિનિર્દેશ કરી શકે. એ રહસ્યોનો શક્ય એટલો વધુ પાર પામવા માટે બેહોશીની સાથે થોડાંક હોશ, સમાધિ અવસ્થાની સાથે થોડી જાગૃતિ પણ જરૂરી બને. એને કદાચ તુરીયાવસ્થા કહેતા હશે. અભાનતા અને સભાનતાની વચ્ચે ઝૂલતી ચિત્તની સ્થિતિનો આનંદ કંઈક અ-લૌકિક હોવાનો. દ્વન્દ્વાતીત અવસ્થા શું આને કહેતા હશે?
હરીન્દ્રભાઈની આ કદાચ ઉત્તમોત્તમ ગઝલ ન પણ હોય, પરંતુ તે સુપરિચિત હરીન્દ્રશાઈ વિશેષોથી સંપૃક્ત છે; અપવાદ એ કે આ ગઝલમાં સીધો મૃત્યુવિષયક શેર નથી. કવિનું રદીફ-કાફિયાઆયોજન અહીં વિશિષ્ય અને તંગ હોવાની સાથે કિંચિત્ ક્લિષ્ટ પણ છે. આ મોટા મુશાયરાની નહિ, પણ એકાન્તની સભા માટેની ગઝલ છે. કવિતા લેખે તે તેની સફળતા છે. અહીં ‘બોલતા મિસરાઓ’ અને ‘ચોટદાર કાફિયાઓ’નો કસબ નથી. કાફિયાબંધીને તો અહીં વિશિષ્ટ અને તંગ હોવાની સાથે કિંચિત્ ક્લિષ્ટ પણ છે. આ મોટા મુશાયરાની નહિ, પણ એકાન્તની સભા માટેની ગઝલ છે. કવિતા લેખે તે તેની સફળતા છે. અહીં ‘બોલતા મિસરાઓ’ અને ‘ચોટદાર કાફિયાઓ’નો કસબ નથી. કાફિયાબંધીને તો અહીં અવકાશ જ નથી, કેમકે કાફિયાઓની સંખ્યા ગણીગાંઠી છે.
હો’કારાન્ત કાફિયાઓ અલ્પસંખ્ય છે, પણ લપટા પડી ગયેલા નથી. ‘અહો’, ‘સહો’, ‘લહો’ના પરિચિત કાફિયાઓ પ્રયોજવાનો લોભ જતો કરી કવિએ અહીં ‘ન હો’, ‘(અંધકાર) હો’, ‘(હોશ) હો’ જેવા સયુક્તિક કાફિયા — આયોજન — સર્જન દ્વારા કંઈક જુદું જ ભાષાકર્મ કર્યું છે. ‘કહો તો કહું’ના કાફિયાવિન્યાસમાં લાવણ્ય પણ અનુભવાય છે. ‘ગઈ બતાવી ઘણાંયે રહસ્ય બેહોશી’, ‘તમોને ભેદ એ જો અંધકાર હો તો કહું.’ ‘કહું, જે હોય છે આલમ તમે ન હો. તો કહું’ જેવી પંક્તિઓમાં ગઝલોચત અક્લિષ્ટતા નથી. પરંતુ પાંચ શેરની ગઝલના બહુમતી શેરો ભાવકને કાવ્યરસ સંતર્પક લાગે તો તે પર્યાપ્ત છે.
હરીન્દ્ર દવેની ગઝલો તેથી ભાવકપ્રિય છે. હરીન્દ્ર દવેની જ હોય એવી આ એક ગઝલ પણ ખરી હોં.
(ભમરો વાત વહે ગુંજનમાં)