પ્રીતમ
હરિનો મારગ
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
ઉત્તમ વસ્તુ પામવાની આકાંક્ષા તો હોય છે સૌને; પણ એ પામવાની યોગ્યતા હોય છે કોઈક વિરલામાં જ. પોતાની જાત સમાલીને બેસી રહેનારને, જરા કોઈ જોખમ જેવું દીઠું કે ઊભી પૂંછડીએ નાસનારને એ યોગ્યતા મળતી નથી. સિદ્ધિ શૂરવીરને જ સાંપડે છે; ને શૂરવીર એટલે પોતે નક્કી કરેલા લક્ષ્યને પામવા માટે પોતાના સર્વસ્વને, પોતાના પ્રાણને પણ હોમી દેવા પડે તો હોમી દેતાં જેનું રૂંપાડુંયે ન ફરકે તેવો મનુષ્ય.
ઉત્તમોત્તમ વસ્તુ પામવાનો તો ઠીક, પણ એનું નામ સરખુંયે લેવાનો અધિકાર જે આગળપાછળની કશી પણ ગણતરી કર્યા વિના જીવનું જોખમ ખેડવાને તૈયાર હોય તેને મળતો હોય છે. સલામતીના કોચલામાં ભરાઈ બેસનારને નથી પીવા મળતા રસના ઘૂંટડા; નથી મળતી કોઈપણ મૂલ્યવાન વસ્તુ, નથી મળતું મહાપદ.
પ્રીતમ મધ્યકાલીન કવિ છે અને મધ્યકાલીન કવિ કે ભક્તની દૃષ્ટિએ માનવ પુરુષાર્થનું પરમ લક્ષ્ય હરિદર્શન-ઈશ્વરસાક્ષાત્કાર છે. એટલે તે મોંઘામાં મોંઘી વસ્તુ તેને ગણે છે. અર્વાચીન યુગમાં લક્ષ્ય કદાચ બદલાયું છે. પણ લક્ષ્ય ગમે તે હોય, તેને સિદ્ધ કરવા માટેનો એકમાત્ર ઉપાય તો પ્રીતમ બતાવે છે તે રહ્યો છેઃ કાવ્યની ઘણી પંક્તિઓ આપણી ભાષામાં ચલણી સિક્કા જેવી બની ગઈ છે.
(આપણાં ઊર્મિ-કાવ્યો)