હરિનાં લોચનિયાં કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

કરસનદાસ માણેક

હરિનાં લોચનિયાં

એક દિન આંસુભીનાં રે

ભાવ અને ભાવુકતાથી ભર્યા ભર્યા કેટલાક હૂંફાળા કવિઓમાં કવિ કરસનદાસ માણેકનું નામ તુરત જ યાદ આવે. જેમ ઝવેરચચંદ મેઘાણીનો તેમ આ કરસનદાસ માણેકનો શબ્દ પણ હૂંફાળો લાગે. તેમનાં કેટલાંક ખૂબ જાણીતાં કાવ્યોમાં આ `હરિનાં લોચનિયાં’ કાવ્યનો સમાવેશ થાય છે. આમ તો દેવોની આંખોમાં આંસુ હોતાં નથી એમ મનાય છે; પણ અહીં તો દેવની આંખો જ આંસુએ ભીની – સજલ થઈ હોવાનું દર્શાવ્યું છે! એવું તે એ આંખોને શું જોવા મળ્યું કે એમની આંખમાં આંસુ આવી ગયાં? મનુષ્યને તો સમજ્યા, પણ દેવનેય – ભગવાનનેય રોવડાવી દે – એમને દુઃખ આપે – દુભાવે એવી ઘટનાઓ તે કેવી? પાછી આ ઘટનાઓ ઘટે છે મનુષ્યજાતમાં જ; ભગવાનની પોતાની જ સર્જેલી દુનિયામાં! મનુષ્ય ભગવાનનું સર્વોત્તમ સર્જન હોવાનું મનાય છે. એ મનુષ્ય થકી જ એવું કંઈક આચરાય છે, જેથી ભગવાનના હૃદયને ઠેસ પહોંચે છે. ભગવાનને આમ તો પોતાનાં સર્જેલાં બાળકોને – મનુષ્યોને જોઈ અઢળક આનંદ થવો જોઈએ; પોતાનાં બાળકોનો સંસાર, એમનું જીવન બરોબર ચાલતું જોઈને રાજીપો થવો જોઈએ; પરંતુ અહીંયાં એવું થતું નથી; બલકે એથી વિપરીત થાય છે! ભગવાનનાં જ બાળકો ભગવાનને જ ન રુચે, એમને ઊલટું આઘાત પહોંચે એ પ્રકારનો વર્તાવ – આચાર કરે છે. કવિ આ કાવ્યમાં ક્રમશ: ભગવાનને આઘાત પહોંચાડે એવી પાખંડ – શોષણ, અજ્ઞાન અને રૂઢિની એવી ઘટનાઓ વર્ણવે છે; જેમાં માણસ દ્વારા માણસ રેંસાતો જોવા મળે છે, માણસ દ્વારા માણસાઈની જ ઘોર ખોદાતચી હોવાનું જોવા મળે છે અને તેથી ભગવદ્ભાવ પણ ખંડિત થતો અને તેથા ભગવાનનો જ દ્રોહ થતો, એમને જ આઘાત પહોંચતો જોવા મળે છે. ભગવાનને નામે એવું કંઈ કામ થતું હોય છે જે ભગવાનની જ સામેનું હોવાનું પ્રતીત થાય.

પ્રસ્તુત કાવ્યમાં આરંભે જ કવિ કહે છે મેં એક દિવસ હરિનાં લોચનિયાં – ભગવાનની આંખોને અશ્રુભીની જોઈ! આનંદસ્વરૂપ ભગવાનનું આવું વેદનાભર્યું સ્વરૂપ જોવા મળ્યું! જરૂર, એવું કંઈક ગર્જ્યું છે, જે ભગવાનને કોઈ રીતે મંજૂર કે માન્ય ન હોય; અને એ છે ગરીબો-અછૂતોનો – દલિતોપીડિતોનો ભૂખમરો! સમાજમાં આટલી સદીઓ વીત્યા પછીયે મનુષ્ય મનુષ્ય વચ્ચે જે સમાનતા પ્રવર્તતી હોવી જોઈએ એનો એવો તો અભાવ છે કે અહીં તો એકને ગોળ મળે છે તો એમના જ કારણે એની સામે અનેકોને ખોળ પણ માંડ મળે એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. ભગવાનના જ ધામ આગળ – મંદિર આગળ, ભગવાનનાં જ બાળકોનાં ટોળેટોળાં મૂઠી ધાન વગર ટળવળતાં હોય એવી હાલત છે. એક બાજુ અન્નકૂટ થાય છે; તેના રંગરંગીન ઉત્સવો ઊજવાય છે; ચાંદીના ચાખડીઓ પહેલીને માલેતુજાર ભક્તો – ભગવાનના કહેવાતા ભક્તો —ની ભીડ થાય છે; શંખનાદો, ઘંટનાદો, ઝાલર-ડંકાથી મંદિર ગાજતું હોય છે; સોનાની આરતીની સો સો શગોથી મંદિરની અંદર બધું ઝળાંઝળાં થતું, ઉલ્લાસમાં નાચતું-ઊછળતું વરતાય છે ત્યારે એ જ મંદિરની બહાર, એના જ પરિસરમાં દૂબળાં-ભૂખ્યાંના મૂંગા નિસાસાથી ભારે ભારે મ્લાન-ઉદાસ વાતાવરણ જણાય છે. એક ઠેકાણે પેટનો ખાડો પૂરવા કોળિયો ધાન નથી; બીજી બાજુ ભગવાનની આગળ છપ્પન ભોગના ખડકલા છે. અનેકોનાં પેટમાં ભૂખની આગ ભડભડે છે ત્યારે કેટલાય ભક્તોનાં પેટ પ્રસાદના માલમલીદાના અત્યાહારે બગડતાંયે હશે. માબાપ પોતાનાં બાળકોને ભૂખના દુઃખે નિમાણાં થતાં કઈ રીતે જોઈ શકે? તો ભગવાન પણ પોતાના જ પેટને – પોતાનાં જ સર્જેલાં લાખો-કરોડો મનુષ્યોને ભૂખ્તાં કેવી રીતે જોઈ શકે? એમને ભૂખ્યાં રાખીને ભગવાનને પણ આ અન્નકૂટ આરોગવો ગમે?

કરુણાના સાગર, દીનદયાળુ પરમાત્મા તો એમની સન્મુખ અન્નકૂટ ધર્યો હોવા છતાંયે ભૂખ્યા જ રહેતા હશે! એમની આંખો તો પેલાં ગરીબગુરબાંના ભૂખે શોષાઈ ગયેલા ફિક્કા ચહેરા જોઈને ઊભરાઈ જતી હોવાનું આ કવિનું દર્શન છે. આ માનવધર્મી કવિના ભગવાન તો એવા જ હોય ને?! ભગવાનનું સાચું સ્વરૂપ કેવું હોય, કેવું હોઈ શકે તેનો આ કવિનો પાકો અંદાજ છે; કહો કે, એનો એમને સાક્ષાત્કાર છે તેથી જ પેલી ચાંદીની ચાખડીઓવાળા ભક્તો જે જોઈ શકતા નથી, એ આ કવિ જોઈ શકે છે. કવિ ભગવાનને તો જુએ છે, ભગવાનના હૃદયનેય જુએ છે. ભગવાનનું ખરેખરું અંતરતમ દર્શન તો આ કવિનું જ છે ને તેથી જ ભગવાનની આંખોમાં ઊભરાતી ભીનાશ તેમની નજરે ચડે છે.

આ કવિ કૌટુંબિક જીવનની – લગ્નજીવનની વિષમયાનું દર્શન બીજી કડીમાં નિરૂપે છે. એક બાજુ ઘરડો, પામર, ફિક્કો, હાડપિંજરના જેવો – પ્રેમત જેવો મુરતિયો છે ને બીજી બાજુ કોઈ કોમળ કળી જેવી બાલકન્યા છે; જેનું જીવન કજોડાની રૂઢિએ અકાળે કરમાવાનું છે – હોમાવાનું છે. વળી આવાં સ્નેહજીવની – દાંપત્યજીવનની ઘોર વિડંબનારૂપ લગ્નો થાય છે. પેલા વેદિયા બ્રાહ્મણ પુરોહિતો (કહેવાતા `પુરોહિતો’) દ્વારા. ને આવાં લગ્નોમાં વધેરાતી બાલકન્યાઓની – એમના નષ્ટ થતા ભાવિજીવીની આ વેદ ઉચ્ચરતા વિપ્રોને કે ફૂલફટાક થઈ, પતરાજીમાં મૂછો મરડતા સાજનમહાજનોને કશી પડી નથી. કવિ જ રૂઢિજડ, સંદેવનબધિર, ગુનાહિત કાર્ય કરતા ને કરવા દેતા મહાજનવર્ગની – બ્રાહ્મણવર્ગની અધમતાને બરોબર રીતે વ્યંજિત કરે છે. ભગવાનની આંખો ફૂલકળી જેવી બાલકન્યાનાં વૃદ્ધ સાથે થતાં લગ્નને કારણે – કડોજાંને કારણે, તો એવાં કજોડાંને આશિષ આપતા ને એ રૂઢિને પોષતા મહાજનો ને બ્રાહ્મણોના સંવેદનહીન આચરણને કારણે જ અશ્રુભીની થતી કવિને લાગી છે.

એ પછી આ કવિ ખેડૂતો અને મજૂરોના શોષણની વાત છેડે છે. જેમ વરુઓનાં ધાડાં માંસની લાલચે ઘેટાંઓની પાછળ પડે તેમ શાહુકારો ખેડૂતોની પાછળ પડે છે. તેમણે ખરા પરસેવે જે પકવ્યું હોય તે બધું પેલા પારકારની મહેનતને તાગડધિન્ના કરનારા શોષકો ઓળવી લે છે. તેઓ એમને ઘર ભરે છે; પણ જેમની મહેનતનો ગેરલાભ તેઓ ઉઠાવતા હોય છે તે મજૂરોને-ખેડૂતોને બે ટંકનાયે દાણા પહોંચાડવાની તમા રાખતા નથી. આવા નઘરોળ સોષકોને કારણે ખેડૂતનાં ખળાં ધાન્યને બદલે લોહીથી ભરાયેલાં – ખરડાયેલાં કવિને દેખાય છે. ભગવાનને જ્યારે શોષણખોરીના પાપે સર્જાતાં આવાં ભેંકાર દૃશ્યો જોવાનાં થતાં હોય ત્યારે તેમની આંખો તો અશ્રુથી જ ઊભરાય ને? ભગવાનના ભગવાનપણાનું દર્શન એમનાં આંસુઓમાં કવિને થાય એ સ્વાભાવિક છે.

કવિ આ કાવ્યમાં શોષણખોરી પછી યુદ્ધખરીનો પ્રશ્ન છેડે છે. આજે સ્વાર્થલોલુપ, ધૃષ્ટ રાજકારણીઓ સત્તા ને સંપત્તિના લોભે, અહંકાર ને મમતના માર્યા ઘૃણાસ્પદ નરસંહારનો આશ્રય લેતાં ખમચાતા નથી. તેઓ શસ્ત્રોની દોડમાં આગળ વધી જળ, સ્થળ અને આકાશને – સમસ્ત પર્યાવરણને પ્રદૂષિત કરે છે. વળી નવસર્જનના સ્વરૂપને સિદ્ધ કરવામાં અનેક નવલોહિયાઓનાં માથાં વધેરાય છે. આમ પરસ્પરના લોહીના તરસ્યા બની માનવો યુદ્ધના હડકવામાં ફસાય છે. પોતાના જ સર્જેલા માનવના આવા વરવા ને બેહાલ રૂપને જોઈને ભગવાનેય ઊંડો આઘાત લાગે ને એમની આંખો આંસુથી છલકાઈ આવે એ સમજાય એવું છે. પોતાનું આ સર્જન પોતાની આમન્યા ભૂલીને આવી બીભત્સ યુદ્ધખેલ માંડે એ ભગવાનની કેમ વેઠ્યું જાય?

આ કવિ તો ભગવાનને શિક્ષણ ને કેળવણીના નામે જડ શિક્ષકોના સકંજામાં બાળકોને હિજરાતાં જોઈનેય આંસુ સારતા નિહાળે છે. નાજુક ગુલાબ જેવાં બાળકો પરનો જડ શિક્ષકોનો અત્યાચાર કવિથી વેઠાતો નથી. વળી કારાગાર જેવી શાળાઓનાયે કવિ ભારે વિરોધી છે. ચિતા પર લાકડાં ખડકાય એમ આવી શાળાઓમાં બાળકોને ખડકવામાં આવે છે. આ બાળકોને એવું ભણાવાય છે કે જેને કારણે એમનો જીવનનો આનંદ ખોવાઈ જાય છે. તેઓ વસંત, વર્ષા, ગ્રીષ્મ ને શરદ જેવા ઋતિઓના ભેદ પારખવાની સંવેદનશીલતાયે ગુમાવી બેઠાં હોય છે. કહેવાતા શિક્ષણના આ યંત્રતંત્રમાં બાળકોના ચહેરા પરની પ્રસન્નતાયે લુપ્ત થઈ જાય છે. ભાવિ પેઢીનું ગુલાબીપણું અકાળે મૂરઝાઈ જાય એવી આજની નીંભર કેળવણી છે. આ કેળવણી હૈયાનાં નવાણ સૂકવી નાખે ને પ્રગતિના અંચળા હેઠળ જીવનના આનંદનો જ ભોગ લઈ લે એવી ખોખલી અને કઠોર છે. આવી કેળવણીનાં ભોગ બનતાં માસૂમ બાળકોને જોઈને સર્વજનવત્સલ પરમાત્માની આંખો રડી ઊઠે એમાં શી નવાઈ?

કવિ આ કાવ્યમાં ભગવાનનું ભગવાનપણું કેવું છે તે સુંદર રીતે, સચોટ રીતે સૂચવે છે. ભય અને લાલચની આંટીઘૂંટીઓમાં, માનવતાને ભરખી લેતી રૂઢિજડ કૌટુંબિક ને સામાજિક પરંપરાઓમાં, શોષણખોરી ને યુદ્ધખોરીમાં, માસૂમ બાળકોની જીવંતતાને ગ્રસી નાખડી જડ કેળવણીમાં એવું કશુંક થાય છે, જે ભગવાનને મંજૂર કે માનય તો નથી જ; બલકે એમને સવિશેષ અપ્રિય ને વેદનાકર પણ છે. ભગવાન તો પોતાની સર્જેલી સૃષ્ટિ અમનચમનમાં રહે; આબાલસ્ત્રીવૃદ્ધ સૌ સ્વમાનભેર જીવી શકે ને પોતાની ઇચ્છા અનુસાર જે ન્યાયપુર:સરનું, શુભ ને સુંદર છે તે સહેલાઈથી પામી શકે ને મોકળાશથી માણી શકે એવી પરિસ્થિતિના જ તરફદાર હોય. જે કોઈ એવી પરિસ્થિતિના નિર્માણ ને નિભાવમાં સહકાર-સહયોગ આપે તે જ ભગવાનના તો ખરા ભક્ત. એ જ ભગવાનને સાચી પ્રસન્નતા આપી શકે. ભગવાનનાં આંસુ તો એ જ લૂછી શકે ને નિવારી શકે જે ઉપર્યુક્ત વિષમ પરિસ્થિતિના નિવારણમાં તન-મન ને ધનથી સક્રિય થાય. ભગવાનનું ખરું દર્શન રૂઢિદાસો, સત્તાલોલુપો ને ધનલોભીઓ, શોષકો ને યુદ્ધખોરો, માનવ-કેળવણી ને માનવસેવાના બુઝદિલ ને જડ ઠેકેદારો કદીય નહીં પામી શકે; ઊલટું તેઓ તો પોતાની બેઅદબીથી ભગવાનનેય બેચેન કરી મૂકનારી આસુરી વૃત્તિના પ્રતિનિધિરૂપ ન લાગે તો જ નવાઈ.

ખરી ભગવત્તા તો માનવતાની આરાધના-ઉપાસનામાં છે. ભગવાન તો ભૂખ્યાં જનોની, ખેડૂતો, મજૂરો, શોષિત ને સહન કરનારાં નિર્દોષ સ્ત્રી-બાળકો વગેરેની સાથે છે. જ્યાં સુધી મનુષ્યનો ચહેરો ખરી પ્રસન્નતાએ નહીં ચમકે ત્યાં સુધી એના સર્જનહારનો ચહેરોયે ચમકતો-મલકતો દર્શવા નહીં મળે. દુઃખી, પીડિત મનુષ્યોનાં આંસુ લૂછીને જ ભગવાનને રાજી કરી શકાય. ખરો ભાગવતધર્મ માનવધર્મમાં જ નિહિત છે ને તેથી હરિનાં લોચનિયાં હસતાં કરવા, એ લોચનિયાંના આંસુ લૂછી એમને ચમકતાં કરવા અન્યાય, અસત, શોષણ, જડતા, અસમાનતા વગેરેનાં અંધારાં દૂર કરવાનાં રહે છે.

પ્રસ્તુત કાવ્ય ગરીબો પ્રત્યેની કવિની ઊંડી હમદર્દીમાંથી પ્રગટ્યું છે. એમાં વિચારભાવ-ભાવનાનો દોર સાદ્યંત મજબૂત છે. એ દોરના આધારે અહીં કવિકર્મ ચાલ્યું છે. કવિની વર્ણનપટુતા, એમનું લયપ્રભુત્વ અને ભાષાપ્રભુત્વ કાવ્યને કેવળ વિચાર-ચિંતનનું મલોખું કે માળખું ન બનાવતાં એમાં રસ-પ્રાણની ધબક, એને અનુકૂળ પોષક એવાં રૂપરંગ પણ સંભરીને રહે છે. આ કાવ્યનું જે સ્વરૂપ સિદ્ધ થયું છે તે આકર્ષક છે. `તે દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં’ – એ ધ્રુવપંક્તિને કવિ જે રીતે સમુચિત કાવ્યભાવ સંદર્ભોથી પુષ્ટ કરે છે તેથી તેની પ્રભાવકતા વધે છે અને કવિની રજૂઆત વિશેષભાવે મનોવેધક બને છે. કવિની તળપદ જીવન અને ભાષા સાથેની નિસ્બત પણ અહીં શબ્દપસંદગી અન રજૂઆતરીતિમાં ઉપકારક થયેલી પ્રતીત થાય છે. કવિ રૂઢ અર્થમાં નહીં, પણ આજના વિકસિત અર્થમાં માનવધર્મના આશક અને આસ્તિક હોવાથી ભગવાનના પ્રેમભાવ માટેની પાત્રતા ને પોત પોતાનાં પ્રગટ કરીને રહે છે; આ કાવ્ય તેથી જ આકર્ષક અને ઉત્કર્ષપ્રેરક દર્શન – વર્ણનવાળું થઈ શક્યું છે. હરિનાં લોચનિયાં હસતાં રહે એવું કંઈક કરી છૂટીને જ કવિના આ કાવ્ય પાછળના પ્રયોજનના આપણે સાચા સમર્થક ને પ્રસારક થઈ શકીએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book