ન્હાનાલાલ દ. કવિ
હરિનાં દર્શન
મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
ઉપર્યુક્ત કાવ્ય કવિ શ્રી ન્હાનાલાલના કેટલાંક ઉત્તમ કાવ્યોમાંનું એક છે. ન્હાનાલાલે પોતાને માટે `પ્રેમભક્તિ’ ઉપનામ રાખેલું તેની સાર્થકતા પ્રસ્તુત રચના બરોબર રીતે દર્શાવે છે. ન્હાનાલાલના લોહીમાં જ સ્વામીનારાયણ સંપ્રદાયનો તેમ જ દલપતરામના નીતિસદાચારના ને કીર્તનભક્તિના સંસ્કાર; તેથી પ્રેમભક્તિની – રસની વાતો કરતાં પુણ્યની-નીતિની પાળ ન ઉલ્લંઘાય તેની સાવધાની ખરી જ. ન્હાનાલાલ માટે પ્રેમ અને ભક્તિ માનવજીવનનાં – માનવસંસારના ઘણાં ઉદાત્ત તત્ત્વો છે. પ્રેમને તો તેઓ `સંસારસાર’ માને છે. ભક્તિ પણ પ્રેમનું જ એખ સ્વરૂપ છે; અલબત્ત, ઈશ્વર પ્રત્યેના પ્રેમનું. પરમાત્મા પ્રત્યેની અવ્યભિચારિણી ભક્તિમાં ન્હાનાલાલની શ્રદ્ધા ઘણી મજબૂત. પરમાત્મા સતત સ્મરણમાં રહે, એને જોવા-મળવાની તીવ્ર તાલાવેલી મનમાં હોય એ તો ધન્ય થવા જેવી અવસ્થા. કવિની એવી ધન્ય અવસ્થામાંથી સ્ફૂરેલું આ કાવ્ય છે.
આ કાવ્યમાં હરિનાં દર્શન માટેની ધખના વ્યક્ત થઈ છે. એ ધખનાને પરંપરાગત પદરચનાના ધીરશાંત લય-ઢાળમાં સહજતયા અભિવ્યક્ત કરવાની કવિની કળા અહીં જોઈ શકાય છે. ભક્તહૃદયનું આર્જવ જાણે આ કાવ્યમાં પદે પદે સ્રવે છે! ભગવાનનાં દર્શન ન થઈ શકવાના કારણભૂત પોતાના નયણાંની આળસ હોવાની કવિની કબૂલાત જ પ્રભાવક છે. કાવ્યનો ઉપાડ જ હૃદયંગમ છે : `મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.’ જે હરિએ નયણાં આપ્યાં, એ જ હરિને જોવામાં નયણાંની આળસ! જગતમાં જે કંઈ જોવા જેવું છે એમાં સર્વોત્તમ રૂપ તો શ્રી હરિનું છે. એનું સ્વલ્પ દર્શન કરવામાંયે નયણાં આળસ કરે એ કેવું? નયણાંની આવી ગાફેલગીરી પાછળ કારણભૂત છે. અજ્ઞાન અને તજ્જન્ય જડતા. જેનું દર્શન કરીને નયણાં ધન્ય થઈ શકે, એનાથી જ વંચિત રહેવાનું? જે દર્શન નિરતિશય આનંદ આપી શકે, નયણાં મળ્યાની – દૃષ્ટિ મળ્યાની સાર્થકતા જેવી સિદ્ધ થાય એ દર્શન જ નહીં કરવાનું?! આવી આળસ-આવો પ્રમાદ જીવનમાં કેવી રીતે ચાલી શકે? જેના દર્શનથી આપણા જીવને પરમ સુખ-પરમ શાંતિ મળી શકે એ હાથવગું છતાં પોતાની મર્યાદાઓને કારણે એનાથી વંચિત રહેવાથી છેવટે મોટું નુકસાન તો આપણને જ છે. આપણી આળસ જ આપણો મોટો દુશ્મન છે. એનાથી તો બચતા જ રહેવું જોઈએ. આળસ જો જીવતની ઊધઈ છે. એ આપણને અંદરથી કોરી કોરીને ખોખલા બનાવી દે છે. જે કંઈ આપણને હરિદર્શનનાં અવરોધરૂપ હોય તેનો તો તાબડતોબ નાશ જ કરવો જોઈએ. એમ કરવામાં આપણું સુખ ને શ્રેય બંને છે.
આપણે જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ – આવા વિવિધ તાપ-સંતાપથી પીડાઈએ છીએ. આપણી સ્થિતિ ગંગાકાંઠે તરસ્યા રહેનારા કોઈ વિમૂઢ જન જવી હોય છે. પરમ શાંતિને શીતળતા બક્ષનારી પરમાત્માની વત્સલ છાંય આપણને સહેલાઈતી મળે એમ હોવા છતાં મોહવશ ને અજ્ઞાનવશ મનોદશાથી ઘેરાઈને, રાગદ્વેષની જટાજાળમાં ફસાઈને આપણે પરમાત્માનું શીળું દર્શન જ્યાં થઈ શકે એમ છે ત્યાં વળતા નથી. એ રીતે આપણે છતે છાંયડે, સંસારના તાપમાં ધખતા રહીએ છીએ. આમાં વાંક પરમાત્માનો નથી, આપણો પોતાનો છે.
પ્રભુ તો સર્વવ્યાપક છે. `ઈશાવ્સ્યમ્ ઈદમ્ સર્વમ્’ એમ ઉપનિષદે કહ્યું જ છે. `ઘટ ઘટમાં વહ સાંઈ રમતા’ – એવું તો અનેક સંતોએ પોતપોતાની રીતે કહ્યું છે ધીરાએ પણ કહ્યું છે – ઈશ્વર વિનાનો ઠાલી એવો એકેય ઠામ નથી. જે કંઈ જડ અને ચેતન છે, તે બધઆંનો સર્જક પરમાત્મા છે. પરમાત્મા એના સર્વ સર્જનમાં ઓતપ્રોત છે. સર્વ સર્જનમાં એનો હાથ – એની મુદ્રા અંકિત છે. પણ એ જોવા માટે આંખ ઊઘડેલી હોવી જોઈએ; નજર જ્ઞાનભક્તિની પ્રેરિત હોવી જોઈએ. આંખ ખોલો તો પરમાત્મા આપણી સન્મુખ જ છે. જેમ આપણું હોવું જેટલું વાસલ્તવિક ને સાચું છે એટલું જ અને એટલે જ પરમાત્માનું હોવુંયે વાસ્તવિક ને સાચું છે; પરંતુ આપણું અહં, આપણું અજ્ઞાન અને આપણી જડતા એમાં આડી દીવાલ ઊભી કરે છે. તેથી જ જે પરમાત્મા આપણી અંદર પ્રાણતત્ત્વ રૂપે સતત સ્પંદે છે, જે પરમાત્મા આકાશની જેમ આપણને સદાયે આવરીને રહેલા છે એની જ હસ્તીની આપણે નથી નોંધ લેતા, નથી એનું દર્શન કરવાની તક ઝડપી લેતા ને પરિણામે નાહકતા અજ્ઞાનજનિત અંધકારમાં અટવાઈને દુઃખી દુઃખી થઈએ છીએ, ક્લેશ ને અશાંતિના ભોગ બનીએ છીએ. આપણામાંનાં જ આળસ, જડતા આદિ આસુરી તત્ત્વો આપણને આપણા દૈવી મૂળથી – આપણી દૈવી સંપત્તિથી આપણને વેગળા રાખી, આપણને પામર બનાવી આપણું અહિત કરે છે. આપણી સાચી સમજણ તો આવા અહિતમાંથી સમયસર ઊગરી જવામાં વરતાય. પરમાત્માનું દર્શન, એમનો સાક્ષાત્કાર આપણામાં સાચી સમજણનો ઉદય થયા વિના શક્ય જ નથી. આપણી આંખોના દીવા સતેજ જોઈએ. આપણો જડ્યાંધકાર ટળવો જોઈએ. આપણ પરમાત્માને પૂરેપૂરા સમર્પિત થઈ, એની કૃપા યાચવી જોઈએ. આપણી આંખો આડે જે જડતાના પડદા ઢળ્યા છે તે દૂર કરવા માટે એનાં પ્રેરણા-માર્ગદર્શન અનિવાર્ય છે. આપણે વિનીતભાવે પરમાત્માને સત્કૃપા માટે પ્રાર્થવા જોઈએ. આપણને એટલી શ્રદ્ધા, એટલો આત્મવિશ્વાસ તો હોય જ, કે પરમાત્મા જરૂર આપણને મળશે. પરમાત્મા આપણી સન્મુખ, આપણી અંદર રહેલા જ છે. આપણી સાથે – આપણી આસપાસના સમસ્ત બ્રહ્માંડ સાથે એ જોડાયેલા જ છે; એક ક્ષણ પણ તે આપણાથી અળગા રહેતા નથી ને છતાં આપણે એનાં દર્શન-સાક્ષાત્કાર વિના રહી જઈએ તો એમાં ગાફેલગીરી ને જવાબદારી આપણી પોતાની જ સાબિત થાય છે. જીવનની અવધિ મર્યાદિત હોઈ, આપણે સમયસર ચેતીને, જેના થકી આપણે છીએ, જે સતત આપણામાં ને આપણી સાથે, આપણી આસપાસ છે તેને પ્રીછવા-પામવામાં પ્રમાદ કરવો ન જોઈએ. જેટલા આપણે એ પરમાત્માને પ્રીછીશું-પામીશું એટલા આપણે આપણા સાચા રૂપને – આપણા દૈવી કુળમૂરને ઓળખી શકીશું અને પ્રસન્નતા તથા શાંતિ પામી શકીશું.
આપણામાં ઘુવડવૃત્તિ ઘર કરી ન જાય કે એવી વૃત્તિના ભોગ આપણે ન બનીએ તે માટે સાવધ રહેવું જોઈએ. ઘુવડ તો રાત્રે જ જાગે છે, તેથી એને સૂરજ જોવા મળતો નથી અને તેથી તે સૂરજ ન હોવાનું માનીને ચાલે છે. અખો જેવો કોઈ જો ઘુવડ આગળ સૂરજની વાત કરે તો તેને તે તુચ્છકારી કાઢે છે. આમાં ખરેખર કરુણાપાત્ર તો ઘુવડ જ છે. આપણે આપણા જીવનમાં એવાં ઘુવડોની સંગત ને શીખથી બચવાનું રહે છે. આપણે આપણામાંની ઘુવડવૃત્તિનું નિરાકરણ કરી, હંસવૃત્તિને વિકસાવવાની છે.
જે પરમાત્મા કણમાં ને કીડીમાં છે એ પરમાત્મા આપણી નજરમાં ને કલ્પનામાંયે ન માય એવા વિરાટ છે. પરમાત્માનું એવું વિશ્વરૂપદર્શન કરતાં તો અર્જુન જેમ આપણેય સ્તબ્ધ થઈ જઈએ. આપણનેય વ્યતો વાયો `નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ’ – એવા પરમાત્માના વાચાતીત મનસાતીત રૂપનો અનુભવ થાય; પરંતુ એવા સાક્ષાત્કાર માટે આંતરજાગૃતિ, આંતરજ્ઞાન અ-નિવાર્ય છે. આપણા ચિત્તમાં જો પરમાત્માનાં દર્શન માટેની સાચી લગની હશે તો પરમાત્માની કૃપા આપણા પર જરૂરથી ઊતરશે. આપણે જો એની કૃપાથી આપણી જડતાના પડદા ખસેડવા શક્તિમાન થઈશું, આપણે જો આપણી અંદર વધારે ઊંડે ઊતરીને જોવા મથીશું તો પરમાત્માનાં જ્યોતિર્મય દર્શન જરૂર કરી શકીશું. જો એ અમૃતમય પરમાત્માનું આપણે મન ભરીને દર્શન કરીશું તો આપણેય અમૃતમય થશું. આપણામાં કીડા કરતા સચ્ચિદાનંદના રૂપનો સાક્ષાત્કાર થતાં આપણેય સચ્ચિદાનંદરૂપ થઈ શકીશું; આફણે જ હરિની વ્રજભૂમિ ને હરિની વાંસળી હોવાનું પ્રતીત કરીશું તો આપણો આનંદ અપરંપાર હશે. આપણી હરિદર્શનની ભાવના જો સાચી હશે તો પરમાત્માની કૃપાએ આપણને આપણામાં અને વિશ્વમાં હરિદર્શન થશે જ થશે. ન્હાનાલાલ ઉપનિષદ – કથી ભક્તિજ્ઞાનની ભૂમિકાને આ પદમાં સરળ રીતે ને પ્રાસાદિક રીતે ઉતારી શક્યા છે. આ પદ એ રીતે ભક્તિદર્શનના સંક્ષિપ્ત ઉપનિષદ – રૂપ છે; જેમાં શબ્દર્થના જેટલું જ ઉત્તમ સહિતત્ત્વ શબ્દ ને સૂરનુંયે સિદ્ધ થયેલું લહાય છે. આ પદ જ્યારે ગવાય છે ત્યારે એમાં ભગવાનના વિભૂતિમાન તત્ત્વ સાથે આર્જવ અને આર્દ્રતાભર્યા ભક્ત હૃદયનુંયે મંગળમધુર દર્શન થાય છે.
(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)