— ને તમે યાદ આવ્યાં
હરીન્દ્ર દવે
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
હરીન્દ્રનું આ ગીત મારાં ગમતાં ગીતોમાંનું છે. સ્મૃતિ આજે પણ લીલીછમ છે, એમ સીધેસીધું કહેવાને બદલે કવિ કહે છે, ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.’ એક વાર મેં આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને ઓળખાવ્યું હતું તે પણ મને યાદ આવે છે. અહીં સ્મૃતિનો આનંદ છે, એની વેદના નથી, કારણ કે સ્મૃતિની ગતિ અને વ્યાપ્તિ છે. કલાપીએ ઈશ્વરના સંદર્ભમાં જે લખ્યું તે અહીં પ્રિય વ્યક્તિના સંદર્ભમાં છેઃ
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની
કલાપીએ પણ ‘ઠરે’ શબ્દ વાપર્યો. અહીં કોઈ વેદનાનો ‘અરે’ નથી. વિયોગની તીવ્રતા એવી છે કે સ્થળેસ્થળે અને પળેપળે સ્મરણની સંહિતા જ વંચાય છે. પ્રિય વ્યક્તિ યાદ તો આવી પણ એ યાદનો અનુભવ મોસમના પડેલા વરસાદને ઝીલતા હોઈએ એના જેવો છે. નેરુદાની પંક્તિ છેઃ
You were raining all the night.
પાન તો હતું જ. અને એને જોઈને સ્મૃતિ જાગી ઊઠી. પણ વરસાદને સ્પર્શે ‘એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.’ કવિએ મોઘમ ઘણું બધું કહ્યું છે. આ લીલું પાન, એ પણ સ્મૃતિ હોઈ શકે, આ પહેલો વરસાદ, એ પણ સ્મૃતિ હોઈ શકે, આ કોળતું તરણું, એ પણ સ્મૃતિ હોઈ શકે. અથવા આ લીલું પાન બહાર હોય પણ નહિ, ભીતર કોઈ વ્યક્તિનો ચહેરો લીલા પાન જેવો હોઈ શકે. અથવા અર્થઘટનની ઊંડી જંજાળમાં ન પડીએ અને કવિના શબ્દને જ સ્વીકારીને ચાલીએ તો કંઈક ક્યાંક જોયું ને તમે યાદ આવ્યાં આ તો આંતરબાહ્ય ઊભરાતી સ્મૃતિની વાત છે. કાવ્ય વર્તુળાકાર ગતિએ વિકસે છે. આંખથી જોયું, હવે કાનથી સાંભળવાની વાત આવે છે. પંખીના ટહુકામાં પ્રિય વ્યક્તિની સ્મૃતિનો ટહુકો છે. શ્રાવણના આકાશમાં ઉઘાડરૂપે આ સ્મૃતિ જ અને આ સ્મૃતિ એક તારો થઈને પણ ટમકે છે. આ કાવ્યમાં સંયમ પણ છે અને કાંઠા તોડી નાખે એવી બેફામ વાત પણ છે. સહેજ ગાગર ઝલકે છે અને સ્મૃતિ મલકે છે, પણ પછી તો સાગર એવો અફાટ ઊછળે છે કે જાણે કે કાંઠાને તોડીને રહે છે. અને આ બધું હોવા છતાંયે સ્મૃતિનો ઝંઝાવાત નથી, કારણ કે આ મહેરામણ ઉપર સહેજ ચાંદની છલક્યા કરે છે. આખું કાવ્ય સ્મૃતિના આક્રમણ અને અનાક્રમણના સંગમતટે છે. કોઈ અમસ્તું મલકે છે અને સ્મૃતિ ઝંકૃત થઈ ઊઠે છે. કોઈક અમસ્તું આંખને ગમે છે અને એ ચહેરો આંખને વળગે છે ત્યારે પણ તમે જ યાદ આવો છો. આ આખા કાવ્યમાં ‘જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ’ એ પંક્તિ મને બંધબેસતી નથી લાગતી. તાણીતૂસીને આપણે અર્થ બેસાડીએ કે કોઈકના સ્મિત અને ચહેરાની વચ્ચે આખું સ્મૃતિનું બ્રહ્માંડ દેખાય છે, તોપણ આ વાત કાવ્યના મિજાજને જોડે જામતી નથી.
કોઈક આંગણે અટકે છે તોપણ તમારી યાદ છે ને પગલું ઊપડે છે તોયે તમારી યાદ છે. પગરવની દુનિયામાં તમારી યાદનો કલશોર છે. આ ગીત લીલા પાન જેવું, મોસમના સર્વસ્પર્શી વરસાદ જેવું અને તરણા જેવું તાજું જ રહેવાનું — કવિની કાવ્યસૃષ્ટિમાં અને સહૃદયની ભાવનસૃષ્ટિમાં.
(ભમરો વાત વહે ગુંજનમાં)