સાંજ ઢળે છે વિશે – રમણીક અગ્રાવત

લાલજી કાનપરિયા

સાંજ ઢળે છે

પાછાં વળતા ધણની કોટે ઘંટીનો રણકાર થઈને સાંજ ઢળે છે

સાંજના દ્રાવણમાં ઝબકોળાઈને મન જાણે સાવ નિર્ભાર બની જાય છે. એવી ચોખ્ખીચણાક છીપમાં ક્યારેક ભાવનું ચકચકિત મોતી બંધાઈ આવે છે. સાંજની કેવી કેવી આભાઓ વિવિધ કાવ્યરચનાઓમાં ઝિલાઈ છે અને કવિમાનસને કેવું કેવું ખીલવ્યું સાંજની કળાએ તેનો રસપ્રદ અભ્યાસ થઈ શકે. એવી તારવણી કરવા કોઈ અભ્યાસીને કદાચ કોઈક સાંજ જ પ્રેરશે. દિવસભરના કોલાહલોને સાંજે એકાએક એમ થાય છે કે હવે શમી જઈએ. જવું જવું કરતું અજવાળું કશોક અલૌકિક ઝગમગાટ ધારણ કરી સહેજ થંભી જાય છે. આવું આવું કરતું અંધારું એની કશીક માયાજાળ અનાયાસ ફેલાવી બેસે છે. ગતિ અને સ્થિતિ વચ્ચેના કોઈક બિન્દુએ બધાં જ મન જરીક વિરમે છે અથવા કશીક તરલતામાં આળોટી પડે છે.

કોઈક જળરંગી ચિત્ર સમી આ કાવ્યકૃતિ સ્વયં એક નમણી સાંજ જેમ ખીલી છે. આ ગીત સદૃશ ગઝલના મુખડાનો આદર તો જુઓ. દાદા દાદા-લયમાં બળદોની ડોકમાં બજતી ઝીણી ઝીણી ઘંટડીઓ સાક્ષાત થાય છે. બળદોની ખરીઓના થપકાર સાથે ઊડતી ખેપટ, શિંગડાઓ પર બેસી ગયેલો ઝાંખો સૂર્ય. ઘેર પહોંચવાની ઉતાવળ બળદોને છે કે એના ચાલકને એ ન સમજાય. દૂર ક્ષિતિજે ફેલાયેલી વાદળીઓમાં રંગોની છોળ વમળાવા માંડી છે. પળેપળ બદલાતા રંગોનું પોત જોતાં આંખ ન ધરાય. ધીરે ધીરે ઘૂંટાતા કેસરીમાંથી અવનવીન રંગભભક વહી રહી છે. એનાં એ જ દૃશ્યને એક એક રંગ ઝબકાર નવીન સંયોજનામાં ઉપસાવે છે.

તમામ રસ્તાઓ જાણે ગામ તરફ વળી ગયા છે. સીમ ભણીથી આવતાં ગાડાં પાણીમાં તરતાં હોય એમ વહે છે. ઘર તરફ જવાની હોંશ બીડી કે ચલમના કસ સાથે ઘૂંટાઈ રહી છે. કામના ભારણ હેઠ દબાઈ ગયેલી તલપ એકાએક જાગી ગઈ છે. માણસો, પશુઓ સૌને ઘરની નિરાંતમાં લપાઈ જવાની સરખે સરખી ઉતાવળ છે. બળદોની ઘૂઘરમાળાનો રણકાર સાંભળતા આખા દિવસના થાકનું વિસ્મરણ થઈ રહ્યું છે. સાંજના ઢાળ પર વહી જતાં ગાડાઓની હારમાળા અને આકાશમાં લહેરાતી ગુંજતી પંખીમાળામાં પરોવાતી સાંજ હળવે હળવે ઢળી રહી છે.

આ નજારો નિહાળવા સ્વયં આકાશ હેઠું ઊતરી આવ્યું છે. કોઈ વિરાટ પંખી જેવું આકાશ પાંખો સંકેલીને એક ઝાડ પર પોરો ખાઈ રહ્યું છે. પંખીઓનાં કલબલાટમાં જાણે બધાં વૃક્ષો ઊંચકાઈ રહ્યાં છે. ઝાડનાં પાંદડેપાંદડાંમાંથી ટહુકાર ફૂટી રહ્યા હોય એમ લાગે. ઢળતી જતી સાંજની રંગવર્ષામાં આ પંખીનાદનું માધુર્ય ઉમેરાઈ ગયું છે. પંખીઓનો આ સમૂહસ્વર કોઈ મંત્રગાન કરે છે કે શું? એ મંત્રગાન સાંભળતાં સમગ્ર પરિસર જાણે સ્તબ્ધ થઈ ગયો છે. લંબાયે જતા પડછાયાઓ પોતાના ખભે ઊંચકીને એક નવીન સાંજને લઈ આવ્યા છે.

ઢળતી સાંજના જાદુમાં સઘળે વિસ્મય આલોક છવાઈ ગયો છે. કેડી, ગાડાવાટ બધું ખાલી થવા માંડે છે. બધાં પંખીઓ માળા તરફ વળી ચૂક્યા છે. છેલ્લી સારસજોડી પણ નદી કિનારેથી ઊડી ગઈ છે. ધીરે ધીરે નદીનો પટ ખાલી થવા માંડે છે. બધા જ અવાજો ઓસરે કે કાને પડે જળના વહેવાનો અવાજ. ના, એ જળનો અવાજ નથી, ધીરે ધીરે જળમાં વહેતો એ ખળખળતો સૂનકાર છે! જે તમામ અવાજો ઓસરી ગયા પછી એકાએક કાને પડવા માંડ્યો છે. થાકી ગયેલી ટેકરીઓ નદીના જળમાં પગ બોળવા નીચે ઊતરી આવી છે. થોડી વારમાં તો આ ઢલતી સાંજના પાલવમાં કેડી, રસ્તા, નદી, ટેકરીઓ બધું જ ઢબૂરાઈ જશે. આ રળિયામણી સાંજને વધારતાં હોય એમ દેવદ્વારોએથી ઝાલર, નગારાં, ડંકા, શંખ રણઝણી ઊઠ્યા. આંગણે આંગણે તુલસીક્યારાઓએ ધૂપ મુકાય, દીપ ટમટમે. ઠાકરદ્વારે નગારે ઘાવ પડે કે શ્રદ્ધાળુઓના મસ્તક આપોઆપ નમી પડે. આવાં નમનશીલ વાતાવરણમાં સાંય સાંય વીંઝાતી સાંજ ઢળે છે. શ્રી લાલજી કાનપરિયાની આ સુંદર કૃતિ હંમેશા યાદ રહેતી કોઈ પ્રાર્થનાની જેમ આપણી સ્મૃતિમાં ઢળે છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book