સાંજના ઓળા લથડતા જાય
લાભશંકર ઠાકર
સાંજના ઓળા લથડતા જાય.
આ કાવ્ય એક મરણોન્મુખ મનુષ્યની સ્વગતોક્તિ છે.
કાવ્યનાયક સાંજના સમયે કોઈ એક શહેરની સડક પર આ સ્વગતોક્તિ ઉદ્ગારે છે :
‘સાંજના ઓળા લથડતા જાય
બબડતું બોર વેચે શ્હેર આખું
શ્હેર પાંખું’
સાંજ જ્યારે નમતી હોય છે ત્યારે શહેરનાં ઊંચાં મકાનોના લાંબા ઓળા સડકો પર પડતા હોય છે — જેમ જેમ સાંજ વધુ ને વધુ નમતી જાય છે તેમ તેમ વધુ ને વધુ લાંબા ઓળા જાણે લથડતા હોય એમ સડકો પર પડતા જાય છે. સવારે શહેર દિવસભરના કામકાજની તૈયારી કરતું હોય છે, બપોરે કામકાજ કરતું હોય છે. માત્ર સાંજે જ એ કામકાજમાંથી પરવારતું હોય છે ત્યારે આખું શહેર સડકો પર ઠલવાતું હોય છે, ટોળાંઓથી ઊભરાતું હોય છે. ત્યારે એ ગાજતું (બોર વેચે) હોય છે. પણ ત્યારે એ થાકેલું હોય છે. એથી એ જાણે બબડતું હોય છે. ત્યારે એ પાંખું-ઝાંખું પણ હોય છે. ‘લથડતા’ અને ‘પાંખું’ શબ્દો આંખને સ્પર્શે છે, ‘બબડતું’ શબ્દ કાનને સ્પર્શે છે. લાભશંકરે માત્ર ત્રણ જ શબ્દોના, ત્રણ જ પંક્તિઓના એક આછા લસરકાથી ગતિશીલ શહેરનું હૂબહૂ, આબેહૂબ ચિત્ર સર્જ્યું છે. આ ઇન્દ્રિયગમ્ય — ઇન્દ્રિયગ્રાહ્ય અને લાઘવયુક્ત ચિત્રાત્મકતા એ લાભશંકરની શૈલીની એક લાક્ષણિકતા છે. એમનાં અનેક કાવ્યોમાં આ લાક્ષણિકતા જોવા મળે છે. કાવ્યના આરંભનું આ ચિત્ર એ ચિત્ર માત્ર નથી, પણ ચિત્રથી કંઈ વિશેષ છે એ તો કાવ્યના અંતે જણાશે.
લાભશંકરની શૈલીની એક અન્ય લાક્ષણિકતા છે. બે શબ્દોના પ્રાસને આધારે અને / અથવા બે શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે તેઓ એક ભાવમાંથી અન્ય ભાવમાં, ભિન્ન અથવા વિરોધી ભાવમાં; એક વિચારમાંથી અન્ય વિચારમાં, ભિન્ન અથવા વિરોધી વિચારમાં; એક કાળમાંથી અન્ય કાળમાં સહેલાઈથી સરી જાય છે. અહીં કાવ્યનાયક ‘આખું’ અને ‘પાંખું’ના પ્રાસને આધારે અને ‘પાંખું’ અને ‘પાંખ’ શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે વર્તમાનકાળમાંથી ભૂતકાળમાં સરી જાય છે :
‘પાંખ
એકેએકની ફફડ્યા કરે છે પાંખ.
શી થરક્યા કરે છે આંખ!
મેં પથ્થરોને ઊડતા જોયા હતા
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.
આ નદીની રેતમાં
બળતી બપોરે
પંખીઓની દાઝતી છાયા
અરે
એના વિષાદે આંખમાં
આંસુ મને આવ્યાં હતાં.
આંખમાં આંસુ
અને એમાં સદા યૌવનતરીને હાંકતા
વર્ષો સુધી રોયા હતા.
વર્ષો સુધી જોયા હતા
મેં પથ્થરોને ઊડતા
ને પંખીઓને બૂડતાં.’
હવે કાવ્યનાયક એના જીવનભરના, આયુષ્યના આરંભ (સદા યૌવનતરીને હાંકતા)થી આ ક્ષણ સુધીના કરુણમાં કરુણ અનુભવનું સ્મરણ કરે છે :
‘મેં પથ્થરોને ઊડતા જોયા હતા
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.’
કવિએ કાવ્યનાયકના અનુભવને આ યુગ્મમાં લયવાહી, પ્રાસયુક્ત પંક્તિઓમાં એક જ છંદના, માત્ર હરિગીત છંદના જ એકમનાં ત્રણ ત્રણ આવર્તનોમાં દૃઢતાથી અને અંતિમતાથી વ્યક્ત કર્યો છે.
આ યુગ્મની પૂર્વે અને પછી કાવ્યનાયક પંખીઓની કરુણતાનું સ્મરણ કરે છે :
‘એકેએકની ફફડ્યા કરે છે પાંખ.
શી થરક્યા કરે છે આંખ!
… … ….
આ નદીની રેતમાં
બળતી બપોરે
પંખીઓની દાઝતી છાયા’
કાવ્યનાયકે પંખીઓની આ કરુણતા પ્રત્યેના એના સંવેદન, સમસંવેદનને કારણે, વિષાદને કારણે જીવનભર આંસુ સાર્યાં હતાં. પંખીઓની આ કરુણતા વૈયક્તિક કરુણતા છે. પણ આ કરુણતાના કારણરૂપ જે કરુણતા છે તે આ કરુણતાથી વિશેષ એવી કરુણતા છે. એ વૈશ્વિક કરુણતા છે, એ વિશ્વવ્યાપી કરુણતા છે. વિશ્વ જે કરુણતાથી છલોછલ છલકાય છે એ કરુણતા છે. આ કરુણતા પૂર્વોક્ત યુગ્મમાં વ્યક્ત થાય છે. કાવ્યનાયકે જેને કદી ઊડવાનું ન હોય એવા નિર્જીવ પથ્થરોને ઊડવા અને જેને સદા ઊડવાનું હોય એવાં સજીવ પંખીઓને બૂડતાં જોયાં હતાં. આ વિસ્મય અને આશ્ચર્યનો અનુભવ છે, વિધાતાની વક્રતા અને વિષમતાનો અનુભવ છે. વિશ્વક્રમમાં, વિશ્વની રચનામાં અવ્યવસ્થા અને અરાજકતાનો અનુભવ છે, મનુષ્યનો આ કરુણમાં કરુણ અનુભવ છે, ગહન અને ગભીર; કૂટ અને ગૂઢ એવો અનુભવ છે. લાભશંકરનાં અનેક કાવ્યોમાં આ અનુભવ પ્રત્યક્ષ કે પરોક્ષપણે વ્યક્ત થતો જોવા મળે છે. એથી જ લાભશંકરનાં કેટલાંક કાવ્યોમાં અને ગદ્યલખાણોમાં વિશ્વક્રમ વિશે, વિશ્વની રચના વિશે ફેર- વિચાર કરવો જોઈએ; પાંચ હજાર વર્ષની માનવસંસ્કૃતિ અંગે, પ્રચલિત મૂલ્યો અને માન્યતાઓ અંગે પરંપરાગત આસ્થાઓ અને શ્રદ્ધાઓ અંગે ફેરતપાસ થવી જોઈએ એવો આગ્રહ જોવા મળે છે.
કાવ્યના આરંભે જે ચિત્ર છે એમાં આ અનુભવના એકાદ અંશનું આરોપણ છે. એમાં કાવ્યનાયકનો વૃત્તિમય હેત્વાભાસ છે. પછી આ અનુભવનું સ્મરણ કરવાથી અને એમ આ અનુભવમાંથી ફરી એક વાર પસાર થવાથી અંતે આ અનુભવનું નિરસન થાય છે. હવે એ ભૂતકાળમાંથી વર્તમાનકાળમાં સરી જાય છે. હવે એ નિર્મમ, નિરાસક્ત અને નિરામય છે. એનો કરુણ શાંતમાં પર્યવસાન પામે છે.
આમ, કાવ્યનાયકને એકસાથે આત્મવિલોપન અને આત્મોપલબ્ધિનો અનુભવ થાય છે; એકસાથે તાદાત્મ્ય અને તાટસ્થ્યનો અનુભવ થાય છે. એ પથ્થર અને પંખીને નિર્લેપ નેત્રથી નિહાળે છે.
‘પથ્થર હવે પથ્થર બન્યા છે
પંખી હવે પંખી બન્યાં છે.’
એ મિત્રોને પણ નવી નરવી દૃષ્ટિથી જુએ છે :
‘જોઉં છું મિત્રો તમોને
રેતમાં હોડી હમેશાં હાંકતા
ને કેડમાંથી વાંકતા
ને હોઠમાંથી હાંફતા
ગીતની કડી.
તેથી જ કહું છું કે હવે હું જાઉં છું.
મૌનને અંતે હવે હું ગાઉં છું.’
મિત્રોની આ અવસ્થા છે એથી કાવ્યનાયક મિત્રોથી દૂર થાય છે. અને ‘હું જાઉં છું’ કહીને જાણે મૃત્યુની નિકટ જાય છે. હવે એનામાં મૌન છે. એ બાહ્યજગત અને બાહ્ય જીવનમાંથી આંતરજગત અને આંતરજીવનમાં સરી જાય છે. હવે એ બહિર્મુખ નથી, એ અંતર્મુખ છે. એથી એનામાં મૌન છે. પાણીથી વધુ મુખર અને વધુ મામિર્ક એવું આ મૌન છે. આ મૌનને અંતે એ ગાય છે :
‘છો બબડતું બોર વેચે છે
નગર પાંખું
નગરની તૂટલી તિરાડ–શી સડકો મહીં
હું ફક્ત કેવલ ગાઉં છું.
કાનને સંભળાય મારા
એટલું ધીમેશથી હું ગાઉં છું.
ફક્ત કેવલ ગાઉં છું.’
કાવ્યના આરંભે જે નગર હતું એનું એ જ નગર છે. પણ હવે કાવ્યનાયક એનો એ જ નથી. એ નગર પ્રત્યે એ ઉદાસીન છે, અન્યમનસ્ક છે. એને માટે જાણે એ નગરનું અસ્તિત્વ જ નથી. એની સડકો જાણે એ નગરની તૂટતી તિરાડો છે. એને હવે આ જગતમાં કશું કરવાનું નથી, કોઈને કશું કહેવાનું નથી. એને માત્ર ગાવાનું છે. પણ તે કોઈને સંભળાવવા માટે ગાવાનું નથી. એ હવે માત્ર પોતાના જ કાનને સંભળાય એટલું ધીમેશથી ગાય છે. એ ફક્ત કેવળ ગાય છે. એ પોતાનું હંસગીત ગાય છે. ‘ફક્ત કેવળ ગાઉં છું.’ શબ્દોના પુનરાવર્તનમાં એની આ અંતિમ ઇચ્છાની પ્રતીતિ થાય છે. આમ, કાવ્યને અંતે કાવ્યનાયક એના અંતરતમમાં અલોપ થાય છે.
માત્ર આ કાવ્ય જ નહિ, કાવ્યમાત્ર કવિને માટે એકસાથે આત્મવિલોપન અને આત્મોપલબ્ધિનો અનુભવ છે, એકસાથે તાદાત્મ્ય અને તાટસ્થ્યનો અનુભવ છે; કાવ્ય એ મરીને જીવવાનો મંત્ર છે.
૨૩ એપ્રિલ, ૨૦૧૬
(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)