સમરકંદ-બુખારા : વિનોદ અને વેદનાનું સંતુલન — રાજેન્દ્રસિંહ જ. ગોહિલ

સાચા કવિની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક કાર્ય કાવ્યમય બની રહેતાં હોય છે. કવિના અંતરમનના અવકાશોમાં એ કાવ્યમય ક્ષણોનું સતત મનન, ચિંતન અને અનુરટણ થયા કરે છે. એમાં નવા નવા સર્જનાત્મક કાવ્યમય અમૂર્ત આકારો જન્મ લઈ કવિચિત્તને કૃતિ-રચના કરવા માટે સંપ્રેરણ કરતા હોય છે, અને એટલે પેલી અનુભૂત ક્ષણો આપોઆપ માર્ગ કરીને તીવ્રતાથી શબ્દરૂપ પામે છે. છાત્રજીવનમાં અનુભવેલી એક સામાન્ય ઘટના-ક્ષણ કાવ્યનાયકના ચિત્તને જીવનભર સતત તાવે-તપાવે છે. સ્મૃતિમાં રહી પડેલું ઘટના-બીજ આ કાવ્યનું કેન્દ્ર બને છે.

‘સમરકંદ-બુખારા’ની કાવ્યગર્ભ-ક્ષણ તો છે છાત્રજીવનમાં થયેલો વેદનાસિક્ત અને કઠોર અનુભવ. શૈશવ અવસ્થામાં કાવ્યનાયકને મહેતાજી નકશો ખોલીને ભૂગોળ ભણાવે છે. ભણવામાં નિરુત્સાહી સહપાઠીઓ સહિત કાવ્યનાયક વયસહજ ટીખળ કરી નકશાની ભૂંગળ કરી દઈ છાના-છપના ભૂગોળ ન ભણવાની ઇચ્છા કહે છે. પણ ‘ચૂપ કરી દેતી ભોગળશી સોટી શયતાની’માં સોટી શયતાની તો છે જ, સાથે ‘ભોગળશી’ પણ છે. બારણાને ચસોચસ બંધ કરી દેતી ‘ભોગળ’ની જેમ સોટી બધાને ચૂપ કરી દે છે. લમણે બે હાથ રાખીને પણ ભૂગોળ ભણવી પડે છે. મહેતાજી વર્ગમાં બેઠાં બેઠાં આંગળીની દોરવણીએ નદી, ધરતી, ડુંગર, દરિયાની સફર નકશામાં કરાવે છે. કવિ કહે છે —

પગે, ગાડીએ, વ્હાણે નહિ, પણ આંગળીએ નકશામાં
— નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં? ન કશામાં! —

નામરજીથી ભણતા કાવ્યનાયકને ભૂગોળનું ભણતર પલ્લે પડતું નથી. નકશામાં જોયેલું યાદ રહેતું નથી. ‘નકશા’માં જોયેલું તે જાણે ‘ન-કશા’માં!! કશામાં નહિ, ક્યાંય જોયું નથી!! કાવ્યનાયકને હથેળીમાં બતાવેલાં કેટલાંય શહેર ‘હથેળીના ચાંદ’ની જેમ વિસરાઈ જાય છે. મહેતાજી કાવ્યનાયકને જ ઊભો કરી પ્રશ્ન પૂછે છે — ‘કહે શ્હેર એ શાં શાં?’ કાવ્યનાયક સહજતાથી બોલી ઊઠે છે — ‘નિશાળ નાની! ટિચુકડો આ નકશો! એમાં શ્હેરાં?’ ઉત્તર સાંભળી સમસમી ઊઠેલા મહેતાજી પેલી ‘શયતાની સોટી’થી હથેળીમાં તારા બતાવી દે છે. સજાથી ગભરાયેલ કાવ્યનાયક ઝટપટ ભૂગોળમાં શીખવેલાં શહેરની યાદી વાંચી-બોલી જાય છે —

‘કાબુલ, બલ્ખ, કંદહાર ને સમરકંદ-બુખારા!
કદી ભુલાશે નહિ બાપલા! સમરકંદ-બુખારા!’

કાવ્યનાયકને શિશુસહજ પ્રશ્ન થાય છે — ‘સોય તણી ના ઠરે અણી પણ, ત્યાં એ શ્હેર વસેલાં?!’ નકશામાં સોયની અણી પણ ન ઠરે, તેટલી જગ્યામાં શ્હેર કેવી રીતે વસી શકે? આ બાળસહજ કુતૂહલની મદદે સ્તુતિ આવે છે. ‘સોયઅણીપુર’ એવી કુમારિકા જગ્યા ઉપર સૂતેલા કર્ણની જેમ અહીં પણ શ્હેર વસેલાં હશે તેમ કુતૂહલપોષક તર્ક કરે છે. ત્યાં જ સોટીના ચમકારાની વેદના યાદ આવતાં તરત જ ‘એવું જ હશે!’ એમ માની લેવા પ્રેરાય છે. સોટીના મારની સાથે કાવ્યનાયકના ચિત્તમાં જડાયેલાં બંને શહેર સમરકંદ અને બુખારા સ્મરણમાંથી કેમેય લોપાતાં નથી, બલ્કે તેનું વેદનાસિક્ત સ્મરણ કાવ્યનાયકના મનમાં ઘૂંટાયા કરે છે. અહીં સોટી કાવ્યનાયકના હાથમાં વાગે છે અને માર હૈયામાં લાગે છે. સોટીનો ઘા સમય જતાં રુઝાવાને બદલે ચમચમ્યા કરે છે. યુવાવસ્થામાં કૉલેજમાં ભણતા કાવ્યનાયકને ભણાવતા પ્રોફેસર નવી નવી વાતો કરી વર્ગમાં આનંદ કરાવતા. એક વખતે તેઓ કહે છે — પૂર્વેના સમયમાં અરબસ્તાન પ્રદેશમાં સુંદર બદન ધરાવતી સનમ-સુંદરીના શરીર પર એક કાળો તલ એવી જગ્યાએ હતો કે તે અત્યંત સુંદર લાગતી. ત્યાંનો રંગીલો-શરાબી બાદશાહ એના બદન પરના કાળા તલને કારણે એના ઇશ્કમાં ચકચૂર થઈને સમરકંદ-બુખારા વારી જવા તૈયાર હતો. કાવ્યનાયક કહે છે —

બદન પરે કાળા તલવાળી સનમ રીઝે, તો સારા
દઈ દઉં એ તલ પર વારી સમરકંદ-બુખારા.

આ સંદર્ભે બાળાશંકર કંથારિયાની ગઝલના એક શે’રનું સ્મરણ થાય છે.

અગર તે યાર શિરાઝી મહારું મન મેળાવે!
સમર્પું હું બુખારા ને સમર તિલ શ્યામને ભાવે.

(ગુજરાતની ગઝલો, પૃ. ૧૯)

કાળા તલ પર સમરકંદ-બુખારા શહેર વારી જવાની વાત કાવ્યનાયક સમજી શકતો નથી — ‘તલની વાતમાં આવા શું બખાળા?’ પણ અહીં તર્ક મદદે આવે છે. પ્રેમમાં — કૃષ્ણના પ્રેમમાં આસક્ત ગોપી વૃંદાવન માટે ‘વૈકુંઠ નહિ આવું’ એ પ્રેમન્યાયે તલની વાતે પણ એમ જ હશે?! વળી માર્મિક પ્રશ્ન થાય છે કે આલમમાં ગોરા ડિલે જેટલા કાળા તલ હશે એ બધાં પર એટલાં સમરકંદ-બુખારા વારી જવાં?! વિચારે ચડી ગયેલ કાવ્યનાયકના સ્મરણમાંથી ‘સમરકંદ-બુખારા’ ખસતાં નથી. છેવટે વિચાર થંભે છે પણ ‘સમરકંદ-બુખારા’ થંભતાં નથી. સોટીના ચમકારા સાથે બળતી હથેળી અને વેદનાજન્ય હોંકારા પણ સ્મરણપટ પર ઊભરી આવે છે. નર્મની સાથે વેદનાનો તંતુ ગૂંથાય છે. આંખ મીંચતાંની સાથે જ નજર આગળ તરવરતા જંગી દરવાજા જોઈને ઓળખી લે છે, આ તો — ‘સમરકંદ-બુખારા’! ઊંટપીઠે ગગડતી નોબત, શોર કરતાં પડછંદ નગારાં, ગાજતા પડઘમ, બાજતાં રણશિંગાંની સાથે એકની પાછળ એક ચાલતાં ધિંગાં લશ્કરની જંગી સવારી — આંખો સામે તરવરતાં ‘સમરકંદ-બુખારા’નું સ્મરણ પહેલાં ધીમેથી પજવતું તે હવે પડઘમની જેમ ગાજતું-વાજતું ને કાવ્યનાયકને ચમચમાટનો એહસાસ કરાવતું રહે છે. કાગળની ભૂંગળની સામે ‘સમરકંદ-બુખારાની નોબત ને રણશિંગાં કવિચિત્તમાં બજતાં રહે છે. જે પેલી સોટીના મારની વેદનાને વધુ બળવત્તર બનાવે છે. અગાશીએ સૂતા કાવ્યનાયક પૂનમના ચંદ્રમા પર કાળા તલ જેવું કલંક જુએ છે. સુંદરીના બદન પરનો કાળો તલ અને ચંદ્રમા પરનું કલંક સૌંદર્યના સંદર્ભ સાથે એકાકાર થવા મથે છે. શરાબની છલછલી ઊઠતી પ્યાલી, જંગસવારી, કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શિરાઝી — સર્વનું વિખ્યાત વિલાસ-વૈભવથી ચકચૂર એવાં શ્હેરો સમરકંદ-બુખારાનું જગત છે. પણ એ શહેરોએ તો કાવ્યનાયકને અનાયાસ સોટીના ચમકારાની વ્યથા અર્પી છે —

ને ચમકારે મહેતાજીએ નકશાનાં પરભારાં
ભેટ દીધેલાં શહેર એ બે સમરકંદ-બુખારા!

કાવ્યનાયકને કંદહાર, કાબુલ, બલ્ખ, ઇસ્પહાન, તહેરાન, કેન્યા, કિલિમાન્જારો જેવાં અનેક શહેરો વિશે જાણવા-જોવાનું બન્યું છે, પણ એ બધાનો સ્મૃતિલોપ થયો છે. સોટીના મારની ચમચમ સાથે જડાઈ ગયેલાં સમરકંદ બુખારા સૂતાં-જાગતાં-સ્વપ્ને-તંદ્રે-મધરાતે-નિશદિને સતત સ્મરણમાં રણક્યા કરે છે. ઘટનાબીજની સાથે અનાયાસ જોડાતી ચિત્રશ્રેણીઓ કાવ્યને મનભર બનાવવા સાથે સવૈયાની ચાલમાં ચાલતું કાવ્ય નર્મ-મર્મ બાનીને કારણે આસ્વાદ્ય બની રહે છે. જોકે અહીં નોંધવું જોઈએ કે ચંદ્રકાન્ત શેઠે આ કાવ્યમાં લાવણી છંદ પ્રયોજાયો છે એમ કહ્યું છે. (ઉમાશંકરનો વાગ્વૈભવ-૧) આ કાવ્ય સંદર્ભે ભોળાભાઈ પટેલ નોંધે છે કે — “પ્રાથમિક નિશાળોમાં શારીરિક શિક્ષા અંગેની આ કવિતા નથી જ, અનેક બાબતોનું સંયોજન કરતા જઈ એ શિક્ષાની સ્મૃતિને જ આલંબન બનાવી કવિતા કરવામાં કવિની રચનાશક્તિ એવી ખીલી છે કે કાવ્યને અંતે ભાવક પણ ગણગણવા લાગે ‘સમરકંદ-બુખારા’. ભલે હૃદયને તળિયે તો શિશુ અશ્રુ હોય, એટલે શાળાજીવનનાં સ્મરણોમાં કરુણ-ગર્ભ હાસ્ય વ્યુત્પન્ન થયા સિવાય રહેતું નથી. — દરેક કાવ્યખંડને અંતે ‘સમરકંદ-બુખારા’ની ધ્રુવપંક્તિ આવે છે જે કાવ્યના પ્રભાવમાં ઉમેરો કરે છે.” (પૃ. ૧૨૭ ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો. સંપા. નિરંજન ભગત તથા અન્ય)

પરંપરાગત કથન કે પુરાકથાઓનું કથાબીજ લઈને રચાતી રચનાઓ કરતાં કંઈક અંશે અલગ, આછી-પાતળી ઘટના લઈને થયેલી આ રચના એની વિલક્ષણ અભિવ્યક્તિને કારણે ઉમાશંકરની કવિપ્રતિભાની દ્યોતક બની રહે છે. નર્મ-વિનોદ અને વેદનાની સંતુલિત ગૂંથણી કાવ્યને સામાન્ય બનવામાંથી ઉગારી લે છે.

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book