સનાતન શિશુની કવિતા — સુરેશ દલાલ

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,

આ નાનકડા, નાજુક ગીતમાં કવિએ કૃષ્ણના બાલજીવનની એક પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને ભાવસ્પંદનને ગતિ આપી છે. કૃષ્ણનું શૈશવ તો નિમિત્ત છે. અંતે તો એમાં સનાતન શિશુની વાત છે. શિશુની સાથે સંકળાયેલાં તોફાનો અને એ તોફાનોને પરિણામે માની મીઠી સજા — આ પરિસ્થિતિ પ્રત્યેક શિશુ અને માતા માટે પરમ ધન્યતાની ક્ષણ છે. કવિએ આ ક્ષણને શાશ્વતીનું રૂપ આપવાનો — સ્વરૂપ આપવાનો, અહીં પ્રયત્ન કર્યો છે.

કૃષ્ણનાં તો અનેક નામો છે, પણ એમાંથી કહાન નામ જ પસંદ કર્યું. અને એ નામનું લાડકું સંબોધન ‘કાનુડો’ એનો ઉપયોગ નહિ, પણ ઉત્-યોગ કરી બતાવ્યો. જ્યાં સુધી માબાપ પોતાના સંતાનના નામને બગાડવાની છૂટાછૂટ લેતાં નથી ત્યાં સુધી માબાપનાં પોતાનાં જીવન પણ ક્યાં સુધરે છે?

કૃષ્ણને નિમિત્તે સનાતન શિશુની વાત છે એટલે તો કવિએ બીજી પંક્તિને ‘બાળુડાને’ એટલા જ શબ્દફેરે બેવડાવી છે. અહીં આડકતરી રીતે કવિકર્મ પણ પ્રકટ થાય છે. કાનુડાને બાંધવાનો પ્રયત્ન કરે અને એ તરત જ બંધાઈ જાય એવો ડાહ્યોડમરો હોત તો એને સજા કરવાનો કોઈ પ્રસંગ જ ન આવત. માતા એને બાંધવાના પ્રયત્નો કરે છે અને બાળક એમાંથી છૂટવાના પ્રયત્નો કરે છે. હીરના દોરના જ નહિ — પંક્તિના પણ બે આંટા લગાવી — કવિએ અહીં માત્ર કાનુડાને જ નહિ ભાવને અને ભાવકને પણ જુદા અર્થમાં બાંધ્યા છે.

કવિ કોઈ દિવસ સીધી રીતે વાત નહિ કરે. શિશુની કુમાશને કવિ આ કાવ્યમાં કેવી કળાત્મક રીતે પ્રકટ કરે છે! કલાનું કાર્ય પણ આ જ રહ્યું છે ને! ‘ઢાંકી ઢાંકી પ્રકટ કરવું કાર્ય એ તો કલાનું!’ માખણના પિંડમાં આંગળીના લસરકા રહી જા એવા કાપા કૃષ્ણના અંગ પર પડે છે. શિશુ માખણથી પણ વધુ મુલાયમ છે એ વાતને કવિએ જે રીતે કહી છે એનો જ મહિમા છે.

જે તોફાનો માટે કૃષ્ણને સજા થઈ એ માખણ અને દહીંની સામગ્રીનો કવિએ જુદા સંદર્ભમાં ઉપયોગ કરી પરિસ્થિતિને પોષક એવું વાતાવરણ જમાવ્યું છે. કૃષ્ણના કાળા રંગના વિરોધમાં જ જાણે કે ન મુકાયાં હોય એમ માખણ, દહીં અને મોગરાની માળાનો ઉલ્લેખ કવિની રંગસૂઝને અને વસ્તુને ધારદાર રીતે મૂકવાની આવડતને પ્રકટ કર્યા વિના રહેતો નથી.

કૃષ્ણની કાળપને આપણા કવિઓએ ભારે ઊજળી રીતે ગાઈ છે. ‘શ્યામ રંગ સમીપે ન જાઉં’ એ દયારામનું પદ પણ યાદ આવી જાય છે તો નિનુ મઝુમદારની બે પંક્તિઓ પણ ડોકિયાં કર્યાં વિના રહેતી નથીઃ

કાળા કરમનો કાળો મોહન કાળું એનું નામઃ
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ?

‘હેઠે’ જેવો તળપદો શબ્દ પણ કવિતાની ભાષામાં ક્યાંય પરાયો ન લાગે એમ જામે કે પોતાના અધિકારની છડી પોકારતો અહીં સ્વાભાવિકતાથી બેસી ગયો છે.

કાવ્યને અંતે બાળકને થતી સજાની આ અસહ્ય પરિસ્થિતિ નથી જોવાતી ત્યારે ‘કોઈ જઈને જશોદાને કહો રે’ એવો આર્ત ઉદ્ગાર કેટલી સાહજિકતાથી વ્યક્ત થયો છે! આ ઊર્મિકાવ્યનો માખણપિંડ એવો સ-રસ બંધાયો છે કે ક્યાંય આયાસનો કાપો સુધ્ધાં દેખાતો નથી.

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book