ગુજરાતને જેમને માટે હંમેશાં સકારણ ગર્વ અને સંતોષ રહે એવા કવિ ઉમાશંકર જોશીને ગયે રવિવારે (૨૧-૭-૧૯૮૫) પંચોતેરમું વર્ષ બેઠું.
આમ, જોવા જઈએ તો માણસને પચાસ, પંચોતેર કે સો વર્ષ થાય એનું મૂલ્ય એનાં સ્નેહીઓ અને સ્વજનો સિવાય ભાગ્યે જ બીજા કોઈને કશું હોય! બહુ બહુ તો એ કંઈક કતૂહલનો વિષય બને એટલું જ.
પણ જ્યારે સતત કાર્યશીલ એવું તપઃપૂત જીવન, તેમાંય તે કોઈ કવિ-કલાકાર સમાજ-ધૂરિણનું હોય છે ત્યારે કોઈ પણ પ્રજા માટે એ પ્રભુદીધી દેન બની જાય છે.
આપણું આ પ્રભુદીધું વરદાન આપણને આવતાં અનેક વર્ષો સુધી ફૂલીફૂલી રહો. કવિ માત્ર કોઈ ભાષા કે કોઈ દેશનો જ હોતો નથી–સર્વ ભાષાઓનો અને સર્વ દેશનો હોય છે. સંત-મહંતોની જેમ ઉત્તમ કવિઓ પણ વિશ્વ માનવી હોય છે. ઠેઠ ત્રેપન વર્ષ પહેલાં કવિએ ૧૯૩૨માં એક નાનકડાં સોનેટમાં વાંચ્છનાં કરી હતી:
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”
આજે કવિ સાચા અર્થમાં વિશ્વમાનવી–Citizen of the World–બન્યા છે; એમની કવિતાથી, એમ રસજ્ઞ વિદ્વત્તાથી અને સકરુણ નિર્ભિક એવી બૃહદ્ માનવીય ચેતનાથી! શબ્દોપાસનાની અને આરાધના વ્યક્તિત્વનો વિકાસ કેટલી ચરમ કોટીએ પહોંચાડી શકે એનું ઉમાશંકર એક ઉત્તમ ઉદાહરણ છે. એથી જ સા૨સ્વત-વત્સ હમેશાં સારાધનીય અને વંદ્ય જ ૨હ્યો છે.
કવિ વારંવાર સાહિત્ય સર્જકોને શબ્દના બંદા તરીકે ઓળખાવે છે. પણ કેવી ‘શબ્દ’ના? એના બહુ સરસ નિર્દેશ અને પોતાના એક ઉત્તરને કાવ્ય ‘પંખીલોક’ની પ્રથમ પંક્તિમાં કર્યો છે.
“કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.”
જરા વધારે ધ્યાનથી વારંવાર વાગોળવા જેવી પંક્તિ છે! શબ્દ તો કાનને વિષય છે. એ શબ્દ અર્થથી–તેય કવિના શબ્દના અર્થથી-ઝળહળી ઊઠતો હોય છે. એવી શબ્દસિદ્ધિ હોય ત્યારે ‘કવિતા’ નામને સાર્થક રચના બને!
એવા શબ્દથી શ્રદ્ધાભર્યા હૈયે પોતાના જન્મદિને (કવિએ ૨૧-૭-૧૯૫૨/૫૩) એમ બે વર્ષના આકડાં લખ્યાં છે! ‘ગયાં વર્ષો’ તથા ‘રહ્યાં વર્ષે તેમાં—’ એમ બે સૉનેટો (સોનેટ-યુગ્મ)ની રચના કરેલી. તેમાં બીજામાં એમણે ગાયેલું:
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
એ ‘અવનિનું અમૃત’ તે કયું?
એને ઉત્તર કદાચ આ કાવ્યમાં જડી જશે. એની પહેલી પંક્તિમાં જ કવિએ મનોમન એ વિષે પોતે ગણતરી ન કરતા એ રીતે, Dramatic Monologueની નાટ્યાત્મક સ્વગતોક્તિની રીતિએ, આપણી આગળ પોતાનું મનોગત રજૂ કરવા માંડ્યું છે.
અને જેમ જેમ એ પોતે ‘ખુલ્લા ખાલી હાથે’ શું શું લઈ જશે એની મનામ યાદી મને મન તૈયાર કરવા માંડે છે!
…અને પછી તો ઓ હો હો જુઓ તો ખરા, અંગ્રેજીમાં કહીએ તો Lo and Behold…! આખી દુનિયાનું સૌંદર્ય, એ પોતાના જ ઊંકળમાં (બાથમાં) ભરીને લઈ જવાનો મનોરથ છે. એ સૌંદર્ય પ્રકૃતિનું કે માનવીનું માત્ર ઉપરછલ્લું કે શું છે તે જ નથી – ભીતરનું પણ છે.
કવિની આંખને તે ક્યાં ક્યાં સૌંદર્ય ન દેખાય? અહીં ઉમાશંકરે નોંધેલા સ્થાને પ્રેમથી ઉકેલીને વાંચજો… કવિની દૃષ્ટિ અને સૃષ્ટિનાં એકી સાથે ધન્ય દર્શન થશે. એને તો વર્ષાભીની સાંજનો તડકો; માનવી હૈયાનો અઢળક ઉમળકો; મિલન અને તે પણ કેવું? તો કહે ‘વિરહ-ધબકતું’ મિલન. જે મિલનમાં વીતેલા કે આવનારા, આવી રહેલા, વિરહના ધબકાર હોય! (કવિ કેવું ઝીણુંં જોતે હોય છે, નહીં?); અને એવો જ છે પેલો પ્રેમ અને તેનો પડઘો:
પ્રિય હૃદયને ચાહ
અને પડઘા પડતા જે ‘આહ’!
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંધુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ…
…ઉમાશંકર એક પછી એક પછી એક પછી એક એમ બધો જ સૌંદર્યસ્થાનો, મર્મસ્થાનો, સ્વપ્નસ્થાનો… ટૂંકામાં કહીએ છે સંસારનું અમૃત જ્યાં જ્યાં સમાયેલું છે તે બધાં જ સ્તો…! આપણી આગળ ભ૨ઉમળકે એકીશ્વાસે રજૂ કરી દે છે. આખા કાવ્યમાં છેલ્લે સુધી ક્યાંય પૂર્ણવિરામ નથી. આટલું કહી (સ્વપ્નને પણ બાકી અધૂરાં રાખીને જ જવાનું જેથી અહીં પૃથ્વી પ૨, પાછાં અવાય!) કવિ બોલે છે: ‘બસ હવે વધુ લોભ મને ના!’ અને એમ કહ્યા પછી યે બાળકના અનંત આશ-ચમકતાં નેનાંના અમૃતને પણ લઈ જવાની વાત કરે છે:
પછી આ ખુલ્લા બે હાથ ખાલી શાના રહે? – ભલેને, ‘ખાલી કહેવાય’!! અને ખરેખર તો કવિએ એ અમૃતને શબ્દોની પ્યાલીઓમાં ભરી ભરીને આપણને આપ્યું – પિવડાવ્યું છે,
અવનિ પરની હૈયું છલકાવતી એ રિદ્ધિના અમૃતનું જાણણહારો જ પાન કરાવી શકે. ઉત્તમ કવિ સિવાય બીજા કોનું એવું ગજું હોઈ શકે?
૨૮ જુલાઈ, ‘૮૫
(કવિતા અમૃતસરિતા)