બાપુસાહેબ
શાંતિ પમાડે તેને
શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
માણસજાત અનાદિ કાળથી આદિ, વ્યાધિ અને ઉપાધિ, એ ત્રણે તાપથી તરફડ્યાં કરે છે. એમાંથી મુક્ત થવા માટે એ સાધુ, સંત, બાવા, સાંઈ, ફકીર, ભગવાન જે કોઈ નજરે પડે તેની પાછળ ભમ્યાં કરતી હોય છે, ને પોતાનાં તન, મન અને ધનને બરબાદ કરતી હોય છે. છતાં અશાંતિ તેની શમતી નથી ને આશા તેની ટળતી નથી. એકની પાછળ પડવામાં ભૂલ થઈ એમ તેને લાગે કે તરત એ બીજાની પાછળ પડે છે. ને બીજાની પાછળ પડવામાં ભૂલ થઈ દેખાય કે તરત ત્રીજાની પાછળ. પણ ફાંફાં એ ગમે તેટલાં મારે, નથી તેની રખડપટ્ટીનો અંત આવતો, નથી તેને હૈયે ટાઢક વળતી. દુઃખ-સંત્રસ્ત માનવી લાલચમાં લપટાયાં કરે છે, ફસાય છે, નિરાશ થાય છે, પસ્તાય છે. ચક્ર ચાલ્યાં જ કરે છે. ને મનુષ્ય બાપડો એક શ્રમણામાંથી બીજીમાં ને બીજીમાંથી ત્રીજામાં ભમ્યાં જ કરતો હોય છે આયુષ્યનો અંત આવે ત્યાં સુધી.
‘સંત સેવતાં સુકૃત વાધે’ એ વાત સાચી છે. ને તેથી એ સંતોની પાછળ ભમ્યાં કરતો હોય છે. પણ સાચો સંત કોણ તેની એને ખબર નથી હોતી. એટલે ઘડીક એ ભગવાં પાછળ તો ઘડીક સફેદ વસ્ત્રો પાછળ. ઘડીક દાઢી-મૂછ ને જટા પાછળ તો ઘડીક મુંડિત મસ્તકોની પાછળ, ઘડીક મુનિવ્રત પાછળ તો ઘડીક વ્યાખ્યાનો પાછળ દોડાદોડ કરે છે; ને થાકે છે ને હારે છે.
બાપુસાહેબ ગાયકવાડ જાણે છે કે આ દોડાદોડ નિરર્થક છે. તે એ પણ જાણે છે કે સંતો દુનિયામાં સોહ્યલા નથી; ને અમુક પ્રકારનાં વસ્ત્રો પહેર્યે, અમુક જ રીતે બોલ્યે ચાલ્યે કે અમુક અમુક પ્રકારના વિધિનિષેધ પાળ્યે સંત થવાતું નથી. સંત તરીકે પંકાતી ને પૂજાતી વ્યક્તિ ખરેખર સંત છે કે નહિ તેની ખબર લોકોને વહેલી મોડી પણ પડી જતી હોય છે અવશ્ય, પણ એ ખબર પડે તે પહેલાં તેમણે કિંમત ઘણી ભારે ચૂકવવી પડતી હોય છે.
(આપણાં ઊર્મિ-કાવ્યો)