વતનનો તલસાટ
રમણીક અરાલવાળા
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
રશિયન કવિ યેવતુશેન્કો ‘ઝીમા જંક્શન’ લખે, કે રાજેન્દ્ર શાહ ‘આયુષ્યના અવશેષે’ લખે કે બાલમુકુન્દ અને બીજા અન્ય કવિઓ આ વિષયને કેન્દ્રમાં રાખીને કાવ્યો લખે – આ બધાં કાવ્યોનો તુલતાત્મક અભ્યાસ કરીએ તો એ પણ એક નવા કાવ્યનું નિર્માણ કરવા જેવું જ કાર્ય થાય…
જોકે આ કાવ્યના કેન્દ્રમાં માત્ર વતન જ નથી; પણ એ જન્મભૂમિનો પ્રથમ પરિચય કરાવનાર જન્મદાત્રી જનેતા પ્રત્યેના પ્રેમનું પણ આ કાવ્ય છે.
વતનથી દૂર દૂર વસો. ગમે તેટલી સગવડો અને આસાએશ છતાં અને ગમે તેટલો લાંબો સમય ત્યાં ‘ગાળ્યા’ છતાં અંતે તો ઊંટ મારવાડ ભણી જ જુએ. જન્મભૂમિએ જવા માટે પ્રાણ પછાડા નાખે છે. આ પંક્તિમાં જાવા – હાવાં – અને પછાડામાં આવતાં ‘આ’નાં આવર્તનો માણવા જેવાં છે. પંક્તિ મોટેથી બોલીને કાનમાં વાગોળવા જેવી છે.
કવિ પોતાની વર્ણનશક્તિને કેવી કામે લગાડે છે! પહેલી નવ પંક્તિઓમાં આવતાં સુભગ ચિત્રો મન ભરીને માણવા જેવાં છે. ઉમાશંકર કહે છે કે આ કવિનાં ‘વર્ણનમાં તાણો સુન્દરનો તો વચ્ચે વાણો ભવ્યનો’ સહજ રીતે જ ઊપસી આવે છે. કૂવાકાંઠે ‘કમર-લળતી પાણિયારી’નું ચિત્ર લો કે મા અન્નપૂર્ણા પ્રત્યેક ખેતરમાં પવનની લહેરોમાં ડોલતાં હોય એ ચિત્ર લો. કે ‘ઓછી ઓછી’ થઈ જતી ભાઈઘેલી બહેનનું ચિત્ર લો. ખેડૂતોનાં ગીતો ‘મીઠાં’ છે કારણ કે, એ ગીતના ઉલ્લાસમાં શ્રમની ઉપાસના ભળી છે. જોવાની મજા તો એ છે કે ‘મીઠાં ગીતો’ પછી તરત જ કવિ ‘ગભીર’ વડલાને સંભારે છે અને પાદરનો આ વિશાળકાય વડલો આવ્યો કે તરત જ દેખાય છે જીર્ણ થઈ ગયેલું શંભુનું દેરું. બાજુમાં સંતોષપૂર્વક વાગોળી રહેલાં ગાયભેંસનાં ધણ બેઠાં છે. અને આ બધાની વચમાં પેલો નિરાકાર ને નીરવ પવન પોતાના અસ્તિત્વની યાદ આપવા માટે ગેરુ રંગના પેલા વાવટાને ફડફડાવતો દેખાય છે. વતનના આ વર્ણન પછી પોતાની લાગણીનાં ખેતરોમાં રમમાણ કરી રહેલાં સ્વજનોને યાદ કરે છે. ‘ભાઈ’, ‘ભાઈ’ કરતાં જેનું ગળું સુકાતું નથી એવી બહેન અને ઠાકોર જેને ‘ખટમીઠાં સોબતીઓ’ કહે છે એવા બાળપણના લંગોટિયા ભેરુઓ… આ સૌનો સહવાસ ઝંખતો જીવ લાંબા સમયથી દૂર રહ્યે પણ અસ્વસ્થતા અનુભવે છે. આ સ્મૃતિઓ ઊંઘતી વખતે ઝબકાવી દે છે અને જાગતી અવસ્થામાં દિવાસ્વપ્ન બનીને અવ-ચેતનાના પ્રદેશમાં લઈ જઈ ઝોકે ચડાવી દે છે.
દસમી પંક્તિની મધ્યમાં આવે છે સૉનેટનો કમરલચકો – મરોડ. પોતાના હૈયાને ધીરજ આપે છે અને કવિ ‘કિન્તુ’ કહીને કાવ્યના વહનની દિશાને બદલે છે. કાળનો અગ્નિ બધું ગાળી નાખે છે. (પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ ‘ગાળી’ સહૃદયોના ધ્યાન બહાર નહીં જ હોય!) કાલાગ્નિ બધું ગાળી નાખે છે પણ મનુષ્યનો આત્મા नैनं दहति સંભાળી સંભાળીને કંઈક ‘સારવી’ લે છે, તારવી લે છે. સ્મૃતિનાં આખાં પુષ્પો નહીં તોપણ એ પુષ્પોના પરાગમાં જે સીંચાઈ ગયું છે તે માતાનું મુખ ‘અબ’ (‘અવ’ નહીં!) ક્યાં જોવા મળશે?
પ્રથમ નવ પંક્તિમાં વિસ્તરેલી જન્મભૂમિ વહાલી છે, દોહ્યલી છે; છતાં જનની વગરની જન્મભૂમિ કવિને સંતોષ, પરિતોષ નથી આપતી. ગયેલાં ક્યારેય પાછાં આવ્યાં છે? એટલે જ કવિ પોતાના ‘ઘેલા હૈયા’ને સંબોધે છે. વિદેશમાં બેઠાં બેઠાં કવિ જે જન્મભૂમિ ઝંખે છે તે જનનીરહિતા નહીં. પણ જનનીસંહિતા!
આવતાંની સાથે જ રમણીક અરાલવાળાએ ‘પ્રૌઢિશાલી અને કસબરસિયા’ કવિ હોવાથી ઉત્તમ કવિઓમાં બેસી શકે એવી અપેક્ષા જન્માવેલી. પરંતુ એમની સર્જનસરિતા ક્યાં ને કેમ લુપ્ત થઈ એ પ્રશ્ન ખટકે છે. વેણીભાઈની ચાર પંક્તિઓ યાદ કરી વિરમીએ:
શૈશવે ઊછર્યો જેને ઉત્સંગે ઔર વૈભવે
એવી મારી જનેતાને મહાજનની ખોળલે
હું મારે કંપતે હાથે પોઢાડી જઈશ એક દી’:
જ્યારે આ જનની ન્હોશે, ત્યારે તું તો હશે જ ને?’
૨૯-૨-’૭૬
(એકાંતની સભા)