વૃદ્ધચેતનાના મોક્ષનું કાવ્ય – હર્ષદ ત્રિવેદી

બારી બહાર જોતો વૃદ્ધ

લાભશંકર ઠાકર

બારી પરે જર્જર દેહ ટેકવી

કવિશ્રી લાભશંકર ઠાકરની આ એક વિશિષ્ટ રચના છે. આમ તો નાનાં નાનાં સરસ શબ્દચિત્રો છે. બહાર વરસાદ પડી રહ્યો છે. એક વૃદ્ધ પોતાના ઘરની બારી પાસે જાત અઢેલીને બેઠો બેઠો પેલાં મકાનોની માફક વર્ષોની ધારા ઝીલી રહ્યો છે. કવિ વરસાદી વાતાવરણના ચિત્રની સાથે જ એના ચિત્તમાં જે ફેરફારો થાય છે એને રમ્ય રીતે નોંધે છે :

બારી પરે જર્જર દેહ ટેકવી
ઝૂકી પડી સ્હેજ, પછી નિરાંતે
જોઈ રહ્યો ક્ષીણ લોચનોથી
જ્યાં સૌ મકાનો બની મૂક મોજમાં
ઝીલી રહ્યાં અંગ પરે અખંડ
વર્ષા તણી શીતલ ઝીંક તન્મય.’

ક્લોઝઅપનું દૃશ્ય છે. કવિ બહુ ઓછા શબ્દોમાં વૃદ્ધનું વર્ણન કરે છે. બારી પર ક્ષીણ દેહ ટેકવી સહેજ ઝૂકી પડેલો જર્જર દેહ, નિરાંત, વાર્ધક્યને લીધે ક્ષીણ થયેલાં લોચનો. આ માત્ર બાહ્ય વર્ણન જ નથી, વૃદ્ધની માનસિકતા પણ એમાં પડઘાય છે. જાણે હવે જીવનમાં કંઈ જોવાનું બાકી નથી. પણ કવિ, અચાનક નવો ચમકારો કરે છે. વૃદ્ધની સ્થિતિ મકાનો દ્વારા મૂકી આપે છે. મૂક મકાનો પોતાનાં અંગો પર મૌજથી વર્ષાની ધારાઓ ઝીલી રહ્યાં છે. ધારા પણ કેવી? શીતલ અને અખંડ. આગળ ઉપર કાવ્ય-ચિત્રમાં જે બદલાવ આવવાનો છે એનો સંકેત અહીં જોવા મળે છે. લગભગ જીવનરસ ગુમાવી દીધેલો વૃદ્ધ હવેના દૃશ્યથી થોડી વાર માટે પ્લાવિત થઈને જાણે કે નવજીવન પામે છે. એનાં ક્ષીણ લોચનો હવે દૂરનું અને રમણીય પણ દેખે છે. ક્ષણ વારની, પણ આ અનુભૂતિ વાર્ધક્યને દૂર હડસેલી મૂકે છે.

ને છાપરામાં
કબૂતરાં બે ફફડાવી પાંખો
નાહી રહ્યાં — નાચી રહ્યાં નિમગ્ન.
ને શેરીમાં સૌ જલલુબ્ધ બાળકો
કરી રહ્યાં શોરબકોર, નગ્ન
દોડી રહ્યાં મોજ મહીં મનસ્વી!’

આ બીજું ચિત્ર પણ જીવંત છે. ક્લોઝઅપમાંથી હવે જરાક દૂરનું દૃશ્ય. આપણે કબૂતરાંની પાંખોનો ફફડાટ સાંભળી શકીએ એવી રવાનુકારી એમાં છે. નાહી રહ્યાં — નાચી રહ્યાં એ બે ક્રિયાપદો સમગ્ર જીવનના ઉલ્લાસને ચીંધવા અને વૃદ્ધની બદલાતી માનસિકતા બતાવવા પર્યાપ્ત છે. હવે કવિનો કૅમેરા લોંગશોટમાં પ્રવર્તે છે. નગ્ન થઈને શેરીમાં રમતાં, શોરબકોર કરતાં બાળકો મનસ્વી રીતે દોડી રહ્યાં છે. એમણે બધાં વસ્ત્રો ઉતારી નાખ્યાં છે કેમ કે એ બાળકો છે. વરસતા વરસાદને જોઈ બાળકો આમ ન કરે તો જ નવાઈ! પરંતુ અહીં એમને જોનાર વૃદ્ધ છે એનાં પણ કેટલાંય પડળો ઊતરી જાય છે. એનું નાજુક મન પણ જાણે શોરબકોર કરવા લાગી જાય છે. એટલે કવિ કહે છે :

સુદૂરથી શૈશવની સ્મૃતિની
આવી પૂગી નાજુક એક વાદળી
ધીમે ધીમે વર્ષી રહી અજસ્ર.
બારી મહીંથી નિજ હાથ દુર્બળ
કાઢ્યો ધીમેથી જરી બ્હાર, ઝીલવા
વર્ષા તણી શીતલ ધાર, જેનો
થતાં જરી સ્પર્શ ફરી વળ્યું કશું
શરીરમાં ચેતન અંગઅંગે!’

હવે વૃદ્ધના મનની યાત્રા શરૂ થાય છે. વરસતા વરસાદમાં દૂરસુદૂર એક વાદળી દેખાય છે. કવિ કહે છે કે એ શૈશવની સ્મૃતિની નાજુક વાદળી છે. જે વૃદ્ધના મનની ગતિએ ધીમે ધીમે, પણ અજસ્ર વરસી રહી છે. એ જોતાં જ વૃદ્ધની ચેતનામાં નૂતન સંચાર થાય છે. એ શીતલ ધાર ઝીલવા, કહો કે ફરી એક વાર બાળક બની જવા, કુતૂહલ અને મુગ્ધતાથી પોતાના દુર્બળ હાથને ધીમે રહીને બારી બહાર કાઢે છે! જળનો સ્પર્શ થતાં જ અંગઅંગે ચેતન ફરી વળે છે. વીતેલાં વર્ષો આ વર્ષાની ધારામાં ઝરી પડે છે, ઓગળી જાય છે. જાણે કે આ દેહમાં રહ્યે છતે પુનર્જન્મ!

ને વૃદ્ધની જર્જર કાય છોડીને
શેરી મહીં શી ચકચૂર નાચતી
નાગીપૂગી શિશુટોળકીમાં
ભળી ગયું એક શિશુ વિશેષ!’

આપણે ત્યાંની પરંપરામાં એવું કહેવાય છે કે, માણસના મૃત્યુ સમયે, આ શરીરને છોડીને જીવ — કહો કે ચેતનતત્ત્વ બહાર નીકળી જાય છે. અહીં, એવી જ પણ સૂક્ષ્મસ્તરે, મનની લીલાના ભાગરૂપે એક ઘટના બને છે. બહાર શેરીમાં નાગાપૂગાં બાળકોની ટોળી નાચવામાં ચકચૂર છે, એમાં આ વૃદ્ધ એક શિશુ બની ભળી જાય છે! શિશુઓમાં એકનો ઉમેરો થાય છે. આ મોક્ષ નથી તો બીજું શું છે? મોક્ષ માટે સ્થૂળ અર્થમાં મૃત્યુ જરૂરી નથી. એક ક્ષણમાં જ આ બધું બની જાય છે!

આખી ઘટના વૃદ્ધના માનસપટ પર બને છે. પણ કવિ, જીવનનો મહિમા એવી રીતે કરાવે છે કે કોઈને પણ શિશુ રૂપ ધારણ કરવાની ઇચ્છા થઈ આવે! આ કાવ્યમાં કવિએ વાપરેલાં તમામ વિશેષણો આકર્ષક છે. એકેએક શબ્દ પોતાની અર્થચ્છાયાઓ એવી રીતે પ્રગટ કરે છે કે પેલા વૃદ્ધની બદલાતી મન:સ્થિતિની છબિઓ બરાબર ઝિલાય. આ કવિને અવાજોનું ગજબનું આકર્ષણ છે. અહીં પણ આપણને વરસાદ, કબૂતરની પાંખો, બાળકોનો શોરબકોર કર્ણેન્દ્રિયને આનંદનો અનુભવ કરાવે છે.

છેલ્લે, વૃદ્ધની ચેતનાનું શિશુમાં રૂપાંતર થવું, દોડી જવું, ટોળીમાં ઉમેરાવું અદ્ભુત છે. ખરેખર તો એમ છે કે જ્યારે જ્યારે વાર્ધક્ય બંધિયારપણું છોડીને બારીની બહાર જુએ ત્યારે ત્યારે જીવનના આહ્લાદનો અનુભવ થયા વિના ન રહે એમ કવિને કહેવું છે. એ માટે એ વરસાદનો, કબૂતરોનો અને શિશુટોળકીનો આધાર લે છે.

અહીં ઉપજાતિકુળના ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઇન્દ્રવંશા જેવા મિશ્ર છંદોનો ઉપયોગ થયો છે. પણ, ક્યાંય કાવ્યના લયને આંચ નથી આવતી. પ્રવાહિતા અને એક ભાવમાંથી બીજા ભાવમાં સ્વાભાવિક રીતે સરી જતાં ચિત્રો આંકવામાં લાભશંકર ઠાકર માહેર છે એની પ્રતીતિ કરાવતું આ કાવ્ય એક મનોહર અનુભવ મૂકી જાય છે. આપણે ત્યાં કવિવર રાજેન્દ્ર શાહે વૃદ્ધના ચિત્તને વાચા આપતાં એકથી વધુ કાવ્યો આપ્યાં છે. વૃદ્ધચેતનાના મોક્ષના આ કાવ્યમાં લા૰ઠા૰ વૃદ્ધની ગતિશીલ ચેતનાને તાદૃશ્ય કરી રાજેન્દ્રથી એક ડગલું આગળ માંડે છે.

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ‍૨૦૧૬)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book