વૃક્ષ વિશે – રમણીક અગ્રાવત

કૃષ્ણ દવે

વૃક્ષ

નીરખ ત્યાં મરુથલે સહજ ઊગી શકે વૃક્ષ

જો માણસોએ વાવીને ઉછેરેલાં વૃક્ષો આપમેળે ઊગીને ટકી ગયેલાં વૃક્ષોની ગણતરી કરવામાં આવે તો પોતાની જાતે પાંગરેલાં વૃક્ષોની સંખ્યા જરૂર ચડિયાતી નીકળે. માણસોએ તો વૃક્ષોનો સોથ વાળવામાં કંઈ બાકી રાખ્યું નથી. માણસ જ્યાં માણસની જ દયા રાખતો ઓછો થયો છે ત્યાં વૃક્ષોની શી વિસાત? આપણાં આ પૂરાતન પૂર્વજો સાવ હડધૂત થતાં જ રહ્યાં છે. વિકાસને નામે ચૂપચાપ સંહાર શરણમ્ થતાં વૃક્ષોની ચીસ કોને કાને પડે? છતાં જમીનમાં એવાં ઊંડાં મૂળ ઘાલ્યાં છે આ વૃક્ષોએ જેવાં વૃક્ષો કોઈ આશીર્વાદની પેઠે ફળતાં હજીય ઊભાં જ છે. વસતીનો વિફરાટ જમીન, જળ, જનાવર અને જંગલને ઓહિયા કરતો ફાલ્યો છે. કિડિયારાની જેમ ઊભરાતા માણસોથી આ પૃથ્વી ફાટફાટ થઈ ગઈ છે. પ્રદૂષણના ભોરિંગનો ડંખ વાયુઓને અને આકાશને પણ આંબી ગયો છે. પંખીઓ, પ્રાણીઓ, વૃક્ષો આ બધાં આ પૃથ્વીગ્રહનાં આદિમ વાસીઓ છે. જળ, માટી, અગ્નિ, વાયુ અને આકાશને તે ખરેખરાં ઓળખનારાં છે. કોઈ અદ્ભુત તાલમેલથી તેઓ જન્મે છે, જીવે છે અને મરે છે. એ અદ્ભુતતા મનુષ્યોના કાબૂ બહારની છે. વૃક્ષ અને મનુષ્યોનો પ્રેમસંબંધ બહુ પુરાણો છે. વૃક્ષ અને મનુષ્યો વચ્ચેની અણસમજ પણ એટલી જ પૂરાણી છે. વૃક્ષપ્રેમની વાત તો આપણે બધાં બહુ ઊલટથી કરીશું. પણ વૃક્ષ વાવીને ઉછેરવાની વાત નહિ. એટલે જ પાછે પગે હટતાં હટતાં જંગલો આથમી રહ્યાં છે અને ગ્લોબલ વોર્મિંગની વિકરાળતાને દ્વારે આપણે સૌ આવી પહોંચ્યાં છીએ. આ ભયાનક વિનાશમાંથી જો કોઈ તારનાર હોય તો તે વૃક્ષ, વૃક્ષ અને વૃક્ષ જ છે. આપણાં એ આદિમ પૂર્વજોને ખોળે માતું નહિ મૂકીએ તો કશો ઉગારો નથી.જે હારે નહિ તે વૃક્ષ એ વચનમાં વિશ્વાસ કરીશું તો વહેલાં ઊગરીશું.

વૃક્ષ ક્યાં નથી? જુદી જુદી પરિસ્થિતિઓ વચ્ચે, સમવિષમ સંજોગો વચ્ચે, જમીનમાં અવનવાં રૂપો વચ્ચે વૃક્ષો ઊગે છે અને ટકે છે. આપણે આટઆટલાં કાપ્યાં તોય હજી એ ટક્યાં છે. મહાપ્રલયોના અર્થને ભેદીને ઊભું રહી શકનાર, કદીય નહિ થાકનાર વૃક્ષ હવે હાંફી ગયું છે કે શું? એવી વિમાસણમાં હોઈએ ત્યારેય ધોમધખતી ઉનાળાની બપોરની ઝાળમાં કોઈ વૃક્ષ જ આપણને શીળી સોડે લઈ લે છે. કુમળી પાંદડીઓમાં બાળકનું હાસ્ય વંચાશે તે જાણે આપણું ભવિષ્ય નક્કી થશે. આપણે સમરસતાની સંહિતાઓ ઉપજાવી લીધી, એકતાનાં ઉપનિષદો પોકારી પોકારી ઘોંઘાટ કરી મૂક્યો છે તોય હજી ભેદને તોડી શક્યાં નથી. અવનવા ભેદોની જાળમાં સપડાતાં જ રહ્યાં છીએ. વૃક્ષનું કામ જ ભેદને તોડવાનું છે. માટીનાં પડોને ભેદતું ભેદતું આકાશમાં અવનવા વલયો વિકાસવતું વૃક્ષ કુમળાં પાંદની અમસ્તી ધજા ફરફરાવી શકે છે. લક્ષ્યની પાર પહોંચવું એને સાવ સહજ છતાં એ લક્ષ્યોને ધારે જ નહિ. નિર્મળ હયાતીમાં માત્ર ફરફર્યા કરે વૃક્ષો. વિજયધ્વજો લહેરાવવાનો શોખ અને તોર તો મનુષ્યનો. વૃક્ષ પાંદડાંઓનો વૈભવ પણ સહજમાં પરહરે. એથી જ કોઈ વાદ્યની જેમ એ આવકાશમાં બજી શકે છે. વૃક્ષની સુરાવલિઓથી તો મૂંગા પથ્થરો પણ રણઝણી શકે. વૃક્ષને ગાવાનું મન થયું એટલે એ વાંસળી બન્યું. તબલાં, પખવાજ, ઢોલ, ઢોલક જેવાં વાદ્યોનું કલેવર હાર્મોનિયમન પૂરાણી પેટીમાં પણ વૃક્ષ જ પૂરાયું છે. જનમીએ કે તરત પારણાંનો ખોળો પાથરી ઊભું હોય વૃક્ષ. અંતિમ વિરામ કાળે દઝાડતી જ્વાળાઓમાંય આપણી સાથે જ બોલે છે વૃક્ષ. ધરતીનાં પેટાળમાં દફન થઈ ગયેલાં આપણાં હાડકાઓના સંકોચથી માંડી વરસોની ઉંમરનાં કોઈ મહાવૃક્ષની જટાજૂટ સુધી વિસ્તરેલાં છે વૃક્ષો. વૃક્ષો જ છે. વૃક્ષો વિનાની દુનિયા કલ્પના સહેજ કરી જોજો, આપણાં આ મૂંગા અને સાચા ભેરુઓની કિંમત સમજાઈ જશે. હકીકતમાં સાક્ષાત ઈશ્વર એના આ અગિયારમાં ‘વૃક્ષાવતાર’ રૂપે આપણી સાથે અને નજર સામે જ વસે છે, માત્ર તેની ઓળખ આપણને નથી એટલું જ. કલ્કિ અવતારની સંહારક શક્તિની બિવડાવતી કલ્પનાની પહેલાં આ સંરક્ષક શક્તિ તો આપણી સાથે જ છે. આ વૃક્ષો કદી આપણો પીછો છોડતાં જ નથી. આપણે તો કદીક આપણી જાતને પણ સહી શકતાં નથી. અણસમજને ઉકેલતાં ઉકેલતાં અણસમજોની વચ્ચે જ રહીએ. વૃક્ષને કદી કોઈ અન્ય વૃક્ષની સ્પર્ધા નથી, ઈર્ષ્યા નથી, અસૂયા નથી. પાંદડાંઓનાં તાલમાં ઝૂમતાં, એકમેકને ડાળીઓના ટેકે ઝીલી લેતાં વૃક્ષો આપણામાં પ્રગટશે ત્યારે ઝેર ઓકતા વાયુઓની સામે ટકી રહેવાનું જોમ સર્જાશે. કોઈ પણ વૃક્ષને જોઈ સહજ વંદનામાં નત થઈ જવાય તેવું કારણ આ અબોલ સંગાથ જ હશે. જેવું દેખાય એવું જ જીવવું એ છે વૃક્ષમંત્ર. સાવ ખુલ્લા મને વસે અને શ્વસે. આપણી જેમ બંધ દરવાજાઓની સલામતીમાં વૃક્ષ કદી ન પેસી જાય. દરવાજાઓની આડશ પણ એ વૃક્ષો જ રચી આપે આપણાં માટે. કોઈ વૃક્ષના જ નિરાળા દેશની કલ્પનામાં કવિ આ કાવ્યને ઊભું રાખે છે. જ્યાં શ્વાસ પણ વૃક્ષનો હોય, વેશ પણ વૃક્ષનો, પર્ણની ઝાલરથી વૃક્ષની આરતી થતી હોય એવાં વૃક્ષમંદિરે સાક્ષાત્ સંદેશ જેવાં અનેક અનેક વૃક્ષો લહેરાતાં હોય. નવાં વૃક્ષની પર્ણ-મર્મરમાં અવતરતાં નગીમ ગીતગુંજનને ઝિલવાની શાતામાં વસીએ તો એ કલ્પપ્રદેશ દૂર નહિ હોય.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book