અનિલ જોશી
રંગભેદ
કાળો વર્સાદ મારા દેશમાં નથી
રંગભેદ! ગીતનું મથાળું વાંચતાં જ ઉન્નત ભ્રૂકુટિઓ ઓર ઊંચી થઈ જશે અને સુગાળવી નાસિકાને નીચાજોણું થશે!
મેટ્રિકના વર્ગમાં લખવાના નિબંધ લેખે રંગભેદ ચાલે. કાળા ગોરા કે ગોરા ઔર કાલા ચાલુ ફિ–લ–મોનો વિષય બની શકે પણ કવિતા! અને તેમાંય પાછું ગીત!
(અનિલે જોકે ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ નામનો નિબંધ પણ ચીતર્યો છે…)
અભદ્ર છે, અભદ્ર છે આવું બધું…
મૉડર્નિઝમનાં પગરણ થયાં ત્યારે પણ બુમાટો ઊઠેલો કે સુપ્રતિષ્ઠિત ધારાધોરણો અને પ્રસ્થાપેલી પરંપરાનો અહીં તો મૂલોચ્છેદ જેવું સર્જાવા માંડ્યું છે.
આધુનિકતા આત્મસાત્ થઈ–ના થઈ, ત્યાં તો અનુ–આધુનિકતાનો બૂંગિયો ગાજવા માંડ્યો: તથાકથિત ઉચ્ચગ્રાહી–ઉચ્ચાગ્રહી કૃતિઓને આસનભ્રષ્ટ કરી નિમ્નવર્ગીય અને લોકજિહ્વાને ભાવતા સાહિત્યનો જ રાજ્યારોહણ મહોત્સવ મનાવવાં.
સામગ્રી અને સ્વરૂપ પણ હલકુંફૂલકું હાલશે… આને નિર્ભેળ લોકશાહી કહેવી પડે તો તેમાં દખધોખો ના માનતાં શબ્દ–બ્રહ્માનંદ ગણવો.
વર્ણવિભેદ, રંગભિન્નત્વ આધુનિક કે અનુ–આધુનિક જેવા નિકટના સમયની નવીન નિષ્પત્તિ નથી. સદીઓથી હાડચામશોણિતમાં વણાયેલી–વીંટળાયેલી–વિરેચન નહિ પામેલી ભેદ–ગ્રંથિ છે. ભેદ–ભાવના પર એક કવિ પોતાના ગીતમાં દુઃખની આંગળી મૂકે તો કેવી રીતે?
ગીતની કવિતા તો ના થાય એટલે ગીતની વાત કરવાની આવે ત્યારે અનિલ જોશીની આધુનિકતા ઉલ્લેખનીય બને જ. અને અહીં તો સ્વરૂપ અને ખાસ તો અંતર્વસ્તુના કારણે ‘રંગભેદ’ને અનુ–આધુનિક કહેવાનીયે કેટલાકો માટે ઠીક અનુકૂળતા છે.
અનિલને ગીતની પ્રાચીન બૉટલમાં અર્વાચીન (અથવા કહેવો હોય તો અનુઆધુનિક…) આસવ કહી શકીએ!
મીણના ‘સ્ટૅચ્યૂ’ પર ગંગાજળ રેડીએ એમ ગીતની એકેએક લયલીન પંક્તિ ભાવકચેતના પરથી સરસરાટ સરી જાય, પણ સ્મૃતિમાંથી સરકી નહિ જાય. વિષય નિઃશેષ થઈ જાય છે સ્વરૂપમાં, છતાં કુલ અનુભવ આત્મસાત્ થઈ અવિસ્મરણીય બની જાય. માત્ર ‘રંગભેદ’ મથાળું જ બોલકણું (Vocal) બની શૃંગભેટું મારે એવું છે!
‘વરસાદ’ના લખતાં ‘વર્સાદ’ લખવાનું રમ્ય અટકચાળું પણ નોંધપાત્ર ગણાય. શાથી? જેના ભૂ–પોઇંટથી વસ્તુ પ્રસ્તુત થાય છે એના નિજી ઉચ્ચારણનો અહીં આદર છે, ‘કાળો વર્સાદ મારા દેશમાં નથી…’
સામાન્ય રીતે ક્રમમાં રંગોલ્લેખ કરતાં ‘લાલપીળો’ એમ વ્યવહારમાં બોલાતું હોય છે. જ્યારે અહીં કાળાની પડછે ‘ધોળા’ને ધક્કેલી વરસાદને ‘પીળો’ કહ્યો છે. ‘ધોળો’ કહેવું શક્ય, પણ વર્ણભેદ સંદર્ભે વિરોધમાં ‘પીળો’ મૂકવાનું જ સાર્થક.
પ્રકૃતિની રંગવરણી કશા ભેદભાવને લઈને નથી એટલે વરસાદનું જે બાહ્ય દૃશ્ય છે એમાં કાળોપીળો નથી. માત્ર સાતે રંગના સંગમ શો કહેવો હોય તો નિરંગ શુભ્ર છે, શ્વેત છે!) પણ ગીતકવિએ ધોળાને ઊલટાવી મારી (આવી ઊલટાસૂલટી એક કવિ જ કરી શકે…) વર્સાદને કાળા–પીળા સાથે સંકલિત કરી અભેદકતાની આહલેક જગાવી. ચોથી લીટીમાં ‘ચામડી’ સાથે રંગને જોડી મારવાનું થાત તે ‘ચામડીના ખોટા ગણવેશમાં’ કહી ગીતને ઉગારી લીધું. આમ, કરી એક કાંકરે બે પંખી પાડ્યાં. એક, ત્વચા સાથે વર્ણોલ્લેખ ટાળ્યો બે, ‘ગણવેશ’ની વાત કરી ગણવેશની બસૂરી એકવિધતા ‘ખોટી’ની મદદ લઈ અંકે કરી આપી!
વરસાદ કુદરતનો પ્રવાહી અંશ છે, પણ વર્ષાના પરિણામે જંગલમાં લીલાહરિયાણા રંગરાજ્યને ‘નવાબ’, પછીની બે પંક્તિમાં પ્રાસ સાચવી ‘ગુલાબ’ અને તડકાના સંદર્ભમાં ‘સંતરાની છાલ’ની ઉપમાથી પીતવર્ણની નૈસર્ગિક શોભાને સહેજાસહેજ રમતી મેલી દીધી.
પ્રકૃતિના વિશ્વમાં ચોક્કસપણે લીલા–લાલ–પીળા રંગોની વિભિન્ન બિછાત ખરી પણ તે ભેદભાવે સહ–ઉપસ્થિત નથી, સહજ (સ્નેહ) ભાવે સમુપસ્થિત છે. વિષમ દૃષ્ટિનો નહિ. સ્વાભાવિક સમ્યક્ સૃષ્ટિનો અંશ છે. અર્ક છે. આ દૃષ્ટિએ ‘સ્હેજ આ તો’ પ્રયોગ આખા અંતરાને લાગુ પડે એમ ઊતર્યો છે.
છેલ્લા અંતરમાં, કાળી માટીમાં લીલોછમ બાજરો ને કાળી (હબસી ઓરતોની પણ…) છાતીમાં ગોરાં ધાવણ એ વર્ણવૈષમ્ય કરતાં વર્ણવૈવિધ્યની શાખ પૂરે છે. પણ પછીની પંક્તિઓમાં, અનિલ જેમ સાગરની ચાદર પર સળ પાડતો પસાર થઈ જાય તેમ કવિ સામગ્રીની બહાર નીકળી પુરા–કલ્પનપર્યંત પહોંચી ગયેલા માલૂમ પડ્યા:
પાંદડાંની જાળીએથી લીલાછમ બાલમુકુંદ
નીકળી ગયા ને બેટો શ્રાવણ!
અહીંની કમાલ માણવા સરખી છે. કૃષ્ણવર્ણા બાલમુકુંદને અહીં પાંદડાંના લીલાછમ રંગની ભેટ ધરી! કેમ કે પાંદડાંની ‘જાળીએથી’ દ્વારા પ્રાચીન પર્ણની પુરાણસિદ્ધ જરાજીર્ણતાનો આછો અણસાર પણ આપવો હશે.
પૌરાણિક વટપત્રપર્ણની જીર્ણશીર્ણ ભાત અને પોતાનો સ્પર્શાનુભવ, આગળ આવી ગયેલા અંતરાની પંક્તિમાં પ્રત્યક્ષ કરાવેલા ‘અવાવરુ કૂંડા’ના દૃશ્યાનુભવ સાથે સંકલિત કરી જોવાથી ગીતકૃતિનો એન્ટિક ગુણધર્મનો સૂક્ષ્મ રસ સ્ફુરશે. કાળા કાળા કરસનજીને લીલાછમ બાલમુકુંદ બનાવી બહાર કાઢવાનું કવિકર્મ મધુર છે. ‘નીકળી ગયા’ દ્વારા બાલમુકુંદ કૃષ્ણનું કોઈ ૨ગમાં ના બંધાવાનું છબીલું છટકિયાળપણું આછા પીંછી સ્પર્શ વડે સૂચવાયું છે.
વ્યાસ-વલ્લભાચાર્યના વડઘેઘૂર ગભીર મિશ્ર સ્વર બહુજ્ઞ કવિતારસિકને સંભળાય: બાલમુકુંદ મનસા સ્મરામિ…
અનુવર્તી પંક્તિમાં ‘ધોબીપછાડ’નો સંદર્ભ પણ ભાગવતના કૃષ્ણ ધોબી તેમજ ચાણુ૨મુષ્ટિક સાથે કરેલા મલ્લયુદ્ધના દાવપેચનો રણકો સંવિદ્માં રમરમાવી જાય…
છેલ્લી પંક્તિમાં સમસ્ત દલિત દમિત કૃષ્ણવર્ણી જાતિઓના પ્રતિનિધિ તરીકે પ્રકટતો ગીત–નાયકનો ઉદ્ગાર, કારુણ્ય અને સ્થિતિના નિરુપાય સ્વીકાર સાથે હારી ખાઈ, હથિયાર હેઠાં છોડી દેવાનું સમાધાન વ્યક્ત કરે છે: ધોબીપછાડથીયે ઊજળાં થયાં નહીં તો ગોરાં થઈ જઈએ હવે કેશમાં.’ કેશમાં ગોરાં થવાની વૃત્તિલહર વાર્ધક્યનો સીમાપ્રાન્ત ચીંધી રહે છે અનિલે જે છે તેને ‘જેમ છે તેમ’ એક ગીત–મોતીમાં પરોવી આપ્યું તેવે પ્રસ્તુત–અપ્રસ્તુતના બદ્ધ સીમાડા અંડોળી મારું ચિત્ત નાઇજિરિયાના આધુનિક કૃષ્ણવર્તી કવિ ક્રિસ્ટોફર ઓકિગ્લોની વરસાદી પંક્તિઓ પાસે તાણી ગયું:
Shadow of rain, over sunbeaten beach,
Shadow of rain, over man with woman…
અનિલની આંગળીએ આપણેય વરસાદના ઓછાયે… ક્યાંના ક્યાં ઊપડી ગયા…!!
(રચનાને રસ્તે)