ઉમાશંકર જોશીને એક મુલાકાતમાં પુછાયું હતું: ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? તો કઈ કૃતિ?’ ત્યારે એમણે જવાબ આપ્યો, ‘લોકલ’માં. પણ તે ભાઈ નિરંજન ભગતે પછીથી પકડી પાડ્યું છે. એનો અર્થ એવો થયો કે ઉમાશંકરને જે કાવ્ય મહત્ત્વનું લાગ્યું હતું તે કાવ્ય નિરંજન ભગત સિવાય અન્ય કોઈ વિવેચકની નજરે એટલું ચડ્યું નહોતું.
‘પરબ’ના તંત્રીએ મને આ કાવ્ય વિશે લખવાનું કહ્યું. તંત્રીને કદાચ એમ હશે કે કાવ્યનો અનુભવ જે હોય તે પણ સુ. દ. નગરમાં રહે છે એટલે લોકલનો અનુભવ તો હશે જ. આ કાવ્ય અનેક રીતે જોવા જેવું છે. કાવ્યનો નાયક લોકલમાં પ્રવાસ કરે છે પણ એનો પ્રવાસ એક સૌંદર્યયાત્રા બનીને રહે છે. લોકલમાં મુગ્ધાનો પ્રવેશ થાય છે. કાવ્યનાયક ધારત તો જરાક ડોક ફેરવીને એ મુગ્ધાના મુખમાધુર્યને જોઈ શક્યા હોત. પણ એમણે ડોક ફેરવી જ નહીં અને છતાંયે ક્ષણે ક્ષણે એ મુગ્ધાની રસમૂર્તિ અંતરમાં કોતરાઈ ગઈ. કેટલુંક સૌંદર્ય ક્યારેય અસ્ત ન થાય એવું હોય છે. કાવ્યનાયકની કલ્પના ઉત્તરોત્તર ઉત્તેજિત થાય છે અને એ લાવણ્યમૂર્તિના નેણ કેવા હશે? ઊછળતું હૃદય કેવું હશે? એની સંવેદના અનુભવ્યા કરે છે. એક બાજુ વેગીલી લોકલ છે અને બીજી બાજુ કલ્પનાનો આવેગ લોહીના ધબકારે વહેતો હોય છે. પ્રણયપૂર્ણ કામાક્ષીને નજરે નથી જોઈ અને છતાં પણ અંતરમાં અંકાઈ ગઈ છે.
સામી બેઠક પર એક વૃદ્ધ છે. એ વૃદ્ધ જેવો વૃદ્ધ પણ એના ક્ષીણ નેત્રને આમતેમ ફેરવે છે એવું આ સૌંદર્ય છે. મોટે ભાગે લોકલમાં પ્રવાસ કરતી નારી પાસે ઠાઠ-ઠઠારો નથી હોતો. એમાં સાદગી હોય છે. અહીં સાદગી અને સૌંદર્યનો સુમેળ છે. મૂળ ટિપ્પણમાં લખ્યું છે એ કહેવાનું બધું જ કહી દે છે.
“એક નારીની મોહક મુખમાધુરીનું વર્ણન લોકલ ગાડીમાં યાત્રા કરતાં કવિએ અહીં પરોક્ષ રીતે કર્યું છે. એ નારી એટલી નજીકમાં છે કે પોતાની ડોક જરાક ફેરવતાં એનું સૌંદર્ય પોતાની આંખે જોઈ શકત, પરંતુ કવિ એ સૌંદર્યને સામી બેઠકે બેઠેલા એક વૃદ્ધની આંખોમાં ઝિલાતી ચમક જોઈને પામી લે છે. આંખોવાળો વૃદ્ધ, જે આમ તો વચ્ચે વચ્ચે ઝોકું ખાઈ લેતો, એ નારીને ‘આંખો કરી જરઠ કોટિક રોમ કેરી’ જુએ છે. કવિએ વૃદ્ધની ચિરતૃષિત આંખોથી એને જે રીતે પીવે છે, તેનાં ‘તૃપ્ત પ્રસન્ન નેત્રે લોલ મસ્ત ડોલતી છબી’ જોઈ લે છે. એથી પોતાની આંખોથી જોવા કરતાં વધારે અદકા રૂપે જોઈ.”
સૌંદર્યના બાહ્યપ્રવેશથી આંતરપ્રવેશની અહીં વાત છે. સગી નજરે જોયું હોત એના કરતાં અન્યની નજરે જોઈને કવિએ જે જાણ્યું-માણ્યું અને મનોમન વખાણ્યું છે એનું આ અનુભવનિષ્ઠ કાવ્ય જરા જુદા સંદર્ભમાં રાજેન્દ્ર શાહના ગીત ‘તને જોઈ જોઈ તોયે તું અજાણી’ની પણ યાદ આપે છે. કેટલાંક સૌંદર્ય એવાં હોય છે કે એ હૃદયમાં કાયમને માટે જડાઈ જાય છે. સૌંદર્યના અપ્રત્યક્ષ અનુભવનું આ એક જુદું પડી આવતું કાવ્ય છે. જોયું છે છતાં નથી જોયું, નથી જોયું છતાં યે કંઈક વિશેષ જોયું છે. એક બાજુ યૌવનની મુગ્ધતા છે, બીજી બાજુ વૃદ્ધ નજરની પરિપક્વતા છે. વૃદ્ધનાં નેત્ર કાલજર્જરિત છે પણ યુવકના અંતરમાં મઢાયેલું સૌંદર્ય તો મોનાલીસાના સ્મિત જેવું છે. આ સૌંદર્ય મનોમન માણવાનું હોય, એનું પૃથક્કરણ કરવાનું હોતું નથી.
(આત્માની માતૃભાષા)