"

લાઠી સ્ટેશન પર : ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા

ઉમાશંકર જોશીનું આ કાવ્ય છંદોલયમાં બળવંતરાય ઠાકોરનો અને છંદોવિધાનમાં કાન્તનો એમ આપણા બે સમર્થ કવિઓનો વારસો દીપાવે છે.

ઠાકોરના ‘પોઢો પોપટ’ પછી અભ્યસ્ત મન્દાક્રાન્તાનું આ ઉત્તમ દૃષ્ટાન્ત છે. ઠાકોરે ગુજરાતી કવિતામાં પહેલી વાર મન્દાક્રાન્તાને અભ્યસ્ત કરીને છંદને ઝુલાવ્યો છે:

ઝુલો પોપટ, ઝુલે સૃષ્ટિ, જનની ઝુલવે ચંદ્રિકાપારણામાં,
પોઢો પોપટ, પોઢે સૃષ્ટિ, રજની પુઢવે મંદમંદાનિલોમાં.

મન્દાક્રાન્તાના પ્રથમ ખંડને, ચાર ગુરુના એકમને, કવિએ બેવડાવ્યો છે, ઠાકોરની ઠરડમરડ માત્ર મંદાક્રાન્તાને અભ્યસ્ત કરવાથી, છંદને ઝુલાવવાથી અટકતી નથી. પહેલા ખંડકમાં ચોથા ગુરુને સ્થાને કવિ બે લઘુ વર્ણો — ‘પટ’ — યોજીને લયભંગ પણ કરે છે. આ શ્રુતિભંગ અલબત્ત સહેતુક છે. પારણાના એક છેડે જઈને પાછા વળતી વખતની ગતિના આવર્તનમાં આવતા મૃદુ આંચકાને, ગતિભંગને આ લય મૂર્ત કરે છે. જોકે ઠાકોરને પણ પારણાની આ લોલવિલોલ ગતિનો વારસો નર્રંસહ પાસેથી જ મળ્યો છે ને? ‘નીરખને ગગનમાં’ નરસિંહ

સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે,
        સોનાના પારણામાંહી ઝૂલે.

આ પંક્તિઓમાં ઝૂલણાને ઝુલાવે છે — નર્રંસહ સિવાય ઝૂલણાને બીજું કોણ ઝુલાવે?

 — અને સચ્ચિદાનંદ’ પછી આવતા ‘આનંદ’ શબ્દથી પારણાની પાછા ફરવાની ગતિને આલેખે છે.

ઉમાશંકર ઠાકોરની જેમ જ મન્દાક્રાન્તાના પ્રથમ ખંડકને બેવડાવે છે:

દૈવે શાપી
તેં આલાપી
                દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!

ઠાકોરના ‘પોઢો પોપટ’ની જેમ પંક્તિની સંકલના કરી હોત તો ૧૭ અક્ષરને બદલે ૨૧ અક્ષરની પંક્તિ થાત:

દૈવે શાપી તેં આલાપી દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!

પરંતુ પંક્તિઓની સંકલનામાં ઉમાશંકરની નજર સમક્ષ ઠાકોરના અભ્યસ્ત મન્દાક્રાન્તાનો નહીં પણ કાન્તના ખંડ શિખરિણીનો નમૂનો છે. કાન્તના ‘ઉદ્ગાર’ની પ્રથમ કડી છે:

                વસ્યો હૈયૈ તારે:
                રહ્યો એ આધારે:
પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

કાન્તનો આ શ્લોકભંગ રચનાસૌષ્ઠવનો ઉત્તમ નમૂનો છે. શિખરિણીના પહેલા છ અક્ષરમાં કવિ બે પંક્તિઓ સર્જે છે અને બીજી બે પંક્તિઓ શિખરિણીના આખા ચરણમાં યોજે છે. ઉમાશંકર મન્દાક્રાન્તાના પહેલા ચાર અક્ષરમાં બે પંક્તિઓ રચે છે અને પછી કાન્તની જેમ મન્દાક્રાન્તાના આખા ચરણને બદલે મન્દાક્રાન્તાના ઉત્તરાર્ધના તેર અક્ષરમાં એક ચરણ યોજે છે અને ત્રણ જ પંક્તિની કડી રચે છે. ઠાકોરને અનુસરીને નહીં પણ કાન્તને અનુસરીને ઉમાશંકરે શ્લોકબંધને જે રીતે ખંડિત કર્યો છે તે જોતાં આ કાવ્યના છંદને અભ્યસ્ત મન્દાક્રાન્તાને બદલે ખંડ મન્દાક્રાન્તા તરીકે ઓળખાવવાનું વધારે ઉચિત ન ગણાય? આને મળતું નામકરણ ચિમનલાલ ત્રિવેદીએ એમના ‘પિંગળદર્શન’માં કર્યું પણ છે અને યોગાનુયોગ એવો છે કે એમણે દૃષ્ટાંત પણ બળવંતરાય ઠાકોરની પંક્તિઓનું આપ્યું છે:

“પૃથ્વી છંદના ચરણમાં આઠમા અક્ષરે કેટલાક કોમળ યતિ માને છે. આ આઠ અક્ષરવાળા પૂર્વખંડને જો બેવડાવ્યો હોય તો અભ્યસ્ત પૃથ્વી — ખંડપૃથ્વી — છંદ બને.

સ્વીકારી કંઈ નાચતી,
સખી નયન રાચતી,
વિયોગ ન કળાવતી થઈ અલોપ એ ઘોડલી.” (પૃ.૪૧)

અલબત્ત, ચિમનલાલ ત્રિવેદીનો આધાર પાઠકસાહેબનું “બૃહત્ પિંગલ’ જ છે. કાન્તના ‘ઉદ્ગાર’ના કાવ્યના છંદના ખંડશિખરિણી “નામ સંબંધી પણ થોડી ચર્ચા થઈ છે. …નરસિંહરાવ અભ્યસ્તશિખરિણી અને ખંડશિખરિણી એવો ભેદ કરવા ઇચ્છે છે. જેમાં શિખરિણીનો પૂર્વખંડ બેવડાયો હોય તેને તેઓ અભ્યસ્ત કહેવા ઇચ્છે છે.. પણ આવી રીતે વૃત્તિનો પૂર્વખંડ બેવડાય, કે ઉત્તરખંડ બેવડાય એમાં નામનો ભેદ કરવા જેવું કશું મહત્ત્વ મને નથી લાગતું. બન્ને ખંડો છે, બન્ને એકબીજાના સાપેક્ષ છે એ દૃષ્ટિએ અભ્યસ્તશિખરિણી પણ ખંડશિખરિણીનો એક પ્રકાર જ છે જેને ભિન્ન કરવાની જરૂર નથી. ખંડશિખરિણી એટલે જેમાં અખંડ ચરણને બદલે તેનો યતિખંડ જ એક કે વધારે પંક્તિમાં આવતો હોય તેવો છંદ.” (બૃહત્ પિંગલ, પૃ.૧૭૭-૧૭૮) પાઠક સાહેબની આ દલીલને અનુસરીને પણ ઉમાશંકરના ‘લાઠી સ્ટેશન પર’ના છંદને ખંડમન્દાક્રાન્તાનું નામાભિધાન આપવું વધારે યોગ્ય ગણાય.

અન્ત્યાનુપ્રાસો પણ કાન્તના ‘ઉદ્ગાર’ની જેમ જ ઉમાશંકર ‘લાઠી સ્ટેશન પર’માં ત્રણ ત્રણનાં ઝુમખાંઓમાં યોજે છે. ‘ઉદ્ગાર’માં ‘તારે’, ‘આધારે’, ‘મારે’, ‘મુજને’, ‘તુજને’, ‘રુજને’ અને ‘એવી’, ‘જેવી’, ‘દેવી’ એમ ત્રણ-ત્રણનાં જોડકાંઓમાં છે એમ જ ‘લાઠી સ્ટેશન પર’માં ‘શાપી’, ‘આલાપી’, ‘કલાપી’, ‘દૂરે’, ‘ઝૂરે’, ‘નૂરે’ અને ‘ભૂમિ’, ‘ઝૂમી’, ‘ચૂમી’ એમ ત્રણ-ત્રણનાં ઝુમખાંઓમાં અન્ત્યાનુપ્રાસો છે.

ઉમાશંકરની નજર સમક્ષ ‘ઉદ્ગાર’નો નમૂનો હશે ખરો? આમ હોવાનો સંભવ તો પૂરેપૂરો લાગે છે. કાન્તે ‘ઉદ્ગાર’માં અન્ત્યાનુપ્રાસો જ નહીં, આંતરપ્રાસો પણ યોજ્યા છે.

પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો

હરે, દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને.

ઉમાશંકર પણ ત્રણે કડીઓમાં વધારે ચુસ્ત રીતે આંતરપ્રાસો યોજે છે:

દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!

ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.

સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

હવે થોડી પણ શંકા હોય તો ‘સદય’ શબ્દથી એ નિર્મૂળ થાય છે.

કાન્ત: હરે, દૃષ્ટિ, વહાલી! સદય મૃદુ તારી જ રુજને

ઉમાશંકર: સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

કાન્તની સદય દૃષ્ટિ ઉમાશંકરમાં સદય દૃગ બને છે.

પાઠકસાહેબે ‘ઉદ્ગાર’ની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. “કોઈ સૌભાગ્યવતી લલનાને હૃદયે લટકતા પારદર્શક હીરા જેવું એ કાવ્ય છે. હીરાને હાથમાં લઈ આપણે ફેરવીને બધી બાજુ જોઈએ અને બધી બાજુ સુંદર પાસા પડેલા હોય, એક દોરાવા પણ ક્યાંઈ વધુ-ઓછું ન હોય, તેવું એ કાવ્ય પણ, તેના ખંડોમાં, ખંડોના પ્રાસોમાં, તેની પંક્તિઓમાં, ચરણોની સંખ્યામાં, તેના ધ્વનિમાં અનવદ્ય છે” (રા.વિ.પાઠક ગ્રંથાવલી-૬, પૃ.૧૬૮)

કાન્તમાં શબ્દ અને અર્થનું સંપૂર્ણ સાયુજ્ય છે, ભાવસમૃદ્ધિ અને સવિશેષ તો ભાવસાતત્ય છે. પ્રથમ કડીમાં પ્રિયાના પ્રેમમાં રમમાણ રહેતાં બહારની દુનિયા સામે સ્નેહસંબંધ સ્થપાયો નહીં અને હવે એવો સંબંધ સ્થાપવાનો “સમય રસભીનો” રહ્યો નહીં. એનો સહેજ ખેદ વ્યક્ત થાય છે. ત્યાં તો તરત જ બીજી કડીમાં કવિ એ ખેદને નકારે છે:

“નહિ તદપિ ઉદ્વેગ મુજને.”

ત્રીજી કડીની છેલ્લી પંક્તિમાં વળી જગત પ્રત્યે નજર તો નાખે છે પણ શું આહ્લાદક પ્રિયતમની લાપરવાહી છે? –

“પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!”

ઉમાશંકરના ‘લાઠી સ્ટેશન પર’ કાવ્યની પ્રથમ કડી માટે ‘ઉદ્ગાર’ માટે પાઠકસાહેબે જેવો ઉમળકો બતાવ્યો છે તેવો જરૂર દર્શાવી શકાય. દુર્ભાગ્યે બીજી-ત્રીજી કડીમાં એવું કાવ્યત્વ વિલસતું નથી. આ બન્ને કડીના અન્ત્યાનુપ્રાસો પણ મનોરમ અને હૃદયંગમ નથી.

દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.

બીજી કડીની ત્રીજી પંક્તિનો ‘આત્મનૂરે’ તો ‘દૂરે’ અને ‘ઝૂરે’ સાથે પ્રાસ સાધવા જ ખેંચી તાણ્યો હોય એવો દૂરાકૃષ્ટ લાગે છે. કાન્તના અનુપમસુંંદર અને અતિપ્રશંસિત કાવ્યની પણ બીજી કડીની ત્રીજી પંક્તિનો પ્રાસ કઠે તેવો છે. ‘મુજને’ અને ‘તુજને’ સાથે ‘રુજને’નો પ્રાસ અતિસંસ્કૃત પ્રયોગ છે. રુજ એટલે પીડા, દર્દ એવો અર્થ કેટલા ગુજરાતી વાચકોને પરિચિત હશે? સુન્દરમ્, રામનારાયણ પાઠક, ભૃગુરાય અંજારિયા અને જયંત કોઠારી સૌએ ‘ઉદ્ગાર’ની ઉત્કટ પ્રશંસા કરી છે પણ તેમાંના કોઈએ ‘રુજને’ના અન્ત્યાનુપ્રાસની મર્યાદા દર્શાવી નથી. કાન્તનું કાવ્ય છે માટે?

આ સંદર્ભમાં રૉબર્ટ ફ્રૉસ્ટની લોકપ્રિય રચના Stopping by Woods on Snowy Eveningના અનુવાદ અને આસ્વાદમાં ઉમાશંકરનું એક વિધાન નોંધવા જેવું છે: “કવિ જેમ્સ રાઇટે આ કૃતિની પ્રાસસંકલના અંગે ધ્યાન ખેંચી એક સારા મુદ્દાને ઉઠાવ આપ્યો છે. ચારે કડીઓ ફારસી રુબાઈની પ્રાસરચનાવાળી છે અને સાથે સાથે ફ્રૉસ્ટ પહેલી કડીના શબ્દો પછીની કડીમાં પ્રાસ આગળ ચલાવી મહાકવિ દાન્તેની ત્રિપ્રાસસાંકળી (તર્ઝા રીમા) યોજે છે… વિવેચકનું કહેવું છે કે ખય્યામ (બલકે ફિટ્ઝરાલ્ડ)ની રુબાઈની શોકમયતા અને દાન્તેની ફિલસૂફીમયતા બન્નેનો ભેગો વળોટ ફ્રૉસ્ટની કૃતિમાં મળે છે.’ (કાવ્યાયન, પૃ. ૩૮)

‘લાઠી સ્ટેશન પર’ કાવ્યના સર્જન વખતે ઉમાશંકર જેવા વિચક્ષણ અને બુદ્ધિમંત કવિના મનમાં ઊંડે ઊંડે પણ એવો ખ્યાલ નહિ હોય કે ભવિષ્યમાં એમની કૃતિમાં પણ કોઈ સહૃદય બ.ક.ઠા.ની અર્થઘનતા અને કાન્તની કમનીયતા જોવા પ્રેરાશે? ‘લાઠી સ્ટેશન પર’નું ઉમાશંકરનું છંદોવિધાન અને પ્રથમ કડીમાં કલાપીના સમગ્ર જીવન અને કવનનું સંક્ષિપ્ત સઘન આલેખન સાચે જ ઠાકોરશાઈ અને કાન્તોપમ છે.

(વત્સલનાં નયનો)