લક્કડખોદ – દેવચકલીની સહોપસ્થિત પ્રતીકરચના… – રાધેશ્યામ શર્મા

પ્રવીણ દરજી

ક્યાંકથી

ક્યાંકથી
ઊડી આવેલા
લક્કડખોદે

આ કૃતિની આ-કૃતિમાં, પ્રારમ્ભથી જ એક શબ્દનું ડોકિયું મહત્ત્વ ધારણ કરી રહેલ છે.

– એ શબ્દ છે ‘ક્યાંકથી’. શબ્દ શું સંકેતે છે? અનિશ્ચિતતા. અચોક્કસતા. નામઠામના નામે હિસાબે કાંઈ નહીં. જાણે કે અવકાશમાંથી ઊતરી પડેલો આ શબ્દ છે ‘ક્યાંક’થી. વણનોંતરેલા અ–તિથિ સમો શબ્દ છે, આ ક્યાંકથી.

ત્યારબાદ ઘટનાનું વર્ણન છે, જેમાં ઊડી આવેલા લક્કડખોદનો ઉલ્લેખ ગૂંથાયો છે. લક્કડખોદ, અંગ્રેજીમાં જેને ‘વુડપેકર’ કહે છે તે પંખી એક પ્રકારનો ખેતમજૂર છે જે જમીન નહીં પણ પોતાની તીણી તીક્ષ્ણ ચાંચથી લાકડું ખોદ્યા કરે છે. એવું એ ખોદે છે એટલું જ નહીં પરંતુ લકડધકડ, ધમધોકાર, ઝપાટાબંધ કાષ્ઠને ખોતરી ખોદી ખતમ કરી નાખી શકે છે.

અહીં કૃતિની ગદ્યસ્વી બાનીમાં આ પક્ષીએ પસંદગી શાની કરી?

એકાએક હર્યાભર્યા વૃક્ષના થડને ટોચવાનું શરૂ કરી દીધું

પણ કર્તા આટલેથી અટકી પડ્યા નહીં. અટકી ગયા હોત તો લક્કડખોદની કરણીનો ‘રિધમ’ કહેતાં લય ઝલાઈ ઝિલાયો ના હોત.

લક્કડ ધક્કડ, લક્કડ ધક્કડ.’

હર્યાભર્યા હરિત ઝાડને ટોચી કાઢી એની હયાતી, એની ઓળખને ખલાસ કરવાનું હિંસાકૃત્ય ચાલતું હતું ત્યાં એની સામે સહોપસ્થિત ઘટના કેવીક ભિન્ન હતી.

‘ડાળીઓ અને પર્ણો શાંત હતાં…’ આમ છતાં લક્કડખોદની ચાંચ–તરવારની ધાર બની – ઘા ઉપર ઘા કરતી રહી હતી. ચાંચનો દરેક ઘા કેવો હતો? ‘અઘોષિત યુદ્ધ બની રહ્યો હતો, ભૂખરો રંગ રેલાતો જતો હતો ચોપાસ…’

ઉદ્ઘોષિત જંગ તો સારો પણ અ–ઘોષિત યુદ્ધ છદ્મવેશીને છેતરામણું–તેથી વધુ ખતરનાક. ડાળીઓ અને પર્ણો શાંત રહી શક્યાં કેમ કરી? – જ્યારે થડને ખોતરી ખતમ કરવાનું જઘન્ય આક્રમણ ચાલતું હતું? એ ઉભય શાન્ત એટલા માટે તો નહીં હોય કે આપણો વારો આવે એની વાર છે! અથવા તો જિસસની જેમ ચાંચના ખીલા ઠોકાશે ત્યારે પણ પોતે શાંતિ સેવશે? હકીકત નક્કર–એવી છે કે ચાંચના ઘા ખાધા બાદ ‘ભૂખરો રંગ રેલાતો જતો હતો ચોપાસ…’

સામાન્યતયા જખ્મમાંથી લોહી દદડે એટલે રક્તનો રંગ રેલાય પણ અહીં લોકાલ–સેટિંગ વૃક્ષરાજિને સંડોવતું હોવાથી ઔચિત્યપૂર્વક ‘ભૂખરો રંગ’

અહીં સુધી લક્કડખોદને મૃત્યુના સક્ષમ પ્રતીક લેખે નિર્મળ લાઘવથી આરેખી, કવિએ દૃષ્ટાન્તને જીવનતત્ત્વ પરના વિજય રૂપે પેશ કર્યું.

– પણ દર્શનનું તથ્ય જુદું છે એ હવેના વળાંક પરનો પરદો ખૂલી જતાં પામી જવાય. મોતની સામે જો કોઈ ચૈતન્યદાન નાદ હોય તો તે એક દૈવી પંખીમુખે છેડાયેલું ગીત:

ત્યાં
ડાળ
ઉપરની કોઈક દેવચકલીએ
સહસા ગીત છેડ્યું

અહીં ‘ત્યાં’ જ શબ્દો કૃતિસ્થિત સમયના પરિમાણને લક્ષ્ય કરે છે, જેમ કાવ્યારમ્ભે ‘ક્યાંકથી’ શબ્દ અવકાશને સંકેતે છે. આમ ટાઇમ–સ્પેસની દૂર છતાં નિકટ એવી અખંડતા (Continuum) અહીં સચવાઈ છે.

એક દેવચકલીના ગીતનો પ્રભાવ એવો પ્રસર્યો કે મૃત્યુના પર્યાય – પ્રતીક શું લક્કડખોદ ભોઠું પડી જાય છે, થડ છોડીને સીમા પાર ઊડી જાય છે.

રચના અહીં પૂરી કરી દીધી હોત તો?

– તો જીવનલક્ષી આદર્શની સાધારણ પ્રચલિત કૃતિઓમાં સ્થાન પામત.

માણવા જેવો તો, રચનાગત બીજો વળાંક પણ ખરો; જેમાં મૃત્યુની યથાર્થતાને, સંગીન વાસ્તવને, અ-પરિહાર્યતાને કૃતિની પરાકોટિ લેખે અન્તમાં મૂર્ત કર્યો છે:

કદાચ
કોઈ બીજા થડને કરી રહેશે હવે આરપાર…’

આરંભે ‘ક્યાંકથી’ શબ્દસ્થિત અનિશ્ચિતતા હતી તે અહીં ‘કદાચ’ શબ્દમાં પુનરપિ ઝમી લાગે. ધારણા સાચી પડે યા ના પડે, અને મોતનું ભલું પૂછવું એટલે ‘કદાચ’ શબ્દ આવ્યો. છતાં એ પણ સંભાવના ખરી કે આજે નહીં તો કાલે પેલું લક્કડખોદ ‘કોઈ બીજા થડને કરી રહેશે હવે આરપાર…’

વિલિયમ ઍમ્પસને ‘સેવન ટાઇમ્સ ઑફ ઍમ્બિગ્યૂઇટિ’માં કાવ્યકળાંતર્ગત દ્વિઅર્થીપણું, અર્થસંદિગ્ધતાની વિચારણા કરેલી તે અત્રે સાંભરી આવી.

કવિશ્રી પ્રવીણ દરજી – દેવચકલીના ગીત વિશે તેમજ લક્કડખોદના ખનનકૃત્ય વિશે દ્વૈધી ભાવ સાથે જીવન–મૃત્યુની સહોપસ્થિતિની અનિવાર્ય નિશ્ચિતતા લાઘવથી પ્રકટ કરી શક્યા છે. વાસ્તે અભિનંદન.

આના નિમિત્તે અમેરિકી સર્જક બર્નાર્ડ માલામુડનું એક સૂત્ર પ્રસ્તુત છે:

Life is a tragedy full of Joy…

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book