રાત રૂપે મઢી
હરીન્દ્ર દવે
રાત રૂપે મઢી ને રતન ટાંક્યાં,
ગોપીની ઉક્તિરૂપે આ ગીત છે. વિરહની વાત કેમે કરી વીતતી નથી. માણસમાત્ર સમય પસાર કરવા માટે કંઈક ને કંઈક શોધી કાઢે છે. સમય થીજી ગયો છે. થંભી ગયો છે. રાત વીતતી નથી. ગોપી રસ્તો કાઢે છે. માનસિક રીતે રાતને રૂપેથી મઢવાનો પ્રયત્ન કરે છે. રાત મઢાઈ તો ગઈ, તોય સમય બાકી છે. એટલે રૂપે મઢેલી રાત ઉપર રતન ટાંકે છે. પણ સમય જેનું નામ એ ખૂટે ક્યાંથી? રાહ જોઈને બેઠી છે. યમુનાને આરે વાંસળી વાગતી જ નથી એટલે કે વાંસળીનો વગાડનારો આવતો જ નથી. ગોપીની અધીરાઈ ‘તોયે વાગી ન હજી વાંસળી’ પંક્તિમાં ‘હજી’માં દેખાય છે.
વાંસળીનો સૂર ક્યાં દટાઈ ગયો? ક્યાં છુપાઈ ગયો? ક્યાં ખોવાઈ ગયો? એ સૂર યમુનામાં ડૂબી ગયો? કેમ કશું દેખાતું નથી? કેમ કશું સંભળાતું નથી? વ્રજની નિકુંજ ક્યાં ગઈ? શું એને પણ પગ ફૂટ્યા? યમુનાનો આરો આટલો દૂર કેમ લાગે છે? મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. ઉત્તર છે અને નથી. હૃદયની વાત કોને જઈને પૂછે?
હરીન્દ્રની કલમની નજાકત જોવા જેવી છે. હૃદયની વાત મોઢેથી તો બોલાય નહીં. પથ્થરિયા હૃદયને તો કહેવાય નહીં. કળીઓને કાનમાં જઈને પૂછે છે. કારણ કે પોતાના કાન પર અને ક્હાન પર ભરોસો રહ્યો નથી. કળીઓને કાનમાં જઈને એટલું જ પૂછે છે કે ક્યાંય તમે મારા માધવની વાંસળી સાંભળી છે?
ફૂલ-બાગને ઉછેરનારા માળીઓ જે જવાબ આપે તે, પણ કવિની કલ્પનાએ અહીં એક નાજુક વળાંક આપ્યો છે. કળીમાંથી ફૂલ કેમ બનતું હશે? અકળ છે આ તો. પણ કવિને સૂઝે છે. એવું બન્યું હશે અથવા એવું બનતું હશે કે કળી સૌરભના પાલવને ઝાઝેરો તાણે ત્યાં જ એ કળીમાંથી ફૂલ બની જાય. સૌરભ અદૃશ્ય અને પાલવ અદૃશ્ય. આમ દૃશ્ય-અદૃશ્યની લીલા ને લહેરખીને નિમિત્તે કવિએ આપણને સાનમાં સમજાવી દીધું છે.
કેટલીક વાર એવા અનુભવો થાય છે કે કોઈ દેખાતું નથી અને છતાં કોઈ હોય છે. અનુભૂતિની વાત છે. રોમેરોમે ભીંજાઈ ગયા છે અને છતાંય એમ લાગ્યા કરે છે કે વહાલમની વાદળી હજી સુધી વરસી નથી.
હરીન્દ્રના ગીત માણવાના છે. કવિતાની પ્રયોગશાળામાં લઈ જઈને એનું પૃથક્કરણ કરીએ તો એ વાત પતંગિયાને ઑપરેશન ટેબલ પર મૂકવા જેવી છે.
(ભમરો વાત વહે ગુંજનમાં)