રાત રૂપે મઢી
હરીન્દ્ર દવે
રાત રૂપે મઢી ને રતન ટાંક્યાં,
હરીન્દ્ર દવેની કવિતામાં રાધાકૃષ્ણ અનેક સ્વરૂપે અવતર્યાં છે. એમનાં રાધાકૃષ્ણનાં ગીતોમાં પ્રેમ અને વિરહ જોડાજોડ વિરાજે છે. પ્રેમનો ઉઘાડ દેખાય ન દેખાય ત્યાં વિરહનાં ઘનઘોર વાદળ પલકવારમાં ખબર નહિ ક્યાંથી ઘેરાઈ આવે છે! પ્રેમનો અધિષ્ઠાતા દેવ વિરહ છે. રાધાના ઝુરાપાને કવિએ આંસુમાં કલમ બોળીને આલેખ્યો છે.
રાધા એટલે પ્રતીક્ષાનો પર્યાય, એનો મુરલીધર માધવ વિશ્વમાં વહેંચાઈ ગયો છે. છે એનો એકલીનો, પએ એને ભાગે આવે છે બહુ થોડો. મધુસૂદન મથુરા ગયા પછી તો રાધા ચિરવિરહિણી થઈ ગઈ. રાધાની યાદમાં ઝૂરતો કૃષ્ણ વાંસળી વગાડે અને એના સૂર રેલાતારેલાતા યમુનાના તીરે ઝિલાય. રાધાને હવે આ વાંસળીના સૂરનો જ સથવારો; અને એ સૂર પણ જો કાને ન પડે, મથુરા ગયેલા વનમાળી જો વેણુ વગાડવાનું પણ ભૂલી જાય તો રાધા જીવે શી રીતે?
રૂપલે મઢી રાત છે, ઉડુગણ જાણે આસમાની ઓઢણીમાં રતન ટાંક્યાં હોય, એમ શોભી રહ્યા છે. વિયોગિની રાધા એના વહાલમની વાંસળીના સૂર સાંભળવા અધીરી થઈ છે. યમુનાતીરે વાતા વાહુલિયા પર સવાર થઈ આવતા વાંસળીના સૂર હમણાં રાધાને વીંટળાઈ વળશે અને રાધાના નવસેં નવ્વાણું નેક રણઝણી ઊઠશે. પણ આ શું? રાધા રાહ જોઈજોઈને થાકી પણ આજે યમુનાના આરે હજી વાંસળી ન વાગી.
અધીરી રાધા દોડતી આવી વહેતી લહરીમાં કાન માંડીને સાંભળે છે – યમુનાનાં નીરમાં સૂર ડૂબી તો નથી ગયા ને? વ્રજની નિકુંજને પગફૂટ્યા કે પછી યમુનાનો આરો જ દૂર સરી ગયો?
બાવરી બનેલી રાધા કળીઓને કાનમાં પૂછે છેઃ ‘મારા માધવની મોરલીને સાંભળી?’ પણ રાધાના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે કળીઓ તો સૌરભનો પાલવ ઝાલી હસતીહસતી ફૂલ બની ગઈ!
રાધાનું રેશમી દુકૂલ સહેજ સૈરવીને વાયુની લહેરખીએ રાધાને સાનમાં સમજાવી. ઠંડો પવન અંગેને અડતાં જ રાધાનું અંગઅંગ મહેકી ઊઠ્યું. તરબતર થઈ ગયું. બમણા વેગથી કૃષ્ણને ઝંખવા લાગ્યું પણ વહાલમની વાદળી ના વરસી તે ના જ વરસી.
ઝાંખવું ને ઝૂરવું એ જ નિયતિ હોય છે પ્રેમ-વિદ્વ હૈયાંની. વિરહી યક્ષ માટે કવિ કાલિદાસ મેઘદૂતમાં લખે છે. ‘कश्चितकान्ताविरहगुरूणा’ વિરહ કદી અલ્પ નથી હોતો એ હંમેશાં ‘ગુરુ’ જ હોય છે. ઊંડો જ હોય છે, પછી એ પળનો કેમ ન હોય! વિરહીજન માટે તો ‘क्षणे युगानि अंतर्गतानि’ — ક્ષણમાં યુગો સમાયેલા હોય છે. પળનો વિલંબ શું થયો — રાધાની અધીરાઈનો પાર ન રહ્યો. કદાચ કૃષ્ણને વાંસળી વગાડવામાં વિલંબ નથી થયો, રાધાનું હૈયું જ બહુ અધીરું થયું છે!
એટલે જ કદાચઃ
જમનાની લ્હેરો,
વ્રજની નિકુંજો,
હસતી કળીઓ.
અને વાયુની લહેરખીઓ મીઠું હસીને રાધાને સાનમાં સમજાવે છે; ‘આટલી બધી અધીરી ન થા રાધા, જરા ધીરજ ધર.’
પણ રાધા જેનું નામ — એના રૂંવેરૂંવે શ્યામ વસ્યો છે. એની ઝંખના, એની વ્યથા, એની પીડા — એનો પાર કોણ પામી શકે? અતૃપ્તિ એની સનાતન નિયતિ છે. પ્રેમપાત્રમાં અંતે તો અપ્રાપ્તિ રહેલી છે. અતૃપ્તિ રહેલી છે.
પ્રતીક્ષા બહુ આકરી તપસ્યા છે. કૃષ્ણ મથુરા ગયા પછી રાધાએ તપની ધૂણા ધખાવી છે. રાધાની પ્રતીક્ષામાં પ્રેમનું ગૌરવ એના બધા ઐશ્વર્ય સાથે વિરાજમાન છે. પ્રતીક્ષા ભલે રાધા કરતી હોય, પણ એની વેદનાનું શૂળ તો ઊઠે છે કૃષ્ણના હૈયામાં. અને રાધા એ વાત સારી પેઠે જાણે છે. પ્રેમમાં પીડા અને આનંદ જોડાજોડ વસે છે. પ્રતીક્ષાની પીડાનો આનંદ માણવા રાધા થવું પડે.
(ભમરો વાત વહે ગુંજનમાં)