હરિશ્ચંદ્ર ભટ્ટ
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
કવિએ સદ્ગત બહેનને સંબોધીને આ કવિતા લખી છે, એટલો ભાવ સંદર્ભ જાણીએ કે ન જાણીએ, તો પણ આ કવિતા વાંચતાં જ આપણા જીવનમાં કે આપણી આસપાસના જીવનમાં કોઈક આપ્તજનના મૃત્યુએ પ્રકટાવેલી તીવ્ર વ્યથાને હૃદયમાં વલોવાતી અનુભવી શકાય છે.
મૃત્યુ માનવીને અસહાય કરી દે એવી ઘટના છે. એમાં યે આ તો હજી લગ્નની મેંદી જેની હથેળીમાંથી ગઈ નથી એવી નાનકડી બહેનનું મૃત્યુ. હૃદય સ્તબ્ધ બનાવી દે એવી ઘટનાને આલેખતી આ ચાર કડીમાં ક્રમે ક્રમે ઘીરે થતી મનસ્થિતિની ચાર અવસ્થાઓ નિરૂપાઈ છે.
આરંભની બે પંક્તિમાં મૃત્યુ પામનાર સ્વજનની છબી કવિ થોડા જ શબ્દોમાં ઉપસાવે છે. માણસની છબિ એની આંખોમાં રહી છે. એટલે ‘નિર્દોષ ને નિર્મળ આંખ’ એટલા જ શબ્દો એક મુગ્ધ ચહેરાને તરતો કરી દે એટલી ચિત્રાત્મકતા ધારણ કરે છે. હજી કાલે જ જે સાસરે ગઈ છે એવી બહેન એનો શૃંગાર ચિતામાં પૂર્ણ કરે છે—અગ્નિના લાલ રંગને શૃંગારપ્રસાધનના લાલ રંગ સામે મૂકીને હૃદયમાંથી આર્ત ચીસ નીકળી પડે એવી વેદના કવિ સહજ રીતે ઘૂંટી શક્યા છે!
વેદનાની આ પરાકાષ્ઠા પરથી રચના પ્રારંભ પામે છે પણ પછીની બે કડીઓમાં કવિ જાણે આ આખીયે ઘટનાથી અલગ થઈ આ વેદનાની તીવ્રતાને ત્રીજું પરિમાણ આપે છેઃ વસ્ત્ર પરિધાન કરતી વેળાએ રેશમી સાડી પહેરવા જતા હાથમાં સરી પડે એ ઘટના ક્ષણાર્ધમાં જ બને છે. બહેનનું આયુષ્ય પણ આટલું જ પલકવારનું જ છે. હજી જીવનની ચૂંદડી પહેરી ન પહેરી ત્યાં તો એ સરી પડી અને ચિતાની રક્તિમ અગ્નિજ્વાળાઓ એ નિર્જીવ દેહને લપેટાઈ રહી.
સમદ્રમાંથી અંજિલિ લઈ જીભ સુધી એનો સ્વાદ પહોંચતાં જેટલો સમય થાય, એટલો જ સમય આ બહેન સંસારસાગરના તટે ઊભી રહીઃ એની અંજલિમાંનું જલ ખારું છે કે મીઠું એનો સ્વાદ પરખી શકે એ પહેલાં તો એનાં ચરણો સમુદ્રમાં સરી પડ્યાં.
શિશિરમાં ફૂલ ખરી પડે એ સ્વાભાવિક ક્રમ છે. જીવનમાં મૃત્યુ એના એ સ્વાભાવિક ક્રમથી આવે તેની સામે કવિની ફરિયાદ નથી. વેદના ઋષિએ પણ ક્રમ પ્રમાણે આવતા મૃત્યુની પ્રાર્થના કરી છે. જર્મન કવિ રિલ્કેએ પણ Give each one his own deathની—ઇચ્છામૃત્યુની કલ્પના મૂકી છે. પણ મૃત્યુ કઠોર અને અરસિક છે. એ નથી આર્દ્ર થતું ક્રંદનથી, નથી લોભાતું કવિની કલ્પનાથી. ફૂલ પાનખરમાં તો ખરી પડે—પણ વસંત એટલે કળીમાંથી ફૂલ મહોરે એની મોસમ-વસંતની ફૂંક એટલે જીવનની હવા. સંજીવની ઝેરનું કામ કરે ત્યારે કેવું થાય!
મૃત્યુની વેદનાએ આટલી હદે ઘૂંટતાં ઊર્મિકાવ્યો આપણી ભાષામાં વિરલ છે. ભાષાનું નાજુક શિલ્પ વેદનાને ધાર આપે છે. છેલ્લી બે પંક્તિમાં દીર્ઘ ‘ઈ’ના આવર્તનો વ્યથાની ગુંજથી ચિદાકાશને ભરી દે છે.
(કવિ અને કવિતા)