તમે કાલે નૈં તો
હરીન્દ્ર દવે
તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો,
કવિશ્રી હરીન્દ્ર દવે આપણી ગુજરાતી કવિતામાં અનુગાંધીયુગના એક નોંધપાત્ર કવિ છે, એમના શારીરિક વ્યક્તિત્વની જેમ જ એમનું કવિ-વ્યક્તિત્વ પણ મૃદુ અને પ્રાંજલ છે, એમણે ગીતો, ગઝલો સાથે નોંધપાત્ર છાંદસ તેમજ અછાંદસ રીતિની કૃતિઓ પણ આપણને આપી છે. હરીન્દ્રનું નામ દેતાં જ મુખ્યત્વે તેમની ગીતકવિતા એકદમ યાદ આવે, પણ એમનાં સૉનેટો પણ બહુ પાછળ નથી, આપણા પ્રતિનિધિરૂપ સૉનેટોનો જો સંગ્રહ કરવામાં આવેતો તેમાં હરીન્દ્રભાઈનું એકાદ સૉનેટ જરૂર સ્થાન પામે તેવું ગરવું તેમનું સૉનેટ-કર્મ છે.
અહીં ઉપર જે સૉનેટકૃતિ રસાસ્વાદ માટે પસંદ કરવામાં આવી છે તે કદાચ તેમની પ્રતિનિધિરૂપ શ્રેષ્ઠ સૉનેટકૃતિ નથી, પણ હરીન્દ્રભાઈના આંતરવ્યક્તિત્વનાં ઘણાં પાસાંની તે દ્યોતક કૃતિ તો જરૂર છે. હરીન્દ્રભાઈ મુંબઈ જેવા ધમાલિયા આધુનિક મહાનગરમાં વસતા હતા ને ગુજરાતી કવિતામાં સક્રિય હતા, પણ એમની આ કૃતિ આધુનિક નગરયુગનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ કૃતિનું અભિવ્યક્તિત્વ જાણે કે ગઈ કાલનું છે, જ્યારે હજી પ્રેમની પવિત્રતાનો મહિમા હતો. હજી પ્રેમની અનુભૂતિ કાવ્યશાસ્ત્રની કોઈ નાયિકાની અનુભૂતિરૂપે વ્યાખ્યાયિત થઈ શકે તેવી હતી.
આ સૉનેટકૃતિનું શીર્ષક ‘તમે કાલે નૈં તો’માં જે વિરહિણી નાયિકા છે તે પ્રોષિતભર્તૃકાનાં લક્ષણો ધરાવે છે. કવિએ આપ્રોષિતભર્તૃકાના વિરહની જાણે છેલ્લી પૂર્વસંધ્યાની ક્ષણ પસંદ કરી છે, આ વિરહિમીને વાવડ મળ્યા છે કે તેની ભર્તા હવે એકબે દિવસમાં તો આવવાનો છે. હવે મિલનની ઘડીઓ ગણાઈ રહી છે ને આ આસન્ન મિલનની કાઉન્ટડાઉનની અનુભૂતિ જે ભાષા તે લય પકડે તે આ કૃતિના ઉપાડમાં જ (અરે, શીર્ષકના પણ) અંકાયો છે. કૃતિની પ્રથમ પંક્તિ આમ ઊઘડે છે, ઊપડે છે.
‘તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો.’ આ ઉક્તિ પેલી વિરહિણીની છે તેના પ્રીતમ પ્રત્યેની, હરીન્દ્રનો શિખરિણી છંદ આ વિશ્રંભવાણીને બરાબર આકરે છે. પૂરો વિશ્વાસ આ અનાયાસ વાણીમાં સહજ રીતે અંકિત થયો છે તે જોઈ શકાય છે. બસ આટલી જ પ્રથમપંક્તિ પછી તો પ્રોષિતભર્તૃકાનો પોતાનો મિલન કાર્યક્રમ, આખો agenda જ છે, આ agendaની વિગતો જોઈએઃ હવે ઘણા દી’નું ‘ઘર કરતું’ એકાન્ત પૂરું થશે, તમે મારા ખોળામાં શિર મૂકી આંખો મીંચી પડી રહેશો. હું એ નેત્રોને હળવા હાથે પસવારીશ. તમે આંખો ખોલશો, જરાક હસીને મને હૈયાસરસી ચાંપશો. રાત્રે હૈયું દલેદલ ઊઘડી જશે ને જુદાઈ પૂરી થઈ જશે, ચુંબનાદિ ક્રિયાનો કવિએ ઉલ્લેખ કર્યો છે ને પછી ‘સ્વયં હું વીંટાઈ જઈશ અથરી થૈ’ જેવી આશ્લેષ-સંભોગશૃંગારની વાત આવે છે. ને ત્રીજા ચતુષ્ઠકમાં આશ્લેષમાં જ પછી રાત તો ક્ષણવારમાં જ વીતી જશે, ‘પરંતુ આજે તો…’ નાયિકાની ‘રેવરી’ જલ્પોક્તિ અહીં જ અટકી જાય છે, પણ આજની આ ક્ષણ કેમેય વીતતી નથી, તેનું શું? ને કવિ (નાયિકા) વળી પાછી કૃતિની પ્રથમ પંક્તિના ઉઘાડને લગભગ દોહરાવે છે.
‘હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું,’ સાથે કૃતિ પૂરી થાય છે, ઉઘાડમાં તે આશા સાથે ઊઘડી હતી, લગભગ તે જ શબ્દવિન્યાસમાં કૃતિ સમાપ્ત થાય છે પણ નાયિકા આજની આ છેલ્લી વિરહક્ષણો જીરવી શકતી નથી.
આરંભે ‘તમે કાલે નૈં તો પરમ દિવસે…’માં જે આશાપિંડ બંધાયો છે જેને લઈને નાયિકા ત્રણેક ચતુષ્કો સ્વપ્નોમાં સંસાર ‘રેવરી’માં વાગોળે છે તે લગભગ તેવી જ ઉક્તિમાં કૃતિની સાથે જ સમાપ્ત થઈ જાય છે.
આખી કૃતિ પરમ મૃદુભાષામાં વિરહિણીનાયિકાના અનુભવને શિખરિણી છંદના લયમાં, સફળતાપૂર્વક આકારે છે. આ પ્રશિષ્ટ-સુઘડ અભિજાત-નાગર નિવેદનરીતિ હરીન્દ્રનાં પ્રેમવિષયક કાવ્યોની એક નોંધપાત્ર લાક્ષણિકતા રહી છે.
બીજી પણ એક વાત આ સૉનેટના સ્વરૂપ વિશે કહેવી જોઈએ. હરીન્દ્રે સૉનેટમાં સાધારણ રીતે અંતે આવી શકે તે સપ્રાસ યુગ્મક આરંભે જ ઉઘાડમાં જ મૂકી દીધું છે, પછી ત્રણ ચતુષ્કોમાં નાયિકાની સ્વપ્નોલ્પ રેવરીનું આલેખન છે, જે સૉનેટકૃતિનો વિકાસ સાધે છે ને મધ્યભાગને પુષ્ટ કરે છે, કાવ્યને અંતે હરીન્દ્રે ઉઘાડવાળી જ પંક્તિ લગભગ દોહરાવી છે ને એ આવર્તન પાસે ભાવભેદનું કામ કરાવ્યું છે તે નોંધપાત્ર છે, પરંતુ સૉનેટનું સ્વરૂપ અહીં કંઈક શિલ્પચ્યુતિ-શિથિલતા અનુભવ છે એમ લાગે છે, અને એનું મુખ્ય કારણ મને એ લાગે છે કે શું પેટ્રીકશાઈ સૉનેટમાં કે શેક્સ્પિયરશાઈ સૉનેટમાં એના ખંડકોમાં ઉત્તરોત્તર રસનો ઉપચય થવો જોઈએ. ભાવનાં મોજાં બલવત્તર થતાં આવવા જોઈએ, એને બદલે છેલ્લું ચતુષ્ક કશો ખાસ ઉત્કર્ષ સિદ્ધ કરતું નથી ને ભરતીનાં વધતાં મોજાંને બદલે ઓટના નહિ તો સપાટ મોજાંનો અનુભવ કરાવે છે ને સારા સિદ્ધ થયેલા સૉનેટમાં અંતિમ યુગ્મકમાં જે રસાત્મક ચોટ વગાડીને કૃતિ આપણને રસસમાધિમાં લીન કરી જાય તે શરત અહીં ખાસ પળાતી નથી એવું લાગે છે. આપણે ત્યાં તો અનિયમિત સૉનેટનો સ્વીકાર છે જ, પણ રસાત્મકતા સાથે તો કોઈ સમાધાન કરી શકાય નહિ.
(ભમરો વાત વહે ગુંજનમાં)