માધવ ક્યાંય નથી મધુવનમાં
હરીન્દ્ર દવે
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
કૃષ્ણ મથુરા ચાલ્યા ગયા છે. જમનાતીર પરના મધુવનને અણુએ અણુ કૃષ્ણની વિવિધ લીલાઓનો સાક્ષી બન્યો છે અને તેની નાનીમટી અસંખ્ય સ્મૃતિઓ અંકિત થઈ ગઈ છે તેના પર. આજે કૃષ્ણ નથી. ને વ્યાપી ગયો છે સૂનસૂનકાર ગોકુળની વાટે ને ઘાટે.
કૃષ્ણનો વિરહ ગોકુળનાં જડ અને ચેતન, એકેએક તત્ત્વને સાલી રહ્યો છે. સૌ જાણે કે ડોક ઊંચી કરીકરીને, દૂરદૂર સુધી દૃષ્ટિ દોડાવે છે, કૃષ્ણને શોધવાને. કૃષ્ણ ક્યાંય દેખાતા નથી. સૌ બની ગયાં છે નિરાશ. સૌનું હૈયું ભાંગી ગયું છે ને પોતાના શોકને જીરવી ન શકતાં, પોતાના કોઈ મિત્ર કે સાથીને જોતાંવેંત સૌનાં હૈયામાંથી સરી પડે છે એક જ ઉદ્ગારઃ માધવ ક્યાંય નથી મધુવનમાં!
નાનકું આ ફૂલ. કૃષ્ણ દેખાતા નથી એટલે એય બની ગયું છે ઉદાસ ને મ્લાન. ભમરાને જોતાંવેંત એનું હૈયું હાથ રહેવું નથી ને એ કહી ઊઠે છેઃ ‘તને ખબર પડી, અલ્યા? માધવ ક્યાંય ચાલ્યા ગયા લાગે છે. ક્યાંય દેખાતા નથી એ મધુવનમાં!’
ને ભમરો! એનું તો કામ જ ગુન-ગુન કરતાં ઊડવાનું ને આખા વનમાં ઘૂમ્યા કરવાનું. પોતાના ગુંજારવ દ્વારા એ એક જ વાત આખા વનમાં ફેલાવી આવે છેઃ માધવ ક્યાંય નથી મધુવનમાં!
જમનાના જલપ્રવાહ પર ઝૂકેલી કદમ્બની ડાળીનું હૈયું પણ ભાંગી ગયું છે. કેમ ન ભાંગે? એની ડાળી પર બેસીને તો કૃષ્ણે વેણુ વાઈ ને પોતાના વેણુનાદથી ગોકુળને ગાંડું કર્યું છે. જમના-જળને થંભાવ્યાં છે, ગોધણને મંત્રમુગ્ધ કર્યાં છે ને વ્રજ-ગોપવધૂઓને કરી મૂકી છે આવરીબાવરી! માધવનું સ્મરણ હૈયેથી છૂટતું નથી અને સ્મરણમાં સ્મરણ પણ કદમ્બની ડાળીને થયા કરે છે. બંસીધર વનમાળીએ એને પોતાનું આસન બનાવીને જે વિશિષ્ટ અધિકાર આપ્યો હતો તેનું. એટલે એ નીચે વહી રહેલાં જમનાજીનાં જળને પૂછે છેઃ ‘તમને સાંભરે છે, જમનાનાં જળ! માધવ અહીં બિરાજીને વેણુ વાતા તે? આજે એ ક્યાંય દેખાતા નથી! ક્યાંક ચાલ્યા ગયા લાગે છે!’
ને જમનાની જલલહરી પણ ચમકે છે, કમ્પે છે, ને મધ્યવહેણના વમળ પાસે પોતાનું હૈયું ઠાલવે છે. ને વમળ પણ સ્પંદન અનુભવે છે, નાનકડો નટવર કાલિયમર્દન કરવા માટે પોતામાં કૂદ્યો હતો તે વાતનું પણ કદાચ, સ્મરણ થતાં.
ગોકુળમાં જાણે સોંપો પડી ગયો છે. નથી તોફાન, નથી મસ્તી. નંદથી આ સહ્યું જતું નથી. એ જશોદાને કહે છેઃ ‘જો તો ખરી અલી! ગોકુળ કેવું ખાવ ધાય છે? રસ્તો રોકીને નથી કોઈ હવે ઊભું રહેતું. નથી કોઈ મહિયારીઓ પાસેથી દાણ ઉઘરાવતું, નથી કોઈ એમનાં ગોરસ લૂંટતું ને માંકડાંને ખવરાવી દેતું, નથી કોઈ પોતાની આણ વરતાવતું, ને ગોકુળની ગોપીઓ હવે લજ્જાભર્યું સ્મિત કરતીકરતી તારી પાસે રાવ કરવા પણ ક્યાં આવે છે કાનુડાનાં તોફાનોની?’
માતા એ સાંભળે છે એની આંખમાંથી આંસુની ધારા — આંસુની ધારા નહિ પણ એનો લાડકવાયો લાલ મંડે છે વહેવા. માતાની આંખમાંથી ઊભરાય છે તે આંસુ નથી, પોતાના લાલની સ્મૃતિ — અરે! ખુદ પોતાનો લાલ જ છે!
ને હું વ્રજની મહિયારી! ગોરસની મટુકી માથે મૂકીને નીકળી તો છું પણ નથી નંદજીનો છૈયો, નથી એનાં અટકચાળાં એટલે વાટ થઈ ગઈ છે સૂનીસૂની. ને કેમે કરતાં એ ખૂટતી જ નથી! પહેલાં તો જરાક ગાફલ રહ્યાં કે દોઢડાહ્યાં થવા ગયાં કે કાંકરી વાગી જ છે ને તડાક કરતી મટૂકી ફૂટી જ છે! આજે કોણ જાણે કેમ પણ હજી સુધી એવું કશું થતું નથી. આજે હજી સુધી નથી વાગતી કાંકરી; નથી ફુટતી મટુકી. કાંકરી વાગતી હતી ને મટુકી ફૂટતી હતી એ કેવડું મોટું ભાગ્ય હતું? આજે મારું ભાગ્ય ફૂટી ગયું, મટુકીને ક્યાંયથી કાંકરી વાગતી નથી એટલે કનૈયાની કાંકરી વાગે તો માત્ર મટુકી ફૂટે પણ કાંકરી ન વાગે તો ફૂટે આખું ભાગ્ય! મારી મટુકી હજી અખંડ રહી છે એ મારું કેવડું મોટું દુર્ભાગ્ય!
ગોપીના કાળજાની આ વેદના અખંડધાર આંસુરૂપે વહી રહી છે એની આંખમાંથી.
આમ, આ કાવ્યમાં, કૃષ્ણ મથુરા ચાલ્યા જતાં, તેના વિરહે વ્યાકુળ થઈ ગયેલા ગોકુળની મનોરમ છબિ આલેખવામાં આવી છે.
(ભમરો વાત વહે ગુંજનમાં)