"

માઈલોના માઈલો મારી અંદર કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

ઉમાશંકર જોશી

માઈલોના માઈલો મારી અંદર

માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે.

ઉમાશંકર સતત વિકસતા કવિ હતા તેની ઉજ્જ્વળ ગવાહી ઉપર્યુક્ત કાવ્ય આપે છે. છંદથી શરૂ થયેલી એમની કાવ્યયાત્રા અછાંદસ સુધી વિસ્તરતાં લયકારીના કેવા વિલક્ષણ કાવ્યોચિત પ્રયોગો સિદ્ધ કરતી રહી છે તેનું એક રસપ્રદ ઉદાહરણ ઉપરનું કાવ્ય છે. ઉમાશંકરે નખી સરોવર જેવા એમના હૃદયમાં શરદપૂર્ણિમાની છબિ ઝીલી ભણકાર-ફૂલનું `નખી સરોવર ઉપર શરણપૂર્ણિમા’ સૉનેટ ૧૯૨માં આપેલું. ત્યારેય સુન્દરગિરિની ટોચ પર ચડીને અધ્યાત્મની દુનિયામાં ખોવાઈ જનારા કવિ એ નહોતા જ. સંવાદિતાના સાધક, ભૂમાના આશક ને સૌન્દર્યના ઉપાસક આ કવિ આત્માનાં ગહન ગહ્વરોની વાત કરવા સાથે `આત્માનાં ખંડેરો’નીયે વાત કરતા જ હતા. એક બાજુ ભોમિયા વિના ભમવા મથનારા આ કવિ પ્રકૃતિની પ્રસન્નતાની છબિ હૃદયમાં ઝીલતા હતા તો સાથે સાથે સંસ્કૃતિની વાસ્તવિક છબિયે હૃદયમાં ઝીલતા રહેતા હતા. પંખીના ઉડ્ડયન જેટલું `ગડડ ગડડ ગડતી’ ગાડીની ગતિનુંયે એમને અકર્ષણ રહ્યું હતું. `નિશીથ’ કાવ્યની રચના કરતાં એમાંયે મુંબઈની ગાડીનો લય પ્રવેશી ગયાની એમની કેફિયત જાણીતી છે. ગાડીમાં બેસીને સફર કરતાં એક તબક્કે આ કવિને આવો અનુભવ થયેલો  :

ગાડી ઘણા ગાઉ કાપે
ઘર બધાં રહી જાય
મારગની કોરે.

(સમગ્ર કવિતા, ૧૯૧, પૃ. ૬૬૪)

પણ પછીના તબક્કે દોડતી ગાડીમાં સ્થિર-અચલ રહીને એમણે `હથેલીમાં રમે પેલાં ઘરો’નો અનુભવ કર્યો. વ્યક્તિ મટીને વિશ્વમાનવી થવાની મથામણ કરનાર આ કવિ વિશ્વમાનવ્યના, વિશ્વસંવાદના કવિ થતાં થતાં અનિવાર્યતયા ભૂમાનાયે ગાયક બની રહ્યા. પ્રસ્તુત કાવ્ય કવિની ભૂમાની અનુભૂતિનો નવનવોન્મેષે ખ્યાલ આપી રહે છે. ગાડીની વાસ્તવિક યાત્રા વૈશ્વિકતાની અનુભવયાત્રામાં કેવી સરસ રીતે સંક્રાન્ત થાય છે તેનું આ કાવ્ય એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક બાજુ ગાડીની ગતિ અને બીજી બાજુ એમાં બેઠેલા સંવેદનશીલ કવિની મનોગતિ – એ બેનો અનોખો મેળ અહીં રચાય છે. કવિ માઈલોના માઈલોનું અંતર જાણે આરપાર પોતાનામાંથી પસાર થતું અનુભવે છે. બ્રહ્માંડથી કવિને પૃથક કરતી પિંડની અવરોધાત્મક દીવાલ જાણે સરી ગઈ છે. દોડતી ગાડીમાં આમ તો સ્થિર-અળિચલ રહેલા કવિની મનની દોડ પેલા અત્યંત ગતિશીલ ને તેથી જ `સ્થિર’ કે `ઊંઘતા’ ભાસતા ભમરડા જેવી ન હોય તો જ નવાઈ! દોડતી ગાડીમાં બિરાજમાન કવિની અંદરથી જે રીતે બાહ્ય વિશ્વનું માઈલોના માઈલોનું અંતર પસાર થાય છે તે તત્ત્વત: તો કવિના આંતર વિશ્વની બાહ્ય વિશ્વની સાથેની અવિયોજ્ય સંપૃક્તિનો નિર્દેશ કરેછે. આંતરબાહ્યના ભેદ કાવ્યારંભે જ ગળી ગયા જણાય છે. ગાડીની ગતિમાં કરિની મનોગતિ કવિના આંતર વિશ્વની ગતિમાં બાહ્ય વિશ્વની ગત મળીભલીએકરૂપ થઈ ગઈ છે. સ્થૂળ દૃષ્ટિનાં અંતરોનાં પરિમાણ અહીં કામ આવે એમ નથી. અહીં આંતરદૃષ્ટિનાં – આધ્યાત્મિક દૃષ્ટિનાં પરિમાણ વાસ્તવદર્શનને ઊંડાણમાં લઈ તેને અધ્યાત્મદર્શનમાં સંક્રાન્ત કરીને રહે છે.

કાવ્યના પૂર્વાર્ધમાં એ સંક્રાન્તિની પ્રક્રિયાનું રમણીય પ્રત્યક્ષીકરણ સધાયું છે. દૂરના રળિયામણા ડુંગરો કવિની આંતરચેતનામાં – એમના મજ્જારસમાં ગળીઓગળી જાય છે. કવિનું એ રીતે ઉપબૃંહણ સધાતું જાય છે. બહારની નદીઓ બહારની ન રહેતાં કવિની નસોનું રુધિર – શોણિત બની જાય ચે. જયંત પાઠકની જેમ આ કવિ પણ પોતાની નાડીઓમાં નદીઓનાં નીર વહેતાં અનુભવે છે. બહારના સરોવરોને આશ્ચર્ય વિસ્ફારિત નેત્રોમાં ઊંડાણમાં સભરતાએ સળવળતાં અનુભવે છે. રોમેરોમમાં ખેતરોમાં લહેરાતા મોલનો તાજગીભર્યો કંપ અનુભવે છે. કવિનો ચેતોવિસ્તાર એવો તો સદાય છે કે દૂર દૂરનાં રમકડાં જેવાં રમણીય લાગતાં ઘરો ને ઝૂંપડીઓય જાણે ધરાતલને સ્થાને પોતાના કરતલમાં જ ઠરેલાં ન હોય એવું એમને લાગે છે.

માણસની હથેળી ફરતાં રચાયેલી ઓકળીઓના લીંપણવાળાં આંગણાં કવિને રોમાંચિત કર્યા વના કેમ રહે? કવિને માટે એ ઘરો – એ ઝૂંપડીઓ વેગળી નથી, એ ઘરો – એ ઝૂંપડીઓની બુનિયાદમાં જાણે પોતાની જ હસ્તીનો હિસ્સો તેમને લાગે છે. કવિની ઝીણી ને વેધક સૌન્દર્યદૃષ્ટિ છાપરે ચઢતા વેલાને તો અવલોકે છે તે સાથે ત્યાં પાસે રહેલી કન્યાના ઝભલાના વેલબુટ્ટાનેય અવલોકે છે. બંનેને સહજતયા જ એમની કવિદૃષ્ટિ સંવેદન-સેતુ દ્વારા સાંકળી લે છે, અને આગળ વધીને પતંગિયાનેય વેલબુટ્ટારૂપે જ દર્શે છે! કવિકલ્પના સાથે એમની સતેજ સ્મૃતિયે સક્રિય હોઈ, ગાડીમાંતી થતાં બારી બહારનાં વૈશ્વિક દર્શનમાં, ભૂતકાળમાં પોતાનું અનુભવ-દર્શન પણ સ્મૃતિના કીમિયાએ ભળતું રહે છે તે પ્રક્રિયાનો પ્રસન્નતામૂલક આસ્વાદ અહીં માણવા મળે છે. દેશકાલ-સાપેક્ષ કવિચેતનામાં દેશકાલ-અબાધિત વિશ્વચેતનાનો સંગમ-સમન્વય સધાય છે ને તેમાં નિમિત્ત બને (રેલ)ગાડીની યાત્રા.

કાવ્યના પૂર્વાર્ધમાં આસપાસની સૃષ્ટિનો – ધરાલોકનો સૌન્દર્યાનુભવ કવિચેતનાને બૃહદ ભૂમિકામાં વિસ્તરવા પ્રેરે છે તો તેના ઉત્તરાર્ધમાં અવકાશી સૃષ્ટિનો – સ્વર્લોકનો સૌન્દર્યાનુભવ કવિચેતનાને પ્રસન્નતાની શાશ્વતી ભૂમિકામાં પ્રરી ઊર્ધ્વીકરણ દ્વારા અમૃતમય ઉઘાડમાં પ્રતિષ્ઠિત કરે છે. કવિ હવે `માઈલોના માઈલો’ પોતાની આરપાર પસાર થયું કહેવાને બદલે `વિશ્વોનાં વિશ્વો’ પોતાની આસપાસ `પસાર થયાનું’ કહે છે. છેલ્લે તો `પસાર થયા કરતાં હોવાનું’ કહી, એ ભૂમાની પ્રક્રિયાની નિરંતરતાયે કવિ નિર્દેશે છે. કવિનો ધરતી સાથેનો નાળસંબંધ અહીં સૂચવાય છે. `માટીની શૃંખલાથી બદ્ધ’ – એ શબ્દોથી; પણ માટીયે જડ-સ્થગિત નથી. માટીનો ગ્રહ પૃથ્વીયે સતત ગતિમાં – પરિભ્રમણમાં જ રહે છે. બંધાઈનેય છૂટવાનું છે. ગતિ માટે છે. અધ્યાત્મની ઊર્ધ્વીકૃત ભૂમિકાએ કશું જડ રહેતું નથી; સર્વ ચૈતન્યમય – ગતિમય ઉદ્ભાસે છે.

કવિએ ભૂગોળની વાત કાવ્યમાં પૂર્વાર્ધમાં છેડી તો ઉત્તરાર્ધમાં હવે ખગોળની વાત છેડે છે. કવિ કવાસાર, નિહારિકાઓ, આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ (`ધણ’ શબ્દનું ઔચિત્ય પણ માણવા જેવું છે!) – આ સર્વના ગતિસંપર્દમાં – સત્સંગમાં પોતાનેય મુકાયેલા પ્રતીત કરે છે, જે બ્રહ્માંડે તેને જ પિંડે અનુભવે છે. હરણ્ય, વ્યાધ, વીંછુડો સૌને પોતાનામાં ભળી જતાં અનુભવે છે. કવિની અભીપ્સા વૈશ્વિકતાના સાક્ષાત્કારની છે. તેઓ પોતાની આસપાસ જે કંઈ છે તે દ્વારા પરમાત્માના અમૃતમય રૂપ સાથેની પોતાની તન્મયતા પ્રતીત કરવા ઇચ્છે છે. પ્રકૃતિનાં જે રૌદ્ર સ્વરૂપો છે – ઝંઝાનાં તાંડવ, ગર્જતાં વાદળો, વીંઝાતી વીજળીઓ અને ધોમધખતા ઉનાળાની લૂ વગેરે; એ સર્વ તેમને પરમાત્મરસે ઇષ્ટ-આવકાર્ય – આસ્વાદ્ય બની રહે છે. પ્રકૃતિનાં રમ્ય-સૌમ્ય રૂપો તો આસ્વાદ્ય હોય જ.

જેમ વસંતના પરિમલને તેમ ગ્રીષ્મની લૂનેય માણવાની કવિની સમુદાર મન:સ્થિતિ અહીં પ્રગટ કરે છે. તેઓ પોતાની અંદર જ એવી કોઈ હસ્તીનો સાક્ષાત્કાર અનુભવે છે, જેનો અનુબંધ વિશ્વ સમસ્ત સાથે નિરંતર રહેલો છે. બ્રહ્માંડનો પિંડ સાથે તો ખગોળનો ભૂગોળ સાથેનો એકાકારતાનો ભાવ તેઓ પ્રતીત કરે છે. તેથી ખરતો તારો અનંતની કરુણાના અશ્રુકણ જેવો અને કોઈ ઝબૂકતો આગિયો ધરતીની તેજ-તૃષાને પ્રગટ કરતો વરતાય છે. જે સમસ્ત વિશ્વના મૂળમાં ને એના વ્યાપમાં રમમાણ છે તેની સાથેનો સંવાદસેતુ – સંબંધ તંતુ બરોબર સચવાઈ રહે એમાં જ કવિને પોતાની સાર્થકતા લાગે છે. સમસ્ત વિશ્વ સાથે એકાકાર થવાની અભીપ્સા ક્યારેય લુપ્ત ન થાય, બલકે સચવાય તે જ તેમની ભાવના છે.

આમ, પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતાનું અસ્તિત્વ સમસ્ત વૈશ્વિક રાસમાં સર્વથા સાનુકૂળ રહે એવું વાંછે છે. પોતે વિશ્વગતિના બાધક નહીં, પણ સાધક ને સાધન બની રહેવા માગે છે.

કવિના શાશ્વત આનંદનું કેન્દ્ર ઘરથી તે બ્રહ્માંડ સુધીનું છે. આત્મબિંદુથી આરંભી વિશ્વાત્માના પરિઘ સુધી, ચિદાકાશથી મહાકાશ સુધી કવિને વિસ્તરવું છે. કવિ એ રીતે અહીં રેલયાત્રાના કલ્પનને શાશ્વતીની આનંદયાત્રાના સંદર્ભમાં વિશિષ્ટ રીતે ને સફળતાથી પ્રયોજી શક્યા છે. અહીં અવકાશદર્શન અધ્યાત્મદર્શનમાં પરિણમન સાધે છે. ભૂગોળ-ખગોળ વચ્ચેની સંવાદિતા કવિની વૈશ્વિકતા સાથેના તન્મયીભવનને ઘનીભૂત કરવામાં ઉપકારક નીવડે છે. કવિની પ્રકૃતિરસિકતાને જીવનરસિકતાના સમન્વયે સિદ્ધ પુટપાક અહીં પ્રસન્નતાનો પ્રકાશ પ્રગટાવીને રહે છે. આમ, વિલક્ષણ લયલીલામાં, સાંપ્રતકાલીન વાગ્રીતિમાં સહજતાએ અભિવ્યક્ત થયેલું નિત્યયાત્રી કવિનું આ ભાવવિશ્વ આપણને વૈશ્વિકતાના રસમાં ઝખઝોળે છે અને કવિને સ્થાને પંડે ગોઠવાઈ જઈ માઈલોના માઈલો ને તે સાથે વિશ્વોનાં વિશ્વો કઈ રીતે પોતાનામાંથી આરપાર પસાર થઈ શકે તેનો ચૈતોવિસ્તારમૂલક, ભૂમા-સુખમય અનુભવ લેવા માટે આપણને આકર્ષે છે, આપણને એ માટો મીઠો તકાદો કરીને રહે છે. કેવળ ઉમાશંકરની કવિતાનું નહીં, ગુજરાતી કવિતાનું – ગુજરાતી આધુનિક કવિતાનું આ રચના એક ચિરંજીવ શૃંગ છે એમ કહેવું જોઈએ. આ કાવ્ય વૈયક્તિકતાથી વૈશ્વિકતા સુધીની કવિની આંતરયાત્રાનું રેલયાત્રાના નિમિત્તે ઊંડું ને વ્યાપક દર્શન અપૂર્વ – તાજગીભરી વાગ્રીતિમાં કરાવીને વિરમે છે.

દેવદિવાળી, ૨-૧૧-૧૯૯૯

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)