"

માઈલોના માઈલો—’ની કાવ્યયાત્રા — મણિલાલ હ. પટેલ

આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી દાયકે
દાયકે સમકાલીન કવિતાની સાથે રહ્યા છે.
બદલાતી કવિતાદિશાનુ ક્યારેક એ નિમિત્ત
બન્યા છે, તો કથારેક વળી આધુનિક
કવિતાને પુષ્ટ કરતી કવિતા લખીને, તો
વળી પોતાની કવિતાયાત્રાના માઈલોના
માઈલો લાંબા પ્રવાસમાં વખતોવખત
‘માઈલસ્ટોન’ સમી ઉત્કૃષ્ટ કવિતા રચીને
કવિ તરીકે વિકસતા રહ્યા છે. પોતાની
કવિતાયાત્રાનો પાંચ પાંચ દાયકા લગી

આ જીવંત અને નવોન્મેષશાળી વિકાસ દાખવવો એ કોઈ પણ માટે ઘણી મોટી સિદ્ધિ ગણાય. વળી ઉમાશંકરે પોતાની કવિતાયાત્રાનું એક વિશ્વ રચી આપ્યું છે, કવિ લેખે એમણે એમનું એક વિશ્વ પૂરું કરી આપ્યું છે, જેમાં અનેક પરિમાણો, નાનાંમોટાં વર્તુળાની ભાત, પ્રકૃતિ અને જીવનનું દર્શન-વર્ણન, માનવતાની જિકર, શ્રદ્ધા, વિષાદ અને વિરતિ ટાણે પણ ટકી રહેતા વિશ્વાસ-શ્રદ્ધાનો તંતુ, શબ્દના લયઅર્થની અનેક પેટર્ન અને આ બધાંમાંથી નીપજતાં પરિણામો સંભરેલાં છે. ગુજરાતીમાં આવા કવિઓ કેટલા વારું?

‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી’ સુધીની કવિની કાવ્યયાત્રા પાંચ દાયકા જેટલી લાંબી પથરાયેલી છે. ‘સપ્તપદી’નાં દીર્ઘકાવ્યમાં કવિ માનવજગત અને વિશ્વસંદર્ભોમાં ફરી ફરીને પાછા પોતાના પ્રથમ પ્રતીત થયેલા કાવ્યપુરુષ સામે સહજ આવીને ઊભા રહી જતા જુએ છે. સૌ પ્રથમ મૌનપ્રદેશમાં કવિએ ‘મંગલ શબ્દ’ સાંભળેલો, એ પછી તે કવિની જીવનમંગલતાની શોધ પ્રારંભાય છે. કવિની કાવ્યયાત્રાઓ લાંબી ચાલે છે, કવિએ વચ્ચે વચ્ચે શબ્દને થોડોક વિસારી મૂકેલે, પણ વળી મંગલતાની પરિશોધમાં એ શબ્દ પણ ઉપાસાતો જોવાય છે. અંતે કવિને અંતઃસ્ફૂરણા થાય છે કે ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’ કવિના અનેક ભાવોનું વર્તુળ એકત્વ પામીને અહીં પરિપૂર્ણ થતું દેખાશે, કવિના કાવ્યપુરુષાર્થને પણ એક એકમ અંતે પૂરો રચાઈ આવે છે. આની પ્રતીતિ આપતાં ‘સપ્તપદી’નાં કાવ્યો અભ્યાસવા જેવાં છે. અહીં તો ‘માઈલોના માઈલો મારી અંદર’–નામની રચનાની કવિનાં અનેક કાવ્યના સંદર્ભમાં ચર્ચા કરવાની નેમ છે. ‘માઈલોના માઈલો—’નું ભાવજગત કવિની પૂર્વ રચાયેલી અનેક કાવ્યકૃતિઓના ભાવજગતનો જાણે કે હિસાબ આપે છે. અને એટલે જ, પ્રસ્તુત કૃતિની ચર્ચામાં અનિવાર્યપણે કવિની અનેક કૃતિઓના સંદર્ભે આપવાનું જરૂરી બની જાય છે. લાંબી કાવ્યયાત્રાઓ પછી કવિ બહારનાં દૃશ્યોને, વિશ્વોને, પૂવે જે જોયાંજાણ્યાં કે માણ્યાં પ્રમાણ્યાં છે એ વિશ્વોને ભીતર સ્થિર થતાં, ભીતરમાંથી પ્રગટી ઊઠતાં, ભીતરમાંથી વારંવાર પસાર થતાં અનુભવે છે. ને આ વિશ્વો વારંવાર કવિની આરપાર પસાર થયાં કરે એવી કવિઝંખાનો સૂર પણ કાવ્યાન્તે પમાય છે. કવિની સ્વસ્થતા અને પ્રૌઢિનું આ પરિણામ સ્વયં ઓછું આસ્વાદ્ય નથી. ‘માઈલોના માઈલો…’ કાવ્ય કવિનાં અનેક કાવ્યોનાં ભાવજગતોનો સરવાળા એક જ કાવ્યમાં કાવ્યપૂર્ણતાથી ઝીલી બતાવે છે. આ કાવ્યની આસ્વાદ લક્ષી અને અન્ય સંદર્ભ લક્ષી ચર્ચા કે તપાસ રસપ્રદ નીવડે એવી છે.

માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.

દોડતી ગાડીમાં કવિ સ્થિર, અચલ છે. આ સ્થિરતા, અચલતા તે બહારની વસ્તુ છે. અંદર, ભીતરમાં તો માઈલોના માઈલો પસાર થાય છે. બહારની સૃષ્ટિ, પળે. પળે દૃશ્યરચનાઓ બદલતી સૃષ્ટિ કવિના ભીતરમાંથી પસાર થાય છે. આંખ એ દૃશ્યોને ઝીલીને છોડી દેતી નથી, બધું જ જાણે ઊંડાણમાં ઊતરી જાય છે… જે સ્થિરતા અને અચલતા છે એ તો સપાટી ઉપરની છે. એની નીચે તો કાપી પાડીને વહી જતી સૃષ્ટિ છે. સમય વૃક્ષના થડમાં કાપા પાડે છે—એની એક ભાત રચાય છે, સમય વૃક્ષની ઉપરથી જ નહિ એ દૂરથી પણ પસાર થાય છે, એ આ અર્થમાં. અહીં પેલાં દૃશ્યો પણ કવિના ભીતરમાંથી પસાર થાય છે-ભાત રચતાં રચતાં ગુજરે છે. કવિ પોતાની સામેથી પસાર થતાં દૃશ્ય જુએ છે ત્યારે શું માત્ર એટલું જ જુએ છે? કે ભૂતકાળમાં જોયેલાં કેટલાંય એવાં જ દૃશ્ય પણ એમાં આવી મળે છે? હા. વીતેલી ક્ષણોના અનુભવને સરવાળા વર્તમાનની ક્ષણમાં ઉમેરાતા હોય છે. કવિ આ ત્રણેને જુએ છે એમાં એની વીતેલી ક્ષણોયનું ભાવજગત ભળેલું હોવાની પ્રતીતિ આપતી ૫ંક્તિઓ ઘણી મળશે. જીવનયાત્રામાં કવિએ કેટકેટલું જોયું-જાણ્યું-જીવ્યું છે. ભોમિયા વિના ડુંગરો ભમવા નીકળેલા કવિએ જીવનમાંય કોતરો, કરાડો ને કંદરાઓ જોઈ છે. ઝરણાની ધારેથી કવિની યાત્રા શરૂ થાય છે, રમતું તે ગાતું ઝરણું કવિને રોતું પ્રતીત થાય એટલી સમજણ જીવને એમાં ઉમેરી દીધી હતી. વેરઝેર, દોષ-દ્વેષ, પ્રેમ-ધિક્કાર, સમજણ-ગેરસમજણ, દયા-ક્રોધ, સ્વાર્થ-સમર્પણ કેટકેટલી વિષમતાઓનું ઘમસાણ આ કવિએ કાવ્યમાં ઉતાર્યું-અવતાર્યું છે, ને એ બધુ જીવનમાં જોયું છે, એની વ્યથાઓ જીરવી છે. વ્યથાઓ જીરવવાની મહત્તમ શક્તિ આ કવિ પાસે દેખાશે. વ્યથાઓને કાવ્યમાં અવતારીને એ માધુર્ય પ્રગટાવે છે. જીવનમાં માનવતાને અને શ્રદ્ધાને, એટલે જ, આ કવિ ઊંચે ને ઊંચે સ્થાપતો જાય છે. કાવ્યરચનાના પ્રારંભિક કાળમાં જ કવિ વિષમતાઓને પામી ગયા હતા. ભોમિયા વિનાનો કવિ કોઈ કોકિલાના માળામાં અંતરની વેદના વણવા ઝંખે છે—જેથી એ વેદના જગતને કોયલકંઠના માધુર્યરૂપે મળી શકે. વિષાદને સતત ઉત્સાહમાં અને વેદનાને હમેશાં વહાલપમાં ફેરવી નાખવાની આ કવિની લગન છે—આજેય.

જીવનમાં ઉપેક્ષા હોવાની જ—એ સત્ય તે કવિએ નાની વયે જ કવિતામાં ગૂંથેલું:

“એકલા આકાશ તળે ઊભીને એકલો;
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો હું ઝાંખો પડ્યો.

કવિએ આ ઉપેક્ષાનો, અસ્વીકારનો હસતે મોઢે સ્વીકાર કર્યો છે. જિંદગીનું નામ જ રઝળપાટ છે, પણ એ માત્ર રઝળપાટ નથી, કશાક સત્ત્વની પરિશોધનું એ નિમિત્ત પણ છે. ને એટલે કવિ આખો અવતાર ‘ડુંગરિયા ભમવા’નું સ્વીકારે છે. જંગલો જોવાનાં, ભૂલભૂલામણી કંદરાઓ જોવાની — આ બધાં શાનાં પ્રતીકો છે તે આપણે જાણીએ છીએ. ઉક્ત સ્વીકારની સાથે કવિને સમજણ મળી છે, અંતરને દરેક અનુભવે વિશુદ્ધતર કરતા રહેવાની સમજણ. ‘અંતરની આંખડી લ્હોવી જરી’ની સમજણે જ જીવનની વિષમતાઓને પ્રમાણી છે,’ પ્રીછી છે. વિષમતા કે વ્યથાને અંતે પણ કવિની શ્રદ્ધા તો માનવીમાં, ધરતીમાં, પ્રકૃતિમાં દૃઢતર બનતી રહે છે, ‘વિશ્વશાંતિ’માં મુગ્ધ કવિ કેટલાંક સત્યો, મૂલ્યો, ભાવનાઓનું ઉચ્ચારણ કરે છે.

“વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ!”

કવિ સૃષ્ટિને એની સમગ્રતા સાથે જ જુએ છે ને પામવા ઝંખે છે.

“છે પુત્ર ને પુષ્પની પાંખડીએ
પ્રભુ તણાં પ્રેમપરાગ–પોઢણાં;
કલ્લોલતાં પંખીની આંખડીએ
ગીતા અનેરાં ચમકે પ્રભુ તણાં!”

કશાયને દુભવવાથી હાય લાગે છે. માનવી એ હાયથી કદી બચતો નથી. પછી કવિની ભાવના બોલે છે–‘કારુણ્યની મંગલ પ્રેમ-ધારા’ પ્રત્યેક ઉરેથી વહો; જગત આખું એક કુટુંબ સમ બનો વગેરે. પછી કવિ ભાવનાના, માનવતાના ઊંચા આદર્શોમાં વહ્યા જાય છે. શબ્દને બદલે સામગ્રી મહત્ત્વની બને છે ત્યારે કવિતાને દુઃકાળ પણ દેખાય છે. પણ આ કવિ ધરતીનો છે, માનવહૃદયનો તરસ્યો કવિ છે. એ વળી વળીને ધરતી ઉપર પાછો વળે છે ને સૌંદર્યને, માનવીય સંવેદનમાંથી પ્રગટતા સૌંદર્યને ગાય છે. અર્બુદાગિરિએ કવિને કાવ્યદીક્ષારૂપે આપેલો મંત્ર આ રહ્યો: “સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.” કવિ આ કાવ્યમંત્રને ભૂલી જતા નથી. ‘માઈલોના માઈલો મારી અંદર’માં કવિ લાંબી યાત્રા પછી એ પૂર્વોક્ત સૌંદર્યની સન્મુખ આવીને ઊભા રહી જતા જોવાય છે.

“પેલા દૂર ડુંગર સરી જાય અંદર,–ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાએ નસમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરનો કંપ અંગઅંગે ફરકી રહે.”

ગાડીમાંથી દેખાતાં—પસાર થતાં દૃશ્યની આ અનુભૂતિ છે. આ અનુભૂતિ સરળ નથી, સંકુલ છે. છંદોલયના કવિએ પ્રયોજેલો ગદ્યલય કે બળવાન છે! દૂર દેખાતા ડુંગરો ભીતરમાં આવી આવીને ડૂબી જાય છે – એક મજ્જારસમાં ભળી જાય છે! સરિતાઓ રુધિરની નસોમાં શોણિતરૂપે ગતિ કરવા લાગે, સરોવરો કવિની (કે કોઈ વિશાલાશ્રીની) આંખો પાછળ સમગ્રરૂપે તગતગ્યા કરે. લહેરાતાં ખેતરો રોમે રોમે કં૫ જગાવે. ડુંગરોને મજ્જારસમાં ઓગાળવામાં, નદીઓનાં નીરને અનુક્રમે નસો ને શાણિત સાથે મૂકવાં, આખા સામે સરોવરને અને ખેતરના લ્હેરાવાને અંગાંગે થતા કંપ સાથે જોડવામાં કવિ દેખાશે. પણ કવિનો આ કાવ્યાનુભવ શું એક જ પળનો છે? ના. કિશોરકાળથી આજ સુધીના સમય ઘૂંટાઈ ઘૂંટાઈને કાવ્યક્ષણ બન્યો હતો તે અહીં પ્રગટે છે. આ પૂર્વે પણ એ સમય કાવ્યક્ષણે થઈને પ્રગટી ઊઠ્યો હતો:

મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો.
        *
ઢળી પીતે શૃંગસ્તનથી તડકે શાન્તિઅમૃત;
        *
હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ વરસતું,
રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.”

(ભલે શૃંગો ઊચાં)

“મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં.

(રહ્યાં વર્ષો તેમાં—)

ભોમિયા વિના પણ આ કવિએ ઘણુ ડુંગરાએ ખૂંદ્યા હોવાની આ પ્રતીતિ છે. મૂળ વતન શામળાજી પાસેના લસૂડિયામાં પણ ઘર સામે ડુંગર, શામળાજી તે ગિરિમાળાને હરિયાળો પ્રદેશે, પછી બામણા નિવાસ દરમ્યાન પણ ઘર પાસે ડુંગર અને ઈડરમાં અભ્યાસકાળ દરમ્યાન અરવલ્લીની આ ગિરિમાળાનો પણ પગે ઓછા અભ્યાસ નથી કર્યો. ડુંગર, વનપ્રકૃતિ આ કવિની સાથે રહ્યાં છે, જીવનમાં પહેલાં ને પછી કવિતામાં. ચિલિકા જોતાં થયેલો ઉલ્લાસ પણ આવી અનુભૂતિઓથી પ્રાણિત હશે, ને આ બધાનો સરવાળો કાવ્યમાં ઊતર્યો જ હશે! પહેલાં તે જિલ્લો જ વિશ્વ હતો, પણ પછી તો આખો દેશ ઘર બન્યો. પૂર્વોત્તરને વિમાનમાંથી પીધો, વિદેશોનેય જોયા-જાણ્યા. આ પ્રકૃતિએ પણ ભીતરમાં પ્રભાવ પાથર્યો હશે! ‘માઈલોના માઈલો..’માં સરતાં દૃશ્યો આવા અનુભવોને સરવાળે રચાતાં આવતાં હશે ને!

કવિએ વિશ્વને કુટુંબ કલ્પેલું ઘણું વહેલું, ‘વિશ્વમાનવી’ની વાત પણ એ જ સમયે કરેલી,

“વ્યક્તિત્વનાં બંધન તોડીફેડી,
વિશ્વાન્તરે પ્રાણ-પરાગ પાથરું

*

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
સાથે ધરું લૂળ વસુન્ધરાની.

આ ભાવનાગાનમાં માત્ર શાણપણ નથી, એમાં હૃદયભાવ પણ ભળેલો છે. અન્ય એવીય રચનાઓ મળે છે જેમાં કવિ વિસ્તરતા હોય ને એમાં સૂક્ષ્મરૂપે એ માનવીઓના પ્રતિનિધિરૂપે ભળતો જતો હોય. પ્રસંગકાવ્યો કે કથનકાવ્યોને આ સંદર્ભમાં ટાંકી શકાશે.

‘માઈલોના માઈલો—’માં વર્ણવાયેલાં ડુંગરો, સરિતાઓ, ખેતર, સરોવરો છે તો પોતાના પ્રદેશનાં. આ પદાર્થોને કવિ અન્ય પ્રદેશોમાં જોતા હોય તોપણ અવાન્તરે તો એ પોતાની ભૂમિને જ જોતા હોય છે—મનમાં એ બધું અવળસવળ થઈ જતું હોય છે—કોઈ નાજુક ક્ષણે, પોતાની ભૂમિ અને એને પ્રેમ છૂટતો નથી.

“ઘરે આવું છું હું, નવ કદી રહ્યો દૂર ઘરથી,
ધસે હૈયું તે તો બળદ ઘરઢાળા જ્યમ ધસે.
ઘરે બેઠાં ચાહી નહિ જ જનની ભૂમિ ગરવી,
વસી દૂરે જેવી.

        *

કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મનવલા
ઘરે લાવું છું હું—ખરું જ કહું? આવું કવિજન
હતો તેનો તે હા! પણ કંઈક શાણે વિરહથી.

(ઘરે આવું છું હું)

પરમ સ્વભોમને ચાહતાં શીખવે છે, વિરહથી શાણપણ વધે છે. કવિ ગમે ત્યાં ઘર જુએ છે ને વળગી પડે છે સમગ્ર પરિવેશ! ‘માઈલોના માઈલો—’માંનું આ વર્ણન વાંચીએ:

“જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ,-આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયા કરે.

મનોમન હથેલીમાં ઊંચકી લીધેલાં ઘર અને ઝૂંપડીઓ. એમનાં ઓકળી લીંપ્યા આંગણાં, આંખો ભૂલતી નથી. આ તે વર્ષોથી હૃદયે પ્રમાણેલું ને લોહીમાં વસી ગયેલું દૃશ્ય છે. છાપરે ચઢતો વેલો–ચેતનનો વિસ્તાર. કન્યાના ઝભલા ઉપર પતંગિયું વેલબુટ્ટો બનીને બેસી રહે! કેવી વિરલ ભાત! જે કન્યા કદાચ આદિવાસી છે, એના ઝભલા ઉપર પતંગિયા વિના વેલબુટ્ટો કોણ ભરવાનું હતું! સ્મૃતિ આ બધું સંગોપી લે છે ને ગાડી તો ચાલ્યા કરે છે. કઈ ગાડી? જીવનની, સમયની ગાડી. ને પેલું વેલબુટ્ટો બનેલું પતંગિયું પ્રકૃતિ સાથે કવિનું તાદાત્મ્ય ચીંધવા સાથે પ્રકૃતિથી પ્રાણિત થતી જીવન-ચેતનાનેય સંકેતે છે. યંત્રયુગની જડતા સામે પ્રકૃતિની ચેતના મૂકાઈ લાગે છે! જે માઈલો અંદર સરતા હતા એ હવે આરપાર પસાર થાય છે. ભૂતકાળ સાથે વર્તમાન સંધાય છે ને બધું ભીતરની આરપાર, એકાકાર થઈને વહી જાય છે. કવિ પહેલાં પ્રકૃતિથી જુદી હસ્તિ હતા, હવે જાણે એ પ્રકૃતિનું જ રૂપ છે… ક્રમશઃ એ પ્રકૃતિના અંશ મટીને સમગ્ર પ્રકૃતિને ભીતરમાં અનુભવે છે. સમગ્ર પ્રકૃતિ અને કવિ પછી જુદાં નથી રહેતાં. કવિએ જોયેલાં ઘરે ને પ્રકૃતિની વીથિકાનું એક દૃશ્ય આસ્વાદીશું તો આરપાર-એકાકાર વહી જતા ભૂત-વર્તમાન વધારે ખુલ્લા થશે:

“તળેટીએ વીથી સહજ નિરમી શાલ તરુની,
રમે ત્યાં છાયાઓ; ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી
રચે સન્ધ્યાદીપ; સ્તિમિત દૃગ ખેલે શિશુકુલો;
સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવ-મુકુલો;—”

(ભલે શૃંગો ઊંચાં)

અનેક વિપત્તિઓની વચ્ચે પણ કવિને શ્રદ્ધાતંતુ કરુણાના તારે બંધાયેલો હોવાથી તૂટી જતો નથી, એટલે કવિની દૃષ્ટિ આનંદને, ઉલ્લાસને અને એવાં દૃશ્યોને શોધી લે છે કે રચી લે છે.

“વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.”

હવે માઈલોના માઈલો જ નહિ વિશ્વોનાં વિશ્વો કવિની આરપાર પસાર થાય છે. કયાં વિશ્વો છે આ? આપણે જે ગણાવી ગયા એ કાવ્યવિશ્વો, ભાવવિશ્વો. કવિએ જે અનેક વાર જોયાં છે ને સજાવ્યાં છે સ્મૃતિમાં એ બધાં જ દૃશ્યો-વિશ્વો પસાર થયા કરે છે. તે કવિ તો ‘ઘૂમતી પૃથ્વી ઉપર માટીની શૃંખલાથી બદ્ધ’ છે. આ પંક્તિ વાંચતાં જ કવિની પૂર્વકાલીન કાવ્યયાત્રાઓ સ્મૃતિપટ ઉપર ઊપસી આવે છે:

ગમે શૃંગો, કિન્તુ જનરવ ભરી ખીણ મુજ હો!

                    *

ગમે શૃંગો ઊંચાં અવનિતલ વાસે મુજ રહો!?

                    *

મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિન્તુ અમૃતે
મનુષ્ય છાયેલી પ્રિયતર મને કે’જ ઉરની.

                    *

કવિને ધરતીની પ્રીત છે એટલું જ નહીં એ એનાથી જ સમૃદ્ધ છે. કવિની હૃદયઝંખા જ એ છે કે મને ડુંગરાઓ, પ્રકૃતિ એ બધાંની રમણીયતા ખૂબ જ ભાવે છે–પણ મારા હૃદયનું ઊંડાણ તો માનવીના અવાજોથી ગાજતું હોવું જોઈએ. મારા હૃદયમાં માનવીય અવાજ ના હોય તો મને શેં ચાલે? શૃંગો ઊંચાં હોય તો ભલે, એ ગમે જ છે, આકર્ષે છે, પણ મારા નિવાસ તો માણસોની વચ્ચે–આ ધરતી ઉપર જ હોવો ઘટે. કવિની આ અને સમગ્ર કવિતાનું કેન્દ્ર જ જાણે આવી પંક્તિઓમાં, ભાવમાં રહેલું છે. “અવનિતલ વાસો મુજ રહો’ કહેનારો કવિ જ ‘ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ’ એમ કહી શકે ને! અહીં માટી સાથેનો પ્રેમ, ને માનવતાની માટી સાથેનો ઋણાનુબંધ બંને સમજી શકાશે. વળી પ્રકૃતિ એ પણ માટીનું જ રૂપાંતર, ને માનવ પણ માટીનું ફરજંદ છે. આમ કવિ તો માણસ લેખે ને પ્રકૃતિના સત્ત્વઅંશ લેખેય માટીની શૃંખલાથી બદ્ધ હોય જ. ટાગોરને ઉમાશંકરે વધારેમાં વધારે પચાવ્યા લાગે છે. એમની અસરોને કવિએ પોતાની મૌલિકતામાં જન્માવીને પછી અભિવ્યક્ત કરી છે. ટાગોરથી જુદા પડીને એ ઘણું કહે છે, ઉમાશંકરની રીતે કહે છે. “માઈલોના માઈલો—’ વાંચતાં ઉમાશંકરની કવિતાનો માનવ અને પ્રકૃતિ, કવિતા અને સૌન્દર્ય, સૌંદર્ય અને માનવતા-આદિના ઘણા વિસ્તૃત કાવ્યપ્રદેશ મનમાં ઊઘડે છે ને બિડાય છે, બિડાય છે ને પાછો ઊઘડે છે. કાવ્ય આગળ વાંચીએ:

“એકમેકની આસપાસ ચકરાતા
    કવાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણુ,—ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાઘ્ર,
    લાંબોક વીંછુડો…

કવિ હવે પૃથ્વીની જ નહિ બ્રહ્માંડની વાત કરે છે. મનની આંખ સામેથી આકાશગંગાઓ, નિહારિકાઓ, નક્ષત્રોનાં ધણ–કેટકેટલું પસાર થાય છે. જે આકાશ નીચે એકલતા લાગી હતી એ આકાશ આજે તો અઢળક લઈને ઊભું છે. નક્ષત્રો પણ ભીતરમાં કૂદી આવે. હરિણી કૂદી આવે કોમળ કમળ. પણ એની પાછળ શિકારી પડેલ છે. લાંબોક વીંછુડો ઝેર લઈને ઊભા હશે? દ્વંદ્વો તો વિશ્વમાં છે જ, પછી કવિ કેમ ને જુએ? વિષમતાઓને વીંધીને કવિ દર્શન રજૂ કરે છે. કવિએ જોયું છે કે જે હાથ ગળે વીંટળાઈને પ્રેમ કરે છે એ જ હાથના નખથી ગળાં વલૂરાય છે. આયુષ્યમાં ગેરસમજણો જ ભરેલી હોવાને કવિને વહેમ પડે છે. પણ કવિ જાણે છે કે એવું નથી હોતું–જો ધૈર્ય અને સહનશક્તિ હોય તો.

“મનુષ્ય ચાહે કે કદી અવગણે, કૈં ન ગણના;
રહું રાખી ભાવો હૃદય સરસા, સો મનુજના.”

(કુંજ ઉરની)

પણ આથી કવિ સ્નેહાસક્ત નથી એવું નથી; સ્નેહતરસ તે છે પણ એની નિર્ભેળ તૃપ્તિની કોઈ ભૂમિકા આજે બચી નથી.

“ન કે માધુર્યોની તરસ નવ કૈં આ હૃદયને,–
પરંતુ પ્રાણો જ્યાં મધુ રસ કટોરી ઉલટથી
અડાડે હોઠે ત્યાં તૃષિત જનમેનાં મનુજનાં
મુખો પાતાળા શાં પ્રકટિત થતાં, સૌ થતું કટુ.”

(ફલ:શ્રુતિ)

જનમોથી તરસ્યા મનુષ્ય પ્રતિ કવિને કરુણા જન્મે છે. એકલા એકલા સૌંદર્યતરસ છીપવવા જતાં પેલાં જનમોનાં અતૃપ્ત મનુષ્યોનાં તરસ્યાં મુખ પ્રગટી ઊઠે છે, ને કવિ મધુ-આસ્વાદ લઈ શકતા નથી, કેમ કે એ મનુષ્યત્વને ઉવેખી શકતા નથી. માનવતા અને સમાનતા આ કવિની પરમ નિસ્બત લાગે છે. એ જ રીતે કવિને સૌંદર્યની પણ તરસ છે, પણ સૌંદર્યની સાથે જ્યારે કામ ભભૂકી ઊઠે છે ત્યારે કવિ વ્યગ્ર થઈને કહે છે:

“ન કે સૌંદર્યોની પરખ નવ કૈં આ હૃદયને—
ઠરે રેખા રંગે મનભર વળાંકે ચેન ત્યાં
શરીરની ભૂખો લખલખ થતી શી જ્વલી ઊઠે!
ભર્યા આ સંસારે અધિક વરવું એહથી કશું?”

(ફલઃશ્રુતિ)

પણ એથીય વધારે આઘાત તો એ છે કે પ્રેમથી લખાયેલા હાથને બીજે હાથ પ્રત્યુત્તર રૂપે મળતો નથી. કવિ એક વખત તો એને વિભુની વિલસતી કુપણુતા ગણાવે છે, ને પછી આવાં ‘ધો છતાં એમાં જ ‘જીવનની સુભગતર ગતિ માનીને એનો સ્વીકાર કરે છે. પણ ‘માઈલોના માઈલો—’ સુધી આવતાંમાં કવિની ઘણી ફરિયાદો ઓગળી ગઈ છે. કવિ પ્રકૃતિથી ભિન્ન નથી રહ્યો, અને એટલે બધી જ વિષમતાઓ અને મધુરતાઓના કવિ આસ્વાદ લે છે અને આનંદરૂપે નદીઓ, પર્વતો, સરોવરો–ને કવિ હવે ભીતરમાં જુએ છે–અનુભવે છે. એ જ રીતે પ્રકૃતિનાં તાંડવરૂપ અને વસંતલરૂપે—બધું જ એની ભીતરમાં રહીને કોઈ ગટગટાવે છે:

“અવકાશ બધે પીધાં કરું, તરસ્યો હું.
            ઝંઝાનાં તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ–અંદર રહ્યું
        કોઈ, એ બધુંય ગટગટાવે.”

કશાનો અનાદર નથી. કવિને હજીય તે બ્રહ્માંડની તરસ છે. અવકાશને કવિના ભીતરમાં બેઠેલું કોઈ ગટગટાવે છે, ઝંઝાનાં તાંડવ, વાદળ-વીજળી, ઉનાળ લૂ કે વસંતનો પરિમલ–બધું જ પીધે જાય છે કોઈ. હવે સારા-નરસાને ભેદ નથી, વિનાશક અને સર્જનાત્મક-ઉભયનો સૃષ્ટિના અનિવાર્ય અંશ તરીકે અહીં સ્વીકાર છે. અને એટલે જ કવિનું ભીતર આ બધું ગટગટાવ્યે જાય છે. પ્રત્યેક માનવીમાં વસતું એક સત્ત્વ જે સૃષ્ટિને એના સમગ્ર સાથે પોતાનામાં સમાવવા મથતું હોય છે, એ સર્વે જ આ બધું ગટગટાવી રહ્યું છે. કવિનાં ઋતુકાવ્યો અને ગીતોનો વિસ્તૃત હવાલો આપીને આ સત્ત્વને સમજાવી શકાય એમ છે. પણ આપણે ‘માઈલોના માઈલો—’ની અંતની પંક્તિઓ તપાસીએ.

અનંતની કરુણાને અશ્રુકણુ?–કોઈ
ખરતો તારો,
ધરતીની દ્યુતિ-અભીપ્સા?–
    કોઈક ઝબૂકતો આગિયો;—
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.
વિશ્વોનાં વિશ્વો મરી આરપાર પસાર થયાં કરે.

જીવનવાદી કળાધર કવિના હાથે સર્જાયેલી આ કાવ્યપૂર્ણ પંક્તિઓ છે! કવિની ‘રહ્યાં વર્ષો’ અને ‘ગયાં વર્ષો–’ જેવી રચનાઓ અહીં સાંભરે જ. કવિની કેટલીય કાવ્યરચનાઓનાં ભાવવિશ્વોનો અહીં સધન સરવાળો થયો છે એ સુજ્ઞ ભાવકને તરત જ પમાશે. ખરતા તારો અવકાશમાં દેખાય છે. કવિને એમાં અનંતની કરુણાનો અશ્રુકણ પ્રતીત થાય છે. કવિની શ્રદ્ધાવાદી ચહેરો અહીં ઊઘડે છે. ઝબૂકતો આગિયો ધરતીની તેજ-પ્રકાશ પામવાની હજીય જીવંત રહેલી ઇચ્છાનો વાચક નથી તો શું છે! હજી કરુણાની અને પ્રકાશની માનવજાતને અપેક્ષા છે. કવિને પણ એના વિના નથી ચાલતું. ખરતા તારા અનંત એવા પરમકૃપાળુ પરમેશ્વરની કરુણાને સંદેશવાહક છે જાણે. હજી માનવજાત પરથી ઈશ્વરને શ્રદ્ધા નથી ઊઠી ગઈ… કેમ કે તેજઅભીપ્સા લઈને આગિયો ઊડે છે. આ તેજ–આકાંક્ષા સમગ્ર ચેતન પદાર્થોની છે. તે કરુણા માટે પણ એ જ બધાં યોગ્ય છે, આતુર પણ છે. ખરતા તારામાં અને ઝબૂકતા આગિયામાં કવિ ચિરકાલીન આશા રાખે છે, કહાેકે કવિની આશા માટેના એ આધારસ્તંભો છે.

તારો અવકાશની-આકાશની વસ, આગિયો ધરતીની વસ. બંને વડે પ્રેમ અને પ્રકાશનું ઇંગિત કવિ રચે છે. કવિની સામેથી બધું પસાર થઈ જાય છે પણ આ બે અપેક્ષાએ તો સ્મૃતિના સંપુટમાં સદાકાળ સચવાઈ રહે છે. દરેક જમાને માણસમાત્રની આ અપેક્ષાઓ હોય છે, પયગંબર પાસે પણ અપેક્ષા તે આ જ હોવાની. ઉમાશંકરે ‘ગયાં વર્ષો તે તો ખબર પડી ના કેમ જ ગયાં’ ગાતાં ગાતાં જીવનગતિ દર્શાવી છે. ‘રહ્યાં વર્ષો તેમાં’માં વિષમતાઓને ભૂલી જઈને પ્રેમ અને માનવતાને સક્રિય કરવાનું કહ્યું છે. જગતનાં ઝેર પીને કવિ-ઋષિકવિ તો અમૃતનું જ સિંચન કરતો હોય છે; અમૃતના જ સચય કરતે હોય છે:

“બધો પી આકંઠ પ્રણય, ભુવનોને કહીશ હું
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યા અવનિનું.”

પ્રકૃતિ સાથે ભળી ગયેલા, પ્રકૃતિમાં ગળી ગયેલા આ કવિનું નામ તો ભાષામાં ઓગળી ગયું છે, ને છેલ્લે શબ્દ તે એણે મૌનના કાનમાં કહ્યો છે… અહીં પ્રકૃતિથી હવે એ અભિન્ન છે. સમગ્ર પ્રકૃતિ આજે તો એનામાં વસી/શ્વસી રહી છે. શ્રદ્ધાના તાર રણઝણે છે એમાં પ્રકૃતિકવિની ચેતનાનો સાદ છે. આપણે જોયું કે કાવ્યમાં દર્શનને ભરવાની જગા હતી, પણ કવિએ તો માત્ર પ્રકૃતિને જ સંભરી છે. જીવનથી લગોલગ ચાલતું કાવ્ય અધ્યાત્મ કે ટાગોરશાઈ રહસ્યથી ઊગરી ગયું છે–કવિએ એને ઉગાર્યું છે. શુદ્ધ પ્રકૃતિકાવ્ય તરીકે પણ આપણે એને આસ્વાદી શકીએ છીએ. એક કાવ્યમાં એ જ કવિનાં કેટકેટલાં રૂપો પામીએ છીએ.

(અભિમુખ)