નીતિન મહેતા
મને માણસ માટે ખરેખર માન છે
મને તો સાચ્ચે જ એ માણસો માટે માન છે
માણસો એકબીજાને મળતાં રહે છે. ઘરમાં, ઘર બહાર, પ્રવાસમાં, સ્થળે સ્થળે માણસો મળ્યાં જ કર છે. માણસોથી ગીચોગીચ આ દુનિયામાં આમ થવું એ કંઈ નવી નવાઈ નથી. આપણે મળવાની ગરજ સહિત સૌને મળીએ છીએ. આપણે મળવાનાં કોઈ કારણ વિના સૌને મળીએ છીએ. મળી લીધા પછી યાદ નથી રહેતું કે કેમ મળ્યાં કે મળવાથી શું થયું, તોય ફરી એકબીજાને મળ્યાં જ કરીએ છીએ.
અંધારું હોય તો એમાં અથડાઈ પડવું સાવ સ્વાભાવિક છે. કીડિયારું ઊભરાયું હોય ત્યારે કીડીઓ એકમેકને અથડાઈને પોતપોતાને રસ્તે પડતી આપણે જોઈએ છીએ. કમાલ ટેવાવાની છે. જેમ સવાર પડે ને સીધા રેલવે સ્ટેશને આપોઆપ પહોંચી જઈએ છીએ તેવું જ માનોને. સ્ટેશને જવા નીકળેલો માણસ સ્ટેશને પહોંચી જાય છે તે એક નોંધાયા વિનાનો ચમત્કાર લેખાવો જોઈએ, એક વાર સ્ટેશને પહોંચી ગયા તો તો પછી નિરાંત. સ્ટેશને જઈએ ત્યારે જાણે ઘરે પહોંચી ગયા હોઈએ એવું લાગે છે. અડધો જંગ જીતી ગયા જેવું લાગે એમાં. પછી તો ટ્રેન છે ને આપણે છીએ. ઊંઘવા માટે ટ્રેન જેવી સહૂલિયત બીજે ક્યાંય નથી. ટ્રેનમાં ઊંઘ આવે એવી તો ઘરની પથારીમાંય ન આવે. ટ્રેન ઊપડે ત્યારથી આપણને ખ્યાલ હોય છે કે કેટલું માર્જિન છે. ઊતરવાનાં સ્થળ સુધીમાં એકાદ અસ્ખલિત ઊંઘ ઝપકી લાગી જાય તો એ બ્રહ્માનંદ સહોદરના ઉદરમાં એક ખળખળિયું ખાઈ લેવાનું કોઈ ચૂકે? ભળતે સ્ટેશને પહોંચી ગયા ઊંઘને ઠપકો આપવાને બદલે ભૂલ સુધારી લેવાની પેરવી જ પહેલી કરવી પડે. જાણે કૈં બન્યું જ નથી એમ — હાવભાવ જાળવીને — વળતી ટ્રેન ચૂપચાપ પકડીને વળી પાછી બોનસમાં મળેલી ઊંઘ (જો આવે તો)માં ડૂબકી મારી સામે છેડે રાહ જોતાં સ્ટેશને ઊતરવાનું નક્કી જ હોય ત્યારે દુઃખ શાનું? હવે સવાર પડે ને નોકરી કરવા જવાનું જ હોય ત્યારે પીઠ પર પાંખ ઊગાડવાના ધખારા શા માટે? ધારો કે પાંખ ઊગી જાય તોય બિચારા દરજીનો મરો થાય.
એક બાંય સીવવી કેવી કપરી હોય છે તો કોઈ દરજીને જ જઈન પૂછો. હવે પાંખને સાચવવાની બખોલ જો એકેએક બુશર્ટ-શર્ટ-ઝભ્ભા-બ્લાઉઝ-ટોપને બેસાડવાની આવે તો આ ને આ રેટમાં ન જ પોસાય. દોરોય નીચામાં નીચો વાપરીને કેવામાંનો વપરાય? એની વળી બીજી માથાકૂટ ઊભી થાય. તો પછી ભાવ વધાર્યા સિવાય છૂટકો જ ન રહે. એના કરતાં પાંખ જે ઊગેલી જ નથી, તે રહેવા દો ને! પાંખો સહિત પંખીઓએય કી ધાડ મારી લીધી છે? ઊડી કરીને છેવટે પાછું માળામાં ને માળામાં જ ઠરવાનું હોય તો એવી પાંખને મેલોને પૂળો. ના ના ના, આમાં ગુસ્સાની કોઈ વાત નથી. આ તો એક વાત છે. ગુસ્સો કરવાથી ઍસિડીટીથી માંડી હાર્ટ-પ્રોબ્લેમ સુધીનું ગમે તે થઈ શકે એવું હોય તો ગુસ્સો કરીને શું કાંદા કાઢવાના છે? જોકે હાર્ટપ્રોબ્લેમ કરતાં અસ્થમા સારો. અસ્થમામાં આમ કંઈ ન થાય. બહુ લાંબું ચાલે. અસ્થમાના દરદી લાંબી જીવનરેખાવાળા હોય છે. જૂનાં ફર્નિચર જેવી સોલિડ અને સજ્જડ જીવનરેખા. અમારા ઘરમાં વરસોથી પડી રહેલી એક ઝૂલતી ખુરશી છે. એને ક્યારે પોલીશ કરાવ્યો એ યાદ નથી પણ જ્યારે જુઓ ત્યારે ખુરશી જાણે નવી નક્કોર. જૂના ફર્નિચર જેવી કમાલ નહીં હોં. હવે તો આવું લાકડુંય ક્યાં મળે છે. એક વાર બન્યું એટલે બન્યું. સો વરસેય એવું ને એવું. ખુરશી હજી એવી જ છે જાણે કોઈ બેઠું જ નથી એના ઉપર. આપણે આ રોજનું અપડાઉન, એમાંથી ઊંચા આવીને તો બેસીએને ખુરશી ઉપર. હવે આ જ મુદ્દો તકરારનું કારણ બની શકે. ઘરવાળા એવું કહે કે અમથી જગા રોકતી નકામી ખુરશી કાઢી નાખીએ. પણ મન કેવું છે, ખુરશી ભલે બેસવા કામ ન લાગતી હોય પણ એને આમ કાઢી નાખવાનું તો મન થતું જ નથી. સાંજે ઘેર પાછાં ફરતી વખતે હંમેશા એવું થાય કે ઘરવાળા રાહ જોવાનું કદાચ છે ને ભૂલી જાય પણ ખુરશી મારા માટે જ જગ્યા રોકીને ઘર વચ્ચે બેઠી હોય રાહ જોતી.
આ સાંજ હોય છે જ એવી, સાંજ પડે કે સૌ રાહ જોવા માંડે. લાગે છે કે રાહ જોવા માટે જ સાંજ પડતી હશે. સાંજે આમ તો રાહ જોયા સિવાય બીજું કરવાનું શું? સાંજે થઈ થઈને બીજું શું થાય, સાંજ પડવા સિવાય? એમ કંટાળશો નહીં. કહે છે કે કંટાળો એ ધીમું મોત છે. પણ કહો કંટાળો આવે ત્યારે જ એવું નથી લાગતું કે જીવીએ છીએ? કંટાળો આવે ત્યારે ઓછામાં ઓછું કંઈક તો આવે છે જીવનમાં. બાકી તો આવી આવીને શું આવી જવાનું? ક્યા ગઢ જીતી લીધાં આ રોજરોજની આટઆટલી સાંજ વટાવીને? ખોતરી જુઓ બધી જ વટાવેલી સાંજ. જો આજ અને અત્યારે જ કંઈ ન હોય તો શું દટાયેલું હોય કે મળી જાય ભૂતકાળમાંથી?
ના, મેં આપને કશું કહ્યું નથી. હું કશું બોલ્યો જ નથી તો થૂંક ઊડવાનો ક્યાં સવાલ છે? આ તમે ક્યારના મારા ગોઠણ પર ચડીને બેઠા છો તોય હું કંઈ બોલ્યો? ના, આ તો એક વાત છે. બની શકે તો જરાક ખસીને બેસો, ખસી શકાય એમ હોય તો જ હો. વારે વારે હલ્યાં વિના શાંતિથી બેસશો તોય ઘણું. એકધારો દાબ રહે તો દુઃખાવો જરાક ઓછો લાગે. બાકી મારું સ્ટેશન આવશે તે પછી હું આ સીટ પકડીને બેસી રહેવાનો છું? કે તમેય બેસી રહેવાના છો એક મિનિટ વધુ? આ ટ્રેનમાંથી ઊતરીને ઘેર જવું એ જ સપનાં જેવું છે. બાકી સાચું તો એ છે કે આ ઊંઘની બહાર અને અંદર ટ્રેનો ચાલ્યાં જ કરે છે. આ સતત લઈ જતી કે લાવતી ટ્રેન જેવું સત્ય બીજું કોઈ નથી. ટાઇમટેબલને બરાબર વફાદાર રહેતી ટ્રેન વહાલી લાગે છે. માણસો કદાચ છે ને સમયસર મળે કે ન મળે, ટ્રેન તો તેને સમયે મળે જ. દુઃખનું શું ગજું કે ટ્રેન પકડી શકે? નર્યું સુખ, સુખ ને સુખ હોય છે ટ્રેનમાં ગીચોગીચ. વિચારવાની પણ માથાકૂટ નહીં ટ્રેનમાં. સરખું ઊભા રહેવા કે બેસવા મળે તો વિચાર આવેને? યોગીઓ જેને પામવા તલસે છે એવી વિચારહીન સ્થિતિમાં સહજ મૂકી આપતી ટ્રેનનો ઉપકાર કેમ ભૂલાય! જેમ કોઈ લગ્નપ્રસંગમાં કોણ કોણ મળ્યું ને શી વાત થઈ તે કંઈ જ યાદ રહેતું નથી એમ ટ્રેનમાં એકમાત્ર પહોંચવાના સ્ટેશન સિવાય બીજું કંઈ યાદ રહેતું નથી. જાણે ટ્રેનમાં સવાર થઈને ક્યાંક ભૂલાઈ ગયેલા આપણને શોધવા હંમેશ નીકળી પડીએ છીએ પોતાની જાણ બહાર.
(સંગત)