મધ્યરાત્રિઃ સમયની કે સંસ્કૃતિની? – હરીન્દ્ર દવે

સિતાંશુ યશશ્ચંદ્ર

મધ્યરાત્રિએ કોયલ

પગલી પર પગલાં પડ્યાં રહ્યાં છે, જોયાં!

કશુંક બની ગયું છેઃ એ વિગતના ભણકારાના ગુંજતા ધ્વનિઓ વચ્ચે આ કવિતાનો આરંભ થાય છે. પગથી પર પગલાં પડી રહ્યાં છે પણ એ પગલાં જે ચરણો જોડે સંકળાયાં હતાં, એ ચરણો ચાલ્યાં ગયાં છે; ચંદ્ર ઊગ્યો છે, પણ એ આજનો ચન્દ્ર નથી. એ તો જે ગઈ કાલે ઊગ્યો હતો, એ જ છે. કશુંક બની ગયું છે અને બન્યા પછી કાળ થંભી ગયો છે. આ કહેવા માટે કવિ કહે છેઃ ચન્દ્ર પણ પછી ક્યાં વિકસ્યો છે?

જે કશુંક ચાલ્યું ગયું છે એ શું છે? અને જે રહી ગઈ છે એ પરિસ્થિતિ કેવી છે?

વૃક્ષના એક નીડમાં કાળાં કાળાં બચ્ચાં પડ્યાં છેઃ પણ આ બધાંમાંથી એક બચ્ચાને કંઈક જુદો જ સાદ સંભળાય છે. કાગડાનાં બચ્ચાંઓ વચ્ચેથી એક કોયલ શિશુ ટહુકો વાળીને ઊડી જાય છે. કશુંક જે ગતિ કરે છે અને ચંદ્રમાં જઈને વસી જાય છે અને જ્યાં એ બચ્ચું હતું ત્યાં હવે માત્ર સૂનકાર જ છે.

આપણી ભીતરમાં પણ કોઈક આવું તત્ત્વ પડ્યું છે, જેનું અનુસંધાન કોયલના ટહુકા જોડે છે. આમ તો એ કાગડાનાં બચ્ચાં જોડે જ ઊછરે છે, પણ ક્યારેક એને પેલો જુદો જ સૂર સંભળાશે. થોરોના શબ્દોમાં કહીએ તો એ કોઈ જુદા જ સંગીતને તાલ આપતું તત્ત્વ છે.

આ તત્ત્વ તો ‘ટહુકો વાળી’ ને ઊડી જાય છે. રહી જાય છે માત્ર કાગડાનો જ પરિવાર.

ત્યારે શું બને છે?

માળામાં સૂનકાર પથરાઈ ગયો છે. પેલું કોયલનું તત્ત્વ ચન્દ્રમાં જઈને વસ્યું છે અને પછી એ જ ચન્દ્ર ઊગતો રહે છે. ચરણો તો પગલાંમાંથી ચાલ્યાં જાય છે પણ પગલાં પોતે ઊડી શકતાં નથી. પગલાં ભૂંસાઈ જઈ શકે છે; પરંતુ એ ચાલી શકતાં નથી. આપણામાંથી પેલું કોયલનું તત્ત્વ ઊડી ગયા પછી આપણે ચરણો ચાલી ગયેલાં પગલાં જેવાં બની ગયા છીએ. આપણે પોતે ગતિ કરી શકતા નથી; ભૂંસાઈ જઈ શકીએ છીએ.

અથવા તો એ તત્ત્વનો સાદ ક્યારેક સંભળાય છે પણ આપણે કપાયેલી પાંખોવાળા પહાડો છીએ. આપણે પડ્યા જ રહેવાનું છે. કંદરાએ કંદરાએથી સાદ પડે છે, તો પણ પહાડોને કપાઈ ગયું છે એ તત્ત્વ સાંપડતું નથી.

કવિ આમ અહીં વિશિષ્ટ અનુભવજગતને ઉપસાવે છેઃ ‘મધ્યરાત્રિએ કોયલ’ એ શીર્ષક આપણા પંડિતયુગના એક કવિની પરિચિત અને બહુ ગવાયેલી કવિતાને અપાયેલું હતું. આ જ શીર્ષકને પ્રયોજીને કવિ કંઈક એન્ટીલિરિક રચાતું હોય એવી છાપ ઊભી કરે છે, પણ વાસ્તવમાં અહીં એન્ટીલિરિક કે પેરેલલલિરિક નહીં પણ સાચું લિરિક ઊભું કરવામાં કવિને સફળતા મળી છે.

કવિએ પેટાશીર્ષકમાં ‘સરરીયલ ગીત’ એ શબ્દોનો પ્રયોગ કર્યો છે. આપણે જે વાસ્તવિકતાને જાણતા હોઈએ છીએ એ સાચી નથી હોતી એને અતિક્રમી જતી વાસ્તવિકતાને કલાકારનું ચિત્ર ઉપસાવે છે. યુરોપમાં ‘સરરીઆલીઝમ’ના નામ હેઠળ આરંભાયેલા અને સદીની અધવચમાં જ લોપ પણ પામેલા એક આંદોલન સાથે કશો સંબંધ જોડ્યા વિના પણ આ ગીતનો આસ્વાદ લઈ શકાય છે.

અનુભૂતિને વિશિષ્ટ અભિવ્યક્તિ આપવામાં આ ગીતના લયે આપેલો ફાળો પણ તપાસવા જેવો છે. એની ધ્રુવ પંક્તિઓનો લય મંદ છે; અંતરામાં ગતિ છે. અંતરામાં પેલું કોયલનું તત્ત્વ ઊડીને છૂટું પડી જાય છે—એટલે ત્યાં ગતિને સમજી શકાય છે. ધ્રુવપંક્તિઓમાં કશુંક જે બાકી રહી ગયું છે એની વાત છે એટલે ત્યાંનો મંદ લય પણ સમજી શકાય છે. બાળગીત (ચાંદો યે ઊગ્યો છે ગઈ કાલનો) ઊર્મિગીત (ટહુકો વાળીને ઊડી જાય) તથા લોકગીત (પગલાં પડ્યાં રહ્યાં)ની લઢણો અહીં સહેતુક રીતે એકમેક સાથે ભેળવી દેવામાં આવી છે. ‘મોરલો ઊડી ગયા આકાશ પગલાં પડી રહ્યાં રે લોલ’ એ લોકગીતનું સ્મરણ પણ આપણને થાય છે. કોઈ પણ સત્ત્વશીલ કવિ પોતાની ભાષાની પરંપરામાંથી જ ઘણું પામે છે એનું આ ઉદાહરણ છે.

છેલ્લે કવિનો પ્રશ્ન છે. એ જ આ કવિતામાં અન્યથા વરતાતી નિરાશામાં આશાવાચક સૂર છેડે છેઃ આ પગલાંમાંથી કોઈનાં ચરણો ચાલ્યાં ગયાં છે એ વિશેની સજાગતા છે, એટલું જ નહિ પણ એ કોનાં ચરણો હતાં એ પ્રશ્ન પણ પુછાયો છે.

મધ્યરાત્રિએ—પછી એ સમયની હોય કે સંસ્કૃતિની — કોઈક કોયલનો સૂર આ કવિતા સંભળાવે છે અને આપણામાંથી છૂટા પડેલા કોઈક તત્ત્વ જોડેના મિલનનો તંતુ સાંધવા માટેની આરત જગાડી જાય છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book