મધુર નમણા ચ્હેરા કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

ઉશનસ્

મધુર નમણા ચ્હેરા

મધુર નમણા ચ્હેરાઓની હવા મહીં પ્યાલીઓ

ગુજરાતી સૉનેટના આકાશમાં કવિ શ્રી ઉશનસ્‌નું એક આગવું નક્ષત્રમંડળ છે. સૉનેટના તારાઓનાં ઝૂમખાંનાં ઝૂમખાં એમની પાસેથી મળતાં રહ્યાં છે. સૌમાં એમની આગવી કવિદૃષ્ટિના વેધક ચમકારા આપણને જોવા મળે છે. એમની ઉત્કટ સંવેદનશીલતા અને એમની પંચેન્દ્રિયોની અનુભૂતિગત સંચારશીલતા તો અનન્ય જ છે. કેટકેટલીક અમૂર્ત વસ્તુઓ એમના કવિત્વબળે – કલ્પનાબળે, એમની રૂપવિધાયક શક્તિએ મૂર્તતા ધારણ કરે છે! ઉશનસ્‌ની છોછ વિનાની અંદરની મુક્તતા એમનાં કાવ્યાનુભૂતિનાં સાહસોમાં ઉપકારક થતી વરતાય છે.

પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં છે મધુર નમણા ચહેરાઓ. એવા ચહેરાઓ જોવા કોને ન ગમે? એવા ચહેરાઓનું આકર્ષણ ન અનુભવાય તો જ નવાઈ. મનુષ્યની ઓળખાણમાં જેમ એનું મન, એમ એનું તન પણ મહત્ત્વનું છે. મનની મુદ્રા (`મનોમુદ્રા’) જેટલી જ તનથી મુદ્રાયે અગત્યની છે. મનુષ્યની તન-મનની મુદ્રા તે જ તેનો ચહેરો! ચહેરાનું મધુરપણું ને નમણાપણું મન અને તનની ચારુતા-પ્રસન્નતા પર નિર્ભર છે. ચહેરો જોવે સુંદર – સોહામણો હોય પણ એ ચહેરા પર દુષ્ટતાના, ઈર્ષ્યા-અવિશ્વાસ-દંભ ઇત્યાદિનો દુર્ભાવો અંકિત હોય તો એ ચહેરો મધુરો તો નહીં જ લાગે, નમણોયે નહીં લાગે. ચહેરાની મધુરતા, એનું નમણાપણું કે ચારુતા તન-મનની નરવી પ્રસન્ન સંપૃક્તતા પર અવલંબે છે.

આ સૃષ્ટિની રમણીય આકર્ષક ઉપાદાનસામગ્રીમાં મનુષ્યોનેય માનભર્યું સ્થાન છે જ. એમાંયે મનુષ્યોના ચહેરા જ પહેલ પ્રથમ તો ધ્યાન ખેંચતા હોય છે. એ ચહેરાઓ માનવતાની પ્રમાણિત મુદ્રારૂપ – માનવીય સૌન્દર્યના દ્યોતક દીપરૂપ જ હોવાનું પ્રતીત થાય છે. આ આશ્વાસન ને આનંદ બક્ષનારા ચહેરાઓને જોતા રહેવાનો એક નશો હોય છે, એનો અનોખો આનંદ હોય છે. ચંદ્રને જોવાનો, ફૂલોને કે પ્રકૃતિનાં અન્ય રમણીય રૂપોને જોવાનો જે આનંદ છે એ જ આનંદ માનવીય ચહેરાઓને જોવાનો છે. માનવીય ચહેરાઓ પણ સૃષ્ટિ-સૌન્દર્યના મહત્ત્વના સંવર્ધકો-સમર્થકો છે.

કવિ આ સૉનેટના પ્રથમ ખંડકમાં માનવીય ચહેરાઓને – તેમાંય મધુર નમણા ચહેરાઓને – સંભવત: રૂપરમણીઓના ચહેરાઓને રાતા કસૂંબલ આસવથી સભર પ્યાલીઓ જેવા હોવાનું જણાવે છે. જેમ મદ્યની તેમ રાતા ગુલાબી રમણીય ચહેરાઓની સૌન્દર્યશ્રીનો કેફ હોય છે, એની મોહિની હોય છે, એના આસ્વાદની મસ્તી હોય છે. કવિની નજર એવા ચહેરાઓ જોતાં જ ઉન્મત્ત બને છે. પતંગિયું જેમ ફૂલો પર ફરી ફરીને મધુરસનો સ્વાદ લે તેમ કવિની નજર પણ, બિનધાસ્ત રીતે એને આકર્ષક લાગતા મીઠા રમણીય ચહેરાઓ પર ઠરે છે અને એમના રૂપરસનો આનંદ લે છે. મધુર નમણા ચહેરાઓને જોઈને બેફામ બનતી પોતાની નજરને કવિ વિવેકભાવે કાબૂમાં લેવા પ્રયત્ન જરૂર કરે છે, પરંતુ એમની નજર જ એવી છે, જે ચહેરાઓનો રૂપરસ યથેચ્છ રીતે ભોગવી લેવાનું પસંદ કરે છે.

આમ મધુર નમણા ચહેરાઓનું દર્શન સૂખ લેતાંયે કવિ રસસાગરની જે પુણ્યની પાળ છે તે તો તોડતા નથી જ. કવિને જીવનના માર્ગે વૃક્ષોની જેમ શાતા અર્પનારા મીઠા હસમુખા ચહેરાઓ જરૂર મળ્યા છે. એવા કેટલાક ચહેરાઓ, જેમને ભૂતકાળમાં જોવાનું સદ્‌ભાગ્યે આ કવિને સાંપડેલું તે તો એમના સ્ત્રૈણકોશની મોંઘેરી મિરાતરૂપ બની રહેલા લાગ્યા છે. એવા મધુર નમણા ચહેરાઓ તો દીવાની જેમ એમના આંતરપથને – જીવનપથને ઉજાળનારા બની શક્યા છે. એવા ચહેરાઓ સાથેનો કવિનો સંબંધ આકસ્મિક નથી, એ તો ભવોભવના ઋણાનુબંધના ઇષ્ટને મિષ્ટ પરિપાકરૂપ-ફલરૂપ છે. જીવનમાં હસતા-ખીલતા, મીઠા-મધુર, સુંદર સોહામણા માનવચહેરાઓ જોવા મળે એ તો ઉત્સવરૂપ ઘટના લેખાય. એવા ચહેરાઓના કારણે તો જીવન જીવવા જેવું, આનંદસભર હોવાનું પ્રતીત થાય છે. કવિ પોતે એવા ચહેરાઓ જોવા મળ્યા બદલ ધન્યતા અનુભવે છે. ઈશ્વરનો જ કૃપાપ્રસાદ હોય તો આવો લહાવો મળે છે.

માનવમાત્રના ચહેરાઓ આ માણસૂડા કવિને, માણસભૂખ્યા-માનવપ્રેમી કવિને તો જોવા ગમે. માનવમાત્રનો ચહેરો સાચા અર્થમાં પ્રસન્ન હોય, ગુલાબની જેમ ખીલેલો હોય, સદ્ભાવનાએ આંતરબાહ્ય સૌન્દર્યે અને માધુર્યે રૂડો હોય એવી જ ઉશનસ્‌ને એક સાચા કવિને નાતે તે અપેક્ષા હોય ને? કવિને આવા ચહેરાઓ જોવા મળવા એ જ પ્રભુના કૃપાપ્રસાદે શક્ય બને એવી બાબત છે.

આ કવિને જીવનની વાટે તો અનેક સંઘર્ષો વેઠવાના આવે છે, અનેક વિષમતાઓના કાંટા વેઠવાના થયા છે. પણ એવા કાંટા વેઠતાં વેઠતાંય જો ગુલાબ જેવા મધમીઠા ચહેરાઓ જોવા મળે, એવા ચહેરાઓનો મૂંગો મૂંગો સ્નેહસિક્ત આદર-આવકાર મળે તો જીવનમાં જે કંઈ સહ્યું-વેઠ્યું એ બધાંનું ઉત્તમ વળતર સાંપડ્યાનો અહેસાસ થાય. કવિને માટે તો નજર ઠેરવવા જેવું, મન ઠેરવવા જેવું જો કોઈ સુયોગ્ય ને સાચું સ્થાન હોય તો તે મનુષ્ય છે – મનુષ્યનો ચહેરો છે – ને તે પણ હસતો સ્નેહાળ ચહેરો, મધુરો નમણો ચહેરો. એવા ચહેરાનું દર્શન જીવનનો થાક ઉતારે છે, જીવનની વેદનાને વીસરાવે છે અને પ્રફુલ્લતા તેમ જ સ્નેહમય શ્રદ્ધાપૂત આનંદરસનું પ્રદાન કરે છે. જીવનમાં જો કઈ કરવા જેવું હોય તો તે છે મનુષ્યના ચહેરાને પ્રસન્ન રાખવા-કરવાનું. હસતાં ફૂલની જેમ મનુષ્યોના ચહેરા પણ હસતા રહે અને એ રીતે રળિયામણા ને મીઠા થયેલા ચહેરાઓને સતત ચાહવાનું બને એ જ જીવનમાં સૌએ સૌથી વધુ ઇચ્છવા જેવું છે, અને કવિઓએ તો ખાસ ઇચ્છવા જેવું. આપણા કવિનો મનુષ્યપ્રેમી – સૌન્દર્યપ્રેમી કવિ તરીકેનો મધુર નમણો ચહેરો અહીં બરોબર ઊપસે છે. માનવચહેરાઓને ચાહતાં ચાહતાં જ મધુર નમણા ચહેરાવાળા થવાય. કવિએ માનવ સંવેદનાનું આ માર્મિક સત્ય સરસ રીતે અહીં વ્યંજિત કર્યું છે.

પ્રસ્તુત સૉનેટ પેટ્રાર્કશાઈને શેક્સપિયરશાઈ સૉનેટરીતિઓના સમન્વયરૂપ લાગે છે. અહીં હરિણી વૃત્તમાં કવિએ એમની લાક્ષણિક શૈલીમાં કલ્પના, ચમત્કૃતિ અને સંવેદનમાધુર્ય દાખવીને, પ્રાસાદિકતાથી માનવીય મધુરિમા ને ગરિમાનું અહીં નરવુંગરવું નિરૂપણ કર્યું છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book