મતલાથી મક્તા સુધી – જગદીશ જોષી

થાય સરખામણી તો

બરકત વીરાણી ‘બેફામ’

થાય સરખામણી તો ઊતરતા છીએ,

ગઝલનું જગત આજે, ખાસ કરીને ગુજરાતીમાં, એવું તો તરતું ને વિસ્તરતું જાય છે કે એક બાજુ પરંપરા અને બીજી બાજુ પ્રયોગ: આ બંને પ્રવાહો પોતપોતાની ગતિવિધિથી આગળ વધી રહ્યા છે. આ સંદર્ભમાં તાજેતરમાં થયેલી વાત યાદ આવે છે. એક તંત્રીએ કહ્યું કે એક એવો આક્ષેપ છે કે અમુક-તમુક તંત્રીઓને ખુદને ગઝલની પસંદગી કરતી વખતે ગઝલના ‘મીટર’નો ખ્યાલ નથી હોતો. ત્યારે શ્રી મકરન્દ દવેએ સાહજિક સરળતાથી એમ કહ્યું કે, ‘ગઝલકારને ખુદને એનો પૂરો ખ્યાલ હોય છે ખરો?’ વાતચીતમાં થયેલું આ વિધાન જેટલું ગઝલના સ્વરૂપ માટે ધ્યાનાર્હ છે એટલું જ ધ્યાનાર્હ આજે લખાતી ગદ્ય-કવિતા માટે પણ છે. ગદ્યમાં કાવ્ય સિદ્ધ થાય છે જ: પણ મોટે ભાગે ગદ્યાળુતામાં સરી પડતી કેટલીય કૃતિઓ એક વાત સ્પષ્ટ કરી આપે છે કે ગઝલની જેમ જ, ગદ્યનું માધ્યમ પણ કવિતા માટે છેતરામણું–વેતરામણું બનવાની પૂરી શક્યતાઓ ધરાવે છે.

આ વાત થઈ તે જ રાતે ભાઈ બેફામના તાજપભર્યા તરન્નુમમાં આ ગઝલ સાંભળવાનો લહાવો મળ્યો. વાતાવરણમાં હજીય પેલો તરન્નુમનો ખુમાર તરતો હતો ત્યાં ઇકબાલના એક શેરના સંદર્ભમાં હરીન્દ્ર દવેએ ગઝલના એક મક્તાના નાનકડા વિસ્તારમાં ઢબૂરાઈને પડેલી અર્થોની — prismatic અર્થચ્છાયાઓની — અણગણ શક્યતાઓની વાત છેડી. અને આ જ ગઝલના બીજા શેરની આંગળીએ એક નવો જ અર્થ પકડાવી દીધો! અસત્‌નાં ચારે કોરથી વર્ષતાં તીરોથી સત્ લગભગ ચાયણીની જેમ વીંધાતું હોય છે — અર્જુન જેવા સવ્યસાચીને પણ — અને सत्यमेव जयतेની ઋચા પાછળ પ્રશ્નાર્થ મૂકી દેવાની લગભગ તૈયારી કરી બેસીએ એટલી હદે આ પૃથ્વી ઉપર ‘ઘોર અંધાર’ પોતાનું એકચક્રી રાજ્ય સ્થાપતું ભાસતું હોય છે. મૂળ તો જાણે અવનિને અજવાળી શકે તેવા સિતારાઓ જ જૂજ હોય: છતાં જો કોઈ ઊગે તો संभवामिની શક્યતાવાળી કોઈક ગાંધી, કોઈક જયપ્રકાશ જેવી શમાઓને આપણે આપણા વરદ હસ્તે બુઝાવી દેતા હોઈએ છીએ… અને પછી આખા વિશ્વને સ્તબ્ધ કરી દેનાર કંઠેથી જવાહરલાલ જેવાના અવાજમાં આકાશવાણી ઠેર ઠેર સંભળાય છે: ‘આપણી વચ્ચેથી પ્રકાશ પરવારી ગયો છે…’ અથવા સરદાર જેવા અવાજો ‘ઘર ફૂટ્યે ઘર જાય’ની યાદ અપાવે છે!

કેટકેટલા કવિઓ, સર્જકો, શાયરો, વિચારકો ને ફિલસૂફોને ગળેથી છાતીફાટ મરણપોક આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ! આ જગત કે જીવન ખરે જ, ફૂટેલાં ઘરોની જ રામકહાણી છે! ‘સરખામણી’ કરવા બેસો તો અમે ઊણા ઊતર્યા હશું — ક્યારેક હાર્યા હશું — એ વાત કબૂલ: પણ આવી કબૂલાત કરવામાં જ માણસની ભીતરી જીત હોય છે, સત્ત્વ હોય છે. તાત્કાલિક જીત ભલે હવાતિયાં મારનારને મળતી લાગે પણ ઇતિહાસના દીવાને-ખાસમાં તો એ જ વ્યક્તિની આબરૂ નોંધાય છે જેણે મહેલમાં રોશની આપવાની મુરાદથી પોતાની ઝૂંપડી પણ બાળી મૂકવાની તત્પરતા દાખવી હોય…. આ જગત દુષ્ટ છે: હશે. પણ એમાં આપણો પોતાનો હિસ્સો – ‘દોષ’ — નથી? અંધકારના આ હવનમાં હોમાતાં શ્રીફળોને આપણે પ્રત્યક્ષ રીતે નહીં તો ‘કોણીએ હાથ અડાડીને’ પણ તેમાં હિસ્સો આપ્યો જ છે.

અમે જાગ્રત હતા ત્યાં સુધી જ આ જગત અને જીવનનો ‘જંગ’ હતો. જાગૃતિ હતી ત્યાં સુધી જ દ્વિધા હતી. જરા ‘ઊંઘમાં’ આંખ મીંચાઈ કે એણે — જગતે? — તલવાર હુલાવી દીધી: પોતાના ખોળામાં નિશ્ચિંત રીતે માથું મૂકીને સૂતેલા બાળકનું ગળું મા જ ટૂંપી નાખે તેમ વિશ્વાસના રાજમહેલોમાં જ શ્રદ્ધાનું શ્રાદ્ધ થતું હોય છે! ‘વ્યવસ્થિત’ માણસોની જડબેસલાક વ્યવસ્થા તો જુઓ કે કદાચ અમે બુલંદી ઉપર પહોંચી જઈએ તો? — એ ‘કદાચ’ના આભાસની સામે કોઈએ પીંજરાં તૈયાર રાખ્યાં તો કોઈએ અમારા રસ્તે ‘જાળ’ — રેડ કાર્પેટ — ‘બિછાવી’ પણ રાખી.

પછીના શેરમાં આવતી ‘નડ્યા’ની વાત ખરેખર તો કનડ્યાની વાત છે. અમે કોઈનો રસ્તો ક્યારેય રૂંધ્યો નથી. અમારી જાત કોઈને નડતરરૂપ લાગે તો અમે જાતે ઊભા રહી ગયા. અમે ખુદ પહોંચી ન શકીએ એટલે બીજાને પણ રાહ ન ચીંધવો? આ જીવનમાં તનહાઈ–એકલતા–કેવી છવાઈ ગઈ હતી અને એની નાગચૂડ કેવી હતી? કોઈ ‘અમસ્તું’ જ પૂછે ‘કેમ છો?’ ત્યાં તો વા સાથે વાત કરવા તડપતો જીવ આખી ‘કહાની’ સંભાળી બેસે! આપણી ‘વ્યથા’ અવરને મન ‘રસની કથા’ હોય તોપણ. મરીઝનો એક શેર કંઈક આવો છે:

કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું
ગમે ત્યારે ગમે તેની ગમે તેવી કહાનીને.

ઝાંઝવાંઓે ઉપર એટલી દયા આવી ગઈ, સહાનુભૂતિ —સમાનુભૂતિ — થઈ આવી કે અંતરમાં જેટલી નદીઓ ભરી પડી હતી તે બધી જ વહાવી દીધી! પરંતુ રણ ઉપર સહાનુભૂતિના પુલ બાંધવા એ કંઈ હૃદયનાં આંસુઓ વિના શક્ય નથી.

બેફામના મક્તાઓમાં જીવન અને મૃત્યુ વિશે — ખાસ કરીને મૃત્યુ વિશે — ચિંતન હોય છે. જેણે જીવનની આ માયાજાળ રચી છે તે ‘ઈશ’ પર એમનો ઉપાલંભ પણ સચોટ રીતે વ્યક્ત થાય છે. છેલ્લા શેરમાં તેમણે કથનની ચમત્કૃતિ પાછળ ઈશ્વર પ્રત્યેનો ઉપાલંભ ભારોભાર વ્યક્ત કર્યો છે. પરવરદિગારની નિગેહબાનીમાં અમને અટળ વિશ્વાસ હતો. તે સાચોય પડ્યો — પણ બહુ મોડે મોડે. જીવનમાં અમને ન તાર્યા તો કંઈ નહીં, પણ જેવી જાતમાંથી લાશ થઈ એવી તરત જ તેને જીવનસાગરમાં તરતી મૂકી દીધી! ગીતાભાખ્યા વચનનું સત્ય, હું નહીં તો, કાંઠે ઊભેલાઓ તો તરતું જ જોશે ને!

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book