મઝધારે મુલાકાત
હરીન્દ્ર દવે
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
પ્રેમમાં પાગલપન હોય છે અને પાગલપન વિના પ્રેમ હોતો નથી. પ્રેમની પરાકાષ્ઠામાં સમય ઓછો જ પડતો હોય છે. કહેવાની બધી વાત કહ્યા છતાં કેટલીક વાત કદીયે કહેવાતી નથી. જે વાણીથી નથી કહેવાતું તે આંખથી કહેવાય છે, પણ જે આંખથી પણ વ્યક્ત નથી થઈ શકતું કે સ્પર્શથી કહેવાતું હોય છે. પણ પ્રેમનો સ્વભાવ અકથ્ય રહેવાનો છે. સ્પર્શની બારાખડી ગમે તેટલી ઘૂંટો તોપણ શરીરની ભાષાને પણ મર્યાદા છે. અને પ્રેમ અમર્યાદ છે.
રાતરાણીની મહેક જેવા હરીન્દ્રના આ ગીતના આવરણને લતાના કંઠે સવિશેષ લોકપ્રિય કર્યું છે. રાત કાળી નથી, પ્રિય વ્યક્તિના સાન્નિધ્યે રાતને રૂપેરી બનાવી છે. મનગમતી પ્રસન્ન ક્ષણનું આયુષ્ય લંબાય એ ઝંખના પ્રત્યેક વ્યક્તિની હોય છે. આ ક્ષણનો ક્યાંય અંત જ ન આવે, આ ક્ષણનું શાશ્વતીમાં રૂપાંતર થાય, એ પ્રબળ ઝંખનાને ગીતના પ્રારંભમાં વાચા મળી છે. રાતનો કોઈક ને કેટલોક સમય ક્યારેક એવો હોય છે કેઃ ‘પરોઢિયું કદી થાય ન એવું, ઝંખી રહે રાતનો સમય.’
કાવ્યની નાયિકાને એક જ ઝંખના છે, સમયને રોકવાની, સાજનને રોકવાની, અને આ સાજન અને સમયની વચ્ચે પોતાના ભીતરને પ્રગટ કરવાની, આવી વેળા ફરીફરીને આવતી નથી. જે વાત કદીયે હોઠ પર આવી નથી, એને જો વ્યક્ત કરી શકાય તો… એટલે તો એ મોંઘેરું ક્હેણ છે.
રાતની જુવાની એવી હેલે ચડી છે કે અંધકાર પણ પોતાનું એક રૂપ લઈને પ્રગટે છે. જાણે કે સર્પન્ટ્સ કૉઇલ. પણ આ રૂપને માત કરવાનું છે, એને ઘાયલ કરવાનું છે, પણ એક ઘા ને બે કટકા નહિ, પણ મુરલીના માધુર્યના, સંવાદિતાના સૂરથી. જીવનમાં જે કાંઈ અંધકારમય છે, એને પ્રેમના રૂપાથી રસી દેવાનું છે.
દરેક પ્રેમીને સામી વ્યક્તિ કેટલું ચાહે છે, એ જાણવાની અદમ્ય ઇચ્છા હોય છે. ક્લિયોપેટ્રાએ ઍન્ટનીને પૂછ્યું’તું કે તું મને કેટલું ચાહે છે? ત્યારે એન્ટનીએ કંઈ એવો જવાબ આપ્યો હતો કે વ્યક્ત કરું તો આખું વિશ્વ નાનું પડે! સ્નેહની સાથે સનેપાત, લગનીની સાથે લાગણી અને લાગણીથી સાથે લવારો, આ બધું ન હોત તો પ્રેમની કદાચ આટલી મોહકતાયે ન રહેત. ક્યાંય પહોંચી જવામાં નહિ, પણ મઝધારે રહેવામાં મજા છે. પહોંચો છો ત્યારે અંત આવે છે, અને આ કંઈ ચક્રવાક અને ચક્રવાકીની રાત નથી કે જે ઝંખે કે આ રાત પૂરી તાય તો સારું. આ તો મિલનના મહોત્સવનું ગીત છે.
હરીન્દ્ર ગીત પણ લખે અને ગઝલ પણ. ઢૂંકડું, વાલ્યમા, ઓલીમેર, તાણ, મોંઘેરું આ બા શબ્દોની સાથે કિનાર, મઝધાર, મુલાકાત, મહોબ્બત આ બધા શબ્દો પણ અતડા ન લાગે એમ ગોઠવાઈ ગયા છે.
(ભમરો વાત વહે ગુંજનમાં)