આ કાવ્યમાં કવિએ પોતાનો પ્રકૃતિપ્રેમ વર્ણવ્યો છે. કાવ્યના પ્રથમ અષ્ટકમાં કવિએ પ્રકૃતિનાં રમણીય તત્ત્વોના આકર્ષણને અભિવ્યક્તિ આપી છે. કાવ્યના ઉત્તરાર્ધમાં–ષટ્કમાં–કવિ પોતાના માનવપ્રેમને પરોક્ષ રીતે વ્યંજિત કરે છે. પ્રકૃતિની જેમ કવિને માનવજીવનનું અને એમાંનાં મધુર ભાવોનું આકર્ષણ છે. કવિના હૃદયમાં પ્રકૃતિનું સ્થાન છે એટલું જ માનવજીવનનું છે. બલ્કે બંનેમાંથી પસંદગી કરવાની હોય તો ‘ભલે શૃંગો ઊંચા’ હોય ભલે પ્રકૃતિ અતિ રમણીય હોય પણ કવિનું હૃદય તો અવનિતલ ઉપર — એટલે કે માણસોની વચ્ચે જ રહેવાનું પસંદ કરે છે. કાવ્યભાવને કવિએ પ્રકૃતિ વડે જ વર્ણવ્યો છે. કાવ્યમાં કવિએ ઝાઝા અલંકારો કે કલ્પન યા પ્રતીકને પ્રયોજ્યાં નથી, એ નોંધપાત્ર છે. તત્સમ શબ્દોને કવિએ શિખરિણી છંદમાં ઢાળીને કાવ્યપદાવલિને સક્ષમ તથા અર્થપૂર્ણ બનાવી છે. અને એટલે જ વિષયની રીતે સરળ લાગતું સોનેટ રચનાની રીતે સમજાવતાં અઘરું લાગવા સંભવ છે.
કાવ્યના આરંભે કવિ પ્રકૃતિના નિમંત્રણને નિરુપે છે. ગિરિવરોના મૌન શિખરો (ધુમ્મસમાં ઝાંખા લાગે માટે મૌન?) કવિને નિમંત્રણ આપે છે શિખરો પણ કવિ પાસેથી પોતાને શબ્દ મળે એવી અપેક્ષા રાખી ન રહ્યાં હોય પર્વતોને વર્ણવતાં કવિ કહે છે કે ઝરણાંની ધારો ઊંચેથી ધસી રહી છે. પર્વતોના શૃંગો પર પ્રભાતે ઝાકળ તગતગે છે. સવારના કુમળા ઘાસ પર ચમકતું ઝાકળ શ્વેત-સ્વચ્છ, પ્રતિભાવંત, શીતલ સ્મિત જેવું લાગે છે! પોયણાંની હારમાળા જેવું જ આ સ્મિત છે. કવિએ પ્રકૃતિના આ ઝાકળ સ્મિતને શુચિ અને ‘પ્રજ્ઞાશીળું’ કહ્યું છે! આવાં વિશેષણોથી કવિએ સ્મિતની સ્પષ્ટતા અને ગહનતા ચીંધી છે. સ્મિતને પણ કવિએ જાણે વ્યક્તિત્વ બક્ષ્યું છે. ચિરકાળ સુધી શીતળતા વહાવતા જળ ઝરાની વહી આવતી ગતિનેય કવિ વર્ણવે છે. પર્વતોના શિખરોને કવિએ સ્તનનું રૂપક આપી, શિશુ-શો તડકો વર્ણવીને શાન્તિઅમૃતનું પ્રભાતે પાન કરતો દર્શાવ્યો છે.
ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત,
મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!
આ કવિ કલ્પના દૃશ્યને કેટલું સદ્ય સંવેદ્ય બનાવે છે.
સ્તનપાન કર્યા પછી બાળકના હોઠ પર દૂધ રહી જાય એમ તડકાની ચમકને કવિએ એના મુખે શોભતા વિમલ અને શુભ દૂધ રૂપે વર્ણવી છે! ઊંડું આભ હસી રહ્યું છે અને જાણે જગત માટે આશિષ વરસાવી રહ્યું છે! દશે દિશાઓને શીતળ સ્પર્શથી રસીને વાતાવરણને ઉત્સાહિત કરતો મત્ત પવન વાઈ રહ્યો છે. પ્રકૃતિની આવી આકર્ષક મુદ્રાઓ કવિને આકર્ષે છે! કવિ હૃદય અને મનભરીને માણે છે કાવ્યનું અષ્ટક અહીં પૂરું થાય છે. જેમાં પ્રકૃતિ વર્ણનનું એકમ રચાયું છે.
કવિને આવાં ઊંચાં, રમ્ય શૃંગો ગમે છે. પણ પોતાની ખીણ, હૃદયકુંજ તો જનોના રવથી જ ભરેલી રહે એવું ઇચ્છે છે. શૃંગોની નીચેની સૃષ્ટિ કવિ વર્ણવે છે. તળેટીમાં શાલતરુઓમાં રચાયેલી કેડીઓ આકર્ષક છે. તળેટીની વક્ષ-વીથિકાઓમાં તડકાની છાયાઓ રમી રહી છે! ‘છાયાઓ રમે’ એમ કહીને કવિએ છીયાઓના હલનચલન સાથે સમયની ગતિ અને બદલાતાં દ્રશ્યોને સંકેત્યાં છે. નાના-નાના આવાસો, માટી-ઘાસમાંથી બનાવેલાં ઘરોમાંથી આવજા કરતી ગૃહિણીઓને કવિએ સૌમ્ય-મધુર કહીને વર્ણવી છે. સંધ્યા ટાણે દીપ પ્રગટાવતી ગૃહિણીનું ચિત્ર કવિને મન પ્રકૃતિના કોઈ પણ રમ્ય દૃશ્ય કરતાં વધારે પ્રિય છે. મુગ્ધતાને આંખોમાં ભરીને રમતમાં જ મગ્ન એવાં બાળકો આંખોને પણ પોતાની પ્રવૃત્તિમાં જ ભોળેભાવે પરોવી રાખે છે! કવિને આ શિશુકુલોનું ખાસ આકર્ષણ છે.
તળેટીમાં વસતાં માનવના જીવનની આવી હૃદયંગમ સૃષ્ટિ-નિરખતાં જ ઉદાસ હૃદયની ઉદાસી દૂર થઈ જાય છે ને કવિ હૃદયમાં અનેક ભાવસ્કૂરણાઓ થાય છે, જાણે ભાવનાં મુકુલો ખીલી ઊઠે છે! પ્રકૃતિના આકર્ષણથીય આગળ નીકળી જતો કવિનો આ જીવનપ્રેમ કાવ્યના ષર્કમાં કવિએ વર્ણવ્યો છે. જે હૃદયમાં ભાવપુષ્પો ખીલી ઊઠે છે એ હૃદય અંતે કહે છે:
ભલે શૃંગો ઊંચાં, અવનિતલ વાસો મુજ રહો!
કવિ પ્રકૃતિને, એના જાદુને સ્વીકારવા છતાં પોતાનું સ્થાન પૃથ્વી પર જ માણસોની વચ્ચે ઈચ્છે છે. કવિનો માનવતાવાદી અભિગમ અહીં કાવ્યાન્તે સ્પષ્ટ પામી શકાય છે. કાવ્યની નવમી પંક્તિના ભાવને કવિ શબ્દ ફેરે ચૌદમી પંક્તિમાં નિરૂપે છે! કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિનો ભાવ એક વિશાળ ભાવનાના સ્વરૂપમાં પ્રગટી ઊઠે છે, એ નોંધપાત્ર છે. તત્સમ શબ્દો અને એવા જ સમાસોથી કવિની કાવ્યભાષા દીપ્તિમંત બની છે. છંદોરચના પણ સહજ પ્રતીત થાય છે. પ્રકૃતિને વર્ણવતું આ સોનેટ માનવતાની અને માનવપ્રેમની કવિભાવનાનું સૂચન કરે છે. અષ્ટક અને ષટ્કના પંક્તિ વિભાગો અહીં કવિએ સાચવ્યા છે. ષટ્કમાં ભાવનો વળાંક અને કવિની ભાવનાનું ઉદ્ઘાટન થતું જોવા મળે છે. વિષય, વર્ણનની સધનતાનો અને એકતાનો સૉનેટમાં રખાતો આગ્રહ પણ અહીં સંતોષાયો છે. કવિની શબ્દસૂઝ, ભાવને સચોટતાથી અને કળાપૂર્ણતાથી મૂકવાની આવડત, છંદછટા અને અભિવ્યક્તિમાંથી પ્રતીત થતી એકસૂત્રતા આ સૉનેટને ઉમાશંકરનું જ નહીં ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર સૉનેટ બનાવે છે.
*
હવે આ જ કાવ્યનો બીજા એક લેખકે કરાવેલો આસ્વાદ જોઈએ. એ જ કાવ્યનો આસ્વાદ બે વ્યક્તિઓ કરાવે ત્યારે એમના દૃષ્ટિકોણનો ભેદ પરખાય છે. ઉપરાંત બંનેએ દર્શાવેલાં કાવ્યનાં રસસ્થાનો અને કાવ્યના વિશેષોનો આપણને ખ્યાલ આપે છે. રચનાતંત્ર અને ભાવવિશ્વને પામવા પકડવાનો બંને આસ્વાદકોનો દૃષ્ટિકોણ પણ અહીં પમાશે, કોઈ પણ વિવેચનની જેમ કાવ્યાસ્વાદ પણ કૈક અંશે ‘સબ્જેક્ટીવીટી’ દાખવ્યા વિના નહીં રહે. કવિતાને વધારે આસ્વાદકો પાસેથી પામીએ, વારંવાર એની આવૃત્તિઓ કરીએ તો આપણે પણ કવિતા વિશે વધારે અધિકારથી ને રસથી વાત કરી શકીએ. આવા આશયથી અહીં એકજ કાવ્યના બે લેખકોએ કરાયેલા આસ્વાદોને સાથે મૂક્યા છે. તો જોઈએ બીજો આસ્વાદ.
સૉનેટ ઉમાશંકરનો પ્રિય કાવ્યપ્રકાર રહ્યો છે. સૉનેટમાં ચિંતન અને ઊર્મિની સમતોલ અભિવ્યક્તિની ક્ષમતા વિશેષ રહેલી છે તે કારણે કદાચ ઉમાશંકરની પ્રકૃતિને આ કાવ્યપ્રકાર વિશેષ અનુકૂળ આવ્યો હશે. એમણે લગભગ દોઢસો જેટલાં સોનેટ રચ્યાં છે. ઉમાશંકરની સર્જનપ્રક્રિયાનો આરંભ જ ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ જેવા સંઘેડાઉતાર સોનેટથી થયેલો છે. આમાં બ.ક.ઠાનો પરોક્ષ પ્રભાવ કારણભૂત હોઈ શકે. આ કવિ પાસે પ્રારંભથી જ સોનેટનાં સ્વરૂપની ક્ષમતાઓનો પરિચય હતો એટલે સર્જનપ્રક્રિયાનો આરંભ સોનેટથી જ થાય છે તે અકસ્માત નથી. “શૈલી અને સ્વરૂપ”માં એમણે કહ્યું છે. કે “સોનેટમાં કલાકારની આકૃતિસૂઝને પ્રવૃત્ત થવા એવો તો અવકાશ મળે છે કે સોનેટ દ્વારા ‘વિરાટ’ તત્ત્વનો આવિષ્કાર થવા આડે એની અલ્પકાયતા આવી શકતી નથી. મહાન કાવ્ય હોવા માટે મહાકાય હોવું આવશ્યક નથી. સૉનટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામન સ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે! સોનેટમાં ચિંતન અને મનનનો અવકાશ રહ્યો છે એ કારણે એ અન્ય સ્વરૂપોથી જુદું પડે છે, અને ચિંતન અને મનન ઉમાશંકરની કવિતાનો પણ વિશેષ રહ્યો છે. આ કારણે જ બ.ક.ઠા પછી ગુજરાતીમાં સોનેટને સ્થાપવામાં ઉમાશંકરનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.
“ભલે શૃંગો ઊંચાં”માં કવિનો જીવન પ્રત્યેનો પક્ષપાત પ્રગટ થયો છે. મનુષ્યને જીવનમાં ઊંચાં ઊંચાં શિખરો સર કરવાની તમન્ના થતી હોય છે. ઊંચાઈ પામવા એ આજીવન સંઘર્ષરત રહે છે અને જ્યારે સફળતા મળે ત્યારે ધન્યતાનો અનુભવ કરે છે. પ્રવર્તમાન જગતમાં જે સિદ્ધિઓ દૃષ્ટિગોચર થાય છે તેના મૂળમાં મનુષ્યની આ મહત્વાકાંક્ષા, ઊંચા ઊંચા શિખરો સર કરવાની તમન્ના જ રહેલી છે. અહીં તો ઊંચાં શૃંગો કવિને સામેથી ઈજન આપી રહ્યાં છે:
‘મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો’
શિખરો મૌન છે અને બોલાવે છે! કવિને શિખરોનું મૌન નિમંત્રણ છે. પ્રકૃતિનું કવિને સદૈવ આકર્ષણ રહ્યું છે. પ્રકૃતિ જ કવિને બોલાવતી હોય તે પ્રકારનું આલેખન એમનાં ઘણાં કાવ્યોમાં જોવા મળે છે. એમના પ્રસિદ્ધ સોનેટ ‘રહ્યાં વર્ષો તેમાં-‘ની જ આ પંક્તિઓ જુઓ:
મને આમંત્રે ઓ મૂદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
મૌન શિખરોનાં નિમંત્રણના ઉલ્લેખ પછી એક સુંદર કલ્પન આલેખાયું છે. ગિરિવરની ઊંચી ધારો પર બરફ તગતગે છે. બરફથી ઢંકાયેલાં શિખરો પર જ્યારે તડકો પડે ત્યારે અવર્ણનીય દૃશ્ય સર્જાતું હોય છે. પ્રકૃતિનું પવિત્ર હાસ્ય કુમુદના પૂંજો સમું ઝગે છે. ખળળ વહેતું ઝરણું શાંતિ પ્રેરી રહ્યું છે. સ્તનરૂપી શિખરો પરની આ શાંતિ તડકો પીએ છે. બરફ દૂધ જેવો સફેદ હોય, શિખર સ્તનાકાર હોય અને તડકો કોમળ શિશુ જેવો. આ સાદૃશ્યોને કારણે આ અદ્ભૂત કલ્પન આવ્યું છે. શિશુ સરખા તડકાનાં મુખ પર સોહતા વિમલ દૂધની કલ્પના પણ કેટલી પ્રભાવક છે! અને નીલુ નભ વડીલની જેમ આશિષ વરસાવી રહ્યું છે! આવા રમણીય શિખરોના શીતળ સ્પર્શથી રસાઈને મત્ત બનેલો પવન બધી, દિશાઓમાં ભમે છે. પ્રકૃતિનાં રમ્ય દર્શનથી કવિ જરૂર પ્રભાવિત થયા છે છતાં મૌન-ઈજનનો એ સ્વીકાર નથી કરતા. કારણ આપતાં તેઓ કહે છે કે:
‘ગમે શૃંગો, કિંતુ જનરવ ભરી ખીણ મુજ હો’
ગિરિવરનાં શિખરો છે તો અદ્ભુત, સુંદર, પરંતુ ત્યાં ‘જનરવ’ કયાં છે? પાસુડા આ કવિને ગમે ખરું? શૃંગી ગમે છે ખરા પણ માણસોના અવાજથી ભરેલી ખીણ એમને વધુ વહાલી છે. માણસ પ્રત્યે કવિને વિશેષ પક્ષપાત રહ્યો છે એ એમની કવિતામાં હંમેશા જોવામાં આવ્યું છે. એક અન્ય સોનેટમાં એમણે કહ્યું છે કે:
મને વ્હાલી વ્હાલી કુદરત ધણી, કિંતુ અમૃતે
મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
તે અહીં પણ સાચું છે. આઠ પંક્તિઓ પછી અંતરંગ-વળાંક અનુભવાય છે. પ્રથમ અષ્ટકમાં કવિએ શિખરોનાં સૌંદર્યનું આલેખન કર્યું છે. અને એનું નિમંત્રણ અનુભવ્યું છે અને ષટ્કમાં જનરવ ભરેલી ખીણ પ્રત્યેનો પક્ષપાત સ-કારણ વર્ણવ્યો છે. આ સોનેટમાં કવિએ પોતાને પ્રિય એવો શિખરિણી છંદ પ્રયોજ્યો છે. છંદને સાચવવા એક જગ્યાએ કવિએ છૂટ લીધી છે. છઠ્ઠી પંક્તિમાં ‘સોહતું હોવું’ જોઈએ તેનાં બદલે ‘સુહતું’ શબ્દ પ્રયોજયો છે. ચોથી પંક્તિમાં છંદની આવશ્યકતાને કારણે કવિએ પુનરુક્તિ કરી છે. અને ‘જળ ઝરો’ કહ્યો છે. ઝરો તો જળનો જ હોય ને! જો કે લખનાં પ્રવાહમાં આ તડજોડ અખરતી નથી. ચૌદ પંક્તિનો કવિએ પૂરી ક્ષમતાથી ઉપયોગ કર્યો છે. અને આ ચુસ્ત સોનેટમાં પોતાની મુદ્રા અંકિત કરી છે.
(સાહિત્યનો આસ્વાદ)