વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથથી એટલે કે શ્રી ઉમાશંકરની કવિતાપ્રવૃત્તિના આરંભથી છેક વસંતવર્ષા સુધી એટલે કે લગભગ આજ સુધી એમને પૃથ્વીરસ જે રીતે વિકસતો આવ્યો છે એ ખરેખર એક આહ્લાદક ને આસ્વાદ્ય અભ્યાસ છે. છેક ગંગાત્રીથી એમની ‘વિશ્વમાનવી’ થવાની કામના છે. ગાંધીયુગની પ્રેરણાવાળો કવિ પ્રેમના વિસ્તારથી જ વિશ્વમાનવી બની શકે, ન અન્યથા. ગાંધીયુગના આપણા મુખ્ય બે કવિઓ: સુંદરમ્-ઉમાશંકરની પ્રથમ કાવ્યપોથીઓમાં પૃથ્વીપરાયણતાના એક સરખા-સમાન ભાવુકતાવાળા ઉદ્ગારો મળે છે:
‘હું માનવી માનવ થાઉં તો ઘણું’
‘નથી નથી ચક્કર દીર્ઘ ખાવાં’
ઉકેલતો તારક શબ્દપોથી
ને પ્રેમધારા વહું વિશ્વતોમુખી.’ (ગંગોત્રી: વિશ્વતોમુખી)
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનની,
માથે ધરું ધૂળ વસુંધરાની. (ગંગોત્રી: વિશ્વ માનવી)
શ્રી. સુંદરમ્-ઉમાશંકરના ઉદ્ગારો એવા તો સમાન છે કે એકના બીજાના નામે ચઢી જાય.
પરંતુ ‘વસુધા’ સુધી આવતાં તો શ્રી. સુંદરમ્ ‘દેવસુધા’ તરફ સ્પષ્ટ વળાંક લેતા જણાય છે. નર્મદ કે કાન્તની માફક શ્રી. સુંદરમ્નું શ્રદ્ધાપરિવર્તન–એ ત્રિપુટીને આપણી કવિતાપ્રવૃત્તિમાં વિશિષ્ટ બનાવી દે છે. કાન્તની માફક શ્રી. સુંદરમ્ કાવ્યમંગલા ને વસુધાની બીજી આવૃત્તિમાં અનેક સ્થળે નવી શ્રદ્ધાયુક્ત પાઠાન્તરો પણ દાખલ કરી દે છે; પણ શ્રી. ઉમાશંકરનો વસુધારસ અનેક સંસ્કારોથી પરિપુષ્ટ થત એક સરખો સમથળ વહેતો આવ્યો છે. ગાંધીયુગના આ બે મુખ્ય કવિઓમાં એક શ્રી. અરવિંદસંસ્કારથી દીક્ષિત થાય છે, જ્યારે બીજા શ્રી. રવીન્દ્રસંસ્કારનું યજ્ઞોપવીત, જાણે કે, લે છે. ઉમાશંકરને વસુધારસ સંસ્કારમાં રવીન્દ્રનાથ જેવો છે. રવીન્દ્રનાથે ‘સ્વર્ગમાંથી વિદાય’માં સ્વર્ગને મુકાબલે પૃથ્વીની પ્રેમઉષ્માને વધુ સત્કારી છે એ વાત અભ્યાસીઓને સુવિદિત છે, ઉમાશંકર પોતે રવીન્દ્રનાથને ‘કવીન્દ્ર હે પૃથ્વીની મૃત્તિકાના” કહી અંજલિ આપે છે. ગંગોત્રી પછીના નિશીથમાં તો ઉમાશંકર સ્પષ્ટપણે પૃથ્વીના પક્ષપાતા–ને પૃથ્વીમાંય વનપ્રકૃતિ કરતાં જનપ્રકૃતિના પક્ષપાતી થતા જોઈ શકાય છે. છેક ૧૯૩૫માં લખાયેલા ‘કુંજ ઉરની’ સૉનેટનું અંતિમ યુગ્મક જુઓ:
મને વહાલી વ્હાલી કુદરત ઘણી, કિન્તુ અમૃતે
મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
બીજા જ સંગ્રહ ઉપર આવતાં તો એક કવિની શ્રદ્ધા પરિવર્તન પામી ઊર્ધ્વ બનવા મથે છે. (આ એક vertical વિકાસ છે) જ્યારે બીજા કવિ વિશાળ ઉદાર ગહન માણસાઈની સંસ્કૃતિ તરફ આગળ વિકસે છે. આ વિકાસ સતત-સમથળ Horizontal કહી શકાય. આમ ઉમાશંકર ખરી રીતે ‘વસુધા’ના કવિ છે. જ્યારે શ્રી. સુંદરમ્ ‘શૃંગો’ના કવિ છે. આપણી મહત્ત્વાકાંક્ષી કવિતાપ્રવૃત્તિના એક જ ગાળામાં આપણને બન્ને જાતના કવિએ મળી ગયા છે એ આપણું સદ્ભાગ્ય છે.
ઉપર જે સૉનેટ ટાંક્યું છે એવા કવિના ગમા-અણગમા ને તે દ્વારા અખિલ રુચિતંત્ર દર્શાવતાં કાવ્યોથી કવિચિત્તનો અભ્યાસ એકદમ સરલ બની જાય છે. આ સ્થળે મને પૂજાલાલની ‘મને શૃંગો વ્હાલાં’ નામની કૃતિ પણ યાદ આવી જાય છે.
શૃંગો એટલે ઊંચામાં ઊંચી પાર્થિવતા—પૃથ્વી-ગગનનો સાખપાડોશ, એટલે આધ્યાત્મિકતાની સરહદ. શૃંગ જોઈ તેને ઊર્ધ્વ અધ્યાત્મયાત્રામાં ઊર્ધ્વ આરોહણનું પ્રતીક બનાવવાની કોઈ પણ કવિને લાલચ રહે જ. ઊર્ધ્વ આરોહણપ્રિય કોઈ કવિના હાથમાં શૃંગો ભાગ્યે જ પાર્થિવ રહે. એ તો અષ્ટકમાં ‘મને પૃથ્વી ગમે છે’ કહી ષટકમાં તે એની ભર્ત્સના કરી ‘શૃંગો’નું આમંત્રણ–આહ્વાન–સ્વીકારવા લલચાવાના જ. એ પણ એક હૃદ્ય અભિગમ છે જ; પરંતુ મને ઉમાશંકરના આ સૉનેટનું મુખ્ય આકર્ષણ જ આ લાગ્યું છે કે એમણે શૃંગોની નિંદા કર્યા વિના જ જનરવ ભરેલી ખીણ વધુ પસંદ કરી છે. શિખરનું મૌન અને જનરવભરી ખીણ પર રુચિતંત્ર જાણે તોળાયું છે. પરિવર્તન આણી સૉનેટમાં પલટો લાવવા પ્રમાણમાં સહેલો છે; પણ અખિલ રુચિતંત્રને આમ સમાન પલ્લે તોળવામાં સૉનેટને વળાંક આપવો એ શ્રી. ઉમાશંકરથી સહેજ પણ કાચા કવિને હાથે ત્રાજવું કંપી ઊઠત ને–વાત કથળી જાત. અહીં ઊલટું રુચિતંત્રમાં લગભગ સમાન વિભાજનથી સૉનેટ શેાભી ઊઠ્યું છે. સૉનેટનો ઉઘાડ જુએ: ‘મને બોલાવે ઓ ગિરિવરતણાં મૌનશિખરો. આ આમંત્રણ બુદ્ધની માફક આધ્યાત્મિક નથી, તો નથી. સાવ ભ્રમણાપિપાસુ Wander thirstના કવિ જેવું ય. શ્રી ઉમાશંકરની ખૂબી એ છે કે શૃંગો આધ્યાત્મિકતાનું પ્રતીક ક્યાંય બનતાં નથી; જો કે આટલી ઊંચાઈ એ આધ્યાત્મિકતાનું આક્રમણ ટાળવું ખરે જ, મુશ્કેલ છે. ‘શુચિ પ્રજ્ઞાશાળાસ્મિત’માં, ‘ચિર શાતા’ ‘શાન્તિઅમૃત’ ‘વિમલ’ ‘હસતા નીલા ઊંડા નભ’માં ‘હૃદય-આશિષ’ની વર્ષા જેવાં શબ્દકુલોમાં કોઈ ને બુદ્ધના જેવી આધ્યાત્મિકતાનો સ્પર્શ વર્તાય પણ ખરો. (રવીન્દ્રનાથે પણ હિમાદ્રિને ઋષિમુનિઓના હજારો વર્ષના સંચિત પુંજીભૂત તપરાશિ કહ્યો જ છે ને.) પણ કવિનો પ્રધાનસૂર તો એમની માણસૂડી પ્રીતનો છે. ગિરિવરનાં ‘મોન’ શિખરે કરતાં ‘જનરવ’ ભરી ખીણની પસંદગી જ મહત્ત્વની છે. છેક ગંગોત્રીથી આ કવિ આમેય નરી પ્રકૃતિના શોખીન ભેાકતા છે જ નહીં. ભોમિયા વિના જ ડુંગરો ભમવાના કોડ સેવનાર આ કવિને ત્યાં ય રસ તો ‘રોતાં ઝરણાંની આંખ લ્હોવાનો’ જ છે.
આટલાથી જ આ અષ્ટકને પતાવવા જેવું નથી. શૃંગોના આમંત્રણનું એમ અપમાન કરી શકાય તેમ નથી, આપણા આ કવિ પણ કરી શકતા નથી. પ્રથમ પંક્તિના ઉદ્ગારમાત્રથી કવિ જાણે શૃંગોના મોહનમાં ખેંચાતા–પરવશ થતા લાગે છે. એમણે આ અષ્ટકમાં શૃંગપ્રકૃતિનો કેટલો બધો વૈભવ ઠાલવ્યો છે! આઠ પંક્તિમાં તો શૃંગના જાણે અષ્ટ વસુનો મેળો જ રચી દીધો છે: મૌનભર્યાં શિખરો, બર્ફીલી તગતગતી ટોચો, ઊંચી કરાડો, જળનો ઝરો, તડકો, નીલું ઊંડું નભ, દિશાઓ અને મત્ત મરુત! હિમાદ્રિ શૃંગોનું આ અષ્ટક એવી તે વાણીના આયોજનથી નિરૂપાયું છે કે, એ મૂંગા મૂંગાં હિમશિખરોની વિમલતા ને શુચિતા જાણે વાચાળ બની ઝગઝઝી ઊઠી છે! તુહિનભરી ટોચો એના તકારને ટકારથી જ ઝળહળી ઊઠે છે જાણે! ખળળ વહેતો જળઝરો પાણી જ નહીં, ચિર શાતાનેય વહે છે! તડકાશિશુને શૃંગસ્તન ધાવતું કેવું બતાવ્યું છે! એને મુખે જાણે એ અમૃતોપમ દૂધ સોડાય છે! (વસંતવર્ષામાં ઉમાશંકરે એક તડકાને ય કેટલાં લાડ લડાવી રમાડ્યો છે! કયાંક થોડોક ઢોળ્યો છે! ક્યાંક ડાળમાં ભર્યો છે!) અષ્ટકમાં શૃંગરુચિ એવી તો વેગવંતી વહે છે કે એના વહેણમાંથી બહાર નીકળી તટસ્થ થઈ જવું ને ‘મને શૃંગો નથી ગમતાં’ એમ કહેવાનું જ અઘરું બની જાય. ‘મને બોલાવે ઓ’માં ’ઓ’માં કવિ પર શૃંગોનાં અગમ્ય અદમ્ય આકર્ષણ બરાબર અંકાયાં છે, કવિ પર શૃંગોનું જાદુ નથી એમ કવિ કહેવા માગતા જ નથી. શૃંગોનું અપમાન કરે તો તે કવિ જ શાના કહેવાય? ઊલટું, આ કવિ તો ‘ડુંગરો’ના રસિયા છે. આ શૃંગોના અપમાનનું કાવ્ય નથી. આ તો પૃથ્વીનાં જ બે અંગો; શૃંગ અને ખીણ. પણ એક જનહીન નીરવ અને બીજું જનરવમુખર. એમાં એકને અન્યાય કર્યા વિના જ બીજાની પસંદગી કરવાનું કઠણ કામ માથે લેતું કાવ્ય છે—ષટ્કના આરંભમાં જ કવિ સ્પષ્ટપણે કહી દે છે કે ‘ગમે શુંગો!’ શૃંગો અલબત્ત ગમે છે. જે વસ્તુ ગમતી હોય તેમાં રમમાણ થવું સ્વાભાવિક છે. ષટ્કમાં ય કવિ શૃંગોના મોહન મંત્રથી જેમ તેમ જાણે છૂટે છે, એટલે ‘ગમે શૃંગો’ જેવા ટૂંકા ઉદ્ગાર આગળ કવિ શૃંગપુરાણ સમાપ્ત કરે છે, નહીં તો ષટ્કની મૂળે ય થોડી પંક્તિઓ, તેમાંથી ય થોડીક આ શૃંગરુચિ ઝૂંટવી લેત, પણ હવે તો જનરવભરી ખીણનું શૃંગ જેવું જ અનવદ્ય ને મહિમાપૂર્ણ ચિત્ર આંક્યે જ છૂટકો હતો.
શૃંગને મુકાબલે ખીણની પસંદગી કરવી એ મૂળે ય સાહસ છે. આપણી કવિતામાં ને ફિલસૂફીમાં જુઓ શ્રી ન્હાનાલાલે ‘જયાજયંત’માં ખીણવાસીની નિંદા કરી છે! જાણે કે અધસ્ = તમસ્ એવું સમીકરણ જ. કવિ જાણે અહીં એ ભૂલ સુધારે છે. શૃંગની નિંદા કર્યા વિના જ ખીણ ને ખીણવાસીઓ વચ્ચે એમના સુખદુઃખની વચ્ચે રહેવામાં પણ ચેતનાના વિસ્તાર નથી? આત્મૌપમ્ય નથી? તે પછી આ પણ આપ્યાત્મ્ય જ ન કહેવાય? તો પછી શૃંગ અને ખીણને વિરોધાવવાં યોગ્ય છે? એ એક જ આધ્યાત્મિકતાને વિસ્તાર નથી? આવા સવાલો આ કાવ્ય ઊભા કરે છે. એમના જવાબ પણ આપી દે છે. વળી આ કાવ્યમાં એક બીજો વિરોધ પણ ટાળવાનો પ્રયાસ છે; આ કાવ્યમાં Back to Nature એમ નહીં; પણ Back to mankind એમ છે ને Mankind ને Natureની પાર્શ્વભૂમિકામાં જ સ્થાપી આપી છે જેથી જન અને જન પ્રકૃતિને સુમેળ સધાયો છે.
ઉપર આલેખિત શૃંગોની સામે ગમે તેવી ખીણનું તો ગજું જ નહિ. બીજી બાજુ કવિને ‘મૌન’ની સામે ‘રવ’ મહિમા પણ આલેખવાનો છે, કેવી છે ઉમાશંકરની જનરવમુખર ખીણ? અહીં કવિએ નમૂના લેખે એક પ્રાચીન તપોવન સંસ્કૃતિના પ્રતિનિધિ જેવું જનપદ આલેખ્યું છે. કોઈને પ્રશ્ન થાય કે આમાં ‘મૌન’ના વિરોધે “રવાકુલતા’ ક્યાં છે? આ પણ એક પ્રશાન્ત ચિત્ર ન કહેવાય? એમ તો શૃંગો ય સંપૂર્ણ મૂક ક્યાં હતાં? ખળળ વહેતા ઝરા ને મત્ત મરુતાની ખલેલ હતી જ; પણ કવિને એવું અભિપ્રેત નથી. કવિને અભિપ્રેત નિશ્ચેતન શૃંગોને મુકાબલે માનવચૈતન્યથી મુખર તળેટી છે, આ માણસૂડા કવિને સૌથી વધુ પ્રિય ‘માણસ’ છે. એની સામાજિક હિલચાલ છે માત્ર એને પ્રિય છે. આ રોમાંચક પ્રાચીન જનપદ-વસ્તીનું ચિત્ર જુઓ. શાલ તરુની નૈસર્ગિક રીતે રચાયેલી અકૃત્રિમ તરુની છાયાઓ, ઉટજો… (જડમાંથી ધીમે ધીમે ચેતન) ગૃહિણી, તેના સંધ્યાદીપનું માંગલ્ય અને હજી ય… આગળ શિશુ કુલો–ને હવે તે વ્હીલા હૃદય હૃદયે ભાવમુકુલો ખીલે છે ત્યાં એ ચિત્રની પરાકાષ્ઠા છે. કવિને અતિપ્રિય એવું આ ચિત્ર છે, જે એક સમાજ રચતા-સામાજિકતામાં રાચતા ને પેઢીએ વિકસાવી માંગલ્ય વિસ્તારતા માનવગણનું છે, ‘નિશીથ’ના આ કવિને હજી ‘કુંજ ઉરની’ જ ગમે છે. આ તળેટી એટલે વસુધારસનું પ્રતીક, સમાજનું પ્રતીક, કવિના રુચિતંત્રમાં આવી સ્વર્ગોપમ પૃથ્વીની ખીણનો નકશો છે, જે How green was my valleyમાંની valley જેવું છે. પણ પ્રશ્ન તો ખરેખર એ છે કે, જગત વાસ્તવમાં આવું છે ખરું?
આ પ્રશાન્ત જનરવ યુદ્ધકોલાહલ બની આ ખીણને ક્ષુબ્ધ નથી કરતો? ઉટજટજે સૌમ્ય ગૃહિણીને સંધ્યાદીપ માટે પૂરતું ઘી (સ્નેહ) છે ખરું? અહીં ખરેખર વ્હીલાં હૃદયમાં ભાવમુકુલો ખીલે છે ખરાં? અને આમ ન હોય તો? શૃંગોનું આમંત્રણ ઊભેલું જ છે. એ સારું છે કે આપણે તળેટીમાં જ છીએ. શૃંગોના પડછાયા તળેટીને ભરી દે છે. સારું છે કે, આપણને–ખીણવાસીઓને શૃંગોનું સાન્નિધ્ય છે. અવનિતલવાસો છે–તો કોક દિવસ શૃંગોનું આમંત્રણ અવગણી શકાશે નહીં; ત્યારે આપણી પલાયનવૃત્તિ નહિ પોષતાં આ ખીણને જ વધુ સમૃદ્ધ (Green) બનાવવાનો કોઈ કીમિયો બતાવશે. પૃથ્વી ઉપર ફરીથી મોકલવા જ શૃંગોનું આમંત્રણ આપણને સદાય ઊભું જ છે. ગમે તેમ હો, પણ ૧૯૩૦-૩૨થી તે ૧૯૫૩ સુધી ને હજી ય ઉત્તરોત્તર, માનવરસ–સંસ્કૃતિરસને વસુધા રસને ઉચ્ચ, ઉચ્ચતર, વિશાલ, ગહન, ઉદાર ઉદ્ગાર-ગાંધી-રવીન્દ્ર યુગના કવિને છાજે તેવા ઉદ્ગાર-ગુજરાતમાં કોઈનો સાંભળવો હશે તો શ્રી ઉમાશંકર જેવા માણસૂડા કવિ આપણને સૌથી વધુ સંતોષશે એમાં શંકા નથી.
(રૂપ અને રસ)