ભણકારા કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

બળવંતરાય ઠાકોર

ભણકારા

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,

ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ સોનેટ તે `ભણકારા’. ગુજરાતીની તળભૂમિમાં સૉનેટ દૃઢમૂલ કરવામાં અને તેને વિકસાવવામાં બ. ક. ઠાકોરનો સિંહફાળો રહ્યો છે. તરલ-વિરલ સૌન્દર્યાનુભવનું કેવું તાદૃશ નિરૂપણ સૉનેટમાં થઈ શકે તેનો આ એક અનન્ય નમૂનો છે. કવિસંવિત સૌન્દર્યના સૂક્ષ્મ-સંકુલ અનુભવનો જે રીતે સાક્ષાત્કાર કરવું હોય છે તેનો આબાદ સાક્ષાત્કાર આ સૉનેટ કરાવી રહે છે.

પ્રસ્તુત સૉનેટ પેટ્રાર્ક-રીતિનું હોઈ તેમાં અષ્ટક અને ષટ્કની ખંડયોજના છે. તેની પ્રાસરચના AA, BB, CC, DD, EE, FF અને GG – એ પ્રકારની છે. સૉનેટ માટે મંદાક્રાન્તા વૃત્તની પસંદગી થઈ છે. આ પસંદગી કેટલી સમુચિત છે તે તો આ કાવ્યના લયાન્વિત ભાવબોધે પ્રતીત થાય છે. ગુજરાતી સૉનેટસ્તરે મંદાક્રાન્તાના લયનો બ. ક. ઠાકોરે જે પ્રકારે પ્રયોગ કર્યો છે તે કેટલીક રીતે વિલક્ષણ ને આકર્ષક છે. કવિએ અનેક સૉનેટોમાં મંદાક્રાન્તાના લયસૌન્દર્યનો અપૂર્વ ઢાળ સિદ્ધ કરી બતાવ્યો છે.

પ્રસ્તુત સૉનેટનો કેન્દ્રસ્થ વિષય પ્રકૃતિમાંથી લીધો છે, અને તેય છે સરિત-સૌન્દર્યનો, ચાંદની-રાતના રેવાના સૌન્દર્યનો. કવિ પોતે જ આમ તો રેવાનું સંતાન. એનો ખોળો ખૂંદતાં ખૂંદતાં, એની સાથે ખેલ-ગેલ કરતાં કરતાં એમના મનોગર્ભનું સંવર્ધન થયેલું. એમનું કવિસંવિત જ રેવામૃતે સિંચાયેલું. રેવાના સ્થળ વિષેશનું અહીં વાસ્તવરંગી સુકુમાર ચિત્રણ છે. રેવાની અભરતા ને પ્રસન્નતા અહીં કવિસંવિતને અપૂર્વ રીતે ઉદ્ઘાટિત થવાની તક પૂરી પાડે છે. નર્મદા-રેવા કવિને માટે માત્ર નદી નથી, તેથી કંઈક વિશેષ છે. એના દૈવતની કવિને પતીજ છે. એની શક્તિ, એનો સ્પંદ કવિને અનિર્વચનીય એવી રણીયતાનો છંદ બરોબર લગાડે છે. કવિનો રેવાદર્શનનો આ અનુભવ અનેક રીતે અનોખો અને અદ્ભુત લાગે છે. પ્રકૃતિચેતના, કવિચેતના સાથે કેવી રસયોગની પ્રક્રિયા સિદ્ધ કરે છે તેનું અહીં પ્રત્યક્ષ પ્રક્રિયાદર્શન અનુભવાય છે. આ કાવ્ય એ રીતે પ્રકૃતિ માટેના સૌન્દર્યરાગનું, કવિના સર્જનોલ્લાસનું કાવ્ય બની રહે છે.

અહીં કવિસંવિતની વિલક્ષણ ભાવાવસ્થા પ્રગટ થાય છે. નથી એ સુષુપ્તિ, નથી જાગૃતિ. એ અવસ્થા છે વાસ્તવ અને સ્વપ્નની સીમારેખા જ્યાં ભળેમળે છે તેવા ચેતનાના કોઈ ઉત્કૃષ્ટ ભાવયોગની. આ ભાવબિંદુએ અનુભૂતિનું કલ્પનામાં સંક્રાન્ત થવું કે સત્યનું સ્વપ્નમાં રૂપાંતર થવું એ સહજ-સ્વાભાવિક છે. સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યાપક અને ગહન, વાસ્તવિક અને કાલ્પનિક એવી એવી ચેતનાની દ્વંદ્વમૂલક અવસ્થિતિઓનું જે બિંદુએ સમન્વયાત્મક સંતુલન પ્રતીત થાય છે એ બિંદુ આ કાવ્યમાં જાણે ચણિયારાનું કામ કરે છે. અહીં જે પ્રકારે સૌન્દર્યપ્રાણિત સંવેદનાનો સતત અંત:સ્રાવ થાય છે તે કવિની સર્જનચેતનાના સમન્વયમૂલક, સમગ્રસ્પર્શી ભાવાભિગમને આભારી છે.

સૉનેટના આરંભે દૂરથી ભાસતા તૂટધૂમસની વાત છે. નર્મદને કંઈક એવો ભાસ કબીરવડદર્શને ભૂતકાળમાં થયેલો. કવિદર્શમનો આરંભ આભાસ-ભાને થાય છે. શરૂઆતમાં કાંઠા પરનો ધુમ્મસિયો વિસ્તાર કવિની નજરે ચઢે છે. એ એવો આભાસ છે જેમાં નથી પૂરો પ્રકાશ, નથી અંધકાર. વૃક્ષોનેય નીંદ આવી જાય એવું એ વાતાવરણ છે. એ વાતાવરણમાં રેવાના વહેણનો ગતિસ્પંદ પણ પૂરતો સંવાદમધુર બની રહે છે. રેવાનો ગતિસ્પંદ નિદ્રાપ્રેરક વાતાવરણની મોહિનીને ખંડિત ન કરતાં, તેને સવિશેષ પ્રભાવક બનાવે છે. રેવાયે કોઈ સ્વપ્નસુંદરી-શી વિશ્રાંતિના ભાવમાં જાણે નિદ્રાધીન-સ્વપ્નાધીન ન હોય! રેવાની પુષ્ટ ગૌર છાતી શ્વાસોથ્વાસે ઉપરતળે થતી હોય તેનુંયે ઇન્દ્રિયગ્રાહ્ય (Sensuous) ચિત્ર કવિ અહીં આપે છે. જલ-જીવનની સમૃદ્ધિએ રેવાની સૌન્દર્યસ્ફૂર્તિને અનેકધા પુષ્ટ કરી છે. તેથી કવિની દૃષ્ટિ એ સૌન્દર્યસ્ફૂર્તિના ભાવગ્રહણમાં કેન્દ્રિત થાય છે. રેવાની પ્રસન્ન-શાંત સ્વપ્નિલ પલકમાં એના અંત:સૌન્દર્યનો જ મર્મ બળકટતાથી ઉદ્ઘાટન પામે છે. વળી, એ રેવાની ઊછળતી છાતી પર જે રીતે તલના જેવી શ્યામ હોડી ઉપર-તળે થાય છે તેનુંયે કવિ અહીં તાજગીભર્યું – સૂક્ષ્મ દૃષ્ટિની તીક્ષ્ણતા સાથેનું સુકુમાર ચિત્રણ આપે છે. સુપ્તાંગના રેવા જ નથી, રેવા સાથેની પ્રવૃત્તિયે એવી જ લાગે છે! સ્વપ્નસુંદરીના પ્રભાવ-આલોકમાં કવિ ખેંચાય છે. એ ભલે રેવાતટે ખડા હોય પણ રેવાના – પ્રકૃતિના રૂપેરી સૌન્દર્યપ્રવાહમાં તેઓ તન્મય થતા ખેંચાય છે પણ ખરા ને છતાં કાવ્યકલાને ઉપકારક તટસ્થતા – સમતુલા સચવાય એની કાળજીયે રાખે છે. રેવાના જલસ્રોતના ગતિ-ઉછાળ સાથે કવિની સર્જક-ચેતનાનો ગતિ-ઉછાળ પણ પૂરેપૂરો સંવાદ-મેળ સાધે છે.

કવિની આસપાસ ચાંદનીનું સુકુમાર – કુસુમકોમળ વાતાવરણ છે. કવિ ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતાં ચંદ્રને નિહાળે છે. એ ચંદ્ર પણ વાદળોની વચ્ચે લપાતો-છુપાતો સરતો જણાય છે. એ ચંદ્રની મોહિની એનું કામણ રહસ્યમધુર છે. એના પ્રભાવે સૃષ્ટિ કોઈ વિશ્રંભાવસ્થામાં પોઢેલી સુંદરી-શી લાગે છે. ચંદ્રના આભા-સ્પર્શે એની કાંતિ કંઈક અલૌકિક-શી ભાસે છે. વળી, સૃષ્ટિના ઝબક-દર્શને ચાંદની શરમાતી હોય – કુસુમવસ્ત્રે પોતાના દેહસૌન્દર્યને ઢાંકતી હોય એવી પ્રગલ્ભ કલ્પના પણ કવિ કરે છે. આવા ચાંદનીભર્યા પ્રમત્ત વાતાવરણમાં સમગ્ર સૃષ્ટિ કોઈ કમલ-શી ભાસે છે. એ કમલની પાંખડીઓમાં સૌન્દર્યઘેલો મધુકર બંધાઈ રહ્યો હોય એમ વાયુ પણ થોડો સમય બંધાઈને પછી સૃષ્ટિકમલના ઉદ્ઘાટન – ખિલાવ – વિકાસ સાથે મુક્તિનો અવકાશ પામે છે અને લીલામય કોમળ ગતિએ એ સંચરણ કરતો સૃષ્ટિ સમસ્તને એની સૌન્દર્યસુવાસિત મોહિનીમાં બાંધી – આવરી લે છે. સૌન્દર્યાનુભૂતિની ગતિ-મુક્તિનો એક અપૂર્વ લીલામય પ્રાણસંચાર કવિ પ્રકૃતિમાંથી પામે છે.

ઉપર્યુક્ત ભાવાવસ્થામાં કવિનું હૃદય સહજતયા-લીલયા સૌન્દર્યાનુભૂતિના સ્પંદે મુખરિત થાય છે. કવિના હોઠ પર લયાન્વિત વાણીનો સંચાર થાય છે. કોઈ બીનના તારની રણઝણ-શી સંગીતમય આંદોલનગતિમાં કવિચિત્ત ઝૂમવા લાગે છે. જેમ પુષ્પની પાંખડી પર ઝાકળનું અવતરણ થાય એમ કવિની હૃદયકમળની પાંખડી પર મંત્ર-કવિતાની ગૂઢ વાણીનું અવતરણ થાય છે. એ વાણીના સ્પંદછંદ ક્યાંથી આવે છે એ તો પામી શકાતું નથી. ચાંદની-રાતના હૃદયમાંથી, રેવાના સૌન્દર્યપ્રવાહમાંથી, ગેબી સ્વર્ગંગાના રૂપેરી પટમાંથી કે વાદળીઓની ઘેરઘટામાંથી ક્યાંથી કવિની સૌન્દર્યવાણી પ્રભવે છે તે તો જાણી-પામી શકાતું નથી પણ એના પ્રભાવની નિગૂઢ અનુભૂતિ જરૂર થાય છે. કવિના આંતર સંવિતની કાવ્યબાનીની મુક્તામય સૌન્દર્ય-આભા પ્રગટ થાય છે. કવિસંવિત પ્રકૃતિ સૌન્દર્યના આભાસ-દર્શનથી તે કાવ્યસૌન્દર્યના ભણકાર-ગ્રહણ સુધીની સર્જનાત્મક સંવેદનગતિનું અહીં તરલમધુર છંદોબાનીમાં જે રીતે પ્રત્યક્ષીકરણ સિદ્ધ કરે છે તે તો અનન્ય જ છે.

આ કાવ્યમાં સૃષ્ટિ સાથે કવચિત્તનું જે સૌન્દર્યનિષ્ઠ તાદાત્મ્ય સિદ્ધ થાય છે તે આકર્ષક છે. કવિ સૉનેટના પૂર્વ ખંડમાં પ્રકૃતિનું બાહ્ય સૌન્દર્યદર્શન કરતાં કરતાં તેના ઉત્તર ખંડમાં જે રીતે પોતાની અંત:સૃષ્ટિનાં માધુર્યદર્શનમાં સરે છે તે ગતિ નિગૂઢ હોવા સાથે નમણી છે. રેવામાં તળે – ઉપર થતી નાવની જેમ કવિસંવિત પણ સૌન્દર્યના આહ્લાદક પ્રવાહમાં તળે-ઉપર થાય છે. પ્રાકૃતિક સૌન્દર્ય સાથે કવિના કાવ્યગત સૌન્દર્યનો અનોખો સમન્વય કવિની સર્જકચેતનાના પ્રભાવે સિદ્ધ થાય છે; અથવા અન્યથા એમ પણ કહી શકાય કે પ્રાકૃતિક સૌન્દર્ય – વૈશ્વિક સૌન્દર્ય કવિની સર્જકચેતનાના જાદુએ કાવ્ય સૌન્દર્યમાં અહીં અપૂર્વ રીતે રૂપાંતર પામે છે. અહીં કવિની સૌન્દર્યચેતનાની ભૂમિકાએ આંતર-બાહ્યના, વૈશ્વિક – આત્મિકના, સ્થૂળ-સૂક્ષ્મના, સ્થિતિ-ગતિના દ્વંદ્વમૂલક ભેદ ગળી-પીગળી જાય છે અને સંકુલ-સૂક્ષ્મ, ગૂઢ-ગહન સંવેદનમૂલક સૌન્દર્યચેતનાની વિસ્મયોત્પાદક, આહ્લાદક સત્તાનો અનિર્વચનીય ભાવબોધ જ અંતતોગત્વા અવશિષ્ટ રહે છે.

આમ, આભાસ-દર્શનથી ભણકાર-શ્રવણ સુધીની કવિની સર્જકચેતનાની સંક્રાન્તિને ઉત્ક્રાન્તિમૂલક ગતિવિધિ નિરૂપતું આ સૉનેટ કેવળ પ્રકૃતિરસનું જ નહીં, કાવ્યરસનુંયે ગહન અવગાહન કરાવતું અદ્વિતીય સૉનેટ છે. કવિનું ભાષાકર્મ-લયકર્મ પણ જે રીતે કવિના સંવેદનનિષ્ઠ સર્જનકર્મને અનુવર્તે છે તે કાવ્યાનુભૂતિની – સૌન્દર્યાનુભૂતિની ધ્વનિમધુર સંવેદના ચિત્તપટ પર અંકિત કરીને રહે છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book