બાળાશંકર કંથારિયા
બોધ
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ઉપર્યુક્ત ગઝલનું `બોધ’ શીર્ષક સાભિપ્રાય અપાયું છે. કવિ બાળાશંકરે માણસને જીવનમાં કામ લાગે એવી કેટલીક મુદ્દાની વાતો ગાંઠે બંધાવવાના સ્તુત્ય હેતુથી – સાત્ત્વિક ભાવોત્સાહથી આ ગઝલ રચી છે. `નિજાનંદે હંમેશા મસ્તીમાં મજા લેનારા’ આ કવિએ પ્રસ્તુત ગઝલ રચતાં પોતે તો આનંદ (નિજાનંદ અનુભવ્યો જ છે, પણ એ આનંદ પોતાન માનવબંધુઓમાંયે સંક્રાન્ત થાય એવી `શિવોર્મિ’થી તેઓ આ સર્જન કરવા પ્રેરાયા છે. પ્રસ્તુત ગઝલ બોધાત્મક કવિતા (didectic poetry)નો એક યાદગાર નમૂનો છે. એલિટરની રીતે કહીએ તો આ ગઝલમાં બીજો અવાજ (Second Voice) છે. એમાં કવિ પોતાના આત્મબંધુઓને સંબોધીને; `લેજે’, `દેજે’, `ર્હેજે’, `ક્હેજે’ જેવાં આજ્ઞાર્થ સ્વરૂપનાં ક્રિયાપદો રદીફ તરીકે યોજીને શું કરવા જેવું છે – કર્તવ્ય છે તેની શીખ આપે છે. દેખીતી રીતે આજ્ઞાદર્શક રૂપનાં આ ક્રિયપદોમાં ભાવ છે અનુરોધનો. એમાં શેઠ નોકનરે આજ્ઞા કરે એવો નહીં, પરંતુ મિત્ર મિત્રને પ્રેમથી અનુરોધ કરે એવો ભાવસંબંધ છે. કવિ અહીં જે બોધ-પ્રબોધ રજૂ કરે છે એના મૂળમાં એમનો જીવનનો સીધો અનુભવ રહેલો છે. એમાં સર્વ માનવબંધુઓ-આત્મબંધુઓ પ્રત્યેના એમનાં સ્નેહ, કરુણા, સમભાવ ને સદ્ભાવની પ્રબળતા વરતાય છે. તેથી આ ગઝલમાં અપાયેલો બોધ મુરબ્બીવટથી અપાતા બોધ જેવો બીજલ ને અકારો લાગતો નથી, પરંતુ મિત્રવચન-શો મિષ્ટ અને ઇષ્ટ લાગે છે. એમાં જિંદાદિલ કવિની જીવન વિશેની ઊંડી ને સમ્યક્ સમજ પ્રગટ થાય છે.
જગતનો નાથ તો સ્નેહ ને કરુણાના સાગરરૂપ છે. એમના દ્વારા જે કંઈ થાય તે સૌના સારા માટે જ હોય. કવિ આ બુનિયાદી શ્રદ્ધા લઈને અહીં ઉપસ્થિત થાય છે. પ્રિયતમ પરમાત્મા દુઃખ આપે તો તેય પ્રેમની પ્રસાદીરૂપ અને શ્રેયસ્કર જ હોય. તેથી પરમાત્મા તરફથી જીવનમાં જે કંઈ સાંપડે તે પ્રેમથી-પ્રસન્નતાથી સ્વીકારવામાં જ મનુષ્યના પરમાત્મા પ્રત્યેનાં શ્રદ્ધા-પ્રેમની તેમ જ શાણપણની કસોટી છે. પરમાત્માને જે `પ્રિય’ હોય તેને `અતિપ્રિય’ કરીને સ્વીકારી લેવામાં – વધારી લેવામાં મનુષ્યનું ખરેખરું હિત છે. કવિની પરમાત્માની શિવંકર શક્તિમાં કેવી દૃઢ શ્રદ્ધા છે તે કૃતિના પ્રારંભે જ ડોકાય છે.
બીજી કડીમાં કવિ દુનિયાની જૂઠી વાણીની દુનિયાદારીની ભાષાની વાત કરે છે. દુનિયાદારીની વાણી તો જૂઠ-છલ-ભરી હોવાની. તેની ઉદ્વિગ્ન રહ્યા કરવું ઠીક નથી. દુનિયા તો ની રીતે જ ચાલવાની. એની તથામાં પડ્યા સિવાય, મનુષ્યે પોતાને જે સાચું ને તેથી સારું લાગે તે જ કરતાં રહેવું જોઈએ. દુનિયાદારીની પલોજણથી પોતાના આનંદનો હ્રાસ ન થાય એ મનુષ્યે જોવું જોઈએ. સાચા આનંદનો અધિકાર દિલની સમુદારતા હોય તો જ પમાય છે. પોતે અપૂર્ણ છતાં, જાણે સંપૂર્ણ હોય એવા અહંભાવથી મનુષ્ય બીજાઓનાં લેખાંજોખાં કરવા બેસી જાય છે ત્યારે ભારે ભૂંડો લાગે છે. કવિ મનુષ્યને ભૂંડાપામાંથી ઊગરવાની, જગતકાજી થઈને નાહકનો ચિંતા-ભાર વહોરી પોતાનો આનંદ નહીં ખોવાની શીખ આ ગઝલની ત્રીજી કડીમાં આપે છે. કાજી થવાનું, ન્યાય-અન્યાયનો નિર્ણય કરવાનું કાર્ય પૂર્ણ એવા પરમાત્માનું છે. મનુષ્યે તેથી જ પોતાની શક્તિમર્યાદાનો ખ્યાલ કરી, જગતકાજી થઈ હાસ્યાસ્પદ થવાનું ટાળવું જોઈએ, નહીંતર હંસની ચાલે ચાલવા જતાં કાગડાની જે દુર્દશા થયેલી એ દુર્દશા ઈશ્વરની ચાલે ચાલવા જતાં મનુષ્યનીયે થાય.
આ જગત દ્વંદ્વાત્મક છે, માયાના ખેલરૂપ છે. એમાં સત-અસત વચ્ચે, સારા-નઠારા વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. મનુષ્યે એ સંઘર્ષ-ેલ, નિ:સંગ ભાવે તટસ્થતાથી કેમ જોવો ને માણવો તે સમજી લેવું જોઈએ. કશામાંયે લપટાવું કે ખરડાવું નહીં, અનાસક્તિ રાખવી એ સાત્ત્વિક આનંદ માટેની સર્વોત્તમ ભૂમિકા છે. એ ભૂમિકા સિદ્ધ કરવી હોય તો દુનિયાદારીના ચશ્મે જોવાનું ટાળવું જોઈએ. મનુષ્યે નિષ્પક્ષભાવે જે કંઈપોતાની અંદર ને આસપાસ ચાલે છે તેને જોતાં-સમજતાં શીખવું જોઈએ. સાચા આનંદનું મૂળ મનની એવી વિવેકયુક્ત કેળવણીમાં રહેલું છે.
કવિ તેથી જ મનને શુદ્ધ ને સજ્જ કરવાનો મનુષ્યને અનુરોધ કરે છે. આત્મપ્રસન્નતાના મૂળમાં આત્મશુદ્ધિ ને આત્મતૃષ્ટિ છે. જ્યાં શુદ્ધિ છે ત્યાં શાંતિ છે ને જ્યાં શાંતિ છે ત્યાં સુખ. સંતોષમાં જ સાચું સુખ છે. (संतोष एव पुरुषस्य परं निधानम्।) તેથી જ કવિ મનુષ્યને શાંતિ ને સમતાથી, સદ્ભાવ ને સદાચારથી જીવવાની હિમાયત કરે છે. મનુષ્યને જીવનમાં કડવા-મીઠા જાતભાતના અનુભવો થતા રહેવાના, પણ તેનો બહાર ઢંઢેરો પીટતાં ફરવામાં નથી એની શોભા, નથી એની સબળાઈ. સબળાઈ છે સમતામાં. માણસે પ્રસન્નતામાં રહેવા માટે સમતા કેળવવી જ રહી.
સાચો આનંદ દૈવી સંપત્તિના ઉપાર્જનમાં અને આસુરી સંપત્તિના વર્જનમાં છે. ક્રોધ અસુર છે, વૈરવૃત્તિવાળો છે, મનુષ્ય તેનાથી અભડાય છે. મનુષ્યે એનાથી મુક્ત થઈ, અવેરે વેર શમાવવાનો કીમિયો મનોગત કરી, ભલાઈનો-પ્રેમનો આશ્રય લેવો જોઈએ. ભલાઈમાં ભદ્રતા છે. ભલાઈમાં જ ભદ્રલક્ષ્મી-મહાલક્ષ્મીનું દર્શન લાધે છે. ભલાઈ-સુજનતા-સજ્જનતા જ મનુષ્યની સાચી સંપત્તિ-એની `મોટી મિરાત’ છે. મનુષ્ય ભલાઈ ને ભદ્રતાથી શોભે છે.
જીવનમાં પેરમ જેવું કોઈ પેય નથી. પ્રભુના પ્રેમનો પ્યાલો પીવામાં ને સૌને પિવડાવવામાં જ જીવનની ખરી રસમસ્તી છે. પ્રેમમાં પ્રભુતા છે. પ્રેમ દ્વારા જ પ્રભુના આહ્લાદક સાન્નિધ્યનું સુખ અનુભવાય છે. જે મનુષ્ય પ્રેમને આકંઠ અનુભવવા ચાહે છે તે પ્રેમને પ્રદૂષિત કરતાં કોઈ પણ તત્ત્વોને કઈ રીતે બરદાસ્ત કરી શકે? કોઈ કડવી વાણી બોલે ત્યારે તે તો બુદ્ધ કે બુદ્ધશિષ્ય આનંદની જેમ જરાયે વિચલિત થયા વિના સ્નેહની મધુરવાણીને જ વળગી રહેવાનો! અબુધ મનુષ્ય યદ્ધાતદ્વા બોલે તો એનું કંઈ પ્રબુદ્ધ મનુષ્યે અનુકરણ કરવાનું ન હોય. અબુધ મનુષ્યની મૂર્ખતાનું અનુસરણ ન જ થાય. હૃદયમાં સ્નેહ હોય તો વાણીમાંયે તેનું માધુર્ય સ્રવે. મનુષ્યોએ તો એવી મધુમય વાણીનું આરાધન કરવાનું હોય. એવું આરાધન મનુષ્યને આચારવિચારમાં શીલમાં મનુષ્યને ઔપનિષદિક ભૂમિકાના `મધુવ્રતી’ બનાવી શકે.
એ સાચું છે કે કેવળ પરમાત્મા જ અહીં કર્તુમ્- અકર્તુમ્-અન્યથા કર્તુમ્ સમર્થ છે. એ રીતે તો ઈશ્વરેચ્છા જ બલીયસી છે. પ્રારબ્ધબળ એ સંદર્ભે જ અનુભવવાનું રહે છે. મનુષ્ય પરમાત્મતત્ત્વના પ્રત્યક્ષ અધિષ્ઠાનરૂપ છે. તે જો આત્મશક્તિ પ્રતિ-આત્મપુરુષાર્થ પ્રતિ ન વળે તો તેનો આત્મહ્રાસ-આત્મઘાત જ થાય. મનુષ્યની અમૃતમયતા તેના પુરુષાર્થમાં છે. તેનો આત્મધર્મ પુરુષાર્થનિષ્ઠ થવામાં છે, પ્રારબ્ધવાદી થવામાં નહીં. પરમાત્માને પણ એના આ સર્વોત્તમ સર્જન પાસેથી આવું જ અપેક્ષિત છે, અભીષ્ટ છે.
આ સંસાર જેનું સાચું માનીને ચાલે છે તેનું મનુષ્યે તલાવગાહી નિરીક્ષણ-સમીક્ષણ કરવું જોઈએ. સત્યના નામે જે કંઈ અસત ચાલતું હોય તેનાથી `ઊફરા’ થઈને મનુષ્યે ઈશ્વરની આ સંસારલીલાનો તાગ મેળવવો જોઈએ. દુન્યવી વ્યવહારોમાં તો સ્વાર્થપરાયણતાનું ભારે ચલણ હોય છે. એમાંથી મનુષ્યે પોતાની જાતને સલૂકાઈ તારવી લેવી જોઈએ. અસતની વફાદારી ન હોય, એનું અનુસરણ ન ચાલે. મનુષ્યનું સાચું સુખ નિર્મોહી થવામાં – શાંત રહેવામાં છે. આ દુનિયાનો જે માયાવી ખેલરચના ચાલે છે એમાં ન ફસાવાય એ માટે સાવધ રહેવું જોઈએ.
આ ગઝલના અંતભાગમાં કવિ બાળાશંકર જાણે આત્મબોધ તરફ વળતા હોય એવુંયે લાગે! કવિને કાવ્યપુષ્પો પ્રગટ કરવાનું સામર્થ્ય પરમાત્મા દ્વારા પ્રાપ્ત થાય છે. કવિ પરમાત્માની જ પ્રસાદીરૂપ કાવ્યોની માળા ગૂંથી પરમાત્માને જ સમર્પી કૃતાર્થ થવાની ભાવના વ્યક્ત કરે છે. બ્રહ્મનું દીધું બ્રહ્મને જ અર્પણ – એવો આ તો ગીતાનિર્દિષ્ટ તાલ છે. પરમાત્માના પ્રેમમાર્ગની આ તો ખૂબી છે. પરમાત્માનાં દીધાં કાવ્યપુષ્પો એને જ અર્પીને ન્યાલ થવાનું! મનુષ્ય કાવ્યના સર્જનમાં-પ્રણયના નિર્બંધ સમર્પણમાં ખરું રાજવીપણું માણી શકે છે. જેણે કાવ્યસર્જન દ્વારા પ્રણય સમર્પણ દ્વારા પરમાત્માની પ્રેમની સત્તા અનુભવી છે એ `રાજા’ છે. એવા નિજાનંદે મસ્ત કવિને પછી સંસારની આધિવ્યાધિ-ઉપાધિની શી પરવા? એ તો એના સર્જનાનંદમાં-આત્માનંદમાં મસ્ત ને મુક્ત જ રહે છે. કવિ એવી મસ્તી કે મુક્તિનો અલૌકિક લહાવો લેવાનો અનુરોધ કરીને છેવટે વિરમે છે.
આમ આ કાવ્યબોધ વસ્તુત: અનુભવબોધ હોઈ શુષ્ક લાગતો નથી. આ બોધની રજૂઆતમાં કવિની આત્મીયતાનો – સ્નેહ, કરુણા ને સમભાવનો જે સંચાર-વિસ્તાર અનુભવાય છે તે કાવ્યને રસપ્રદ ને રોચક બનાવે છે. ગુજરાતીમાં આવી શાંતરસની રચનાઓ ઝાઝી નથી. કવિની વાણીની સાહજિકતા ને સરળતા હૃદયંગમ છે. `પ્રભુના પ્રેમનો પ્યાલો’ કે `પ્રભુનાં નામનાં પુષ્પો’ જેવા રૂઢ અલંકારોયે વિરલ છે. તેમ છતાં કવિની વાણી અનુભવની સચ્ચાઈથી પ્રાણિત હોઈ પ્રભાવક લાગે છે. આ રચનામાં આ `મસ્ત’ કવિએ ગઝલનું સંયમશિસ્ત બહુધા સાચવ્યાં છે એમ કહી શકાય. ગુજરાતના હૈયે ને હોઠે વલી ગયેલું, સુભાષિતની ગુણસંપત્તિવાળું આ કાવ્ય એમાંના કથયિત્વના સત્ત્વે અને ઋજિતામય ભાવાભિગમે પથદર્શક દીવાની જેમ ભાવનામયતાનો ઉજાશ રેલતું આજેય આપણને આકર્ષતું રહ્યું છે. આ બોધક કાવ્ય આજની હવામાંયે હૃદય-તંત્રીઓને ઝંકૃત કરવા જેટલું રમણીય હોવાથી જ આમ સ્મરણીય બની રહ્યું છે.
(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)